મન મંથન
“ આમ આત્માને ક્યાં સુધી કોચવે રાખીશ ? ” રાગિણી એ માથે હાથ ટેકવીને બેઠેલ પોતાના પતિ મલ્હાર ને ઢંઢોળ્યો.
“ તારી વાત સાચી છે, પણ મન પર હું તો વિજય નથી પામી શક્યો. ”
“ મલ્હાર, તને એવું લાગે છે કે ..મારું ચિત્ત સ્થિર છે ? ”
“ બિલકુલ નહિ તું પણ એની મમ્મી છે ” કહી ને ઉભો થયો ને બાલ્કનીમાંથી બહારની દુનિયા માં સરી જવા પ્રયત્ન કર્યો.
તમરા ને વાહનોનો અવાજ તેને સંભળાયો.બારીમાંથી કીડીયારાની જેમ માણસોની થતી અવર જવર દેખાઈ. લોકો બધા ભાગતા દેખાયા..કંઈ ને કંઈ મેળવવા દોડાદોડી કરી રહ્યા છે. કોઈની પાસે શાંતિથી ઉભા રહેવાનો સમય નથી. ધમાલ ભરી લાઇફમાં ગરકાવ થઇ ગયા છે. જમાનો ક્યાં જઈ ઉભો રહેશે તે અંદાઝ લગાવવો મુશ્કેલ છે. જઈએ ત્યાં ભીડ છે. સરકારી ઓફીસ હોયકે ખાનગી ઓફીસ બધાને ઉતાવળ છે કામ પતાવવા છે. એરપોર્ટ પર જાઓ , બસ ડેપો હોય કે રેલ્વે સ્ટેશન, મોલ હોય કે સિનેમા બધેજ ભીડ છે.ભાગ્યેજ કોઈ મળી રહેકે તમારી સાથે આવવા એકજ ઝટકે હા પાડી દે ! આમાં કોઈનો વાંક નથી પણ જીવન ની રાહ જ બદલાઈ ગઈ છે. કોઈ વળી કાર લઈને જતું હોય પણ હજાર રૂપિયા ઉછીના માંગો તો ગલ્લા તલ્લા કરી ને છટકી જશે,તમે એના અંગત હોવા છતાં.તો શું એ ખરેખર સુખી છે ???
વાત નાની અમથી હતી , પણ મલ્હાર બેચેન હતો. પુત્ર મેઘ હોસ્ટેલમાં રહીને વધુ ભણવા માટે મુંબઈ જવાનો પ્રસ્તાવ મુક્યો હતો.પરીક્ષાઓ તો પતી ગઈ છે.વિદ્યાથીઓ બધા રાહત નો દમ ખેંચીને વેકેશન માણીને મોજ મસ્તીમાં ડૂબી ગયા છે.કોઈ રિસોર્ટ તો કોઈ સગાને ઘેર તો કોઈ વળી હિલ સ્ટેશન પર ફરવા નીકળી ગયા છે. મેઘ પણ મામાના ઘેર ગયો છે. ને ત્યાંથી મામાના છોકરા સાથે કશે ફરવા જશે.પણ ગયો એની આગળની રાત્રે મમ્મી ને પપ્પા પાસે એક અણધારેલો પ્રસ્તાવ રાખ્યો.
“ પાપા , હું મુંબઈ જઈને ડીગ્રી કરું તો કેમ રહે ? ”
“ હંઅ અ ….પણ આપણી સીટી માં પણ તું સ્ટડી કરીને ડીગ્રી કરી શકે છે . ”
“ આઈ નો પાપા, પણ તમેજ તો મને કહેલું કે મુંબઈ યુનિવર્સિટી ની વેલ્યુ આપણી યુનિવર્સિટી કરતા વધારે છે. ”
“ મને ખ્યાલ છે …’ ને તેઓ ચુપ રહ્યા ”
“ મમ્મી તુંજ તો મને હમેશા કહેતી કે મારા લાલ ખુબ ભણી ને પપ્પા કરતા વધુ આગળ વધજે ” મેઘે ચુપ રહેલી મમ્મી તરફ જોઇને કહ્યું
“ તારો સમાન બધો ચેક કરી લે, અમે બંને તારા માટે યોગ્ય નક્કી કરી લેશું ”
ને આમ મેઘ તો વેકેશન માણવા નીકળી ગયો છે પણ તેના પપ્પા મલ્હાર ને ચિંતા માં ડુબાડી દીધા છે. આમ ગણો તો એવી કોઈ ખાસ ચિંતા ની વાત નથી. મલ્હાર કોઈ એવો સમાન્ય માણસ નથી કે મેઘને મુંબઈ ભણાવી ના શકે ! પૈસા ની પણ કોઈ ફિકર નથી.
