જય કાના કાળા ! (હાસ્ય લેખ )

                                                     જય કાના કાળા !

અમારા ઘરની બાજુમાં અડીને જમાતના મકાન ભાડેઆપવા બનાવેલા.જેમાં લગભગ બધા રેલ્વેના નોકરિયાત રહેતા. ઘરની બાજુમાં બગીચોને ને બગીચા પાસે રેલ્વેના ક્વાર્ટર. આમ કુલ મળી અમારા પંદરેક ફેમીલીનો કાફલો સારા નરસા કે કંઈ કામ ના હોય તોય પણ મળતો રહેતો.બાજુમાં રહેતા ધોમણ ભાઈ, દરજી કામ કરે ને રેલ્વેની નોકરી પણ કરે. તેના છોકરાઓ સાથે મને વધુ ફાવતું. નામ એમના ગાંડો ને ડાહ્યો. પણ નામ પ્રમાણે બંનેના ગુણ અવળા , ગાંડો તે ખુબ ડાહ્યો ને,  ડાહ્યો તે એક નંબરનો તોફાની ને અલ્લડ. નાનો ભાઈ ચકો ને નાની બેન ચકી , મોટીબેનનું નામ બેબી.

તો કોઈ એમને મજાક માં કહેતું કે  “ ગાંડો-ડાહ્યો, ચકો ને ચકી તો બેબી ને ..? ”

“ અમારો બાબો બચાડો નાનો હતો ને ગુજરી ગયો બેબી કરતા બે વર્ષ મોટો  ” કહેતા હંસા માસી ઢીલા થઇ ને પણ હળવી મજાક માની ને હસવા લાગતા.

નામ એમનું કાનાભાઈ ને સલેપાટ ઉપાડવા કે ફીટ કરવાનું એમનું કામ.રેલ્વેના મકાન માં રહે. બાજુમાં રહેતા મોહન મિસ્ત્રી એમના સાહેબ.નામ કાનાભાઈ ને તેવુજ એમનું રૂપ.ઘણી વાર ઈલે. પાવર જતો રહેતો ને એ ઘરમાં હોય તોય કાનુબેન (એમના પત્ની )પૂછી બેસતા.(સલેપાટ એટલે લાકડું,જે બે રેલ્વે ના પાટા વચ્ચે પકડ રાખવા વપરાય છે)

“ તે તમે બહાર શું કામ જતા રહ્યા મુને એકલા બીક લાગશે” આમ તો અંધારમાં એય બીક લાગે એવા દેખાતા કાનાભાઈ બોલતા, ” અરે આ રિયો તારી બાજુમાંતો બેઠો છું ” ને તે હાથ પકડી લેતા.

“ છોડો હવે …તપેલો જોઈ જશે. ”

“ તપેલો તો જીનકાને લઇ રમાડતો હશે ”

તપેલો એટલે કાનાભાઈનો નાનો ભાઈ..આખો દિવસ જીનકાને રમાડે ને જે વસ્તુ જરૂર પડે એ લાવી આપે. નામ એનું  તપેલો ..કોણ જાણે એનું સાચુંનામ શું ય હોય ! એ લોકોની બદલી બીજા શહેરમાં થઇ તોય કોઈને ખબર નહોતી કે તેનું અસલી નામ કયું છે.તેને તપેલા પર બહુ લાગણી. પાણી ભરવું , કેરોશીન લાવવું કે કોઈ પણ વસ્તુ લાવવી ..એ હમેશા તપેલામાંજ લાવતો.વસ્તુ લેવા જાય એટલે તપેલાને માથા પર રાખી ને ટહેલતો ટહેલતો જાતો હોય !જાણે તપેલાની સવારી બગીચા પાસેથી પસાર થઈને પાણીના નળ સુધી જાતી હોય ! કામાળો ખરો, હડપથી કામ કરે જરાય આળસ  નહિ. કામ પતે એટલે બગીચાની કુંડીમાં જઈને તપેલું માટીથી ધોઈને ચકચકાટ કરી નાખે.ને ચમકતું તપેલું માથે ઓઢેલું રાખે કે જાણે માથે ગોળ મોટો મણી રાખ્યો હોય તેમ ઝગારા મારતો જાતો હોય !

આ તપેલો બધી રીતે સારો ..કોઈ મશ્કરી કરે , નાનું મોટું અડપલું કરે કે ગાળ દે, તે કંઈ ના બોલે પણ જો કોઈ જીનકાને હેરાન કરવા કરે તો એનું આવી બન્યું. ભૂંડ જેમ નાના ગલુડિયાને મોઢાથી પકડીને રગદોળે  તેમ મારવા ઘસી પડતો ને કાનુબેન સિવાય કોઈનાથી છોડતો નહિ. આથી અમે લોકો એની સાથે કયારેક રમતા ને બને ત્યાં સુધી હું ને માંરોભાઈ એનાથી દુર રહેતા.

