વ્યથાનો ભાર

વ્યથાનો ભાર
ધીમો ધીમો વહેતો પવન ડાળખી તરણાને ડોલાવતો જાય છે.સીમ અનેરી સોડમ થી મઘમઘી ઉઠી છે.કયાંકથી તમરાનો અવાજ આવે છે.તો ઝૂમ ઝૂમ કરતા પતંગીયા ઉડીને ફૂલડાંની કોમળ કળીઓ સાથે મસ્તીનો માહોલ ઉભો કરે છે.કપાસના છોડમાંથી ફૂલની કળીઓ બહાર આવીને સ્મિત લહેરાવે છે. આથી છોડવાઓ પણ લળી લળીને ધરતી ને વધામણી આપે છે કે તારા ખોળે અમ ઉછરીને પાંગર્યા કે ભૂલકાઓ ભમી ઉઠ્યા !તો વળી કોઈક છોડમાંથી તો દૂધ જેવા ધોળા બાસ્તા જેવું રૂ સૂર્યના તીણા તડકામાં ઝગારા મારે છે.તડકો હજી વધુ તીવ્ર બને ત્યાર પહેલા મુકામ પર પહોંચી જવા બે ઓળા પગની ગતિ ને થોડી વધારતા હોય તેમ જતા હતા.
એક પિતા હતા અને બીજો ઓળો પુત્ર નો હતો.ગામમાંથી ઉપડતી બસ સમયસર નહિ આવવાથી બંને ગામથી અડધોએક ગાઉ દૂર રોડ સુધી બીજી બસ મળે તે હેતુથી ચાલતા જતા હતા.પિતા થોડા આગળ અને પુત્ર સહેજ પાછળ રહી જતો હતો.પહેલી વાર બંને એકલા જતા હોઈ,પિતા થોડા ધીમા ચાલી ને પુત્ર સાથે થઇ જતા હતા પણ પુત્ર ઓર ધીમું ચાલી ને પાછળ રહી જતો હતો.પિતા થી આ જરાય ધ્યાન બહાર ના હતું.છતાંય તેમના ચહેરા પર ગુસ્સાની કોઈ રેખાઓ ઉપસતી નહોતી.
પુત્ર, આગળ આગળ જય છે, પણ પોતે એક ડગલું આગળ વધે છે ત્યાંતો કંઈ કેટલાયે ડગલાં પાછળ હટી જતો હોય તેમ આભાસ થતો હતો.પોતે ક્યાં જઇ રહ્યો છે તેનાથી પૂરો વાકેફ છે.પિતાજીના આગ્રહ ને વશ થઇ ને પોતે જતો હતો એ પણ ચંદ્રમાંના અજવાળા જેવું સાફ હતું.બા પાસે થોડા ધમપછાડા કરેલા,પણ જયારે બાએ તેને એકજ વાર ઉચ્ચ સ્વરે કહ્યું કે પોતે મનને મનાવી પિતાજી સાથે જવા તૈયાર થઇ ગયો હતો.હૃદયમાં ઘણી ચહલ પહલ મચી જાય છે ને વળી પોતે તેને શાંત પડે છે પણ ચંદ્રમાના ઓથાર થકી સાગરમાં ઉછળતા મોજાઓ ને સાગર કેવી રીતે નાથી શકે ? ચાલતા ચાલતા અનાયાસે તેની નજર ખેતરોમાં લહેરાતા પાક તરફ પણ જાય છે.અને એક નાના ડૂસકાં ને ખાળી ના શક્યો.થોડા પાગલો આગળ વધી ને ખોંખારો કહી ને વળી આગળ વધ્યો.તેના પિતાજી એ પાછળ જોયુ પણ તેનો પુત્ર બરાબર માલુમ પડતા વળી તેઓ ચાલવા લાગ્યા.ગામના મિસ્ત્રી એકદમ લગોલગ થયા ત્યારે તેને ખ્યાલ આવ્યો કે હવે કદાચ રોડ નજીક આવી ગયો છે.તેના પિતા એ મિસ્ત્રી ને રામરામ કર્યા તે પણ ધ્યાન બહાર ગયું. રસ્તાની બંને બાજુના ઝાડવાઓને તે કહી રહ્યો હતો કે મને માફ કરી દેજો કે કદાચ આવતી સીજનમાં હું તમારી સાથે ગોષ્ટી ના પણ કરી શકું ! માફ કરી દેજો મને સીમના છોડવાઓ,કે તમારી સંગે હવે જૂમવાનું દોહ્યલું થઇ જશે.પતંગિયાના વૃંદો, તમે મારાથી રિસાઈ ના જતા,જો હું તમને પકડવા ના આવું ! સીમની શોભામાં વધારો કરનાર મોર  અને ઢેલડો, મારા ગયા પછી તમે રૂઠી ને કળા કરવાનું ચુકતા નહિ.
