ઘમ્મર વલોણું – ૫૨

ઘમ્મર વલોણું – ૫૨

વર્ષ પૂરું થયું કે, હું સવારની દૈનિક ક્રિયાઓ પતાવીને રોજ માફક ભગવાનની છબી સામે ગોઠવાઈ ગયો. નિત મુજબ આંખો બંધ કરીને બે હાથ જોડી બોલ્યો

“ હે ભગવાન, વધુ એક વર્ષ મારે માટે સોનેરી કિરણ સમ ઉગી નીકળ્યું છે. આ વર્ષે પણ હું કોઈના કામમાં આવું કે ના આવું, પણ પણ કોઈ મારા લીધે મુશ્કેલીમાં ના મુકાય તેવું ગોઠવતો રહેજે ! કોઈને હું ખુશ કરું કે નહિ, પણ મારા લીધે કોઈ દુઃખી ના થાય તેવી મને શક્તિ આપજે !”

હજી તો હું આગળ બોલવા જતો હતો કે એ છબીમાં રહેલ ભગવાનના હોઠ ખુલ્યા

“ વત્સ, આવા તો કેટલાય વર્ષની સવાર આવીને ગઈ. દર વર્ષે નવી નવી શક્તિઓ માંગી લે છે. પણ તને એ શક્તિઓ પ્રદાન કરવી કે કેમ ? એ જાણતો હોવા છતાં પણ એ ક્રમ નથી તોડતો એટલે મને ગમે છે. પણ હે વત્સ, ધ્યાનથી સાંભળ; અગર હું તને અમુક નિરાળી શક્તિ પ્રદાન કરું તો ? ”

“ હે હરિ, જગના તારણહાર, અમારે મન તો તમે કોઈ પણ શક્તિ નું પ્રદાન કરો પણ અમને, અમારી ક્ષમતાનું પૂરેપૂરું ભાન છે…..હમ્મ….તમે સાંભળો છો કે ? ”

હજી તો હું પૂરું બોલું કે ભગવાન ફરી છબીવંત બની ગયા.

હું જયારે ભગવાન પાસેથી ઉઠ્યો ત્યારે એ પણ ભૂલી ગયો કે, પ્રાર્થના દરમ્યાન કશું બન્યું હતું. જોકે એક પળ જાય છે ને બીજી પળ આવી જાય છે. બે પળ વચ્ચે નો જે સેતુ અને તંતુ છે તે હું જાણી કે પામી નથી શક્યો. ને કદાચ કોઈ પણ નહિ, એમ કહીશ તો અતિશયોક્તિ નહિ લેખાય. એ તતવેત્તા તો કદાચ ભગવાન જ હોઈ શકે !

ઉઠીને બારી બહાર નજર કરી તો, બધું એવુજ ભાસ્યું. એજ હવા છે ને, એજ આબોહવા છે. સૂર્ય પણ એજ દિશાએ ઉગીને પોતાની દિશાએ આગળ ધપી રહ્યો છે.

એક મિનિટમાં અમુક લોકો જન્મે ને અમુક લોકો મરણ પામે છે….એક પળ એવી હશે કે એ અમુક માણસોમાં હું પણ હોઈશ. પણ હમણાં તાજા પડેલા લિસ્ટમાં મારું નામ નથી, એની ખુશીના કેફમાં મ્હાલી રહ્યો છું. એક એક પળ ને માણવી છે અને આવનારી પળને વધાવવી છે ! આવું ગઠબંધન દિલ સાથે કરીને મનને કહું છું; પણ મન તો મને બીજી વાતોમાં લીન બનાવી દે છે.

છતાં એ બધું એકબાજુ રાખીને એ નીર્ધાર પર અડગ છું કે જિંદગીના અટપટા રિવાજ ને પણ અનુસરવું ! એ રાહે જીવન જીવવાનો પ્રયાસ !

Advertisements
Posted in પ્રકીર્ણ | 2 ટિપ્પણીઓ

Last moments grabbed

Hello Friends,

Feeling proud to be share my one more trophy in case to be fixed. Winter sports activities finished with much excitement. I participated for only one game my recent favorite game tennis. My team is runners up with silver medal and trophy in doubles tennis QS open tournament 2018. With blessing of you all, I was honored with medal and trophy.

