પવન ચલે પુરવાઈ…….
“ માનવ, નિર્ણય લેતા પહેલા સો વાર વિચાર કરી લે ” નિયતિ બોલી
“ નિયતિ , તારી વાત સાથે હું સંમત છું.મારા મનને મજબુત બનાવ્યું છે ને મક્કમ પણ છું જે મારા દિલ માં છે એજ મન માં પણ છે. ”
“ દિલ અને મન સાથે સમાધાન થયું તે ઘણું ગમ્યું..પણ આપત્તિ અને વિસ્મ્યતાઓ સર્જાય ત્યારે કોની સાથે સમાધાન ને કેવા કેવા સમાધાન પર તોળાવું પડશે. ”
“ અચ્છા એ કહે કે જે કઈ થાય છે કે ઘટવાનું છે એમાં તારો કોઈ ફાળો કે અનુમતિ નથી ? ”
“ કેમ નહિ ..! કંઈક પામવા કંઈક ગુમાવવું પડે તેવું જુનું થઇ ગયું પણ હું એક છોકરી છું ને હજી આપણો સમાજ એટલો અડ્વાન્સ નથી થયો કે બધું એક આંખેજ વિચારે .હું પણ તારા નિર્ણયોમાં સરખી ભાગીદાર છું. આતો એટલા માટે તને પૂછ્યું કે હજી સમય ને તકેદારી આપણા હાથમાંથી સરકી નથી ગઈ. ”
“ તું એવું વિચારી શકે છે કે માનવ દસ ડગલા આગળ વધીને ત્રણ ડગલા પાછો હટશે ? ”
“ નહિ ..બિલકુલ નહિ. માનવ એક તસુ ભાર પણ ના હટે એ માટે નિયતિ એક મોટી દીવાલ બની ને માનવ ને સહારો આપશે.એટલી નાદાન તો નથી કે જીવન ને એક ઉંચા પર્વત પર લઇ જાઉં છું ને તરત જ ઊંડી ખાઈ નજરે ચડે છે.મન ને મજબુત ને દિલ ને શાતા ત્યારે જ વળે કે જયારે તેમને પુરતી આધારશીલા કે મક્કમ પાયાના ધરોહર મળે ! ”
“ તારી એટલી તૈયારી જ મારા મનોબળ ને વધુ દ્રઢ કરે છે ને જાણે છે નિયતી કે આવનારી પળો કદાચ વધુ દુખ કે વિસ્મય જનક હોય ..! પણ તારી ઓંથે ચાલીને વધુ સલામતી અનુભવું છું ”
“ એ બંનેની સામ્યતાએ જ આપણે એ નિર્ણય પર આવી શકયા છીએ. ..હવે ઘણું મોડું થયું છે , ને રાત વધુ ભેંકાર ને બીક આપનારી બને ત્યાર પહેલા ઘરે પહોંચી જઈએ .ને હજી આપણે થોડી તૈયારી પણ કરવી પડશે…ને હા યાદ રહે કે સમય ની એક એક પળ ને જીલવી એ મોટું ડહાપણ હશે ”
“ એકદમ પરફેક્ટ .. ”
માનવ અને નિયતિ છુટા પડ્યા. એટલા થયેલા સંવાદ પર થોડો પ્રકાશ પાડીએ. માનવ અને નિયતી બાજુ બાજુમાં રહેતા હતા.નાના હતા ત્યારે સાથે રમતા ને ઘણી વાર સાથે જમી પણ લેતા.કારણ બંનેના પપ્પાઓ ખાસ મિત્રો હતા.ને બંને ફેમિલીઓ એવી રીતે રહતા કે જાણે સંપ અને સહકાર ના મિશાલ રૂપ હતા.ઢીંગલા ઢીંગલી નો ખેલ ખેલતા બંને બાળકો માંથી હવે યુવાન બની ગયા હતા. ક્યારે બંને એક બીજાને દિલ આપી બેઠા તે પણ ખબર ના પડી.આ તો પડે એક ને પીડા બીજા ને થઈ ત્યારે ખબર પડી કે બંને જીવ એકમેકમાં ઓતપ્રોત થઇ ગયા છે.કહે છે કે પ્રેમ થતા નથી થતો પણ થઇ જાય છે.બચપણથી લઇ આજ સુધી ની સફરમાં બેઉ ફેમીલી ઘણી વાર ફરવા કે પીકનીક મનાવવા સાથે ગયા હશે અને માનવ ને નિયતિ તો દરેક વખતે કેન્દ્ર સમાન હોય ! અંતાક્ષરી હોય કે પકડ દાવ, બંને વગર કોઈને ના ચાલે.
