ચબુતરો (નવલિકા)

ચબુતરો  (નવલિકા)

લખતા પહેલા થોડુંક ચબુતરા વિષે લખવાનું ટાળી શકતો નથી.નવી પેઢીના આગમને જુના સંસ્મરણો વિલાતા જતા હોય તેમ લાગે છે.ઘણા સમયથી ગામડાની મુલાકાત લેવાનો અવસર નથી મળ્યો.પણ મારી ધારણા મુજબ હાલના ગામડાઓ પહેલાના જેવા નથી રહ્યા.અને નાના ભૂલકા પણ મોબાઈલથી ગેઈમ રમતા થઇ ગયા છે.ઈંગ્લીશ મીડીયમ માં ભણતા છોકરાઓ હવે ખીર અને શીરાપુરી ની વાર્તામાંથી કેક અને પીઝા બર્ગર થી રોઝી અને એન્જલ વિષે ભણતા થઇ ગયા છે.મારા મત પ્રમાણે એક આદર્શ મતલબ નોર્મલ ગામડામાં એક શિવ,હનુમાનજી અને રામજી મંદિર કે ચોરો હોય, ગામની વચ્ચે એક મોટો ચોક હોય અને ચબુતરો હોય ! ગામને પાદર તળાવ, કુવો અને કોઈ ગામ પાસેથી નદી વહેતી હોય !જો આ બધું હોય એટલે તે ધરતી પરનું સ્વર્ગ ગામ !ચબુતરા વિષે કોઈ અજાણ નથી,નીચે ચિત્ર આપેલ છે.જ્યાં ઘઉં,બાજરી,મકાઈ કે જુવારના દાણા નાખવામાં આવે છે જેથી ગામ આસપાસ રહેતા પક્ષીઓ આવીને દાણા ખાય છે અને એક અનોખી એકતા પણ બતાવે છે.
                                                                                  
