માણી લઉં હું આજને (નવલિકા)

                                                       માણી લઉં હું આજને    

સોસાયટી ને પોળ ના નાકે સ્ત્રીઓમાં સંભળાતી ગુસપુસ લગભગ નિયમિત જેવી બની જતી હોય છે. સ્ત્રી સહજ સ્વભાવ ! ને સંસારમાં ઘટતી ઘટનાઓ એમની ગુસપુસમાં ઉમેરો કરતી. સંસાર નું વિશાળ સામ્રાજ્ય,ને એમાં વસતા તરહ તરહ ના માણસો.કોઈના ઘેર બર્થ ડે ઉજવાય છે તો કોઈના ઘેર બપોરના જમવાના ફાંફા છે.એક ઘરે દીકરો જન્મવાની ખુશીમાં મિઠાઈની લ્હાણી થાય છે તો બીજા ઘરે બિમાર છોકરાઓની દવા માટે ભીખ માંગવી પડે છે.સંસાર નું આ ચક્ર છે ને તેમાં બધા એક યા બીજી રીતે અટવાયેલા છે. ચાલો આજની ગુસપુસ પર કાન ધરીએ.

 “ કેમ રોજ ઝગડે છે ?” બીજી એ પૂછ્યું.
“ ના, કેમ તને ખબર નથી ?”
“ મગનું નામ મરી પાડીશ હવે.”
“ એનો પતિ ….” ને એની વાત ગાળામાંજ અટવાઈ ગઈ.કારણ મમતા ઘરમાં થી બહાર આવતી દેખાઈ.
હા , એ મમતા હતી, કાયમ મોઢા પર સ્મિત ફેલાયેલું હોય. બધા સાથે હસીને વાત કરે. બને ત્યાં સુધી તે સોસાયટીની ગુસપુસમાં ઓછી સામેલ થતી. કોઈ ને ખોટું લાગે તેવી વાત નહોતી કરતી કે ના તો કોઈની ખોટી વાત માં રસ લેતી. એના માં પણ સ્ત્રીનું દિલ હતું ને એવીજ લાગણી કે અહેસાસ હતા. પોતે ખાનગી કંપની માં નોકરી કરતી હતી. પતિ પણ નોકરી કરતો. બંને સાંજે ઘેર આવે ત્યારે થાકેલા હોઈ સામાન્ય વાતોથી કે વહેવાર સાચવીને જીવન પસાર કરતા હતા. રવિવારે રજા હોય ત્યારે મિત્રકે સગા સ્નેહી ને ત્યાં મળવા પણ જવું પડતું. મિત્રકે સગા સ્નેહીની ખબર અંતર લેવા પણ ! આતો બધા માટે સામાન્ય છે.
મમતાનો પતિ ઉજ્વલ પણ ખુબજ મળતાવડા સ્વભાવનો હતો. મમતાને ખુબજ પ્રેમ કરતો. લગ્નને દશ વર્ષ થવા છતાં બંને એવી રીતે રહેતા કે જાણે નવ પરિણીત ના હોય !સરકારી નોકરી હતી, પ્રેમાળ પત્ની હતી, ને સમજુ પાડોશી હતા. એટલું જીવન માં હોય એટલે જીવન ધન્ય માનવું જોઈએ. જે, ના માને તે વધુ દુઃખી થતા હોય છે.
ઘણી વાર ઉજ્વલ મમતાની મશ્કરી કરતો “તારું નામ કોને પાડેલું ? “
“ કેમ તને મારું નામ નથી ગમતું? “
“ અરે ડાર્લિંગ, કેવી વાત કરેછે , જેવું તારું નામ છે એનાથી વિશેષ તારામાં ગુણ છે. તને પામીને હું ધન્ય થઇ ગયો છું. ડીયર આ કોઈ મસ્કો નથી કે, નથી લાગ્યો અત્યારે વડા ખાવા નો ચસ્કો ” ઉજ્વલ બોલતો ત્યારે હસીને “છું તું પણ ” ….કહેતી મમતા તેની બાંહોમાં ભરાઈ જતી ને વ્હાલી વ્હાલી લાગે તેવું વ્હાલ કરતી.