With warm regards,

IMG_3149

Posted in પ્રકીર્ણ | 2 ટિપ્પણીઓ

પુનઃ મિલન !

પુનઃ મિલન !

“ વિહાર દેવડીયા અને વાસંતી દેવડીયા તમે લોકોએ એક બીજા માટે કરેલી દલીલો, આક્ષેપો અને આરોપોને ધ્યાનમાં લઇને કોર્ટ, એ નિર્ણય પર આવી છે કે…. ” જજ એટલું બોલ્યા કે રીશેષ માટેની બેલ વાગી. “ ત્રીસ મિનિટના વિરામ બાદ હું આપને બેઉને ખુશ કરતો નિર્ણય સંભળાવીશ ” બોલીને જજ ઉભા થયા અને કોર્ટરૂમની બહાર નીકળી ગયા. એમનાં ગયા બાદ વારાફરતી કોર્ટરૂમમાં હાજર બધા
નીકળવા લાગ્યા. કોર્ટરૃમનો ધીમો ગણગણાટ બંધ થયો કે રૂમમાં ખાલી વિહાર અને વાસંતી પોત પોતાના વિટનેસ સાથે હતાં. બેઉના મુખ પર એકબીજા પ્રત્યે ખુન્નસભરી ભરી નજર ઉભરાતી હતી. કચવાતા મને બંનેએ એકબીજા સામે જોયું.
વિહાર અને વાસંતી લગ્નના ખાલી બે વર્ષ બાદ, છૂટાછેડા લેવા માટે કોર્ટમાં હાજર થયા હતા. છ મહિનામાં ઘણી બધી વાર આવીને તારીખો જાળવી હતી. આજે બેઉના ડિવોર્સ માટેનો અંતિમ દિવસ હોય તેવું લાગતું હતું. જો દશેક મિનિટની વાર હોત તો બેઉના ડિવોર્સ પેપર પર મહોર વાગી ચુકી હોત.
વિહાર અને તેનો વિટનેસ મિત્ર તથા વાસંતી અને તેની વિટનેસ ફ્રેન્ડ ચારે સિવાય કોઈ દેખાયું નહિ આથી પ્યુને આવીને ચારેયને કહ્યું.
“ જાવ, ચા પાણી નાસ્તો કરતા આવો, સાહેબ તો હવે કદાચ એક કલાક પછી જ આવશે, આજે તો ઘરે લંચ લેવા ગયા છે ” બોલીને તે સડસડાટ નીકળી ગયો.
ચારેય એ એક બીજા સામે જોયું.
“ અલ્યા વિહાર તમે લોકો તો આજે ડિવોર્સ થવાની ખુશીમાં ઝૂમો છો. તેથી ભૂખ તો ક્યાંથી લાગી હોય, પણ અમને બેઉને તો ભૂખ લાગે કે નહિ ? ”
“ હા.. ” વાસંતીની ફ્રેન્ડ એ પણ પેલાને સપોર્ટ કર્યો.
“ ચાલો બહાર તો જઈએ…. એ લોકોને જવું હોય તો જશે ”
“ કેમ મને જોડે નહિ લઇ જાવ…. અમને એકલીને શું કામ અમને બેઉને લઇ જાવ ! ચાલ વાસંતી..હજી કંઈ તમારા ડિવોર્સ થયા નથી ” બોલીને તેને વાસંતીનો હાથ પકડીને એમની જોડે ચાલવા લાગી. ત્રણે કમ્પાઉન્ડના એક નાસ્તાના સ્ટોલ પાસે રાખેલ સ્ટુલ પર બેઠા.
“ એક કલાક પછી જજ આવીને વિહારને ખુશ કરી દેશે…કાયમ માટે મારાથી છુટકારો મળી જશે ! ” વાસંતીએ વ્યંગબાણ ચલાવ્યું. વિહારે એક નજર વસંતી સામે ને ફરી પોતાના મિત્ર સામે કરી.
