ભાગ લાલો આવ્યો ! (હાસ્યલેખ)

                                                         ભાગ લાલો આવ્યો !  

કોલેજમાં એક મિત્ર શાહપુર થી આવે. નવો નવો આવેલો ને થોડો વટ મારવાની ઠાવકાઈ ખરી !  ને એમજ માને કે ક્લાસ માં તેના જેવો કોઈ દેખાતો નથી.ક્લાસમાં અડધા આઉટ ઓફ અમદાવાદ ના હતા. ને અમે લોકો અમદાવાદીથી થોડા પ્રભાવિત ખરા ! ખાસ કરીને એમની શુદ્ધ બોલીથી. ગુજરાત આખામાં કદાચ અમદાવાદની બોલી ને સુરત ની ગાલી બેય એટલાજ પ્રખ્યાત.બાકી કોઈ લોકો બોલી માં વધારાના કાના માત્રા લગાડે ને કોઈ લોકો કાના માત્રા ને કાઢી ને બોલે.અત્યારે આપણે સુરત ફરવા નથી જવું ટ્રેન નો સમય અત્યારે અમદાવાદ નો છે. શાહપુર નો મિત્ર વિવેક , પણ અમે એને શાહપુર થી જ ઓળખીએ.નવો નવો કોલેજમાં આવેલો તે હાઇસ્કુલ માંથી બહાર નહોતો આવ્યો… બેગ લઈને આવે ને બેગ ઉચકાય પણ નહિ એટલી વજન વાળી.તો કોઈ એને બોલી ગયું  ‘શાહપુર ..હવે તું કોલેજમાં આવ્યો આવી બેગ કેમ ? ’

ને બીજા દિવસથી બેગ બંધ ને હાથમાં બુકો લઈને આવવા લાગ્યો. બધાને ખબર હશે કે સાયન્સ ની બુકો કેટલી મોટી ને ભારે હોય ! ને એમાય અમે બધા ઈંગ્લીશ મીડીયમ વાળા, એટલે અમારી બુકો બધી રેફરન્સ વાળી..ક્લાસ માં પણ મોડો આવે ને આવે એટલે પરસેવે રેબઝેબ કારણ કે બધી બુકો નો વજન આશરે મણ જેવો ખરો ને વળી પાછો થોડો એય જાડિયો ને અમારો ક્લાસ ચોથા માળે, લીફ્ટ અમે આવ્યા એજ વર્ષે બંધ થયેલી એટલા અમે નસીબદાર ખરા !હાંફતો આવે ને બેંચ પર બુકો પછાડે ને ફૂંકથી જ મોઢા પર હવા મારતો જાય ને ક્લાસમાં બધા સામે જોતો જાય.ને મનમાં ફુલાતો જાય કે ક્લાસમાં કેવો પોતાનો વટ છે ? ઘણા સમય પછી એને ખબર પડી કે એની પાછળ બધા હસતા રહેતા.તો કોઈ વળી એનો અંગત દોસ્ત મજાક માં કહેતો  ‘આના કરતા ફૂલી ની નોકરી કરીને વજન ઊચક તો બે રૂપિયાય મળી રહે ’

પણ અમથો એને અમે શાહપુર કહેતા,ખુબ બુદ્ધિ વાળો આટલું કહેવા છતાં એટલું જ બોલે ‘મારા બાપાએ ભણવા મોકલ્યો છે નોકરી કરવા નહિ ’ ને અંતે ના છુટકે આખા ક્લાસને હસવું રહ્યું.

એકવાર ‘શાહપુર’ (શાહપુર એટલે વિવેક ) ત્રણ દરવાજા નજીક ખરીદી કરવા ગયો.કયારેક કશું પણ ના ખરીદવું હોય પણ સારી સારી છોકરીઓ સેલ કરતી હોય એટલે ભાઈ ને મજા આવે.દુકાન કે એમ્પોરિયમ માં જાય એટલે સારા કપડા નહિ સારી છોકરીઓ છે કે કેમ જોઇને પછી જ અંદર ઘૂસે. ને પાકો અમદાવાદી.આમજ એક એમ્પોરિયમ માં ઘુસ્યો,રોજ તો કોઈને કોઈ સાથે હોય પણ આજે એકલો જ હતો. અંદર ગયો ને જઈને સારી દેખાતી છોકરી પાસે જઈને આમ તેમ જોવા લાગ્યો.

