ચિત્કાર (નવલિકા)

                                                                 ચિત્કાર    

કાળાભમ્મર છવાયેલા વાદળો ભેંકારીમા વધારો કરી રહ્યા છે.ધરતીને આંબવા,નહિ નહિ એની પર જજુમવા તત્પર લાગતા હતા કોણ જાણે એ વેરી પવન પણ એમને સાથ આપે છે !ભેંકારતાનો આ ભરડો ઉપદ્રવ ફેલાવવા થનગની ઉઠયો છે.પણ એમને શું ખબર કે આ વેરણ પટ ને સજાવતા કેટલાયે યુગો આથમી ગયા હશે!પવન ના સુસવાટા એમાં વધારો કરવાની સાથોસાથ ભય પણ ફેલાવતા હતા.પણ એમને કશી ખબર નહોતી કે એના ઓથાર તળે ચિત્કાર નાખવા વાળું કોઈ તો નથી. ચિત્કાર ના ભણકારા જાણે ચારેબાજુ સંભળાય છે.

ચારેબાજુ આડેધડ ફેલાયેલી લથબથ લાશો ને નીરખવા વાળું કોણ ? કોઈજ નહિ..ઉપર બેઠો ભગવાન પણ બધાને બીજે ઠેકાણે પાડવામાં લાગી ગયો હશે ?પાપ પુણ્યના લેખા જોખા તોલવા બેસી ગયો હશે. ને સ્વર્ગ નરકનો રસ્તો ચીંધવા લાગી ગયા હશે.તો એય વળી આ બધું જોવા કયા નવરા હોય ! પણ માનવતાની દ્રષ્ટીએ થોડો સમય લઈને એક નજર આ વિશાળ ભર્યા વેરણ પટ પર નાખે તો કેવું સારું ?  ભુલાઈ ગયું એ થોડો માનવ છે કે માનવતા !

લોહીથી લથબથ લાશો લોહીમાં જાણે તરતી હતી.ક્યાંક ખાલી શરીર છે તો ક્યાંક ભુજાઓ વેરાયેલી છે. જેમાં કોઈક ભુજાઓ તો હથિયાર ધારી પણ છે ને મુઠ્ઠી ની પક્કડમાં હજીય ખમીરતા એવીજ પ્રકટ થયેલી દેખાય છે.કયાંક વળી શુરાતનના સમરાંગણમાં જોશ ભર્યા મસ્તકો દાંત પીસીને હજીય કોઈ મળે તો સામનો કરી લેવા તત્પરતા દાખવતા હતા.સમગ્ર પટ એક પળમાં અવશેષનો સંગ્રહ પટ જણાતો હતો. નભમાં ગીધ ટોળા વળી આક્રમણ કરવા આતુર હતા. એ લોકોમાં પણ સરદારગીરી હશે કે કેમ !જાણે કે સરદાર પહેલા જઈને તપાસ કરે ને એના ઈશારા બાદ જ બધાએ તૂટી પડવું.એક ગીધ હિંમત કરી ને નીચે આવ્યું ને એક લાશ પર આવીને બેઠક જમાવી પણ હજી એ જેવું બેઠું કે બાજુની લાશમાં થોડો સળવળાટ થયો.એક અગમચેતીનો પ્રસાર થયો કે ગીધ ઉડીને ઉપર ચાલી ગયું.

એ સળવળતો ઓળો હતો એક યોદ્ધાનો, શુરવીર નો ! એક ઘાયલ નો.પ્રથમ એની આંખો ખુલી કે તે તણાતો હોય તેમ લાગ્યું. ઓહ !!! પોતે તો લોહીના ઘોડાપૂરમાં તણાઈને અહી સુધી આવી ગયો કે શું ??   વાહ રે ! લોકો પાણીમાં ડૂબીને મારતા હોય છે જયારે પોતે તો લોહીના પૂરમાં પણ આબાદ બચી ગયો છે.