“ જો યાર પાછો તું મારો જ વાંક કાઢીશ ” વિહારે ધીમેથી કહ્યું. વાસંતીએ તો જાણે સાંભળ્યું જ ના હોય તેમ અવળું ફરી ને જમીન ખોતરે છે.
“ કેમ ગાલ ફુલાવીને બેઠી છે ? મેં કંઈ તને કોર્ટમાં જવા માટે નહોતી ચઢાવી ! ”
“ શું તું પણ …. મેં ક્યાં તને એવું કહ્યું. ”
“ તો પછી જરા સ્મિત સાથે મારી સામે તો જોવાય ” એની ફ્રેન્ડ એ તીખાશ કાઢી.
“ મારી સામે પણ કેમ નહિ ? મેં ક્યાં એમનું કઈ બગાડ્યું છે ! ” વિહારનો ફ્રેન્ડ પણ કૂદી પડ્યો.
“ હા, મેં એકે જ એનું બગાડ્યું છે તો….. ”
“ તું તો કંઈ બોલીશ જ ના ” વાસંતીએ વિહાર સામે જોઈને ફૂંફાડો માર્યો.
વાસંતીએ સહેજ ઉગ્ર થઈને વિહારને કહ્યું કે ચારેય જણ ચૂપ થઇ ગયા. થોડી પળો કોઈ કંઈ ના બોલ્યું કે વિહારનો વિટનેસ અકળાયો.
“ અલ્યા, અમે બેય તો તમને મદદરૂપ થવા આવ્યા છીએ. તમારે લોકોએ અમને પણ ભૂખ્યા રાખવા છે ? ”
“ હાસ્તો વળી ” વસંતીની ફ્રેન્ડ એ પણ ટેકો પૂર્યો.
“ એલી, એક દિવસ મારે માટે ભૂખ નહિ સહન કરી શકે ? ” વાસંતીએ પેલીને વડચકું ભર્યું. વિહારે પણ મિત્રને શાંત રહેવા કર્યું. વળી પાછી ગમગીની છવાઈ ગઈ. તોયે થોડી વાર થઇ કે વિહારનો મિત્ર શાંત ના રહી શક્યો અને આ વખતે તો એને બેય પર આક્રમણ કર્યું.
“ મને એક વસ્તુ નથી સમજાતી, તમે બંને અત્યારે ઉદાસ કેમ દેખાવ છો ? ગમગીન કેમ છો ? ”
“ ગમગીન તો હોય જ ને યાર ! ” પેલીએ બેઉને સહારો આપતા ઉદગાર કાઢ્યા.
“ બેઉ લોકોને હમણાં થોડી વાર પછી ડિવોર્સ મળી જશે. તો બેઉએ રાજી થવું જોઈએ ને ? ”
“ રાજી થવાનું કેમ ? અરે બેઉ છુટા પડી જાશું એ નહિ ? ” વિહારે કર્કશતાથી કહ્યું. અને એક નજર વાસંતી પર કરી. તે પણ એની સામે જોઈને નીચું જોઈ ગઈ.
“ કેમ વાસંતી વાત તો સાચી છે ! ઉદાસ થવા જેવું તો બિલકુલ નથી ” એની મિત્ર એ કહ્યું.
“ મને તો એજ નથી સમજાતું કે … ” બોલીને તે શાંત બની ગઈ.
“ તને જો તે દિવસે સમજાયું હોત તો અહીંયા આવવાની જરૂર ના પડેત ! ” વિહારે કહ્યું.
“ ઓ હો વાંક મારી એકલી નો જ હતો એમ ને ? ” બોલીને તે કરડાકી
“ તારે ઝુમ્મર લેવાની જીદ હતી એ પુરી ના કરી એમાં તો …. ”
“ અને તેં એક દિવસ ટિફિન વગર ઓફિસ ગયો એમાં તો બૂમ બરાડા કરી મુકેલા એનું શું ? ”