અમારું રમવાનું ગ્રુપ બહુ મોટું ..બધા મળી ને અમે ત્રીસેક છોકરાઓ ખરા.મોહનભાઈ મિસ્ત્રી ના છોકરા ત્રણ..અગલો,ભકલો ને ભોપલો.નિશાળે ભણવા રોજ જાય પણ ક્યારેક નિશાળે પહોંચે.મિસ્ત્રીને ભણાવવાની ખુબ ધગશ પણ છોકરાઓ આખો દિવસ જંગલમાં કે બગીચામાં રમતો રમીને રખડી ખાતા. ઘણી વાર અમે ભક્લા ને ખીજવતા ‘ ભકુડા તું ભાગી જાજેરે તારી વાંહે દોડે મુકાદમ ‘, કારણ આવા દ્રશ્યો જોવા મળતા , લાકડી લઇ ને મોહન મુકાદમ ભકુડાને મારવા દોડતા.

અને નરીયો..બધાનો સરદાર. એની માં મારી ગયેલી,  એના બાપા સાથે રહેતો ..ખુબ ગીલીંડર..ઉડતા ચકલા પાડવા કે સસલાના કાન કાપવા એટલે નરીઓ હાજર ..ને બીક જેવું નામ નહિ ..સાપ જાતો દેખે કે પૂછડી પકડી ફંગોળે કે સાપ અધમુવો થઇ જાતો.દુર સુધીના એના રીસ્તેદાર ને સાપ કહેવારાવે કે નરીયાથી દસ માઈલ દુર રહેજો.કદાચ એવું ય હોય કે નરીયો ગયા જનમમાં નોળિયો હોય ! પણ સાપ ને પકડવા કે મારવામાં એની માસ્ટરી. હવે આ બધા માં એક વાત કોમન ‘ કોઈને ભણવા જાવું નહોતું ગમતું, બસ અખો દિવસ રખડી ખાવું ! ‘

લવજી ભાઇ ને રેલ્વુંનું મકાન નહોતું મળ્યું તે ગામ માં ભાડે રહે.નામ એમનું લવજીભાઈ પણ એમનું મોઢું કાયમ ઉતરેલી ખીચડી જેવું . કોણ જાણે શું ય તોફાન એમના જીવનમાં આવ્યું હશે ! તેમના બે દીકરા બેચરો ને મેરીયો ..ને બેયને બહુ પ્રેમ કરે એટલા પૂરતા લવજીભાઈ ખરા.કોઈ એમના ઘરે નવું આવે કે બોલી પડતા .” આ, મારો બેચરાજી માનો બેચરો ને આ, મારો મેલડીમાનો  મેરીયો..”

સામે વાળાને નવાઇ લાગતી પણ કોલસા લેવા આવ્યા હોઈ લઈને જતા રહેતા.બેચરોને મેરીયો રમવા અમારી સાથે આવતા. આવી અમારી સોલીડ ટીમ હતી. અમારા એક મિત્રે કાનાભાઈ ની  એક આરતી બનાવેલી અમે બધા બગીચામાં રમતા હોય ત્યારે તે ગાતો. ને અમે બધા રાગ પુરાવીને ખુબ હસતા.

                                  જય કાના કાળા, પ્રભુ જય કાના કાળા

                                       ઉપડતા સલેપાટ ના ફાડા..ઉપડતા સલેપાટ ના ફાડા..

                                       સાણસી ખાવા વાળા……………ઓમ જય કાના કાળા (ફાડા = ખુબ કમાણી)  

સવાલ ઉપજે એવો છે આરતીમાંથી કે સાણસી ખાવા વાળા કેમ ? તો થોડા ઊંડા ઉતારીએ આરતી ના ગહન માં ! એકવાર એવું બન્યુકે સાતમ આઠમ નો તહેવાર નજીક ..તે કાનાભાઈ, કાનુબેન માટે નવી સાડી લઇ આવેલા. કેટલાયે વર્ષે કાનાભાઈ ખુશ થઈને લઇ આવ્યા. આ કાનાભાઈ ક્યારેક જુનું સલેપાટ વેચીને પૈસા કમાઈ લેતા. કાનુબેન તો ફૂલ્યા ફુલાતા નથી , જેને ને તેને કહેતા ફરે કે, હું નવી સાડી પહેરીને મેળા માં જઈશ .

એકદિવસ લવાભાઇ ને તબિયત બરાબર નહિ તો કામે ગયેલા નહિ ને કાનાભાઈના ઘરે આવી ચડ્યા. આજતો કાનુબેન ને હરખ વહેંચવાનો મોકો મળી ગયો . દોડતા ક જઈને પાણી લઇ આવ્યા. ને સાડી પણ તરત બતાવવા લઇ આવ્યા.

“ જોવો લવાભાઇ આ સાડી …”

“ કાનાભાઈએ ખરચો પાડ્યો લાગો છે ” ને તે સાડી ને જોવા લાગ્યા ને મનમાં બબડ્યા ‘ સલેપાટ વે’ચું લાગેછે ‘

“કંઈ કીધું ..? ”

“ ના ના ..”