“ ચલ આજે બહાર જમીશું.”
“ કેમ કઈ ખુશીના સમાચાર છે ? “
“ એટલા વ્હાલ માટે તો હું મારો આખો પગાર તારા પર વાપરવા તૈયાર છું તો આતો થોડા રૂપિયાની વાત છે.ડાર્લિંગ જલ્દી થી કપડા બદલાવી લે “
“ કેમ આ કપડામાં હું સારી નથી લાગતી ? “
“ અરે પગલી, કપડા થકી તું નહિ પણ તારા થકી કપડા શોભાયમાન છે “
“ રીયલી જવું છે , નહીતો હું ઘેરજ તારી પસંદગીની રસોઈ બનાઈ નાખું “
“ નો વિવાદ ઓકે , ચેન્જ યોર ડ્રેસ, બી હરી”
હવે તમને થોડો ખ્યાલ આવ્યો હશે કે મમતા ને ઉજ્વલ નું જીવન કેટલું સુખમય પસાર થાય છે.
બંને એક આદર્શ જીવન ની પૂર્તિ સમાન હતા.એકમેકની લાગણી ને સમજતા એકબીજાની પસંદગીનો ખ્યાલ રાખતા. ને કદાચ એજતો એમના સફળ જીવનનું રહસ્ય હતું. કહેવાયું છે કે દુખ કરતા સુખનો ગાળો ઓછો હોય છે. ને કદાચ તેઓના જીવનમાં પણ સુખનો સમય વધુ ટકવાનો ન હોય તેમ થોડા દિવસથી ઉજ્વલ ને ધીમો ધીમો તાવ રહેતો હતો.શરીરમાં કળતર રહેતું.પણ એની અસર એના રોજીંદા જીવન માં નહોતી પડતી એટલે નોકરી માં રજા મુક્યા વગર ચલાવતો ને ધીમા તાવ ને ગણકારતો નહિ.સાંજે આવે ત્યારે વધુ થકી જવાની ક્યારેક ફરિયાદ કરતો.મમતા પણ એને બહુ સીરીયસ ના લેતી . તે આવું માનતી કે ઓફીસ માં વધુ કામ ને વધતી ઉંમર !
પણ જયારે તાવનું પરીમાપન વધતું લાગ્યું કે તેણે ડોક્ટરને બતાવી જોવાનું ઠીક લાગ્યું.આથી એકદિવસ
“ હું જરા બહાર જઈને આવ્યો ડાર્લિંગ ” કહેતો તે લગભગ ઘરની બહાર નીકળી ગયો કે પાછળ મમતાની બુમ સાંભળી ” જીણી સેવ લેતો આવીશ ? “
“ અરે, સ્યોર વ્હાય નોટ ” ને તે સોસાયટી વટાવીને દવાખાને ગયો. સારું થયુકે તેને વધારે વાર ના બેસવું પડ્યું, એનો નંબર જલ્દી આવી ગયો.
આજે તે વધારે વ્યાકુળ જણાયો એટલે મમતા પૂછ્યા વગર ના રહી.
“ઉજ્વલ , ઓફીસ માં કઈ …? કે પછી ..હાં… ? “
તેણે અધૂરું પૂછ્યું પણ તે એટલો નાદાન નહોતો કે દશ વર્ષ પછી પણ પત્નીની ઈશારા વાળી વાત સમજી પણ ના શકે ! અત્યારે તેણે પૂછ્યું ત્યારે તેની આંખોમાં સ્પષ્ટ પણે ભય જણાતો હતો.
“ કશું તો નથી …હા યાર એક વાત તને કહેવાની ભુલાઈ ગઈ હતી. પેલો પ્રાગ નહિ મારો મિત્ર ઓળખ્યો? “
“ હા..તો ..”