“ બસ તેં ખાલી એક દિવસ ટિફિન વગર મોકલેલો એટલું જ ? ” વિહારે ઉગ્ર થઈને કહ્યું
“ અરે તમે લોકો હવે એકબીજાના વાંક ના ગણાવો, એ તો હમણાં જજ બેઉને અલગ થવાની પરમીટ આપી દેશે ”
“ હા એ તો છે જ ” વાસંતી બોલીને ફરી ચૂપ થઇ ગઈ.
“ એલા તું ઓફિસમાં ટિફિન વગર આવેલો તો મને તો વાત પણ નહિ કરેલી ” એના મિત્રે વિહારને કહ્યું કે વાસંતીએ પણ એની સામે નીખરીને જોયું.
“ એમાં શું કહેવાનું હોય ! ”
“ જો કે વાસંતીએ તો મને કહેલું કે તે એક દિવસ ટિફિન આપવાનું ભૂલી ગયેલી. પણ ટિફિનના લીધે કકળાટ થયેલો તે આજે જાણ્યું ”
“ અરે વાસંતી ભાભી તો તારી પત્ની છે. ઓફિસ સ્ટાફ તો જોબ બદલાય કે બદલાઈ જાય પણ પત્ની થોડી બદલાય. તને ઓફિસ સ્ટાફને કહેવામાં સમજદારી વાપરી તો પત્નીને કે ધમકાવી ? ” તેનો મિત્ર બોલ્યો કે વિહાર એને કંઈ કહેવા જતો હતો પણ વચ્ચેજ વાસંતી બોલી પડી.
“ ના ના આમ તો વાંક મારો જ હતો…..મને ખબર છે કે વિહારને કેન્ટીનનું ખાવાનું નથી ફાવતું. અને જાણી જોઈને જ મેં ટિફિન નહોતું બનાવી આપેલું, સોરી યાર ” બોલીને તેને વિહાર સામે એક માફી માંગતી નજરે જોયું.
“ હવે શું સોરી કહે છે ! ” એની ફ્રેન્ડ કટાક્ષમાં બોલી.
“ હજી કંઈ ખાટું મોળું નથી થયું ” વિહારનો મિત્ર બોલ્યો.
“ મતલબ ?? ” વિહારે ભારપૂર્વક સાદે પૂછ્યું.
“ હમ… ” તેની ફ્રેન્ડ એ પણ આશ્ચર્ય ભરી રીતે ટાપશી પુરી.
“ મને હજી પણ રસ્તો સાફ દેખાય છે ”
“ સાફ સાફ ભસ ને જે કહેવું હોય તે ” વિહારે મિત્રને માથે ટાપલી મારતાં કહ્યું.
“ એજ કે બંને કશું પણ બોલ્યા વગર એકબીજાને હગ કરી લો ફરી વાસંતીમાં, વિહાર વિહરવા લાગશે ” બોલીને એક બીજાને હગ કરવાની એક્શન કરી.
વિહારે વાસંતી સામે જોયું. તે શરમાઈને નીચું જોઈ ગઈ. બધાએ એની આંખોમાં અફસોસનો ઉભરો જોયો. વાસંતીની ફ્રેન્ડ એ વિહાર સામે જોઈને આંખો ને નમાવી. તો તેના મિત્રએ એને ગળે લગાવી લેવા કહ્યું. વિહારે ધીરેથી વાસંતીને પોતાની બાંહોમાં સમાવી લીધી. બેઉ વીટનેસે તાળી પાડીને આ પુનઃમિલનને વધાવી લીધું. દૂરથી પસાર થતાં જજ આ દ્રશ્ય જોઈને થંભી ગયા. અને મનમાં જ બોલ્યા કે હાશ !
Posted in નવલિકા | Leave a comment