કસુંબી નો રસ પીને મોઢું મલકાવતો સુરજ ડાડો ધીમેથી પૃથ્વીના પેટાળમાંથી ‘હાઉકલી’કરતો માથું ઉંચો કરતો પ્રગટ થયો છે.ત્રામ્બલ વર્ણો તડકો ધરા પર ઢોળ્યે જાય છે.પક્ષીઓ માળામાંથી ઉડીને જવા લાગ્યા છે.કુતરાઓ પૂછડી પટ પટાવતા ક્યાંક ખાવાનું મળે તે આશાએ એક શેરીથી બીજી શેરીઓમાં રખડે છે.છોકરાઓ આંખો ચોળતા ખભે દફતર ભરાવીને જાય છે.બળદોના ઘૂઘરા ખેતરે ખેતરે રણકી રહ્યા છે.ઘમ્મર વલોણા નો અવાજ શમી ગયો છે.પનીહારીઓ માથે બેડા મુકીને પાણી ઘરભેગું કરી લેવા પગની જડપ વધારી રહી છે.વૃદ્ધાઓ નાના નાના ભુલકાને ઘોડિયે ઊંઘાડી રહી છે જેનો, કયાંક કિચુડ કિચુડ અવાજ આવે છે. ધીમો પવન લહેરાતા પાકને સાંત્વના આપી રહ્યો છે.માળામાં લપાઈને કબૂતરો ઘુ ઘુ ઘુ કરતા અનાજના ભેગા કરેલા દાણા ચણી રહ્યા છે ને વચ્ચે તેમના નાના ટબુડીયાવને પણ દાણા ચાંચમાં આપીને ધરપત અનુભવે છે. ચબુતરામાં પણ ઘણા પક્ષીઓ નો કલબલાટ આવે છે.
વ્હાલી બેનડીઓ એ ભાઈઓને રાખડી બાંધી છે ને ભાઈઓ પણ પોતાની ફરજ રૂપે બ્હેનોને ખુશ કરી છે.પાછળ પાછળ સાતમ આઠમના તહેવારો આવ્યા.મેળાની રમજટે રાસડાઓ લેવાયા.ને કાળીયા ઠાકરની જન્માષ્ટમીની રાત્રે ‘નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકીના’ નાદ થયા.એક અનોખી એકતા ને ભક્તિભાવ ના હુબહુ દર્શન થયા.તો પાછળ વળી ઋષિ પાંચમે પિતૃતર્પણ ને ચક્ષુ તર્પણ ને માતમે રૂડા તરણેતર ના મેળે ગયા.હજી તો મેળાનો થાક ઉતર્યો નથીને અભેરાઈએ પડેલા દાંડિયા ને ઢોલકો ને નીચે ઉતારવાનો અભરખો થનગની રહ્યો !નવરાત્રી ને ઉજવવા ગામ આખું ઉત્સાહિત છે.ખેડૂત લોકો વહેલા વહેલા પરવારી ને ખેતરેથી પાછા ફરે છે.ગામનાં ચોકમાં રૂડો ચંદરવો બંધાયો છે.છોકરાવ અને જુવાનીયા થનગની રહ્યા છે.સમગ્ર ગામ એક માતાજીની ભક્તિના ઓછાયા નીચે નાહી રહ્યું છે.મા અંબા,જગદંબા,મહાકાલી કે બહુચર ને ભજતા ભજતા ગરબા ગવાય છે.ઢોલક,ત્રાગા ને ઝાંજના તાલે ને તાલીઓના સથવારે રૂડા ગરબા થકી સરળ અને પવિત્ર ભક્તિ ભાવને ધ્યાન માં લઇ ગામ આખું તલ્લીન છે. નાનેરા થી લઇ મોટેરા સુધીનાએ, ઉલ્લાસથી ભાગ લઈને નવરાત્રીની પહેલી રાતને વધાવી લીધી.એકબીજા સાથે અથડાય તેવો માહોલ ઉભો થઇ ગયેલો ને તેથીજ તો બીજા દિવસે ચોક ની વચ્ચે એક ચર્ચાના વિષયને અવકાશ મળી ગયો.
‘ સાલું રાત્રે ઘણા લોકો થઇ ગયા. ’
‘ હા મનુભાઈ, હજી સુધી મેં આટલા લોકો ગરબા ગાવા આવે તેવું જોયું નથી.’
‘ સાચી વાત છે પણ આતો માતાજીનો રૂડો પાવન પ્રસંગ છે,કોઈ કોઈને થોડું ના પડી શકાય ! ’
‘ તદ્દન ખરું ’  એકે સુર પુરાવ્યો. ત્યાં ગામનાં સરપંચ આવતા દેખાયા.
‘ લો આ આવ્યા સરપંચ ’ મનસુખ બોલ્યો.થોડો ઉતાવળો ખરો !
‘ કનુભાઈ કેવી રહી રાત્રે ગરબાની રમજટ ? ’
‘ અરે ! ખુબ મજા આવી, હેય મજાના વાલીડાઓ ખુબ રંગમાં હતા. ભારે મજા આવી ’  સરપંચ કનુભાઈએ સાદ પુરાવ્યો.
ધીરૂભાઈના મગજમાં જે વાત હતી તે કોઈના મગજમાં આવતી નહોતી. સૌ કોઈ બીજી વાતે વળગતા લાગ્યા એટલે ફરી પાછું ધીરુથી બોલ્યા વગર ના રહેવાયું.
