પાપ તારું પરકાશ રે ! ( નવલિકા )

                                        પાપ તારું પરકાશ રે ! ( નવલિકા )

રમણભાઈ ની કંપની કંઈ બહુ ખાસ મોટી નહોતી.કુલ મળીને વીસેક વ્યક્તિનો કાફલો હશે.નાના નાના ટાઉનમાં ફરતા ને જ્યાં વધુ પ્રેક્ષકો મળી રહે ત્યાં વધુ સમય ગાળી લેતા.હજી સિનેમા એ નાના શહેરોમાં પોતાનો પગદંડો નહોતો જમાવ્યો ત્યારની વાત છે.કાળ ક્રમે મનોરંજન માટેના અવનવા ખેલો થતા.વર્ષો પહેલા ભવાઈ થતી.તરગાળા ,નાયક ,ભવાયા વિગેરે ના લોકો આવતા ને જેટલો પણ સમય રોકાય તે મુજબ ગામલોકોનું મનોરંજન કરતા.પછી ક્યાંક કોઈ ગામમાં મુજરા ને કવ્વાલી એ પણ સ્થાન લીધું.નાટક કંપનીઓ આવી.પછી ફિલ્મો ને ટીવી આવ્યું.મોબાઈલ બાદ આજે ઈન્ટરનેટ નું માધ્યમ પુર જોશમાં ચાલે છે.

રમણ ભાઈની કંપની પણ એક નાટક કંપની છે.નાના નાના ટાઉનમાં ફરીને લોકોને મનોરંજન પૂરું પાડે છે ને રૂપિયા પણ કમાય છે.નાટક કરવા માટે નો દસેક જણનો સ્ટાફ છે ને બીજા એમને મદદ માટે છે. એક નાના ખટારા જેવું વાહન વસાવી લીધેલું છે. જ્યાં જાય ત્યાં બધા સાથે જ રહે ! એટલા પંથકમાં રમણભાઈ ની કંપનીનું મોટું નામ છે.ને એનાથી મોટું નામ મુખ્ય નાયક ધીરાનું છે. એ અર્જુન બને કે રાજા ભરથરી બને કે પછી ગોરા કુંભાર !લોકો બધા એને એજ રૂપમાં જોતા.રા’ નવઘણ બની માથે મુકુટ પહેરીને હાથમાં મજબુત તલવાર પકડે એટલે એય જૂનાગઢનો ધણી લાગે.ને વળી કોઈ દિવસ મજનુ ના રૂપ માં ભિખારી જેવો વેષ પહેરી ને શેરી માં આળોટતો દેખાય ત્યારે જ તો આપણ ને તાજ્જુબી થાય !આ એ વખત નો સમય હતો કે સ્ત્રી પાત્ર ભજવવાનું કામ સ્ત્રીઓ કરવા લાગી.પહેલા તો એકલા પુરુષ જ નાટક કે ભવાઈ માં કામ કરતા.તો જેમ ધીરો નાયક ના પાત્રમાં અવ્વલ હતો તેમ બીજલ પણ એટલીજ છટાદાર હતી.કોઈ પણ રીતે ઓછી ના અંકાય એવી !ને અભિનયમાં તો ધીરાને પણ પાછો પાડે એવી ! એમાય એ જયારે હોથલ નું પાત્ર ભજવે ત્યારે ડબલ રોલમાં કોઈને ખબર નહોતી પડતીકે બીજલ પુરુષ પાત્ર માં પણ હતી.અદ્દલ પુરુષ માફક ચાલ ને ઘાંટા પાડે.ખાલી એક તેનો અવાજ ઘણો તીણો હોઈ ત્યાં પકડાઈ જતું કે અવાજ સ્ત્રીનો છે.આ બધામાં રંગલો યાનેકી હાસ્યનો બાદશાહ, ખેતશી.નામ એનું ખેતશી પણ બધા એને ખેતો કહીને બોલાવતા.