ઘમ્મર વલોણું-૫૧

ઘમ્મર વલોણું-૫૧

તારીખયાનું છેલ્લું પાનું ફાડ્યું કે મારો હાથ સ્થિર થઇ ગયો. રોજ તો હું પાનું ફાડીને સીધો એને કચરા પેટી ભેગી કરી દેતો હોય છું. મનમાં વિચાર આવ્યો કે ઓહો એક વર્ષ પૂરું થયું. પાછળ નજર કરી અને મનને પણ ઘણું દોડાવી દીધું. આખા વર્ષ દરમ્યાન મેં શું કર્યું ? કોઈને ખુશ કરવા મનને મનાવ્યું. ઘણી વાર મનને મનાવીને ખુશ થયો. જાણતા અજાણતા મારા લીધે કોઈ દુઃખી પણ થયું હશે ! આજે સુખ અને દુઃખના સરવાળા ભાગાકાર નથી કરવા એમ કરીને મનને બીજી દિશામાં વાળ્યું. વળી ફરી એજ સવાલ સન્મુખ થયો; આખું વર્ષ શું કર્યું ?

મિલન-મુલાકાત, ખાણી-પીણી, ધન્ધો-રોજગાર અને વાતો-નિંદા. આ બધાં સિવાયનું શું કર્યું ? હા શક્તિ અને ભક્તિ ખરી ! પણ એ લેખાઈ છે કે કેમ એનું પ્રમાણ આપવા વાળો હું તો નથી જ, તો એનું પ્રમાણ આપવા વાળું કોણ ? જીવન કેમ જીવવું, એના માટે ઘણાં બધાં પુસ્તકો લખાયા છે. જે લોકોએ લખ્યા છે એમનાં જીવન તો બરાબર જીવાયા હશે ! તો મને વડચકું કર્યું ને હું ચૂપ થઇ ગયો. હજી મારા હાથમાં પેલું ફાટેલું પાનું ટકી રહ્યું છે. કોણ જાણે એ પણ કોઈ ફરિયાદ નથી કરતુ. એને પણ એમનાં સાથીઓ જોડે ભળવામાં ઉત્સુકતા નથી. હજી કંઈક આગળ વિચારવા જાઉં છું કે એ ભેદી અવાજ થી હું મુર્તિવંત બની ગયો.

“ હે માનવ, એક વર્ષ પૂરું થયું એનો તને હર્ષ છે કે શોક છે ? જો હર્ષ છે તો શેનો હર્ષ છે ? અને શોક છે તો શેના લીધે ? સંતોએ શાસ્ત્ર પઠન કરીને સમાજને આપ્યું. ભક્તોએ રસમય મર્મીત વાણીને વેગળી કરી. એનાથી સંસારનો પ્રવાહ તો એ જ અવિરત ગતિએ ચાલ્યે જાય છે. કાલે સવારે ફરી આશાના એક નવા સૂર્યનો ઉદય થશે. તો હે વત્સ, નવા વર્ષ માટે સાબદો થા. સ્વને તું બીબામાં ઢાળીશ કે બીબું બનાવીશ ! બાકી તો ફરી એ પળ જરૂર આવશે કે, તારીખયાનું છેલ્લું પાનું આવી જ રીતે તારા હાથમાં અટવાઈ જશે ! ”

Posted in પ્રકીર્ણ | Leave a comment

દિવાળી મુબારક

દિવાળી મુબારક

આપ સૌ સ્નેહી મિત્રોને મારા અને મારા પરિવાર તરફથી દિવાળી તથા નવા વર્ષના તહેવાર નિમિત્તે હાર્દિક શુભ કામનાઓ !
આપ સૌનું જીવન દીવડાની જેમ ઝગમગતું પ્રસન્નમય અને તંદુરસ્ત રહે એજ અભ્યર્થના !! 🙂

Image result for diwali deep

રીતેશ મોકાસણા અને પરિવાર

Posted in પ્રકીર્ણ | 4 ટિપ્પણીઓ

ઘમ્મર વલોણું-૫0

એક સ્પષ્ટતા :
ઘમ્મર વલોણું સિરીઝમાં મને ખુદને તથા દેવ કે દેવીઓને મેં રૂપક તરીકે દર્શાવ્યા છે. આથી એમાં રજુ કરેલ તર્ક મારા વિચારો માત્ર છે !

ઘમ્મર વલોણું-૫0

ઘણું ભાગ્યો !

પહેલા મોટું થવા, પછી સારી નોકરી માટે. બીજું પૈસા કમાવા અને છેલ્લે મોટું નામ કમાવા. આ બધું કમાવા માટે હું જ્યાં જ્યાં પણ ગયો ત્યારે ત્યારે; મેં માંગ્યા કે ના માંગ્યા પણ તેં આશીર્વાદ જરૂર આપ્યા.

અંતે ?? તારાજ શરણે આવ્યો છું માં.

વાહ માં !

છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય એમ બોલીને તેં મને એક પળમાં માફ કરી દીધો. માફ તો શું પણ મારા માથા પર હાથ મૂકીને  “આવ્યો મારો લાલ ” કહીને ગળે પણ લગાડી દીધો. માં તારામાં કેવી અજબની શક્તિ છે ! તારા પાલવમાં મમતાનો સાગર છે. તારી આંખોમાં કરુણા છલકાય છે. તારા દિલમાં હેતની હાટડીયું છે. તારા હાથનાં સ્પર્શમાં એવો જાદુ છે કે હું આજે ફરી બાળક બની ગયો.