“ તેનો સન સ્ટેટ લેવલે ક્વોલીફાય થયો છે.”
“ સારી વાત છે …પણ ઉજ્વલ મને એ કહે કે મારા પ્રેમ માં ક્યાંય તને ઉણપ વર્તાયછે ? “
“ અરે પગલી કેવી વાત કરેછે ! ” ને તેણે મમતાને ઉચકી જ લીધી
“ દશ વર્ષ થી તારી સાથે રહીને તારા સ્વભાવના ફેરફાર કે તારો હાવભાવ બરાબર જાણી શકી છું. આજે તું જે પ્યાર બતાવી રહ્યો છે તે સામાન્ય કરતા વધુ જણાય છે.પ્લીઝ , શું વાત છે કહે મને “
“ એક વાત કહે , હું સામાન્ય માણસ છું કેમ ક્યારેક મનના ભાવ બદલાય એટલે એનો મતલબ એ નથીકે મારો તારા તરફ પ્રેમ ઘટી ગયો હોય ! અરે ગાંડી આ દુનિયા માં મારા જેવા ઘણા ઓછા લોકો સદનસીબ હશે. કદાચ તું વધારે ના માનીશ પણ ઘણી વાર તને સો સો સલામો કરવાનું મન થાય છે
મમતા એટલું તો જરૂર જાણી ગઈ કે કોઈ ને કોઈ ચિંતા એના જીવન માં પ્રવેશી ગઈ છે. તેના પતિથી પોતે ખુબ વાકેફ હતી. ઓફિસની કોઈ વાત તે ઘરે નહોતો કરતો. આથી તેણે તેના ઓફીસમેટ દ્વારા જાણવાની કોશિશ કરી પણ એવી કોઈ ચિંતાની વાત જાણવામાં ના આવી.
ને રીતસર તેની ચિંતાનું કારણ જાણવાનું જાણે બીડ ભર્યું હોય તેમ લાગી પડી .કહેવાય છે કે ધીરજ ને ખંતથી કરેલા કામમાં સફળતા વધુ મળે છે.એકદિવસ તેના પેન્ટના ખિસ્સામાંથી કાગળ વાંચ્યુંકે તેને ખુબજ નવી લાગી ! ‘ અરે પેટમાં દુખતું હોય ને દવાખાને પોતે એકલો નહોતો જતો તો કેમ….? , ઠીક છે’
એક દિવસ ઉજ્વલ ઓફિસથી નહોતો આવ્યો, તો લાગ જોઇને એ ડોક્ટર પાસે પહોંચી ગઈ.
“ તમે …! ” ને ડોક્ટર તો મમતાને ઓફિસમાં પ્રવેશતી જોઈ કે દંગ થઇ ગયા ને તેમના પગ જમીન સાથે જડાઈ ગયા..
ડોક્ટર પાસેથી તેને જાણવા મળ્યું ત્યારે પતિ પર ખુબ ગર્વ થયું પણ થોડું દુઃખ પણ લાગ્યું , કે એટલી મોટી ચિંતાની ને સીરીયસ વાત છુપાવી રાખી. પોતાને બ્લડ કેન્સર હોવા છતાં ???? ને તેના પર માન પણ ઉપજી આવ્યું કે શા માટે પોતે એકલોજ ચિંતા વહોરીને રહેતો !એટલેજને કે પોતાની પ્યારી પત્ની પણ ચિંતાના શેકથી અળગી રહે ??
તેણે પણ મનને મક્કમ કર્યું, ડોક્ટર ને વચને બાંધ્યા ” સાહેબ , તમે ઉજ્વલ ને ના કહેતા કે મને બધી ખબર પડી ગઈ છે.” બહાર નીકળતા તે બબડી ‘તેને પણ ખબર પડે કે મન મક્કમ કરતા મને પણ આવડે છે’ ને બીજા દિવસથી જાણે કંઈ જ ના બન્યું હોય તેમ સામાન્ય ની જેમજ રહેવા લાગી.