નાટક કંપની એક નામી શહેરમાં આવી છે.જુનું એક ખંડેર ઘર ને રંગ રોગાન કરી ને થીએટર જેવું બનાવ્યું છે. ચારે બાજુ રંગીન પડદા લગાવીને ગામડાની જુવાન કન્યાને લગ્ન સમયે તૈયાર કરે તેવું બનાવી દીધું.બધાએ મળી નક્કી કર્યું  કે પહેલા દિવસે કયું નાટક કરવું.બધાએ એક મત કરીને ‘ જેસલ તોરલ ‘માટે સંમત થયા.ચારે બાજુ હવા ફેલાવી દીધી ને રમણભાઈએ ગામના પ્રતિષ્ઠિત લોકો ને પહેલા શો માં આમંત્રણ આપ્યું.એક પછી એક દ્રશ્ય બદલાય છે,ને સાથે પડદા પણ બદલાય છે,રંગમંચ જાણે કચ્છમાં ફેરવાઈ ગયો છે. જેસલ જાડેજો હાહાકાર કરતો દેખાય છે ને વચ્ચેવચ્ચે વળી ખેતો હાસ્ય પીરસે છે. વળી જેસલ ને તોરલ ભક્તિ માં લીન દેખાય છે.શ્રોતાગણ મંત્ર મુગ્ધ બની ગયા છે.ને જયારે જેસલ ને સમાધિ લેતો બતાવાય ત્યારે તો જાણે લોકો સાચેજ દેખાતી ઘટના જોઈ રડી પડે છે . એજ તો રમણ ભાઈ ની કંપનીની ખાસિયત છે.

આજે આ ગામમાં આ નાટકે સો ખેલ પુરા કર્યા તેની ઉજવણી રુપે સમસ્ત ગામને મફતમાં જોવા માટે આમંત્રણ અપાયું છે. બધારમણ ભાઈની કંપનીના વખાણ કરતા થાકતા નથી. ને એમાય આજે મફત શો એટેલે બમણા વખાણ !!

ગામના બે એક પ્રતિષ્ઠિત લોકોએ બે શબ્દો બોલ્યા બાદ,થોડું રમણભાઈ બોલ્યા ને પછી ધીરા ને મંચ પર ખેંચી લાવ્યા એટલે બધાએ ઉભા થઈને એને માન આપ્યું.બધાએ તાળીઓથી એને વધાવી લીધો , કારણ એ લોકો માં એટલો પ્રિય થઇ ગયો હતો.

“ વ્હાલા વડીલો, મારી માતાઓ ને બહેનો તથા વ્હાલા ભૂલકાઓ…છેલ્લા સાત વર્ષથી હું નાટકો કરતો આવ્યો છું.જેમાં મને બીજલ તથા ખેતશી એ જે સાથ ને સહકાર આપ્યો છે તે માટે હું બંને નો ખુબ આભારી છું ..ને બાકી બધા અમારી કંપનીના લોકો નો કે જેઓ રાત દિવસ કે તડકે છાંયે હમેશા અમારી સાથે હોય છે. આ ગામના લોકોએ અમને ખુબ માન આપ્યું છે. ખુબ પ્રશંસા કરી છે.આજ સુધી ના ઇતિહાસમાં અમે કોઈ નાટકના સો ખેલ નથી કર્યા,જે તમારી લાગણી ને અમારી મહેનતનું ફળ છે……..ને…….. ” તે વધુ ના બોલી શક્યો. જો રમણભાઈ એ તેને ના પકડ્યો હોત તો તે ધ્રુસકેને ધ્રુસકે રડી પડેત !.ને પછી એમજ બીજલે પણ બે શબ્દો કીધા.ને વાતાવરણ જાણે એક નાટક ચાલતું હોયતેમ સન્નાટો છવાઈ ગયો.

થોડા દિવસો પછી રમણ ભાઈ ને લાગ્યું કે હવે ગામ બદલવાનો સમય પાકી ગયો છે. ને બીજા દિવસે બધા બોર્ડ ઉતારી લીધા.સમાન બધો ગોઠવાઈ ગયો ,સૌની વિદાય લઈને રમણભાઈ ની કંપની બીજા ગામના લોકોનો પ્યાર જીતવા આગળ પ્રયાણ કર્યું.

“ હવે ક્યાં ગામમાં ધામાં નાખશું રમણભાઈ ?   ” ખેતાએ પૂછ્યું.

“ સારું કર્યું તેજ પૂછ્યું….તુંજ કહે ક્યાં જઈશું ?   “

“ અરે આ તો ઉલટું પડ્યું…તમતમારે તમારું કામ કરો હું હાલ્યો પાછળ ના ભાગે. ” ને ખેતો પાછળના ભાગે બેસી પાછળ જતા મારગ ને જોઈ રહ્યો.સંઘ ધીરે ધીરે આગળ જાય છે ,રાત પડતી હોય તેમ લાગ્યું એટેલે એક ગામના ભાગોળે પડાવ નાખ્યો. બધા ખુબ થાકેલા હોઈ જમીને સુઈ ગયા.સવારે ઉઠીને ધીરો દાતણ વિધિ પતાવીને બેઠો છે. જાણે બધાનું અવલોકન કરવાનું કામ સોંપ્યું હોય તેમ બધાની સામે જોવે છે.ચારે બાજુ એણે નજર ફેરવી પણ બીજલ ના દેખાઈ.