આજે ભૂતકાળને ભગાડીને મારે ધન્ય થવું છે. ભવિષ્યનો કોઈ વિચાર નથી કરવો. બસ હવે હું આવી ગયો છું.

તારા દિલના ઓરડાનાં એકાદ ખૂણામાં સંતાડી રાખેલું દર્દ મને શોધવા દે ! જો કે એ મારા વશની વાત નથી માં, તુંજ હૈયું ઠાલવી દે. ફરી ચાલ મને આંગળી પકડી નિશાળે પાઠ ભણવા લઇ જા ! અધૂરા પાઠો શીખી લઈશ પછી કદાચ તારી નીતરતી આંખોને હું વાંચી શકીશ ! જરૂર પડશે ત્યાં સરવાળા  ને જરૂર પડે ત્યાં બાદબાકી કરી લેશું. ભાગકારોને હાથવગા કરીને આપણે ગુણાકારની બહુ પરવા નહિ કરીએ. માં તારો કોઈ પર્યાય નથી !!

આટલું વિચારીને આંખો ખોલું છું ત્યાં એ મમતા ભર્યો અવાજ ” ઉઠ બેટા, નોકરી નથી જવાનું ? “

Posted in પ્રકીર્ણ | Leave a comment

ઘમ્મર વલોણું-૪૯

ઘમ્મર વલોણું-૪૯

દિવસભર ધગશથી મહેનત કરીને સાંજની રાહ જોવું છું. સાંજ પડે કે ઘર પહોંચીને એક હાશકારો નાખીએ કે દિવસભરનો થાક થોડો ઓછો થયો હોય તેવું લાગે ! વળી રાત્રે દીવાસ્વપ્નો કે આવતી કાલના પ્રયોજનો કે આયોજનોના વિચારમાં કયારે ઊંઘ લાગી જાય કે સવાર પડવાની રાહ ના હોવા છતાં સવારના સોનેરી કિરણોથી ફરી દિવસનાં કામ રાહ જોઈને આપણને આકર્ષે. ઘણી વાર વિચારું કે આવું મને એકને જ અનુભવાતું હશે ?  તો ઘણી વાર એવા પણ વિચારોના વમળમાં અટવાઈ જાઉં કે, દિવસનું મહત્વ વધુ કે રાતનું ? પણ જ્યારથી રાતપાળીઓ ચાલુ થઇ છે ત્યારથી તો એ સવાલ પણ વરાળરૂપે ઉડીને કોણ જાણે ક્યાં અદ્રશ્ય થઇ ગયો !
મનને તો કેમ કરીને નાથવું ?
નાથવાની તો ક્યાં વાત કરવી; એનો વિચાર કરવાથી પણ મન કેટલું વિપરીત ચાલે તે પણ એટલી જ વાસ્તવિકતા છે.
જેમ દિવસનું જેટલું મહત્વ છે એમ એટલું જ રાતનું પણ મહત્વ છે. નથી કોઈ ચડિયાતું કે નથી કોઈ ઉતરતું ! જે કોઈ ચડિયાતું કે ઉતરતું છે તે, આપણાં મગજના વિચારો છે. ક્યારે કઈ વસ્તુને હીન કે કઈ વસ્તુને ઉત્તમ ગણાવી તેનો કોઈ માપતોલ નક્કી ના કરી શકે, એ આપણું મન !
હું તો પોતાને પણ સરખી રીતે ના ઓળખી શકનારો એક અત્યંત સામાન્ય વ્યક્તિ છું. તો મારે બીજાની ઓળખને છતી કરવાનો કોઈ અધિકાર નથી. આવું મેં ઘણી વાર સ્વીકારી લીધું હોવા છતાં હું વળી પાછો એ ત્રાજવા લઈને ફરી લાગી જાઉં છું. આવું બધું કરવા પાછળ કોના સંકેત કે આજ્ઞા હશે તે હું જાણવાની કે જોવાની ખેવના પણ નથી કરતો. સાથોસાથ એ પણ આશ્ચર્ય થાય છે કે, તો પણ હું ” હું ” માંથી બહાર આવું છું કે “હું ” માં અટવાઈ જાઉં છું ?

Posted in પ્રકીર્ણ | 3 ટિપ્પણીઓ