“એક વાત તને કહેવીછે ડાર્લિંગ… “
“મને ખબર છે, આ વખતે તું મારા બર્થ ડે ગીફ્ટ ની વાત કરતો હતો. કઈ નહિ ઉજ્વલ ,પણ હું તને સરપ્રાઈઝ આપીશ. ” તેને અટકાવતાજ તે બોલી
ઉજ્વલની મનોસ્થિતિ અકળાવનારી હતી. ઉમંગમાં રાચતી મમતાને એક્દિવસ જાણ થશે ત્યારે તેના પર કેવી વીતશે તેની તે ચિંતા કરતો હતો.ને ડોક્ટર ના કહેવા મુજબ પોતે બહુ ઓછા દિવસનો મહેમાન હતો. ને હવે તેને જણાવી દેવું જોઈએ .
“આજે જમવામાં શું બનાવશે? ” ઉજવલે પૂછ્યું. મમતા જરા તેની નજીક ગઈ પણ જેવી નજીક ગઈ કે તેની આંખમાં આંખ ના પરોવી શકી. અવળા ફરેલા મોઢેજ જવાબ આપ્યો.
“ મસ્કો ને ચસ્કો તે દિવસે એ કૈંક બોલેલો યાદ છે, તો કહે તારી પસંદનું .
“મારી પસંદ મને વર્ષો પહેલા મળી ગઈ છે. આજ તો હું મારી પસંદ ની પસંદગી ને અગ્રીમતા આપવા માંગું છું”
મમતા જણાતી હતીકે ઉજવલ કેમ એવું બોલતો હતો ! ને પોતે પણ જાણી જોઇને પૂછતી હતી. રંગ મંચના બંને પાત્રો આજે બરાબર પોતાનો રોલ અદા કરી રહ્યા છે. જીવન માં સુખ કે દુઃખ , તડકો કે છાંયો, રાત કે દિવસ બધાને વણી ને જે ચાલે તે ઓછો દુઃખી.પરિસ્થિતિનો સામનો કરીને પાર પડવું એજ બહાદુરીનું કામ !
જયારે તમારી સામે જ ઘર માં લુંટ ચાલતી હોય કે ભડ ભડ બળતું હોય ,ને તમે નિઃસહાય બની ને જોયા કરો ને કશું ના કરી શકો. જીવનની આ પળો એટલી અકળાવનારી હોય છે કે. નથી રડી શકાતું કે નથી સહેવાતું.કોને જઈને દુઃખ કહેવુ તે પણ સમજ નથી પડતી.આવીજ કંઈ હાલત મમતાને ઉજવલ ની હતી.
ઉજવલ કેન્સરની પીડા સહન કરતો હતો ને ઉપરથી ટાઢમાર નો ભાર! ક્યારેકતો ઘરની દીવાલો પણ રડી પડતી કે વાહ રે ! કેવી ઘડી કે બંને એકબીજાને ના કહી શકે કે ના દિલની વાત કરી શકે.
પણ ધન્ય છે બંને ને.એકબીજની સાથે રમત રમી રહ્યા છે પણ રમત નથી.બોલી રહ્યાછે પણ વાત નથી. હસી રહ્યાછે પણ હાસ્ય નથી.
“ અહીં આવજે ડાર્લિંગ” ને તેણે મક્કમતા થી કહી દેવાનું નક્કી કર્યું. મમતા પતિની બાહોમાં સમાઈ ગઈ
“ તને ખબર છે મારી મિત્ર આવતા મહીને લંડન જાય છે. મેં તારા માટે જાકીટ મંગાવ્યું છે. મને ખબર છે તને ફર વાળું જાકીટ બહુ ગમેછે”
“ ના..પ્લીઝ ના મંગાવીશ” ને તે વિવશ થઇ ને બીજી બાજુ જોઈ ગયો . રખે ને કદાચ પોતાની આંખ મમતા પામી જાય.
