પ્રેમ ઝંખના
ઉત્તરાર્ધમાં મારી નજરો ઊંડે ઊંડે જાય છે પણ એ થોડી વાર માટે અટકી જાય છે. નિરીક્ષણ કરેછે ને વળી આગળ ધપે છે.લાંબી દોડાવેલી નજરોને પાછી વાળવા પ્રયત્ન કર્યો કારણ કે પછી સંકેલતા કંટાળો આવશે, એમ માની એને સ્થિર કરી. દુર દુર ક્ષિતિજ માં કંઈ ને કંઈ ફેલાયેલુછે. એની પાછળ કુદરત નો જ હાથ છે.પણ એમાં મારી નજરો વેરવિખેર કેમ ? એને કોઈ સાંત્વન નથી.ઝંખના તો ઘણી છે પણ આશ્વાસન નથી આકાંક્ષા ઘણી છે પણ તરફદારી નથી.કારણ નજરો લાચાર છે,ગરીબ છે, અસહાય છે. નજરોને મેં કેટલીયે વાર વિનવી છે કે બધી જીજ્ઞાસા છોડી દે , ફાની વિચારો મૂકી દે પણ એ તો માનતી જ નથી.બસ ઘૂરક્યા જ કરે છે.
આખા વિસ્તાર માં જે કંઈ ચાલેછે તેમાં કદાચ પરસ્પર ની લાગણી , સાથ, સહકાર સ્નેહ હુંફ વિગેરેનો ફાળો છે.આમ ગણું તો હું પણ બીજાની નજર માં આ પટ પર ફેલાયેલ માં નો એક સજીવ દેહ છું . પણ મારી નોંધ બહુ ઓછા લોકો ને છે જેને છે તે કદાચ સ્વાર્થ વૃત્તિ વાળા છે કોઈ વેર કે ઈર્ષ્યા વાળા . ખેર, ઈર્ષ્યા તો મારી સામે કોને આવે ? ને કોઈ વળી લાચારી દર્શાવતા હોય! કોઈ તો પોતા ને અંગત માનવા વાળું નથી.કે કોઈ તો હુંફ આપીને દિલાસો આપવા વાળું નથી.આખી પૃથ્વી પર કેટલાયે બાળકો હશે,કેટલાયે માબાપ હશે.અમુક બાળકો માબાપ વિહોણા હશે તો કેટલાક માબાપ બાળકો વિહોણા હશે.એમાંનો હું એક માબાપ વિહોણો.બસ એટલાજ વિચાર થી મન હતાશ ને ખિન્ન થઇ જાય છે. ને ક્યારેક ઝંખવાઈ જાય છે. આજે પણ એજ હાલત! આવી હાલત તો કેટલીયે વાર થઇ છે ને દરેક વખતે એને સમજાવવા સિવાય બીજો ઉદ્ધાર નથી રહેતો.પણ હજી સુધી મારી સમજાવટ ની અસર બીજી વાર ની હતાશા સુધીજ રહેશે.આખરે મારે પણ એની સાથે હાર ની પરિક્રમા,વિજયના પંથે માની સાદ પુરાવવો પડેશે.મને યાદ પણ નથી કે મારા માબાપ હતા કે કેમ ?કોઈ પાસેથી સાંભળ્યું પણ નથી કે મારા માબાપ કોઈએ જોયા હોય.જોયુંને મારા જીવનના દર્દની પરિસીમા ! એટલુજ વિચારતા દિલ રડી પડેછે ,આજ સુધી પાણી પણ ના પીધું હોય એટલા આંસુ વહી ગયા હશે.ફક્ત એક આંખ જ મારા માટે ઉપકારવશ છે જે આંસુ સારી ને હુંફ નું કામ કરેછે. એકજ વસ્તુ મને ભગાવને આપીછે, કેવળ વિચારશક્તિ ! પણ એનાથી બાળ જીવન સર કરી શકાય તેમ નથી. ને પ્રેમ ઝંખના ને પોસી શકે તેમ નથી. મારો તો કિસ્સો જ બધા થી અલગ તારી આવે છે. નથીતો માબાપ નો છાયો કે નથી બીજો આશ્રય ! બસ જ્યારથી ખબર પડી છે ત્યારથી આ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ રહીને મોટો થયો છું.