મગજ ને કસ્યું..કંઈક યાદ કરવાની કોશિશ કરી….હં યાદ આવ્યું..છેલ્લા ઘણા દિવસોથી પોતે આ સમરાંગણમાં ઉતરેલો..રાજાની પાછળ જીવ રક્ષરાથે તો આવેલો, યાદ આવી ગયું ! શરીર પર નજર કરી હાથને ઉઠાવી મોઢા સુધી લાવ્યો તો લોહીથી ખરડાયેલું જણાયું.બીજો હાથ ઉઠાવીને વાળમાં ફેરવવા પ્રયત્ન કર્યો પણ ..આહ….એક કારમો ચિત્કાર આખા વેરાન પટ પર છવાઈ ગયો. તેનો હાથ કપાઈ ગયો હતો.છતાં અફસોસ ના કરતા વિચાર્યું ને જોવા લાગ્યો કે પેલું ગીધ વળી આવીને કોઈ લાશ પર તો નથી બેઠું. ચોપાસ નજર ફેરવાઈ પણ કોઈ દેખાતું નથી ,સિવાય કે ચારેબાજુ લાશોના થર !

આખા શરીર પર તલવારના ઘા જીલ્યા હતા ભાલો ને ગુપ્તી કે અન્ય પણ પોતાનું શરીર સામનો કરીને વીંધાઈ ગયું લાગે છે.વેદના તો હજી માલુમ નથી પડતી.ઉભા થવાની કોશિશ કરી પણ થોડો ઉભો થયો કે વળી કોઈની લાશ પર પટકાયો.આહકારા ભરતો એ થોડી વાર એમજ પડી રહ્યો.બસ એટલીજ શૂરવીરની અડગતા !કેટલા દીવસો સુધી અસ્ત્રો ના વાર જીલ્યા ને આટલી બધી ના મરદી ! ના મરદીના વિચારે તો એ સડપ દઈને બેઠો થઇ ગયો.પગ ડગમગતા હતા પણ એને ગણકાર્યા વગર બધે નજર ફેરવી..ઓહો…….આ ઘોડાપૂરમાં પોતાનું પણ કેટલુંય લોહી વહી ગયું હશે! ચોપાસ નજર ફેરવાઈ ગઈ..વળી એ ફસકી પડ્યો.પોતે ..અરે રે માત્રે પોતેજ જીવે છે અને એય એકલો પોતે !!!!!  વાહ રે ! ભગવાન ….મને એકને જ જીવતદાન ??? નથી જોઈતું મારે આ જીવતદાન ..ભેળવી આપ મને પણ આ લાશો ના ઢગમાં,નથી જોઈતું મારે જીવતદાન મારેતો શુરવીરતાની ધન્યતા જોઈએ છે.નહિ કે આ લાશો ને નીરખવાની શક્તિ …ને તે ભગવાન ને આજીજી કરવા લાગ્યો.પણ એતો આ બધા ના સરવાળામાંથી કોણ જાણે ક્યારે નવરો પડે ! કેટલી બધી લાશો ઢળેલી છે ને બધા જીવો નો ભરાવો તો ઉપર જ થયો હોય ને !

તેની નજર ફરતી ફરતી એના ભાઈબંધ પર પડી…વાહ !!દશ દુશ્મનના માથા વાઢે  એવો આ નરબંકો કેવો હજી એજ જુસ્સામાં તલવારને વાર કરતી મુદ્રા માં પોઢ્યો છે !ધન્ય છે તને મારા ભેરુ ને જાણે તેને સલામ ભરતો આગળ વધ્યો.દરેક ડગલે આહ્કારા ભરતો જાય છે ને કંઈ કેટલોયે પાછળ ધકેલાતો જાય છે.આટ આટલા વિપરીત કાળમાં હજી તેને પોતાના ઘર વાળા યાદ નથી આવતા. પોતે કોણ છે ?