“ કેમ ક્યારેય તારા પર હક્ક ના કરી શકું ? ” ને કેટલાય દિવસનો બાંધેલો અંશોનો બંધ આજે તૂટી ગયો. ધ્રુસકે ને ધ્રુસકે તે છાતી પર માથું રાખીને રડી પડી. રડવાનું એને બહાનું મળી ગયું ને આજ સુધી રોકેલા આંસુઓ ને એક જ સાથે વહાવી દીધા.પોતે આંસુઓ વહાવી ને હળવી થઇ પણ પતિ ?? એ તો બિચારો બધીજ પીડાનું પોટલું બાજુ માં રાખીને સુતો છે.કેન્સરની પીડા ની સાથે સાથે સંસારની પીડા એનાથી સહન નહોતી થતી. તોયે મન અને તન ને મક્કમ કરીને મમતાને હરખ માં જુમતી ને રાચતી જ જોવા માંગતો હતો.
 હજી સુધી મેં એવી કોઈ સ્ત્રી નથી જોઈ કે પતિને કેન્સર હોય ને  પોતે સ્મિત સાથે રહેતી હોય “
“ હા તારી વાત સાચી છે ..મને પણ મનમાં એના માટે જીવ બળ્યા કરે છે આ જુવાની માં …” ને તે આગળ બોલી ના શકી.
“ બિચારી કરી પણ શું શકે ? જેના પર વીતે તેને ખબર પડે “
“ લાગે છે કે તેને હજી ખબર નથી. “
“ એને બધી ખબર છે , પણ એનું મનોબળ ગઝબનું છે. આજેય મને તેની સાથેની વાત યાદ છે. ખરું કહું તેના પર માન ઉપજે છે ને બીજી બાજુ દયા પણ ! “
હા , તે દિવસે રમાએ મમતાને પૂછી લીધું ,” મમતા બેન બહુ ખુશ દેખાવ છો આજે ? “
“ કેમ તમે વળી કે દિવસ મને ગમગીન જોઈ ? “
“ એય વાત તમારી સંપૂર્ણ ખરી “
“ રમાબેન , હું માંનુછું કે તમારું પૂછવાનું એકદમ વ્યાજબી છે . હું બરાબર જાણું છું મારે કેમ વર્તવું કે કેમ રહેવું.વધારે વાત ના લંબાવતા એટલું કહીશ કે કાલ નો દિવસ મારા માટે અંધારું લઈને ઉગવાનો છે. એ પણ સો ટકા સત્ય છે. …” અટકી ને વળી ફરી બોલ્યા ” કાલની ચિંતા માં હું આજનો દિવસ બગાડવા નથી માંગતી. ને બધા ભલે મારા માટે ગમે તેવી વાતો કરે, કોઈ મારું દુઃખ કે સુખ છીનવી નથી શકવાનું, જો હુંજ ચિંતામાં ધરબવ તો પછી તેમની હાલત કેવી થાય ? બે મહિના વધારે જીવવાના હશે તો વહેલા ..ના .ના…. પ્યારની જે પણ બે પળો સંગાથે રહેવાય તેજ બાકી કાલતો.. ” ને તે ચુપ થઇ ગયા.
“ હું તો એટલું જાણું છું કે આવનારી પળો ખુબજ દુખ આપનારી છે , પણ હું તેના ભોગે મારી આજની કાલ કેમ બગાડું રમા બેન?” રમા બેન જરા એટલું કહો કે તમે મને જે પૂછી રહ્યા છો તેનો મતલબ કે તમને મારા પર લાગણી છે કે પછી…?
અધ વચ્ચે જ અટકાવતા તેઓ બોલ્યા ” ભગવાન માફ કરે …પ્લીઝ એવું ના વિચારો મારી બેન”
“ તો પછી મારા માટે પ્રાર્થના કરો કે હું આવીજ મક્કમ ને દ્રઢ મનોબળ વાળી રહું તેવી મને શક્તિ મળે “
“ હા, તમારી જગ્યાએ તમે જે વર્તન કરો છો તે કદાચ સામાન્ય સ્ત્રીથી થઇ શકે તેમ નથી, તમાર વખાણ કરવા કે આશ્વાશન……… !!!” ને લગભગ રડમશ ચહેરે તેઓ નીકળી ગયા.