પ્લેટફોર્મની દીવાલો ને હર એક ઘંટ ના ડંકા ને અહીં હાજર હરેક ચીજ મને સારી રીતે ઓળખે છે.પણ લોકો ?કદાચ મને ખબર નથી ..કે પછી મેં દરકાર નથી કરી.મેં દરકાર કરીછે કે કેમ ? એ પણ ખબર નથી.કદી ભીખ માંગી નથી કે હરામ નું ખાધું નથી. બુટ પોલીશ કરીનેજીવન વિતાવુંછું. રાત પડેકે પ્લેટફોર્મના એક ખૂણામાં સુઈ રહુછું .ને વહેલી સવારની લોકલ આવતાજ ઉઠી જાઉં છું. બુટ પોલીશ ની પ્રેરણા આપવા વાળા બાબા પણ મને છોડીને અમર થઇ ગયા. રહ્યા હું ને આ પ્લેટફોર્મ ! જયારે પણ કોઈ માબાપ છોકરા ને પ્રેમ કરતા જોઉં છું કે મારી નજરો લાચાર થઇ જાય છે.આંખો પણ ભીની બની સ્થિર થઇ જાય છે.આત્મા કોચાવા લાગે છે.કેવળ એક પ્રેમ ને પામવા .કાશ મારા માબાપ હોત તો મારા માથા પર હાથ ફેરવત કે વ્હાલ કરી લાડ લડાવત ! બીજું બધું શું કરે એની વિચાશક્તિ નથી કારણ સ્ટેશનની બહાર ગયો નથી.પણ પ્લેટફોર્મ માં આવત જતા લોકોના બુટ પોલીશ કરી ને જ સંતોષ માની પડી રહુછું. એ લાડકોડ , ઉછેર, માંગ, હઠ, રીસાવું-માનવું એ બધું તો માબાપ પાસેજ કરી શકાય પણ હું…ઓહોહો ….!
એમતો અહી સ્ટેશન પર પણ મારી અજીબ દુનિયા છે. પેપર સ્ટોલ , ખાણીપીણીસ્ટોલ, ટી સ્ટોલ, પણ સ્ટોલવાળા બધા મને ઓળખે પણ ફક્ત એક બુટ પોલીશ વાળા તરીકે.બીજી કોઈજ ઓળખ નહિ ! બધા નું કઈ ને કઈ કામ કરુછું એટલે બધાનો માનીતો બની ગયો છું.પણ સારી રીતે જાણું કે બધા સ્વાર્થી !મારો ઉછેર કોણ કરે છે ખુદનેય ખબર નથી.પાણીના વહેણ માં તરતું લાકડું …વચ્ચે રોકાય અથડાય ,કયાંક ઝાંખરામાં ફસાય ને અટવાતું છેલ્લે દરિયા માં જાય તેમ હું પણ આ માનવીના પ્રવાહ માં તણાતો જાઉં છું. અત્યારે ફસાયેલો છું કે વહેતો છું એજ ખબર નથી. ભણેલો નથી પણ સામે વાત કરનારને અણસાર ના આવે કે હું અભણ હોઈશ ,ફિલ્મોના ગીતો આખા મોઢે એક્ટર કે નેતા બધાને ઓળખું પણ મારી ઓળખ રાખવા વાળું કોઈ ખરું ? હશે , કદાચ જીવન આમજ વિતાવવાનું છે તો પછી બહુ અફસોસ શું કામનો ? આમતો કોઈ એવો અફસોસ નથી થતો પણ જયારે કોઈ બાળકને થતા લાડકોડ કે મળતો પ્રેમ કે હુંફ ..ત્યારેજ મન ઉદાસ બની જાય છે, ચિડાઈ જવાય છે ..પોતાના પર જ પણ એનાથી શું વળે..!મનને નથી કોઈ મનાવવા વાળું કે નથી ફોસલાવવા વાળું .આપમેળે ટેવાઈ જવાની શક્તિ કેળવી લીધી છે ને.