‘ તમને એવું ના લાગ્યું કે ગરબા ગાતા ગાતા એકબીજા અથડાતા હતા ? ’
‘ નવાઈ છે કઈ, આટલા લોકો હોય તો એવું થવાનું જ ’
‘ હા યાર, અને મારા મત પ્રમાણે હર વરશ ધીમે ધીમે ગરબાનું ચક્કર મોટું થતું જાય છે. ’  અત્યાર સુધી ચુપ જેઠો બોલ્યો.
‘ ખરી વાત છે. ’  ને કનુભાઈએ લમણે હાથ રાખ્યો ને વિચારવા લાગ્યા.
‘ એક કામ ના થાય, ભાગોળે ઘણું મોટું મેદાન છે,ત્યાં રાખીએ તો કેમ ? ’  જીવાભાઇએ પોતાનો મત પ્રગટ કર્યો.
‘ ના જીવાભાઈ, માતાજીનું સ્થાનક ફેરવાય નહિ.બાકી મેદાન મોટું છે એમાં બે મત નહિ. ’   એક વડીલ બોલ્યા.
‘ કાકા એ શક્ય નથી આપણે ગામની બેનો અને વહુવારું નું પણ વિચારવું પડે ! ’  સરપંચ બોલ્યા.
‘ એક બીજું કામ કરીએ મારું સામે દેખાય તે ઘર પડું પડું થઇ રહ્યું છે. હતું કે એકાદ દીકરો કપાતર પાકશે તો આ મકાન માં રહેવા આવશે.પણ માતાજીની અપાર કૃપાએ બધા ભેગા જ છીએ. મકાન પાડી દઈએ, એટલે ચોક થોડો મોટો થશે. ’  ધના સુથાર બોલ્યા. ને હાજર લોકો વાહ વાહ પોકારી ઉઠ્યા.થોડી પળો મૌન છવાઈ ગયું.
‘ ના ભૈલા, એવું નથી કરવું.કાલ ઉઠીને તમારે ઘરની બીજી કોઈ જરૂર પડી તો પછી ઉભું કરવું અઘરું છે.’ કનુભાઈ બોલ્યા.
‘ સૌની મરજી બાકી માતાજીના કામ માટે હું તૈયાર છું. ’
‘ નહિ પણ તમે થોડો તાગ બતાવ્યો ધના ભાઈ ! ’
‘ આ ચબુતરો ઘણો જુનો થઇ ગયો છે તેને પડી દઈએ તો ?  ’  એક યુવાને નવો વિચાર આપ્યો. ‘
‘ કંઈક વિચાર જુવાનડા, આ પક્ષીઓનો વિસામો છે એ થોડો પાડી દેવાય ? ’  એક વડીલ ત્રાડ નાખી ને ગર્જી ઉઠ્યા.
‘ તને  નહિ સમજાય એ ચબુતરાની મહત્તા, ઘણી વાર મારા છોકરા પાસેથી મેઘાણીની ચોપડીયું ની વાર્તા સંભાળું છું. અરે ! ગામડે ગામડે ફરીને આપણી સંસ્કૃતિ અને આ  ધરતીમાં ધરબાયેલા વીરોને શણગારેલ છે. કોણ જાણે હવે કોઈ એવો વીર નીકળે કે આપણા ગામે આવીને આ ચબુતરા પાછળ છુપાયેલ એક નક્કર વાસ્તવિકતા ને દુનિયાની જાણમાં આવે તેવું લખે !  ’ એક અહાકારો નાખતા જીવાભાઈ બોલ્યા.
‘ કઈ સમજાયું નહિ જીવાબાપા ’  યુવાને પૂછ્યું.
‘ તને નહિ સમજાય વિરા, ચબુતરાને અડીને જે મોટો પાણો દેખાય છે તે કોઈ સમાન્ય પાણો નથી ’  
‘ મતલબ , જીવાભાઈ એનીતો મને પણ નથી ખબર. ’ જેઠાએ કહ્યું.
‘ મને પણ બહુ આખી વાત નથી ખબર પણ એટલી ખબર છે કે ગામની જે ભેંકાર હવેલી છે તે બાપા ની કંઈક વાત છે, જીવાબાપા આજ કહો તો વાતની બધાને જાણ થાય !  ’  કનું સરપંચે ટાપસી પૂરી આપી.
‘ મારી ઉંમર લગભગ બારેક કે તેર વર્ષ ની હશે. મને અત્યારે ઈ બાપાનો અણસાર ઝાંખો ઝાંખો યાદ છે. ’  જીવાબપા અટકી ગયા.કે બધા એકસાથે બોલી ઉઠયા
‘ બાપા કહો જેવું યાદ હોય તેવું આજ બધાને એની જાણ થાય ! ’