“ કેમ સાડી સારી નથી ..? ” ને તેઓ પાણીનો ગ્લાસ અંદર રાખવા ગયા.

“ અરે ખુબ હાઈ ક્લાસ છે સાડી …” ને મલકાતા મોઢે ઉભા થઈને જવા લાગ્યા.

“ રોકાવ હું ચા બનાવું ” ને ત્યાં તો લવાભાઇ મકાન ની હરોળ ને પણ વટી ગયા હતા.

થોડા દિવસ ગયા કે એકદિવસ કાનભાઈ ખાટલા માં બેસી ને જીનકા ને રમાડતા હતા.તપેલાને કંઈ કામે મોકલ્યો હોય તેમ લાગ્યું.

“ કહું શું …પેલા એંશી રૂપિયા લાવજે તો ” બુમ પાડી ને તેઓ બોલ્યા.

“ રૂપિયા ..????   કેવાના ?? ”

“ નવી સાડી માં મેં મુકેલા તે .મેળા માટે મેં બચાવ્યા છે. ”

કાનુબેન તો હાંફળી ફાંફળી થઇ ગઈ ..આખું ઘર ફિંદી વળી પણ પૈસા ના મળ્યા તે નજ મળ્યા !

વિલા મોઢે પાછી આવી એટલે કાનાભાઈ એ ચાટ કરતો તમાચો લગાવી દીધો .

“ પીટ્યા…રે લેતો જા ” તે હાથમાં સાણસી હતી તે છૂટી મારી કાનભાઈ ને

“સાડલામાં પૈસા મુકાય ? “કહેતી તે બબડી. કાનાભાઈ તો બિચારા નવી સાડી ને પાછી ઉપરથી સાણસી નો માર ! આતે વળી કેવો ન્યાય ?? કરતા જીનકાનો ખાટલા માં ઘા કરતાક સ્ટેશન જતા રહ્યા.

હવે પ્રશ્ન એ થયોકે પૈસા ગયા ક્યાં ? એકવાર તો તપેલા પર શક ગયો કે કદાચ.., પણ ના .. ના તપેલો કદી ચોરી ના કરે એતો બેયનો માનીતો હતો .તો પછી પૈસા ગયા ક્યાં??અભણ લોકોય ક્યારેક બુદ્ધિ ચલાવે ખરા એમને થયુકે લાવ એકવાર તપેલાને પૂછી લઉં.

“ અલ્યા તપેલા તને ખબર છે એંશી રૂપિયાની ?”

“ ના રે, ને મારે વળી રૂપિયાનું શું કામ ? ”  ત્યાં લવાભાઇ નું આગમન થયું કે કાનુબેને પુછીજ લીધું

“ લવાભાઇ તેદી તમને સાડી બતાવેલી યાદ છે ”

“ સાડી ..??? હા યાદ આવ્યું …તો ?

“ એમાં તમારા ભાઈએ એંશી રૂપિયા મુકેલા તમને કોઈ ખ્યાલ છે ?

“ ના ના મેં નથી ચોર્યા ” ને તેઓ ઉભા થઇ ગયા .

“ મેં તો એટલું પૂછ્યું કે તમને ખબર છે કે નહિ ”

“ અરે મેલડીમાંના સમ મારો મેરીઓ મરે, બેચરાજીમાંના સમ મારો બેચરો મરે. ”

એમ કીધું એટલે કાનુબેન સડપ થઇ ગયા. ને દુરથી સમ ખાતા લવાભાઇ ને સાંભળ્યા કે ધુંવા પુંવા થતા એમના પત્ની જીવીબેન આવ્યા. 

“કીડા પડશે મોઢામાં …આજ મને ખબર પડીકે સાયકલ ના ટાયર કેમ નવા આવ્યા !તમે જીવ ના બાળો કાનુબેન ,આવતા પગારે હું તમને આવીને આપી જઈશ,આમ ખોટા ખોટા કાયમ મેરિયાને બેચરાના સમ ખાવ છો પણ બેય નિહાળે નહિ જાવાના સમ ખાઈ બેઠા છે.એમનો કોઈદી વિચાર કરોછો ? હાલો હવે ઘરે “ને જીવીબેન લવાભાઇ ને ધમકાવતા લઇ ગયા.”

કાનાભાઈ ને કાનુબેનની સાતમ આઠમ બગડી ગઈ ને કાનાભાઈ ને સાણસી નો માર પડ્યો એ બધો નફામાં.

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing a sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in હાસ્યલેખ/ જોક્સ. Bookmark the permalink.

5 Responses to જય કાના કાળા ! (હાસ્ય લેખ )

  1. અમિત પટેલ કહે છે:

    ખુબ સરસ નાનપણની યાદો વર્ણવી છે !!!

  2. વાર્તાનું વલોણું જબ્બર ઘુમાવ્યું છે

    મજા પડી ગઇ

  3. aataawaani કહે છે:

    પ્રિય રીતેશ તેં વાર્તાની ગોઠવણ એવી કરી છે. કે, વાંચીને પૂરી કર્યા પછીજ આઘા ખસાય.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s