“ છોટુ …..જરા જલ્દી …ઉતાવળ છે …” એક માણસે બુમ મારી કે તેની વીચારધાર તૂટી ગઈ. એકવાર થયું કે નથી જવું .ખાવા ,પીવા ને ઓઢવાનું મળી રહે એટલે બસ. મન વળી આગેવાની લઈને તેને ઉભો કર્યો ને લગભગ આદેશ જ આપ્યોકે, ગ્રાહક ને જતો કરવો ને પછી નસીબ ને રોવું બંને મુર્ખામી ભર્યા ! લગભગ ધસડાતા પગે ગયો ને નીચે જોઇને જ બુટ લઇ કામે કાગી ગયો… “લો ભાઈ સાહેબ …” ઉંચી નજર કરીને એમને બુટ આપ્યા.
“ પપ્પા મારા ચપ્પલ ને પણ ” ત્યાં છોકરાનો કાકલુદી ભર્યો અવાજ એના કાને પડ્યોને એની નજર ભીની બની ગઈ. ખુબ જતન થી એના ચપ્પલ ને ચમકાવ્યા. કદાચ પોતે એકલો હોત તો અશ્રુધારા વહી ગઈ હોત! જયારે જયારે આવી વિવશતા મનને બહેકાવી જાય છે ત્યારે સ્ટેશન થી દુર પાટાનાં ઢગલા પર બેસી જાઉં છું.ઘણા લોકો મારી પાસેથી પસાર થાયછે ,કોઈ સામે જુએછે તો કોઈ એમજ પસાર થાયછે .પોતાની મનોદશા તો પોતેજ ભોગવવી રહી !
ઘણી વાર થાય છે કે આ બધું છોડી ને દુર નીકળી જાઉં કે જ્યાં ન પોતે કોઈને જોઈ શકે કે ન કોઈ એને જોઈ શકે,તો ન જોવું કે ન દાજવું !સાથોસાથ ભૂખ ને પણ લઇ જવી પડેશે.એને થોડી છોડીને જઈ શકાય છે ? ભૂખતો શરીરના એક અંગ જેવી છે, ના,…આમ તો અંગ દુર નથી થતા જયારે ભૂખ તો સમયે હાજર થઇ જાયછે.
“ કોણ છે અલ્યા તું ? ” એક આઘેડ વય ની બાઈ એ પોતાને હાથ પકડીને ઢંઢોળ્યો.
“ હું હું …..હું બુટ પોલીશ કરુછું અહીં ..કેમ કંઈ ….? એક પ્રશ્નાર્થ ચહેરે તેમની સામે જોઈ રહ્યો. ને પોતાની વિચારધારા અટકી ગઈ.
“ તારા માબાપ ક્યાં રહેછે..? સાંભળ્યું છેકે તારા માબાપ નથી ..તારું કોઈ નથી ? ”
“ હા, માજી , મારું આ દુનિયા માં કોઈ નથી, એક બાબા હતા તે પણ…….” તે ચુપ થઇ ગયો. માજી જાણી ગયા એટલે તે ચુપ જ રહ્યા. વળી શ્વાસ લઇ ફરી બોલ્યો ” આ ડબ્બી ને પાલીશ નું બ્રશ પણ મારા નથી. ડબ્બી ખાલી થાય એટલે ફેંકી દેવી પડશે ને બ્રશ ઘશાય એટલે એ પણ સાથ છોડી દે છે. મારા માથા પર હાથ રાખી ને તેઓ બોલ્યા કે ” ઉભો થા …અગર તું ચાહે તો મારી સાથે આવ…મારા દીકરાને એક પણ સંતાન નથી ..અમે તને ગોદ લઈએ….”
કંઈ કેટલીએ ખુશીનું મોજું પોતાના તરફ આવતું જોયું કે હોશ ખોઈ બેઠો .
“ કેમ કંઈ તને અમારી સાથે રહેવામાં અગવડ પડશે ? “
“ અં….હં …ન ન ..ના ..પણ મારી નથી કોઈ નાત કે નથી કોઈ જાત ..જાણવા છતાં પણ …” તેને પૂછ્યું .