‘ શું લેવું છે ..ભાઈ …? ’

પેલી એ ભાઈ કહ્યું એમાં તો અડધો ઢીલો પડી ગયો. એને આસપાસ શું જોયેલ એ પણ ભૂલી ગયો ને શું જવાબ આપવો ..! વળી એને ટેબલ પર નજર દોડાવી તો ટી-શર્ટ દેખાયા  કે બોલી ગયો ‘ટી-શર્ટ ’

વારા ફરતી પેલી દેખાડવા લાગી પણ આજે એનો મુડ કઈ ઓર હતો તે કોઈ કાળે ટી-શર્ટ સિલેક્ટ કરે નહિ.ઘણા ટી-શર્ટ બતાવ્યા ને પેલી થાકી ગઈ પણ આ શાહપુરના દરવાજા જેમ અડગ ઉભો હતો. વળી એને શું ટીખળ સુજી કે બોલ્યો ‘ આતો  મારા ફાધર ના સાઈજના બતાવ્યા ‘

તો પેલી પણ એની માથાની નીકળી ‘ પહલા એ નક્કી કરો કે તમારા માટે જોઈએ છે કે  તમારા ફાધર માટે ? ’

એટલું સાંભળતા તો એવો ભાગ્યો કે એક પગથીયું પણ ચુકી ગયો ને કોઈ બેન સાથે અથડાયો ને એય પાછી કાઠીયાવાડી બેન સાથે ‘ મારા રોયા જોતો નથી ..દવ સુ હમણા એક ઉંધા હાથની ’

ને એવો ભાગ્યો કે શાહપુર ના દરવાજા સુધી એક શ્વાસે નાઠો.ત્યાર પછી કોઈ એમ કહે કે ‘ચલ શાહપુર પેલા એમ્પોરિયમ માં નવી નવી છોકરીઓ આવી છે ‘

‘ ના ના હમણા ઘણી ખરીદી થઇ ગઈ છે. ’

પણ જેટલો જાડિયો એટલોજ ભોળોય ખરો ..કોઈને વાત કરી બેઠેલો તેથી બધા હવે તો જાણી જોઇને ખીજવતા. એય અમસ્તો થોડો શાહપુર કહેવાતો !  લઠ ચામડી નો. હસી ને બેંચ પર બેસે ને જયારે એ બેંચ પર બેસે ને ત્રિપાઠીસર લેકચર માટે આવે ને ત્રિપાઠીસર ને એની સાથે બારમો ગ્રહ ‘ તને કેટલી વાર કીધું …’ અટકી ને બધા સામે ફરીને પૂછતાં ‘ શું તમે એને કહો છો ?’

‘ શાહપુર ’ આખો ક્લાસ જાણે જંગ જીત્યા હોય તેમ એકસાથે બોલી ઉઠયા સાથે છોકરીઓ પણ ખરી. આથી  ‘ શાહપુર ‘ કહી ને જીણું જીણું હસી ને એને માફ કરી દેતા

 ‘હવે નીચે તો બેસ ..કેવો…શાહપુર ..’ ને આખો ક્લાસ ખડખડાટ હસી પડતો. આમાં મુશ્કેલી એ ઉભી થતી કે અમે ત્રિપાઠી સરનું હસતાં કે શાહપુર નું એની સમજ કોલેજ પૂરી થઇ ત્યાં સુધી ના પડી. એવોજ એક બીજો ભોળ્યો મિત્ર હતો અમારી હોસ્ટેલમાં નામ એનું કનું.બહુ ભોળો રીયલ માં ભોળો શાહપુર જેવો નહિ. શાહપુર તો ભોળા ની સાથે ક્યારેક ભૂંડો ય ખરો. એને લાગે કે એની રીલ ઉતરી રહી છે એટલે ભૂરાટો થાય ને મારા જેવા દુબળો પાતળો દેખાય તેની ઉપર દાજ કાઢે.પણ કનું ખરેખર ભોળો !