હવે તો માનવ ભણી ને નોકરીએ પણ લાગી ગયો હતો ,જયારે નિયતિ કોલેજ પૂરી કરી ને હળવાશ અનુભવી રહી હતી.બંને વચ્ચે અવાર નવાર મુલાકાતો યોજાતી ઘરે પણ મળી લેતા કોઈને પણ તેમના પર શક નહોતો જતો.જયારે વધુ સમય વાતો કરવી હોય ત્યારે એક પાર્કના ખૂણા માં બેસી જતા.ને કલાકો સુધી વાતો કરતા.આજની મુલાકાત પણ આમાંનો એક ભાગ છે.સંવાદ થોડો રહસ્યમય છે..થોડી સ્પષ્ટતા કરી લઈએ.આમજ એકવાર બંને પાર્કના ખૂણામાં બેસી ને વાતો કરતા હતા કે નિયતિના પપ્પા તેમેને જોઈ ગયા.
“ નિયતિ , મને તારા પર પુરતો વિશ્વાસ છે.માનવ ને તું તો નાનપણ થી સાથે મોટા થયા છો ને તમને ઘરે પણ વાત કરતા રોકવા વાળું કોઈ નથી તો શા માટે લોકો ને બોલવાનો ચાન્સ આપો છો ? ”
“ ઓકે પપ્પા ..” એટલુ જ બોલી ને નીચું માથું રાખી ને નિયતિ તેના રૂમમાં જતી રહેલી. પપ્પાની વાત તેને એકદમ સાચી લાગી. કપડા બદલાવીને બેડ પર આવીને દિલની અંદર એક જાંખી કરી ને કશુક પામવા કોશીશ કરી.આજ પહેલી વાર પોતે અનુભવ્યું કે દિલની ગહેરાઈ આટલી હોઈ શકે !
કેવા કેવા દ્રશ્યો તેની સામે તાદ્રશ્ય થયા !
“ બેટા નિયતી આજ શોપિંગ કરવા જવાની ઈચ્છા નથી થતી. ચલ પાણીપુરી ખાઈ આઇએ, દીદી .. જો ને મારૂ ડ્રોઈંગ બરાબર થયું છે કે કેમ નહિ તો થોડો ટચ કરી આપ ને ! નિયતી બેટા,કલાની શિબિર થોડી બોરિંગ હતી ને ઉનાળામાં ઉટી જઈએ તો કેમ ? નિયતી તારે જવું હોય તો જઈ શકે છે પણ સાથે માનવ ને પણ લઇ જા કયારેક એ ગુમસુમ પુસ્તકોમાં ખોવાઈ જાય છે ” આહ …..કેટલી વિષમતા ! કેટલી પરીમીતતા ! દિલ ના ઊંડાણમાંથી મહા પરાણે બહાર આવી ત્યાં સામે માનવનો ચહેરો દેખાયો કે વળી ચમક ઘસી આવી. આમજ દિવસો પસાર થઈ ગયા.