“ ચાલ આગળ થા ..” ને રીતસર પોતે માજી ની પાછળ ગાય જતી હોય તેમ દોરાઈ રહ્યો. માજી મને તેમના ઘરે લઇ ગયા.મને ખુબજ નવાઈ લગતી હતી. રસ્તા વિચિત્ર લાગતા હતા. મનોમન ખુબજ ધન્ય માનવા લાગ્યો કે ચાલો આટલી વિવશતા પછી સુખનો સુરજ તો ઉગ્યો !આજ સુધી વંચિત માનો પ્યારતો પામીશ,લાડકોડ કરીશ..કદાચ નિશાળે ભણવા પણ જવાશે.કઈ કેટલાય આનંદના ઉમળકા ઉમટી આવ્યા.નવા વિચારોને મગજમાં જતા રોકી લીધા, નાહક અગર ભાર ન જીલાય તો ફસકી પડાશે !
ઘરે ગયા પછી તો મને નવરાવ્યો , નવા કપડા આપ્યા, જમવા બેસાડ્યો . મારી તો પ્રફૂલીત્તાની તો કોઈ સીમા જ ન રહી મન સીમા પાર કરી ગયું.અત્યારની પોતાની જે પળો વીતી રહી હતી તે અમૂલ્ય હતી , એને બદલા માં કદાચ કોઈ ગમે તે આપે તો પણ તે જતી કરે. મમ્મી પપ્પા મને પણ મળ્યા . ભગવાન તારો ખુબ ખુબ અભાર.અને માજી ને તો હું પ્રભુની જેમ પૂજું તો પણ ઓછું! કે જેણે ઉકરડાના કોલસાને ચળકાવી ને રાજમહેલ ના તાજ પાર લગાવી દીધો.
મમ્મી લાડ લડાવેછે , પપ્પા બજાર માં લઇ જાય છે , ખુબ ખવડાવે છે , રાતે માથે હાથ ફેરવેછે ને મીઠી ઊંઘ આવી જાય છે. નવા રોમાંચ માં જ દિવસો પસાર થાય છે .
પડોશ માં રહેતા એક છોકરાને માર પડતો જોયો કે થોડું ઝંખવાઈ ગયો અને ચિલ્લાઈ ઉઠ્યો. “…. નહિ નહિ મારા મમ્મી તો મને નહિ ..”
ઓહો ! કેવું વિચિત્ર સ્વપ્ન આવી ગયું થોડી વારની એ રંગીન દુનિયામાંથી પાછો ફર્યો. બધે નજર ફેરવી, એનાથી થોડે દુર એક કુતરો ડાહાકા ભરતો સુતો હતો. તમારા નો તીણો અવાજ મારી મશ્કરી કરવા લાગ્યો. ટ્રેન ની વ્હીસલ સાંભળી , વળી પછી એજ સ્થિતિ.વિચારવા લાગ્યો કે આ મન જ કદાચ એવું છેકે કયાંય સ્થિર થતું નથી, જ્યાં ત્યાં બહુ ઝાંવા મારે છે.
વાહ, ! એક નવા વિચારની સ્ફૂરણાથી આંખો માં એક નવી ચમક આવી.