પણ હા તે પતિની સેવા ને પ્યાર આપવા કે લેવામાં જરાય વિલંબ નહોતી કરતી.કાયમ સ્મિત સાથેનો ચહેરો ને હસતી જાય ને કામ કરતી જાય.તેથી જ તો સોસાયટી ની સ્ત્રીઓ ને ગુસપુસ નો વિષય મળી ગયો.
“ મમતા, પ્લીઝ આજે મારા મોઢા પર હાથ ના રાખતી , હું તને જે કહેવા જઈ રહ્યો છું તે કદાચ તારાથી સહન નહિ થાય.”
“ કેમ , હજી તમને કોઈ શંશય છે ? “
“ ના, ” ને તે મમતા ના હાથને જોરથી દબાવવા લાગ્યો.
“ એક વિનંતી કરું ? ” ગળગળી થઇ ને તેને પૂછ્યું
“ જરૂર , ભગવાન ને જરૂર વિનંતી કરકે તારી શેંથી વેરાન ના રહે “
“ એટલું જ કહે કે તું તારા આત્માને ડંખી તો નથી રહ્યો ? “
” જેના પર મમતા નો પ્યાર વરસતો હોય તેને ભલા ….” ગળે ભરાયેલો ડૂમો ઠીક કરતા થોડી વાર રહીને ફરી બોલ્યો. તે નહોતો ચાહતો કે પોતાને રડતો જોઈ મમતા પણ વિહ્વળ થઇ જાય ” આજે દહીંવડા નો ચસ્કો લાગ્યો છે ..”
“ મને પણ, તાર હાથે મને જમાડીશ તો વધુ મજેદાર રહેશે કેમ?”
“ હા, પ્રોમિસ, પણ ડોક્ટર ને ખબર પડશે તો?”
“ કશું નહિ હું કહીશ કે મેં …”
“ મારી મમતા ………. ઠીક છે બનાવ હવે, ઘણા દિવસ થી સ્મેલ નથી લીધી “
મમતા એ દહીંવડા બનાવ્યા ને તે ઉજ્વલની પાસે જઈને બેઠી. ઘર નું વાતાવરણ તંગ હતું .મનની અભિલાષા ઓ મનમાં જ શમી જતી હતી. દિલ નો ઉમંગ વહી ને બારી સાથે અથડાઈ ને વળી દિલ માં પાછો ફરતો હતો. શાંત વાતાવરણ ને ખામોશ પળો ! કેવળ આંખો ની પરિભાષા વંચાતી હતી. પરસ્પરની લાગણીનું પુર વહી રહ્યું છે. નાજુક પળો ને નાજુક જીજીવિષા !
જેને વીતી હોય તેજ વર્ણન સારું કરી શકે બધી સ્ત્રીઓ સ્તબ્ધ થઇ ગઈ . અડોશ પડોશના લોકો ની ઉજ્વલભાઈ ના ઘરે ચહલ પહલ મચી ગઈ.ને જે બધાયે ધારેલું તેજ થયું.મમતાનો પતિ ઉજ્વલ મરણ પામ્યો.
ઉજ્વલ ની અર્થી ઘરમાંથી નીકળી ને બધા એ જીવંત મૂર્તિ દીવાલ સાથે જડાયેલી જોઈ .કેટલાયે આંસુના ધોધ વહેવા લાગ્યા. સૌએ જીવંત મૂર્તિને શત શત પ્રણામ કર્યા,” વાહ પતિ નું જીવન ને મરણ બેય સુધારી દીધા મમતાએ “!

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing a sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in નવલિકા. Bookmark the permalink.

1 Response to માણી લઉં હું આજને (નવલિકા)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s