કેટલીએ વાતો ને કેટલાય પરામર્શો બાદ બેઉ ફરી એકવાર પાર્કમાં મળ્યા
“ માનવ ..તને એવું લાગે છે કે આપણી વચ્ચે કોઈ રુકાવટ છે કે કોઈ અવરોહ ! ”
“ ના પણ તું કે હું માનીએ તેટલું આશાન નથી કે ટીકીટ લઈને બસમાં બેસવા મળે ! ”
“ તુજ કંઈ રસ્તો બતાવ …મારા કરતા તારી બુદ્ધિ વધુ સતેજ છે ”
“ બુદ્ધી ને જવા દે પણ દિલ કંઈ માનવ સહમત નથી..દિલ ને મનાવવા જઈએ તો માનવતા આડી આવે છે ને મન ને મનાવીએ ત્યાં મુશ્કેલીઓ સર્જાય છે. ”
“ તારી વાત સાચી છે ..મને પણ એ વાત નો ડર છે કે આપણા માબાપો કદી આપણા પ્યારની વાત કલ્પી ના શકે ને એ લોકો જાણે તો પહાડ તો ઠીક પણ અસમાન તૂટી પડ્યાની વેદના એ મારું મન પણ અશાંત બની જાય છે. ”
“ એમાંજ તો માનસિક સંતુલન ખોવાઈ જાય છે. ને આપણા દિલ ને મોક્ળાશ આપનારા ને તો વળી જાણતા જ કેમ અન્યાય કરી શકીએ ? ”
“ વાત ને વિરામ આપ ને કોઈ પ્લાન બતાવ ..પણ તારા વગર નું જીવન આ ભવમાં તો શકયા નથી , તેના માટે હું મારા માબાપ ને મનાવી લઈશ પણ તારા પપ્પા કદી રાજી નહિ થાય ..તેમને હું બરાબર જાણું છું ”
“ હું પણ નિયતિ કોઈ પ્રાણીના હાથમાં જાય તેમ નથી ઈચ્છતો ..ને સાચું કહું તો તને અપનાવી ને હું અમર બની જઈશ……એક કામ કરીએ કોઈને પણ જણાવ્યા વગર જતા રહીએ…મને તરત નોકરી મળી જશે ને કોઈ અજણ્યા શહેરમાં જતા રહીશું.પછી મને વિશ્વાસ છે કે આપણા માબાપ માની જશે ખાસ કરી ને મારા પપ્પા..અગર તારી સહમતિ હોય તો..” એક નજર માનવે નિયતિની આંખોમાં નાખી તો તેને એક સાનિધ્યનો આવેગ જણાયો.
“ તારી સાથે પગરણ માંડ્યું છે માનવ..તારા પગલા ની છાપ ને ધ્યાન રાખી ને મારા પગલા ને મજબુત બનાવતી તારી સાથે નીકળી જઈશ..”
“ ઠીક છે …કાલે રાત્રે એક વાગે સ્ટેશન પર આવી જજે નાની બેગમાં થોડા કપડા ને બની શકે તો હજારેક રૂપિયા લઇ લેજે ..હું પણ રૂપિયા લઇ લઈશ ”
“ ડન ”
એક સજ્જડ નિર્ણય લઇ ને પાર્કની બહાર આવ્યા.સૂર્ય પોતાનું તેજ ઓછું કરીને વિલાઈ જવાની તૈયારીમાં હતો ..પવન પણ તેની હાજરી બતાવતો નિયતિના વાળની લટો સાથે મસ્તી કરતો હતો. મન ને મક્કમ કરી ને બંને પોતપોતાના ઘરમાં જતા રહ્યા. પાછળ રહી ગઈ કેવળ પવન ની પુરવાઈ. રાત્રીએ ભીષણ કાજળ આંજ્યું છે. ધીમી ધીમી પવનની લહેરખી લહેરાય છે. રસ્તાઓ સુમસામ ભાસે છે. ક્યાંકથી કૂતરાનો ભસવાનો અવાજ વાતાવરણ ની શાંતિ ચીરે છે. તમરાનો અવાજ પણ ધીમું ગુંજન ઉભું કરે છે. દુકાનો બંધ થઇ ગઈ છે. દુર થી હોટેલ કે કોઈ ઘરમાંથી ગીત નો અવાજ સંભળાય છે ‘ પવન ચલે પુરવાઈ…’
નિયતીએ માનવના હાથની પકડને વધુ મજબુત કરી.ધીરે ધીરે પણ ધબકતા હૈયે બંને રસ્તો કાપી રહ્યા છે ..બંને એ એક નજર પાછળ નાખી ને જ્યાં બચપણ વીતાવેલું તે આંગણ જોઈ રહ્યા.