સ્ફૂરણા ,,? હા, સ્ફૂરણા ..એજ કે જે મનની સ્થિતિ છે તે નક્કર વાસ્તવિક છે અને મિટાવી શકાય તેમ નથી.તો ક્યાં સુધી એનાજ રોદણા રોઈ ને જીવન જીવવું ?એની સામે જ એના ગુણગાન કેમ ના ગાવા ! નસીબમાં માબાપ ની છાયા કે ભાઈ બહેન કે અન્ય સગા સ્નેહી નો સ્નેહ, પ્રેમ, હુંફ કે સાથ નથી ને કદાચ શક્યતા પણ નહીવત છે તો શા માટે બીજા બાળક ને મળતો પ્રેમ જોઈ પ્રેમ ઝંખના કરી ને દિલ ને મન બેઈ ખાટા કરવા ? કોઈ ને મળતા પ્રેમ કે લાગણી જોઈ ને મનને તૃપ્ત કરવું ! એમાજ શાણપણ છે , એવા નિર્ધાર સાથે ફરી સુઈ ગયો. સવારની લોકલ કાયમ નિયમ મુજબ આવી કે ઉઠી ગયો .પણ આજ તેના ચહેરા પર એક નવીન ચમક દેખાઈ.રાત્રે સુતી વખતે ઊંઘવા જે મથામણ થતી તે ગાયબ થઇ ગઈ , પથારી માં પડ્યો કે ઊંઘી ને એક નવા વિચારને વધાવતું સવાર પડવાની રાહ માં ઊંઘી જતો. કઈ બે ત્રણ દિવસથી ખુબ ખુશ દેખાવા લાગ્યો છું. ક્યારેક સ્ટોલ પાસે અરીસા માં નજર નાખું તો ચહેરો એકદમ તાજગી ભર્યો દેખાયછે. પહેલા જે માણસ ને હું એક માણસ તરીકે જોતો તે હવે વટેમાર્ગુ બની ગયા હતા .કોઈને મળતો પ્રેમ કે હુંફ જોઈ પ્રફ્ફુલિત થઇ જાઉં છું દિલ જે દ્રવી ઉઠતું તે હવે મહેકી ઉઠે છે ને તૃપ્તિ નો ભાવ બતાવે છે. જેથી મારે હવે થોડે દુર પાટાના થપ્પા પર પણ બેસવા નથી જવું પડતું જે કારણે હતું તેનું હવે સમાધાન થઇ ગયું છે.
રાત્રે સ્વપન માં આવેલ માજી જેવા એક બેન સીડી ચડતા આવેછે એમને જોયા ને એક અલગ પ્રકારની લાગણી અનુભવાઈ. ક્યા પ્રકારની તે સમજાતું નથી ! શરીર થોડું ભારે હોઈ હાંફતા હાંફતા આવતા હતા. પાસે થી પસાર થયા કે મારા મોઢા માં એક ચિત્કાર આવી ગયો. પેલા બેનનો પગ લથડી ગયો સારું થયુકે એમણે મારા માથા પર હાથ ટેકવી દીધો. નહીતર એ ફસકી પડેત .
“ અરે દીકરા માફ કરજે ..મારો ઈરાદો …”
“ કંઈ નહિ…લો….” આગળ બોલી ના શક્યો પણ તેમનો હાથ પકડી ને સ્વસ્થતા અપાવી કે ” હાશ , બસ હવે હું જતી રહીશ ” ને તેઓ આગળ નીકળી ગયા
વાહ…! એક લાંબો પરિતૃપ્તિ નો પરીહાસ દિલ માં પ્રકટી ઉઠ્યો ને રોમાંચ, કે જે કદી ના અનુભવેલો તે આખા શરીર માં ફરી વળ્યો. મનમંદિર માં આરતીઓ સંભળાવા લાગી . મન નર્તન કરવા લાગ્યું. માથા પર ટેકા માટે સ્પર્શેલો હાથ એટલો ગમ્યો કે , ફરી એ હાથ તમાચો મારે તો પણ એવોજ હુંફ આ દિલ ઝંખે છે. ત્રણ વાર બેટા બેટા શબ્દ સાંભળી ને મન ગર્વથી પુલકિત બની ગયું. આ, એટલો શબ્દ કે સ્પર્શ આવું પરિવર્તન લાવે તો કાશ એ કાયમ રહે ,ભવ સુધરી ગયો ,મારી ઝંખના ઓ , આકાંશાઓ મનોરથો સીધા થઇ રહે ! પણ કદાચ મારા નસીબ માં એ સુખ કે પરિસીમા નહિ , કે કોઈ ને મળતો પ્રેમ કે હુંફ જોઈ એ ઝંખના ને તૃપ્ત કરી બુટ પાલીશ કરતો ડબ્બા કે બાંકડે બાંકડે કે પ્લેટફોર્મ પર બધે ફરી ને એ નીરખ્યા જ કરુછું અને મનને તુર્પ્ત કર્યા નો પરીહાસ પામતો રહું છું.