“ રાગીણી, મારા મન સાથે સમાધાન કરવાના ઘણા પ્રયત્નો કરુછું. ને એકબાજુ મનમાં ખુશી પણ છે કે આપણો પુત્ર ડીગ્રી કરીને તેનું ભવિષ્ય મજબુત બનાવે.પણ તને ક્યાં ખબર નથી કે,પુત્રાંધ બાપ કેટલો સ્વાર્થી હોય છે ”
“ હું તારી લાગણી સમજી શકું છું, તું તો એટલો પણ નસીબદાર છે કે પુત્રાંધ હોવાનો સ્વીકાર કરી શકે છે જયારે હું તો …..” ને તે અટકી ગઈ. મલ્હાર પણ તેની લાગણી સમજી શકતો હતો.
“’ તારાથી એ વાત ક્યાં અજાણી છે કે ઓફિસેથી આવુંને મેઘને ના જોઉં તો શરીરમાં ક્યાંક પીન ચુભાયાનો અહેસાસ થાય છે. હું માનું છું કે વધુ પડતો મોહ કયારેક મુશ્કેલી સર્જી શકે છે. અને હું તો એક સામાન્ય માણસ છું. ”
“ એક વાત કહું …..આટલું બધું વિચારવાનું ટાળે તો કેમ ? ”
“ એકદમ મુદ્દાની વાત તેં કરી,પણ તું એમ કરી શકે છે…ના… રાઇટ. ”
“ મલ્હાર, સાંભળ..એ આપણો દીકરો છે ને જેવી આપણને તેના પર લાગણી છે એટલીજ એને પણ આપણા પર લાગણી છે.”
“ ઠીક છે , હજી તો વાર છે ..ચાલો કાલે ઉઠવાની તૈયારીમાં સુઈ જઈએ ”
બંને વાતને ત્યાંજ પડતી મુકીને સુઈ ગયા. મેઘ પણ ભણવામાં હોશિંયાર છે.ક્લાસમાં મેરીટ નથી પણ જરાય પાછળ પણ નથી.આજના હરીફાઈના જમાના પ્રમાણે એ ભણી રહ્યો છે ને વર્તી રહ્યો છે.એને પણ ધગશ છે કે વધુ ભણીને ભારતના નકશામાં નાનું પણ પોતાનું કંઈક સ્થાન હોય ! વ્યક્તિ જયારે પોતાના માટે ઊંડાણમાં વિચારેછે ત્યારે તે એટલો ઊંડો ઉતારી જાય છે કે ઊંડાણ ની બહાર ના સારા નરસાનો વિચાર કરવાને સક્ષમ પણ નથી રહેતો. ક્યારેક સ્વાર્થી પણ બની જાય છે. કદાચ મેઘ નો અત્યારનો મુંબઈ જઈને ભણવાના વિચારમાં પણ નિહિત સ્વાર્થ છુપાયો છે.નથી એને બીજો કોઈ ભાઈ કે નથી નાની બ્હેન . કદાચ ભાઈ કે બ્હેન હોત તો એના વિચારમાં ભિન્નતા દેખાત !
તેની મમ્મી રાગિણી કદાચ એટલા માટે વધુ હેરાન નથી કારણ કે,તે નાનો હતો ત્યારથી તેને મોટા હોદ્દાની રૂએજ સ્વપનો જોયા હતા.
મલ્હાર ને રાગિણી લગ્ન કરીને નવાસવા આ શહેરમાં આવ્યા હતા.શરુ ના ત્રણ ચાર વર્ષ એમજ પસાર થઇ ગયા પછી તો રાગિણી ને પણ ઘરમાં કોઈ નાનું બાળક આવે તેવું ઈચ્છવા લાગી. વાત ને બંને એ વધાવીને નાના બાળકનું આગમન થાય એના માટે રાત દિવસ વિહરવા લાગ્યા. વળી બીજા બે વર્ષ નીકળી ગયા પણ રાગીણીની માં બનવાની ઈચ્છા હજી બાકી જ રહી ગઈ.
એકવાર તો તેના મમ્મી ને સાસુ બંને એ કહેલું “ રાગિણી હવે આમજ વર્ષ વેડફો નહિ, અમે ઘરમાં રમતું બાળક જોવા માંગીએ છીએ ”
“ હા મમ્મી અમે લોકો પણ ખરા.. ખબર નહિ અમે ડોકટરને પણ કન્સલ્ટ કર્યું છે .પણ કોણ જાણે ….? ” ને તેની આંખમાંથી આંસુ વહી ગયા.
