સાસુ ખુશ ને વહુ દિલખુશ
“ મોમ….મને દુધી ચણાદાળનું શાક નથી ભાવતું તને તો ખબર છે, છતાં કેમ બનાવ્યું ? ” શાકના તપેલાને ખોલતા આવેગી બરાડી.
“ મને ખબર છે, પણ આ ઘરમાં આવેગી સિવાય બીજા લોકો પણ રહે છે ને મોમ ને બધાને ન્યાય આપવો એવું ક્યાંક સાહિત્યમાં લખેલું છે ” પ્રેમથી આવેગીના ખભા પર ટપલી મારતા તેની મમ્મી ઉલ્હાશી બોલી.
“ સાહિત્યમાં તો એવું પણ લખેલું છે કે દીકરીને ખુબ પ્રેમ ને વહાલ આપવા ! ”
“રીયલી ??? ”
“ છું મોમ તુંયે ….મને બહુ ભૂખ લાગી છે.. ”
“ થીડી ધીરજ ધર..પેટમાં ચૂહા દોડતા હોય તો સામેના ડબ્બા માં કુકીજ છે ..સાસરે જઈશ એટલે ખબર પડશે. ખાવાનું માંગવાને બદલે બનાવવું પડશે ”
“ એટલેજ તો મારે મેરેજ નથી કરવા ..”
“ કેમ સાસુના ત્રાસથી ડર લાગે છે ?? ”
“ ના…જેને આટલી પ્રેમાળ મોમ મળી હોય તેને સાસુ પણ એવીજ મળે ”
“ તો કેમ ગાંડી ગાંડી વાત કરે છે..? ”
“ જો મોમ તું વૃદ્ધ થઈશ એટલે હું તને ગરમ ગરમ રોટલી બનાવી ખવરાવીશ.”
“ સરસ બહાનું છે..પણ ચાબી હું વૃદ્ધ થાઉં એની રાહ જોઇશ ..અત્યારે રોટલી બનાવ ને ..! ” રોટલી ફેરવતા ફેરવતા તેની મમ્મી બોલી. આમજ બંને વચ્ચે વાતો ચાલી રહી. જમીને તૈયાર થઇ આવેગી કોલેજ જતી રહી.તેના ગયા બાદ ઉલ્હાશી એકલી થઇ ગઈ.આવેગી ને લઇ ઘણી વાર તેઓ વિચારતા કે આવેગી કદી ઘરનું કોઈ કામ કરતી નહિ. ઘરના દરેક વ્યક્તિની તે માનીતી હતી. ક્યારેક તે ચિડાતી એટલે બોલતી.
“ આવેગી હું થાકી ગઈછું જરા મારી રૂમ આજે સાફ કરી આવ ને ” કોમ્પુટરમાં તલ્લીન આવેગી ને કહ્યું.
“ તું તારું કામ ચાલુ રાખ , હું સાફ કરી આવું મોમ…તું પણ ટીવી જોવાનું ચાલુ રાખ. ” નાનો ભાઈ આવર્ત ઉભો થઈને આવેગીને મદદ કરતો.આમ આવેગીને કામ કરવાનું ઓછું બનતું.આથી તેની મમ્મી ઘણી વાર અકળાતી કે
‘ ક્યારેક તો છોકરીએ કામ કરવું જોઈએ , જેથી સાસરે જાય ત્યારે તકલીફ ના પડે ‘
પણ એના પપ્પા નેપ્ચ્યુનભાઈ વચ્ચે બોલી ઉઠતા ” ઉલ્હાશી હવે જમાનો બદલાઈ ગયો છે. વિચાર કર ને મારા પિતાજી એ લગ્ન કર્યા હશે ત્યારે મારી માંને જે તકલીફ પડી તેટલી તારે નથી પડી. એમજ આવેગીને બિલકુલ નહિ પડે “
“ તમને નહિ સમજાય ને હુંતો માં છું ને , લોકો તો એવુજ કહેશે કે કુવામાં હોય તો અવેડામાં આવે. ”
ખરેખર ઉલ્હાશી ને રાત દિવસ દીકરી આવેગીની ચિંતા રહેતી કે કામ ને રસોઈ માં જરાપણ ધ્યાન ના આપનારી દીકરી નું શું થશે ?? આથી તે હંમેશા આવેગીને તે રીતેજ બોધપાઠ શીખવતી કે સાસરે જઈને કદી કોઈનું કશું સાંભળવું ના પડે.આવેગી ઘરકામ કે રસોઈ વિષે બેધ્યાન રહેતી હોવા છતાં તેની મમ્મી તેના કાનમાં પણ એટલીસ્ટ જાય તેમ બધું કહેતા.