આંગણ ને દુર કરી ચાલ્યા અમે એક ડગલું
કે લથડાયા કદમો જાણે પંપાળી નેહ પગલું
દિશાઓ અધૂરી રહી ને વન ગયા મન વીતી
ભાન સઘળું ભુલાવી કરમે અકળ બને ગતિ
ભારે હૈયે ને વિવશતા ને ઓઢી ને ચાલ્યા જાય છે ,નથી કોઈ પ્રશ્ન કે નથી કોઈ જવાબ.ખામોશ રસ્તાઓ ને ખામોશ મન ! છતાં મન ને દિલ ના તાલ એવાજ મક્કમ જણાયા.કોઈજ ઉતાવળ તેમના કદમોમાં ના જણાઈ પણ તેમના ભારે હૈયા તેમની જડપને વધારી રહ્યા હતા.આજે સ્ટેશન પણ કેમ જલદી ના આવતું હોય તેમ બંને અનુભવી રહ્યા ! છતા પણ જરાય ઉતાવળ ને આવકાર આપ્યા વગર ચાલ્યા જાય છે.દુર થી સ્ટેશન દેખાયું કે પગલાની ગતિ થોડી વધતી હોય તેમ જણાયું . ઘડિયાળ માં જોયું તો હજી ટ્રેઈન ને અડધો કલાક ની વાર હતી.
“ નિયતિ હજી આપણે ટ્રેઈનમાં નથી બેઠા ..કોઈ…”
“ પ્લીઝ માનવ, અત્યારે મજાક ના કર , તને શું ખબર કે છોકરી માટે ઘર છોડવું કેટલું અઘરું છે. ટ્રેઈન જ્યાં સુધી ઉપડે નહિ ત્યાં સુધી મારું હૈયું થાડાકા મારતું બંધ નહિ થાય. “
“ સોરી ..આ તો કોઈ વાત કાઢવા મેં કહેલું ઘરેથી નીકળ્યા કે બેમાંથી કોઈ બોલતું નહોતું એટલે ”
ને વળી બંને મૂંગા મૂંગા રસ્તો કાપવા લાગ્યા.માનવ ને નિયતિ આજે જીવનની રાહ પર કાયમ માટે એક થવા નીકળી ગયા હતા.હવે તો સ્ટેશન એકદમ નજીક આવી ગયું.સ્ટેશન બહારની ચલ પહલ માલુમ પડતી હતી.બંનેના ધ્યાન માં કોઈ મોટું બોર્ડ જણાયું. દુરથી વેલ્કમ શબ્દ વાંચ્યો , પણ તેઓની દિશાને કેન્દ્ર અલગ હતા.ઝટપટ કોઈ ના દેખે તેમ પ્લેટફોર્મ પર જવા નક્કી કર્યું.પણ પાછું વગર ટીકીટે પકડાઈ જવાનો ડર પણ લાગ્યો નાહક ફજેતી ની સાથોસાથ પકડાઈ જવાનો ડર પણ પેસી ગયો.તેથી ટીકીટ બારી બાજુ જવા પગ ઉપાડ્યા કે દુર થી દેખાતું બોર્ડ ટીકીટ બારી ની બિલ્ડીંગ આગળ દેખાયું. ‘ વેલકમ હોમ ‘ .છતાં એ અક્ષરો બંને ને ચલિત ના કરી શક્યા. પણ જેવો માનવ પગથિયા ચડવા લાગ્યો કે ‘વેલકમ હોમ માનવ અને નિયતિ’ શબ્દો ગુંજ્યા તેતો આવક થઇ ગયો.હાથમાંની બેગ નીચે પડી ગઈ.ને શબ્દો બધા હવામાં થીજી ગયા.આંખો જમીન કોતરી ને નીચે ને નીચે જવા લાગી. જેમ નીચે જતી ગઈ તેમ તમે નદી નો પ્રવાહ વહેવા લાગ્યો.નિયતિ તો પપ્પાના પગમાં ઢગલો થઇ ને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી.
“ ચાલો મારા વ્હાલા બાળકો …વેલકમ હોમ………જયારે માનવે નિયતિને અપનાવી હોય એનાથી તો વળી રૂડું શું ! ”
કોઈ શબ્દો કે આશ્વાશન,પ્રણામ કે કોઈ વ્હાલ બધું એકરસ થઈને બંને પર વરસી રહ્યું ..માનવે ને નિયતીએ મધ્ય રાત્રીએ સૂર્ય ના દર્શન કીધા.