‘ ઠીક છે, કાન્તીબાપા એમનું નામ,પાંચ ગામમાં એમની શાખ.કદાવર અને ગજબના હિમ્મતવાલા, કાઠીલા ને ખંતીલા.રાજાના દીવાનના એ ભાણેજ થાય એટલે બધી રીતે ભગવાન મહેરબાન પણ એક વાત ની ખોટ કે ભગવાને બહુ મોટી ઉંમરે સંતાનસુખ આપ્યું.એક પુત્ર એમના ઘરે પારણે જુલ્યો જયારે તેમની ઉંમર લગભગ પચ્ચાએક હશે. તોયે ઘર નાની લક્ષ્મી (પુત્રી) વંચિત તો રહીજ ગયું.પણ તોયે હતાશ થયા વગર પૂરી જહેમત અને દિલથી ખેતીવાડી અને પેઢીનો કારભાર ચલાવતા ગયા.પૈસે ટકે ખુબ સુખી,કોઈ વાતની કમી નહિ ઘરે નોકરો કામ કરે.ને વાર્તામાં જેમ આવે તેમ દીકરો રાતે ના વધે તેટલો દિવસે ની જેમ મોટો થઇ ગયો.ગામમાં ત્રણ ચોપડી સુધી નું ભણતર,ને ઈ કોઈ આપણી જેમ પછેડી વર્ગ નહિ કે થોડું ભણ્યા કે જગ જીત્યા!’ થોડું અટકી ને ચલમ કાઢી ને સળગાવી.ધુમાડાના ગોટાને હવામાં ફંગોળતા ફરી ચાલુ કર્યું.
‘ પાસે ખુબ પૈસો પણ જરાયે અભિમાન નહિ. નાના છોકરાવ ને પણ બોલાવતા જાય.ભક્તિ પણ કરે.એક દિવસ એવો આવ્યો કે ગામમાં  સુમસામ ફરે કોઈની સાથે વાત કરવાનું પણ ટાળે ! ’
‘ કેમ શું થઇ ગયેલું એમને ? ’
‘ છોકરાએ ત્રણ ચોપડી પૂરી કરી કે એના મામા શહેરમાં લઇ ગયા.ઘણા વર્ષે ભગવાને આંગણામાં સંતાન રમતું કરેલું તે આંગણ સુનું થઇ ગયું.પોતાના સાળાએ છોકરા ના ભવિષ્ય માટેની જે વાતું કરી તેની સામે કાન્તીબાપા હારી ગયા.પણ કાળીયા ઠાકર પર એમને અપાર શ્રદ્ધા હતી.ગયા ચોરે અને કાળીયા ઠાકરના પગમાં પડીને માનતા માની.કે જો તેનો દીકરો શહેરમાંથી પાછો આવશે તો પાંચ મણ દાણા પક્ષીઓને આપશે. ’
‘ એવીય માનતા હોય ખરી ? ’  વિરા યુવાન ચુપ ના રહી શક્યો.
‘ હા, ને પછી તો રોજ કાન્તીબાપા થેલીમાં અનાજના દાણા ભરીને ઘરેથી ભગવાનનું નામ લેતા જાય ને સીધા ચબૂતરે આવે ને,આવો બાપલાવ પેટ ભરીને ખાવ, પક્ષીઓને કહેતા જાય ને ચબુતરો દાણાથી ભરી દે.વળી પાછા ચોરે જઈને ભજન કીર્તનમાં બેસી જાય.’ ચલમ ને પાછી ખિસ્સામાં નાખી.
‘ પછી શું થયું બાપા ? ’
‘ પોરો ખા વિરા, થોડો સાહ લેવા દે ’ ને એક નાના છોકરા ને બાપા માટે પાણી ભરી લાવવા મોકલ્યો. પાણી પીને વળી બાપાએ ચાલુ કર્યું.
‘ રોજ કાન્તીબાપા ચબૂતરે દાણા નાખે ને સાથેસાથે ભગવાનને પણ ભજે. ઘણો સમય ક્રમ ચાલુ રાખ્યો,પણ ધીરે ધીરે ધીરજ ખૂટવા લાગી.એક દિવસ ગોજારા ખબર આવ્યા કે પોતાનો દીકરો વધુ ભણવા બીજા મોટા શહેરમાં જવાનોછે. ’
‘ મોટા શહેરમાં ભણવા જાય તે ગોજારા ખબર કહેવાય ? ’
‘ એમના માટે તો ગોજારા જ ને ! તે દીકરા ને ખુબ વહાલ કરતા જ્યાં સુધી ભેગો હતો એક પળ પણ આંખથી અળગો નોતો થવા દેતા.મનમાં તે એવું માનતા કે પોતે ગમે તેટલા સુખી હોય પણ સાથે સંતાન ના હોય તો શું કામ નું ? વાતેય એમની ખરી હતી. પણ મનખો દેહ પેલેથી આપણે સૌ સ્વાર્થી ! . એક દિવસ આજ ચબૂતરે દાણા નાખતા નાખતા પગ લપસ્યો કે નીચે પડી ગયા.કે કોઈ દિ ઉભા નો થઇ શક્યા. ’ આંખોના ખૂણા સાફ કરવા લાગ્યા ત્યાતો બધાની આંખોના ખૂણા ભીના થઇ ગયા.
‘ પછી ગામ લોકોએ એક પાણો એમની યાદમાં ઉભો કર્યો,હવે કહે વિરા ચબૂતરો હટાવી ને આપણે શોખ પોસવા છે ? ’
‘ ના , ના..કોઈ પણ ભોગે નહિ. ’ બધા પોત પોતાના ઘરે ગયા એક નવી વાત જાણીને.  