“ અલ્યા ખેતા, બીજલ કાં ગુડાણી ?   “

“ મને ન પૂછ ..હું કંઈ એને ગજવામાં રાખી ને નથી ફરતો.  “

“ બહુ કાલો ના બન , ખબર હોય તો કહે ને  ” સહેજ રોષમાં ધીરાએ કીધું ને જવાબની રાહ જોયા વગર તે ઉભો થયો ને આગળ જઇ ચારે બાજુ નજર ફેરવી.

ધીરાને આમ અધીરો થતો પહેલી વાર ખેતાએ જોયો એટલે થોડો હસી પડ્યો ને વળી ગંભીર પણ થઇ ગયો. ‘ નક્કી કંઈ લાગે છે ‘

“ ધીરા મને નથી ખબર પણ તું કહેતો આજુ બાજુ જોઈ આવું..  “

“ ના ના …મારે કંઈ કામ નહોતું પણ દેખાઈ નહિ એટલે .  ”  ને તે ચુપ થઇ ને વળી ઘાસની નાની સળી લઈને દાંત ખોતરવા લાગ્યો.

એટલામાં દોડતો વિભો આવ્યો ” ધીરા બીજલ નદી બાજુ ગઈ છે ને કહેતી કે તું ત્યાં જાય .  “

“  કંઈ ખાસ કામ હતું ??  “

“ મને શું ખબર પણ તારે જવું હોય તો જા નહીતો તારી મરજી ..ભલા નાયક ને વળી વતાવવા વાળું કોણ ? ”  ને હસતો હસતો વિભો જતો રહ્યો.

“ માળા બધા મસ્તી કરવા લાગ્યા છે આજ …ખબર નહિ શું પોતાના પર વિતવાની છે ” એમ બબડતો તે નદી ભણી ચાલ્યો. થોડે દુર ગયો તો બીજલ એક મોટા પત્થર પર બેઠેલી દેખાઈ. ‘ બીજલ’  કહેતોક ને રીતસર તે દોડ્યો.જેવો ધીરો નજીક ગયો કે બીજલે પોતાની પાસે બેસવા ઈશારો કર્યો ને ધીરો થોડે દુર બેઠો.

“ કેમ દુર બેઠો ?  “

“ અહી ઠીક તો છું, ખબર નહિ કેમ આજે બધા મને હાસ્યાસ્પદ બનાવે છે..કહે કંઈ કામ હતું ?   “

“ કેમ કામ વગર તને ના બોલાવાય ?   ” આંખના ખૂણા ને સહેજ નીચા ઢાળી ને બીજલ બોલી.

“ મારા ભગવાન..! કંઈ ફોડ પાડીશ.હવે  “

“ સારું..સાંભળ, આપણે કેટલાએ નાટકો ને ખેલમાં પતિ ને પત્નીના રૂપમાં કામ કર્યું..  “

“ હં તો ..  ” બોલી ને તેને બીજલની આંખનો નવો ઈશારો પકડવા પ્રયત્ન કર્યો.

“ કંઈ કેટલાએ દિવસથી તને કહેવાનું મન થતું પણ વાત કદી મારા ગળાની ઉપર ના આવી કાયમ જ એ ગળામાં અટવાઈ ગઈ.  “

“ આજે એ બહાર આવશે કે હું હાથ નાખી ને બહાર ખેંચી લાવું ?   “

“ આજ આવશે ………હરિશ્ચંદ્ર નો વેષ ધરીને સઘળું રાજ એક તપસ્વીના હાથમાં સુપ્રત કરતા ધીરાને આજ મારે સાંભળવો છે…..સાધુનો વેષ લઇ ને રાણી પિંગલા પાસે ભિક્ષા માંગતા ભરથરી ની નિખાલસતા મારે જોવી છે..ને પાસે કંઈપણ ના હોવા છતાં હુંડી લખી આપનાર એ નરશી ની ભોળાઈ મારે જોવી છે ….ડૂબતી નાવ માં કરગરતા જેસલની વિવશતા મારે જોવી છે  ” ને બીજલ જાણે કંપી ઉઠી હોય તમે બોલ્યે જતી હતી.