કેટલાય દિવસનું યુદ્ધ યાદ છે ..જેની રક્ષા કાજે પોતાની  માંએ મોક્લેલો એ રાજાનું શું થયું હશે ? પોતે રાજાના ઘાને જીલતો અડીખમ હતો ત્યાં સુધીનું યાદ છે પોતે કયારે ઘાયલ થઇ ગયેલો તે યાદ નથી..થોડો આગળ ગયો કે એક કારમી ચીસ પાડીને પોકે પોકે રોવા લાગ્યો.. કદાચ ઘાયલ થયો હશે ત્યારે પણ આવી ચીસ એને નહિ પાડી હોય.ડોળા ફાટેલ રહી ગયેલ એમનું મસ્તક દુર જઈને પડેલું દેખાયું.ઓહ…એક ઘેરો ઉદગાર નીકળી ગયો.જઈને તે રાજાના મસ્તકને ઉઠાવવા પ્રયત્ન કર્યો પણ તેનો એક હાથ કપાઈ ગયો હોઈ,ઘેરા ચિત્કાર સિવાય તે કશું ના કરી શક્યો.એક હાથે તેને રાજાની આંખો બંધ કરી  ને ગાલ પર હાથ પસારવા લાગ્યો.વળી તે જોવા લાગ્યો કે એમનો દેહ કયા ??

હમ …આજ લાગે છે ..આ ગીધના ટોળા તો બસ, બધાની ઉપર જજુમવા તૈયાર જ છે. મારે રાજાની આંખને ગીધની ચાંચ વડે નથી ખોતરાવા દેવી. 

વળી કપાયેલ હાથ એમની રક્ષા કરવા ગયો એમ માની ધન્યતા અનુભવવા લાગ્યો.પોતાના પિતાજી ની યાદ આવી ગઈ ..પગમાં જોમ આવી ગયું..ચહેરા પર જુસ્સો છવાઈ ગયો..નસો તેજ બની ને અધીરતા વધી ગઈ.પોતાના વ્હાલા પિતા ક્યાં હશે ?લગભગ દોડતો હોય તેમ એ ચોફેર નજરોને ઘુમાવતો ચાલવા લાગ્યો..લંગડાતો લંગડાતો ફરી એ ધરણી પર પછડાયો…ફસકી પડ્યો….અરે રે !!! મોટાભાઈ સાથે પિતાજી પણ સ્વર્ગે સિધાવી ચુક્યા છે.પોતે એકલો જ બચ્યો છે…..પિતાજીનો પોતે લાડલો હતો. રાજાના દરબારમાં કારભારી પિતાજી ખુબ માનીતા હતા.વળી રાજાને તો પોતાના પર કેટલો ગર્વ હતો.તેથીતો રાજાએ યુધ્ધમાં આવવાની ચોખ્ખી ના જ પાડેલી.પિતાજી પણ પહેલા નહોતા માનેલા ,મોટાભાઈએ કહ્યું કે તે હોય પછી મારે નથી જરૂર ..ઘરમાં પણ કોઈ રખેવાળ જોઈએ ને ! ત્યારે રાજાએ પણ સંમતિ આપેલી  ‘ અલ્યા હા , ખરી વાત છે અમે કદાચ યુધ્ધમાં કામ આવી ગયા તો અમારી લાશોને ઉચકવા વાળું તો જોઈએને ! ‘  વળી પાછો તે ગદગદિત બની ગયો.પોતાનામાં હતી એટલી હામ બધી લોહીપુરમાં વહી ગઈ.હવે કોઈની લાશ ખભે નાખી ને ઉપાડવા સક્ષમ નથી. લાશને જોઇને અરે! ભલા વડે આ આંખો ને પણ ફોડી નાખવાનું મન થાય છે.ને એ નરબંકો શુરવીર કે જેને દિવસો સુધી દુશ્મનોના ઘા જીલ્યા છે,એ પોકે પોકે રડી પડ્યો…પણ એનું રુદન સંભાળે કોણ !!!!    એને છાનું રાખે કોણ ????  રુદનથી એ વેરાન સમરાંગણ પટ એકદમ શોકમય બની ગયો.એના રુદનથી તો એ ગીધનું ટોળું પણ રુદન કરવા લાગ્યું ને શોક મનાવી તે બધા ગીધો બીજા શિકારની ખોળમાં ઉપાડી ગયા.