(નવલિકા સંપૂર્ણ કલ્પિત છે.)  

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing a sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in નવલિકા. Bookmark the permalink.

8 Responses to ચબુતરો (નવલિકા)

 1. Jinal Vora કહે છે:

  સરસ,ઘણા સમય પછી એક ગામડાનું દ્રશ્ય વાંચ્યું. જુના સ્મરણો યાદ આવ્યા.નવી એક નવી ક્ષિતિજ ની વાટમાં.

 2. Badal Patel કહે છે:

  એક નવીજ તરહની વાર્તા નો લહાવો મળ્યો. આજેજ આ બ્લોગ વાંચ્યો, રીતેશભાઈ આભાર,આમજ રસથાળને ભર્યો અને મહેકતો રાખજો ! નાના હતા ત્યારે ચબૂતરે રમવા જતા. જે ચિત્ર કરતા થોડો મોડર્ન હતો.

  • riteshmokasana કહે છે:

   સાહિત્ય રસથાળ, લોકોને અવનવું સાહિત્ય પીરસવા માટેજ બનાવેલ છે..આમ જ સાહિત્યની લજ્જતા લેવા પધારતા રહેશો.

 3. ચબુતરો જોઇને અમેરિકામાં રહ્યે ગામની ચબુતરી ને ત્યાં જે રમતો રમતા એની યાદ તાજી થઇ ગઇ

  • riteshmokasana કહે છે:

   ગામ માં કયારેક ભવાઈ વાળા આવતા ત્યારે અમે લોકો ચબુતરા પર ચડી ને જોતા.આમ ગણો તો ચબુતરો નાના ભુલકાઓનું અંગ બની જતું ! આભાર આમજ અમારા ચબૂતરે પધારતા રહેશો.

 4. kumar કહે છે:

  this is your best story

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s