અમે લોકો અવારનવાર થલતેજ ગામના છોકરાઓ સાથે ક્રિકેટ મેચ રાખીએ.પછી તો એ લોકો અમારી હોસ્ટેલમાં ય આવતા થોડી ગમ્મત કરી ને વળી ચાલ્યા જાય.મને એકવાર શક ગયો કે અઠવાડિયામાં બેવાર આ લોકો નવરા કેવી રીતે થઇ જાય છે ને અહી દોડ્યા આવે છે !આથી એક વાર મારાથી પુછાઈ ગયું કે  ‘ રાતે તમે લોકો ટીવીના જુઓ ? ’

‘ ટીવી માં રોજ નું રોજ એક જેવુંજ લાગે એના કરતા ફિલમ ના જોઈએ ’

‘ રોજ રોજ ફિલમ ના પૈસા થોડા પોસાય ? ’

‘ પૈસા આપવા હોય તો પોસાય ને ’

મને એ ગહન વાત ના સમજાઈ એટલે ચાલુ પ્રવચને ભક્ત પ્રશ્ન પૂછે તેમ મેં પૂછ્યું. ’

‘ જરા મને વિગત વાર સમજ પડે એવું  કહીશ ? ’

‘ એમાં વિગત કેવી ને વાત કેવી બે, આવું હોય તો ચાલ ને ’

એટલે હું તો થઇ ગયો તૈયાર ..ખાલી લેંઘો જ બદલાવાનો હતો. થઇ ગયો એમની સાથે પણ બધા તો સિનેમાના રસ્તાને બદલે તેની દીવાલ બાજુના રસ્તે ફંટાયા એટલે થોડી ફડક પડી.મેં તો માનેલું કે કોઈ લાલો એમનો જાણીતો હશે એટલે મફતમાં ફિલમ જોવાઈ જાય !

‘ અલ્યા આ બાજુ ક્યાં ? ’

‘ ફિલમ જોવા ..વગર પૈસે તો ત્યાજ જવાનું હોય ને ? ’

છતાં હજી મારી દ્વિધા જેવી ને તેવીજ હતી કઈ સમજાતું નહોતું,છતાં તેમની સાથે ચાલવા લાગ્યો. જેવી દીવાલ આવીકે જે લાંબો છોકરો હતો તે ફટ ફટ કરતો ને દીવાલ ઉપર ચડી ગયો ને ઉપરથી પગ લબડાવી ને મને કહે ‘ ચલ રીત્યા ’

હું તો બાઘાની જેમ જ ઉભો ઉભો બધા ખેલ જોતો રહ્યો ને ત્યાં તો એકે મને બે પગ વચ્ચે હાથ નાખી ને જાણે એવો ઉપર કર્યો કે મારાથી પણ થોડી હિંમત ને ગભરાટ કે બધું ભેગું થયું કે ઉપરચડી જવાયું.

‘ હવે ધીમેથી બે હાથે નીલગીરીના થડ ને વળગી ને નીચે ઉતરી જા ’

હું તો સડસડાટ ઉતારી ગયો.મને મજા પડી ગઈ ને પહેલી વાર મફત માં ફિલમ જોવાનો સ્વાદ ચાખ્યો.

પછી તો લગભગ અમે પણ તેમની સાથે હોય કે ના હોય એકલા પણ ફિલ્મ જોતા થઇ ગયા.ને સન-સેટ સિનેમા ના અમે જાણે મહેમાન જ બની ગયા.ઘણી વાર ની ઉત્કંઠા ને તોડતા કનું એ પૂછ્યું’ અલ્યા તમે રોજ આમ જાન્ખરામાં ચ્યા જાવ સો ? ’

‘ કનું તને ખબર છે અમે રોજે મફત માં ફિલમ જોવા જઈએ છીએ ’

‘ મફતમાં ????  કેવી રીતે જાવ છો ? ’

એટલે અમે બનાવેલી મફત ફિલમ જોવાની પધ્ધતિ એને બતાવી. તોય એને નિર્દોષ ને ભોળો સવાલ થયો.  ‘ કદાચ તમે નીલગીરી નીચે ઉતર્યા પછી કોઈ જોઈ જાય કે પકડાઈ જાવ તો ? ’

‘ કશું નહિ ..કહી દેવાનું ..ઈમરજન્સી આવી એટલે બાથરૂમ દુર હોઈ દીવાલ પાસે આવેલો. ’

ને તેને આખી વાત ગળે ઉતરીગઈ ને જોમ માં આવી ગયો.એક દિવસ તૈયાર થયો ,ભગવાન ને બે દીવા કરી ને થયો સાબદો.દિવાલ પર બધા ચડી ગયા પણ તે ચડી ના શકે .એક તો તેની હાઇટ ઓછી..       