પિતાજીનો લાડકવાયો દીકરો ..પણ નહિ માતાજી બોલેલા ‘ નહિ.. મારે મારી કોંખ નથી લજાવવી.. જા ફતેહ કર..રાજાની રક્ષા કર …રાજા હશે તો રૈયત ઉજળી..રૈયતનો મોભી જીવે તો બધાનું પાલનહાર કરે ‘

વળી પછી પોતાની પત્ની….કેટલી સમજદાર !ભોગવિલાસ કે કંઈ પણ વસ્તુનો વિચાર કાર્ય વિના પળમાં એને તિલક કરી ઓવારણાં રૂપે ફતેહના આશીવચનો ભેટમાં ખોસી આપેલા પણ એ બધા આશીવચનો ભેટથી વેગળા થઈને ઘોડાપૂરમાં ક્યાય વહી ગયા.

પણ હં…પોતાની હયાતે ,પોતે રાજાના બધા જ ઘા જીલતો હતો.તેમને ઉની આંચ નથી આવવા દીધી.ને એ ગજરાજ જેમ છાતી ફૂલાવતો ઉઠ્યો.ચારેબાજુ એણે નજર ને ફેરવી ને જીણી નજરે જોઈ લીધું કે એના જેવો બીજો કોઈ અભાગી નથી જીવ્યો ને કે જેને આ કારમાં ઘા વચ્ચે ચાલીને લોહીપથ કાપવો પડે !એની નજરમાં કોઈ બેલી ના દેખાયો..ચારે બાજુ ભયંકર ચિત્કાર સિવાય કશું નહોતું દેખાતું.ક્યાંક એના ભાઈબંધો પડેલા હતા તો ક્યાંક એ મોડ્બંધી વહુના ઘેલા જુવાનડા તણાતા હતા. તો કોઈ ,મારા બાપા કાલ આવશે ને ને કેટલુય ખાવાનું ને લૂગડાં લઇ આવશે એમ ધરપત આપીને આવેલા શુરવીરો મોતને ભેટીને ધૂળમાં રગદોળાઈ ગયા છે.ને વળી ઘરે ભાઈ કે બાપની રાહ જોતા બાળકો ની મનોદશાની કલ્પના કરતા તો એનું મગજ બહેર મારી ઘેરા વમળ માં ફસાઈ ગયું.ચારે બાજુ એને ભણકારા સંભાળવા લાગયા ..મારો…કાપો….પકડો….માર એ સુવર ને ..ભોડું ઉડાડ એ ભડવીર નું ક્યારનો કાલો થતો તો…ભયંકર અવાજોથી એના કાનમાં બહેરાશ અનુભવાતી લાગી.

અરે !!!! આતો ભણકારા નથી..સાચો અવાજ છે ડુસકા ને રોકી એણે અવાજ ભણી દ્રષ્ટિ કરી અરે ! આ તો ગામની સ્ત્રીઓ નો અવાજ છે પોતાને જીવિત જુવે તો ….???

પોતાની માતા ગળે લગાડશે કે ધુત્કારશે ?? પત્ની રાજી થશે કે ગીન્નાશે ..?

ના ……..ના…..કદાપી નહિ…..ત્યાં એની પત્ની દેખાઈ એનો સફેદ લિબાસ દેખાયો…સિંદુર વિનાની સેંથી દેખાઈ ..નહિ…………………….ને એક કારમો ચિત્કાર ઘોડાપૂરમાં વહી ગયો                           

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing a sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in નવલિકા. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s