માં બનવાનું કેટલું સહેલું ને કેટલું બધું અઘરું છે ! કેટલું અઘરું છે તે તો કદાચ રાગિણી વધુ સમજી શકે છે.કેટલાય કલીનીક ને કેટલાય ડોકટર , ઇવન આયુર્વેદિક દવાનો પણ સહારો લીધો. ડૂબતો તરણું પકડે તેમ, બંને એ ભુવા કે જ્યોતિષમાં ના માનતા હોવા છતાં તેમની પાસે સલાહ લીધી. ને આમને આમ દશ વર્ષ નીકળી ગયા.ને પછી તો બંને એ મન મનાવી લીધુકે હવે તેમના નસીબમાં બાળક નથી. કેટલીયે રાતો રાગિણી ને મલ્હારે રોઈને વિતાવી હતી. બંને એકબીજાને આશ્વાસન આપતા. પણ મલ્હાર જરા વધુ સેન્સીટીવ હતો.રાગિણી સ્ત્રી હ્રદય હોવા છતાં મલ્હાર ને વધુ આશ્વાસન આપવું પડતું.’ ભગવાન ના ઘરે દેર છે પણ અંધેર નથી’ એ કહેવત એમના માટે સાર્થક થઇ ..લગ્નના બારમાં વર્ષે એમના ત્યાં પારણું બંધાયું.દુષ્કાળમાં ઊંચા જીવે રાહ જોયા પછી વરસાદ થાય તે ખુબ મીઠો લાગે એમ માની બંને એ બાળક નું નામ મેઘ પાડ્યું.
કારણ કે મેઘ પણ એમના ઘરે ઘણી રાહ જોવરાવી ને આવ્યો હતો.પછી તો બંને મેઘને ઉછેર કરવામાં કોઈજ કચાશ છોડતા નથી.વાર્તા ની જેમ રાજા જેમ કુંવર ને ઉછેરતા તેમ પાણી માંગે તો દૂધ …ની જેમ ઉછેરવા લાગ્યા.ને જરા પણ મેઘને અળગો નહોતા કરતા.સ્કુલથી ક્યારેક મોડો આવે તો બંને ઊંચા નીચા થઇ જતા. ને ખાસ કરી મલ્હાર વધુ પડતો ઉંચો જીવ રાખતો. કદાચ બધાથી ઉલટું આ ઘરમાં હતું કે માં કરતા બાપ વધુ ઊંચા જીવે રહે !આજ કારણ આજે મલ્હારને સતાવી રહ્યું હતું. ક્યારેક વહેલો મોડો થાય તો ઉંચો જીવ થઇ જતો તો આતો લાંબો સમય પુત્રને નહિ જોવાની વાત હતી.
“ એક વાત કહું …?”
“ એક નહિ બે કહે ..” ને તે હસવા લાગ્યો.
“ આશા રાખું કે આમજ હસતા હસતા મારી વાત સંભાળ ને માન ”
“ હું પણ ”
“ આપણે આજથી વર્ષો પહેલા આ સિટીમાં આવેલા રાઇટ ? ”
“ હં તો ..? ”
“ ત્યારે આપણા ફેમીલી વાળાએ આપણને કેટલા મિસ કર્યા હશે ? ”
“ તારી વાત સાચી છે ..પણ દિલને વાળવું કેટલું કઠીન છે? ”
“ પણ આપણી લાગણી ના ભોગે …” ને તે ચુપ રહી ગઈ.
“ રાગિણી તારી વાત સાથે હું સો ટકા સહમત છું પણ આપણા ઘરે બાર વર્ષે ખુશી આવેલી ને તે ખુશી થી હું હજી નથી ધરાયો.”
“ હું પણ ……જો..આપણે મેઘને મિસ કરીશું તેમ શું મેઘ આપણને મિસ નહિ કરે ?, ને અહીં તો તારી સાથે હું હઈશ ને મારી સાથે તું .પણ એતો આપણને બંને ને છોડી ને જવાનો છે” ને રૂમમાં શાંતિ છવાઈ ગઈ ..બંને ની નજરો દીવાલોમાં ખોડાઈ ગઈ.એકબીજા સામે જોઈ રહ્યા છે. કેટલીએ પળો બંને એમજ રહ્યા.
“ રાગિણી તારી વાત એકદમ સાચી છે, આપણી લાગણી ના લીધે મેઘની કેરિયર અટકાવવાનો આપણને કોઈ અધિકાર નથી.ને કદાચ આ સીટી માં ભણી ને પછી,કદાચ એને અહીં જોબ ના મળ્યો તો એકદિવસ તો એને આ સીટી છોડ્વુંજ પડશે ”
“ એજ તો મારો કહેવાનો મતલબ છે. ”
“ હું કદાચ પુત્રના મોહમાં વધુ અંધ બની ગયો હતો. પણ નહિ કોઈ પણ ભોગે હવે આપણે એને મુંબઈ કે જ્યાં પણ એ ભણવા જવા માંગે તે જઈ શકે છે..”
“ ખરેખર ..! ”
“ હા રાગિણી …આ મારો નિર્ણય છે, ને કદાચ ઘણા માબાપો મારી જેમ મોહ માં અંધ બની ને પોતાના છોકરાઓ સાથે અન્યાય કરી રહ્યા હશે. થેંક ગોડ મારાથી પણ મેઘને થતો અન્યાય અટકી ગયો. ”
“ ઓહ માય ડાર્લિંગ …” ને તે મલ્હાર ને વળગી પડી.
સવાર નો સૂર્ય ઉગ્યો ત્યારે મલ્હાર ને રાગિણી એકદમ પ્રફ્ફુલિત જણાયા. મન પર કોઈ ચિંતા કે ગહન વિચારની રેખાઓ નથી.