જેમ તેમ કરી ને ચડ્યો ને માંડ માંડ ઉતરી શક્યો. તે જેવો ઉતરી રહ્યો કે એ કે બુમ મારી

‘ ભાગ લાલો આવ્યો ’ ને પાછો ઝાડ પર ચડવા માંડ્યો એટલે કોઈકે વળી પકડી ને કીધું કે ભૂરિયો તને બિવરાવે છે એટલે પાછો ગીન્નાયો ‘ તારી માંના ભુરીયા કાલ મફત ની ‘ સા’  પીવા આવજે ..’

પછી તો કનું ને મજા પડી ગઈ હિંમત પણ આવી ગઈ .વળી બીજી વાર જવા માટે તૈયાર થયો. આવી ને મને કહે ‘ રીતેશ હાલ ને પીચર જોવા ’

‘ ના , મારે એક્જામ છે કોઈ બીજા ને લઇ જા ’

એમ ડાહ્યો ખરો માની ગયો ને બધાને પૂછી ફર્યો પણ કોઈ આજ જવા તૈયાર નહોતું.પણ આજ સિનેમા જોવાનો ફુલ મુડ હતો તે ઉપાડ્યો એકલો.ફોર્મ માં ને ફોર્મમાં ભગવાનને દીવા કરવાના પણ ભૂલી ગયો.

મહાન સેનાપતિ ધીરે ધીરે દુશ્મન ની છાવણી માં ખડગ પકડી ને જતો હોય તેમ કનું મહારાજ દીવાલ ચડે છે બે ત્રણ કુદકા પછી ચડી ગયો.ને બે હાથે નીલગીરીના થડ ને પકડ મજબુત આપીને સર..ર…લપસી ને નીચે આવ્યો જેવો એક કદમ આગળ ગયો કે હેબતાઈ ગયો.કોઈએ પાછળ થી કોલર પકડી ને ઉભો રાખ્યો.ને થોડો ઘણો ખ્યાલ આવ્યોકે કોણ હોઈ શકે ? તરત મગજ માં પેલો જવાબ આવી ગયો ‘ સાયબ હું ..ઈમરજન્સી હતી તો ….’

‘ ડફોળ…ઝાડ પર ચડ્યો તો ઈમરજન્સી પતાવવા ? ’

ને  બે ત્રણ ડંડા ની પ્રસાદી પછી મહારાજ છૂટ્યા. એના નસીબે ય ભૂંડા કે કોઈને વળી રાત્રે એનું કામ પડ્યું તો રૂમમાં તપાસ કરી તો કનું મળે નહિ. તો કોઈએ વળી કીધું કે

‘ કનું તો સન-સેટ માં ગયો છે , ને તે પણ તે એકલો ’

‘ એકલો અને એય ફોસી કનું ??? ’ બધા નવાઇ પામતા ભેગા થઇ ગયા આતો હોસ્ટેલ કલ્ચર !

ત્યાતો કનું દેખાયો..બરડો ખંજવાળતો ને પીઠ પસારતો ધીરે ધીરે ચાલ્યો આવે છે મનમાં નક્કી કરી ને આવે કે છાનો માનો રૂમમાં ભરાઈ જઈશ પણ જેવો લોબીમાં આવ્યો ત્યાંતો અમને બધાને જોયા. ને શરમ થી માથું જુકાવી ને કંઈ પણ બોલ્યા વગર ચાલવા લાગ્યો. આ ઘટના કંઈ નાની એવી નહોતી , બધાને ખબર પડી ગઈ. કોઈ પૂછે એટલે કનું કહેતો કે ‘ ભગવાન ને દીવા નહોતા કર્યા ને એટલે ’

મુખવાસ :   કોઈ મૂરખ બીજાની મૂર્ખાઈ પર હસે એટલે તો સૌએ હસવુજ રહ્યું ’ 

 

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing a sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in હાસ્યલેખ/ જોક્સ. Bookmark the permalink.

2 Responses to ભાગ લાલો આવ્યો ! (હાસ્યલેખ)

  1. Jiten Shah કહે છે:

    Ghana samay pachhi LALO shabd sambhalyo….kharekhar lightly hasynu humour ubhu karel chhe…thank you sir.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s