કોઈ પણ દેશનું સાહિત્ય રીફર કરો, માં ને અવ્વલ દરજ્જો આપેલો છે. ભણતા ત્યારે આવતું કે ‘એક માં સો શિક્ષક ની ગરજ સારે છે ‘ , ઉલ્હાશી એક માં હતી. સ્ત્રી હૃદય માં જે કોમળતા, લાગણી, અહેસાસ અને ધીર ગંભીરતા પડેલી હોય છે તે એક અવિનાશી હોય છે. જન્મથી લઇ તેની જાનની વિદાઈ વેળા સુધીની સફર માટે કરેલા બલિદાન ને સહિષ્ણુતા અવર્ણનીય છે.કદાચ મારી દ્રષ્ટીએ માતાના હ્રદય અંદર છુપાયેલી લાગણી ને મમતા નું આલેખન શત પ્રતિશત કરવું અઘરું નહિ પણ નામુમકીન છે.ને એમાય દીકરી ને હ્રદય સાથે લગાડી ને મોટી કરે છે, સૂકામાં સુવાડી ને પોતે ભીના માં સુઈ રહ્યાની વેળા ને યાદ નથી રાખતી.છેલ્લું એના ભાગમાં આવેલું ફળ કે અન્ય વસ્તુ ને મોઢે મુકતા પહેલા દીકરીને આપીને સુખ અનુભવતી એ માં છે. માંએ દીકરી પાછળ આપેલા બલિદાન પાસે દુનિયા ના કોઈપણ બલિદાન છીછરા છે. ઠમક ઠમક પગલા પાડતી સ્કુલેથી ઘરે પાછી આવે ત્યારે “ માં હું આવી ગઈ ” ત્યારે જે હર્ષ ની લાગણી થાય છે તેના કરતા અનેક ગણું કષ્ટ જયારે તેને લગ્નબાદ વિદાઈ કરતા થાય છે. ત્યારે બધા શબ્દો થીજી જાય છે. માં વિષે કેટલાયે સાહિત્યકારો ને આપણા પૂર્વજોએ ઘણી વાતો કરેલી છે ને લખેલી છે.ને તાજ્જુબી જુઓ કે આવી વાત સંભાળતા કે વાંચતા પણ આંખોનો આંસુ બંધ છલકાઈ ઉઠે તે “ માં ”.
ઉલ્હાશી તેની જગ્યાએ સાચી હતી. તો આવેગી હજી નાદાન છે. ઘરમાં કોઈ વાતની કમી નથી. જોઈતું મળી રહે છે, ને ખાસ કરી ને પ્રેમ ! પ્રેમ અને લાગણી , આ બે વસ્તુ આસાનીથી મળતી નથી. જયારે આવેગી ને તો ખોબે ને ખોબે મળી રહે છે. અને કદાચ તેની મોમ એના માટે વિચારતી કે ચિંતા કરતી તે યથાસ્થાને છે.
સમય કોઈની રાહ નથી જોતો ને એકદિવસ આવેગીના લગ્ન થઇ ગયા.બધાને રડતા રાખી ને આવેગી સાસરે જતી રહી.જઈને આવેગીએ પહેલા તેની મોમને ફોન કર્યો કે ‘પોતે સાસરે સુખરૂપ પહોંચી ગઈ છે, તો ચિંતા ના કરીશ. ‘
ફોન પર દીકરી સાથે વાત થતા એક નાનો રાહતનો દમ ખેંચ્યો.પણ હવેજ તો સાચી શરૂઆત હતી. પછી તો આવેગી મોમ સાથે નેટ પર વાત કરતી..ઘણી વાર એવું પણ કહેતી કે ‘મોમ હું બીઝી છું …રાત્રે અથવા તો ફરી ક્યારેક વાત કરીશું’
તો ઉલ્હાશી ખુશ પણ થતી કે દીકરી સાસરે જઈ ને થોડી સુધરી છે…તો બીજી બાજુ એને ફાળ પણ પડતી કે કદાચ આવેગી આખો દિવસ કામ માં ને કામમાં રહેતી હોય ! કહે છે ને માં નું દિલ હતું. સો સો વિચાર કરતી ને જેટલા આવે તેટલા વિચારો ને મગજ માં ઘુસવા દેતી. પોતાના હસબંડ તો કહેતા કે આવેગીનું કુટુંબ બહુ નાનું છે બે માણસ ને જમાઈ. તો શા માટે આવેગી બીઝી રહેતી હશે ??
મન સાથે સમાધાન ના કરી શકી ને નેપ્ચ્યુન ને મનાવીને આવેગી ને મળવા જવાનું ગોઠવ્યું. પણ તોય તેના મન ને શાંતિ ના વળી. કારણ કે આખો દિવસ બધા બીચ પર ફરવા જતા રહ્યા ને સાંજે તો બંને પાછા પણ આવી ગયા.આથી તેને નક્કી કર્યું કે નેક્સ્ટ ટાઇમ જયારે આવેગી ઓનલાઈન થાય એટલે પુછીજ લઉં. તેને બહુ ધીરજ ના જોવી પડી . બીજા દિવસે તે ઓનલાઈન થઇ ને ” કેવી છે ?” ના બાદ તે ધીરજ ખોઈ બેઠી ને પૂછી જ લીધું.