“ મને કંઈ ખબર પડે એમ બોલ બીજલ અત્યારે આપણે કોઈ નાટક નથી ભજવતા.  “

“ હું પણ એજ તો કહું છું કે નાટકમાં મારી સામે થરથર કાંપતો  હોડીમાં ઉભો ઉભો મોત સામે પડકાર કરતો આ એ જ જેસલ છે કે કોઈ બીજો  “

“ અરે હું તો ધીરો નાયક ..હું થોડો જેસલ છું  “

“ નાટક દરમિયાન મારા શરીર સાથે અડપલા કરવા કે જાણી જોઇને અથડાવાના નાટક કરવા એ બધું શું મારા માટે અજાણ છે ? ધીરા, એક લાચાર નારીની વિવશતા નો લાભ લેવો એ કાયરતા છે. “

“ કેવી વાત કરે છે ?   ” ધીરો તો ડઘાઈ ગયો

” ધીરા આજ મારે એ જેસલ ને સાંભળવો છે …હવે પાપ તારું પરકાશ રે !   “

ને ધીરાના શરીરમાં જાણે જેસલ પ્રવેશ કર્યો હોય તેમ બેય હાથ જોડી ને બીજલ ની સામે બેસી ગયો “ હા તોરલ હું તારો દોષિત છું ..તોરલ મને ઉગારી લે …આ નાવડું મને ડુબાડી દેશે ..હું ડૂબી જઈશ..ઘણી વાર જાણી જોઇને મેં તને સંતાપ આપ્યો છે …લે આ ખાસડું ને મને માર તોરલ માર !   ” ને ધીરો કાંપવા લાગ્યો.

બીજલે તેનું જોડું નીચે મૂકી દીધું ને તેનો હાથ પકડી ઉભો કર્યો …             ” ધીરા તારા પાપ ધોવાઇ ગયા ..જા છૂટી ગયો, હવે તને નાવડું નહિ ડુબાડે ..તને એટલું કહેવા બોલાવ્યો હતો કે મારા કાકાએ મારા લગ્ન થઇ જાય તેમ નક્કી કર્યું છે તો હું મારા ગામ જતી રહેવાની છું. કદાચ હવે આપણે વિખુટા પડવું પડશે,ને મારા મનમાં છે કે નાટક માં તારા વતી થયેલા મને અન્યાય ની સજા મારી ગેરહાજરીમાં તને ના મળે.  “

“ શું……?     ” મુર્ષા આવી હોય તેમ ધીરો ફસકી પડ્યો. જો બીજલે તેનો હાથ ના પકડ્યો હોત તો નીચે પડી જાત.

“ તો તો હમણા કહેતી કે હવે મને નાવડી નહિ ડુબાડે ………..હેં….  ” રડમશ ચહેરે તે નીચું જોઈ ગયો.

નદીની વેકુર ને ઉડાડતો પવન વહી રહ્યો છે બે પળ મૌન છવાઈ રહ્યું.

“ ખેલ અને હકીકત બંને બહુ જુદા છે હું અત્યારે તોરલ નથી જેસલ જાડેજા કે તારા પાપ બધા પળમાં ધોઈને તને પીર કરી શકું હું તો એક અબલા છું જે મારા કાકાને પરાધીન છું.હું તો તને એટલું જ કહેવા માંગતી કે જેટલા પણ તારા ગુના જાણતા કે અજાણતા થયા તે કહી દે ને મેં તને પૂછ્યા ને તે સ્વીકારી લીધા , બસ જેસલ હવે તારે જગથી બીવાની જરૂર નથી.  “

“ હા તોરલ હા …ને તેને બીજલ નો હાથ પકડી લીધો …હવે તો જગ હસે,માથે લૂગડાં ધોવે કે માછલા ધોવે તારો સંગ નહિ છોડું તોરલ.હવે તો તું જ મારી હોથલ ને તું જ મારી પિંગલા, તું જ મારી લયલા ને તું જ મારી  તોરલ.. “

“ અરે ગાંડા હું તોરલ નથી ઓ જેસલ જાડેજા.. “

“ તો હુય જેસલ નથી મારી બીજલ   ” જાણે બંને સાચા જીવનનું નાટક ભજવતા હોય તેવું દ્રશ્ય દેખાયું.

બીજલ તો હરખઘેલી બની ગઈ વેલ જેમ થડને વળગે તેમ ધીરાને વળગી પડી.એક જોરદાર હવાની લહેરખી એ નદીની વેકુરના આવરણે બંને ને ઘેરી લીધા.     

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing a sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in નવલિકા. Bookmark the permalink.

3 Responses to પાપ તારું પરકાશ રે ! ( નવલિકા )

  1. Sonali patel કહે છે:

    one offbit and bold love story wonder example of art…Sonali Patel

  2. Rajnandini Thakkar કહે છે:

    Beautiful lovestory!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s