“ આવેગી એક વાત કહે , મારાથી કશું છુપાવીશ નહિ ..”
“ દુનિયાની કોઈપણ મોંઘી ચીજ કરતા મારી મોમ નું સ્થાન ઊંચું છે …કહે ”
એટલું સાંભળતા તો તે હવા માં ઉડવા લાગી. “ તું આખો દિવસ એવું શું કામ કરે છે કે મોસ્ટ ઓફ ટાઇમ બીઝી હોય છે. ”
“ ઓહ…. હા…મોમ આવત રવિવારે હું ને આલાપ બંને તમને મળવા આવીએ છીએ ને રાત્રે બધા ખુબ વાતો કરીશું. ”
આવેગી મળવા આવવાની છે તે સાંભળી ને ઉલ્હાશી એકદમ ખુશ થઇ ગઈ.ને ફોન રાખી ને આવર્ત પાસે દોડી ગઈ “ દકુ તને ખબર છે આવત રવિવારે કોણ આવવાનું છે ? ”
“ દીદી ..રાઇટ ”
“ હા….” ને તે જુમવા લાગી.
રવિવારે આવેગી પોતાના પતિ આલાપ સાથે આવી ગઈ.દિવસ અખો બધા ફરવા ગયા. પણ ઉલ્હાશી રાતની વાટ જોતી હતી.જમ્યા બાદ તે આવેગી ને ખેંચીને પોતાના રૂમમાં લઈ ગઈ. “ હવે કહે ” કહેતાંક તેને દીકરી ને બેડ પર બેસાડી.
“ હું મારી મોમ ને બરાબર ઓળખુછું. મને ખબર હતી કે રવિવારની તું કોગડોળે રાહ જોતી હઈશ.જો મોમ..તારી દીક્દરી એકદમ ખુશ છે.તને ખબર છે ગયા બાદ મારી સાસુએ બીજાજ દિવસે મને વિનંતી કરીકે બીજું કશું નહિ પણ તેમને સાહિત્યમાં ખુબ રસ છે તો મારે તેમને અવનવું સાહિત્ય બતાવવું. યુ નો …એકદિવસ તો મારા હજ ગગડી ગયેલા.”
“ કેમ શું થયું ??? ” ને તેની મોમ સફાળી ઉભી થઇ ગઈ” હામ રાખ મોમ કશું નહિ…પેલી મારી ફ્રેન્ડ હેતાલી નહિ …એ એકવાર મારી સાસુ ને મળી ગઈ તો પોપટ જેમ પટ પટ બધું બકી ગઈ મારી સાસુ સામે ”
“ એવું બધું શું વળી ?? ”
“ સંભાળ મોમ મઝા આવશે,તેને કહ્યું કે મેં તો કામ કે રસોઈ માં ધ્યાન નથી આપ્યું ને એકદમ મોટાઈથી ઉછરેલી છું પણ તું જો મારા સાસુ કહે કે પથ્થર એટલા દેવ કરીને પૂજ્યા ત્યારે આલાપ જેવો દીકરો મળ્યો છે ને પછી તો આવેગી જેવી મને વહુના રૂપમાં દીકરી મળી છે ..કશું નહિ કાલથી હું કામવાળી ની સાથે રસોઈવાળી પણ રાખી લઈશ. ”
“ રીયલી ..?? ”
“ હા મોમ …નવાઈ લાગે છે ને ! ”
“ ભગવાન નો આભાર..પણ જયારે ને ત્યારે બીઝી કેમ હોય છે ?? ”
“ તને વાત તો કરી , સાસુજી ને સાહિત્ય માં ખુબ રસ છે ને તને તો ખબર છે હું નવરી પડતી કે કોમ્પુટર પર ગુજરાતી જોક્સ ને સાહિત્ય વાંચવા બેસી જતી ”
“ હા મને ખ્યાલ છે ..કયારેક રોવા વાળી વાત આવે ત્યારે મને પણ કહેતી. ”
“ હા બિલકુલ..તો હું બીઝી એટલે હોય છું કે હું મારી સાસુજી ને સાહિત્ય ખોલી આપુછું. તને ખબર છે હમણા બ્લોગ વાળું બહુ ચાલે છે આપણા કેટલાયે ગુજરાતી લોકો એ બ્લોગ પર સાહિત્ય લખવાનું ચાલુ કર્યું છે તો બ્લોગ કે અન્ય સાઈટ રીફર કરે રાખું છું. સાસુજી ખુશ ને વહુ દિલખુશ.”
તે દિવસની રાત્રે ઉલ્હાશી ને એવી મીઠી ઊંઘ આવી કે એલાર્મ ના વાગ્યો હોત તો હજી સુતી રહેત !.