હું ગયો એવો આવ્યો તમારા નૃત્ય જોવા 
કાબર, હોલા, ચકલા ને લીધા છે મનાવી
પોપટો થયો પાધરો, જો મેના ગઈ માની
કબૂતરો તો ઘુ ઘુ કરી મુકશે ગામ ગજવી.
એમ ગણગણતો તે ચાલ્યો જાય છે ત્યાંજ તેની વિચારધારા તૂટી ગઈ.
‘ બેટા,તું એમ ના માન કે,તને એકલો છોડી ને તારી જવાબદારીથી મુક્ત થવા માંગું છું ’
‘ ના પિતાજી, એવું તો હું કદી વિચારી પણ ના શકું.ઉલટાનું તમે તો જવાબદારીનું એક ભગીરથ કાર્ય ખભે ઉપાડી ને એક વરવું સાહસ પણ ખભે લઇ બેઠા છો. ’
‘ એવું નથી બેટા,હું તારો બાપ છું અને પુત્રની સિદ્ધિ ને શાખ માનીને મારે ફુલાવું જોઈએ અને ઉણપ ને બહાર લાવીને તગેડી મુકવી એ પણ મારો ધર્મ છે. ’
‘ તમારો પુત્ર હોવાનો મને ગર્વે છે.પણ તમે છાતી કાઢી ને ગામ વચ્ચે મારી વાત ગર્વથી કરો તેમ હું ઈચ્છતો હતો. પણ ખેર ! ’
‘ આમ ઢીલો ના પડ પુષ્પુ, અને હાં….જો જે એક દિ’ ગામ આખામાં હું તારી વાત ગર્વથી ના કહું તો મને ફટ ભૂંડો કહેજે !  ’
‘ અરે રે પિતાજી આમ બોલીને મને પાપમાં ના પાડો પ્લીઝ ’  અને તે પિતાજીના પગમાં પડી ગયો.
‘ ઉભો થા બેટા,જેટલો તને ખુદ પર વિશ્વાસ નથી એટલે મને તારા પર વિશ્વાસ છે. ’
‘ પિતાજી હું માનું છું કે હું ઘણો હોશિયાર છું, મને મારા જ્ઞાન અને વિજ્ઞાન પર ખુબ વિશ્વાસ છે પણ જેનાથી મારા કાંડા નબળા પડી ગયા છે તેના દ્વારા હું કઈ રીતે યુધ્ધમાં તલવાર થી લડી શકું ? ’
‘ છતાં પણ … ’
‘ રાત્રે આપણે ઘણી મથામણ કરી છે અને હું તમને વચન આપું છું કે આ ધરતી અને આ ગમની સીમન છોડવાની શાખે તમને વચન આપું છું કે હવે પછી તમને એવો બોલવાનો મોકો નહિ આપું.અને એક મહિનો હું ત્યાં રોકી ગયો તો પછી થાજો સાબદા.આખા ગામમાં ગોળ ને ધાણા વહેંચવા ! ’  
‘ વાહ મેરા બેટા વાહ ! મને તારી પાસેથી આવીજ અપેક્ષા છે. ’ કહીને તેના પિતાજીએ તેને એક પ્રેમાળ બચી ભરીને ઊંચકી લીધો.
‘ પિતાજી રાત્રે તો તમે કહેતા કે હું હવે વયસ્ક થઇ ગયો છું….. ’  
‘ હા ’ થોડા શરમના શેરડા સુરજ દાદાએ જોયા કે એય પણ શરમનો માર્યો વાદળો માં લપાઈ ગયો.તેને નીચો ઉતારતા વળી બોલ્યા ‘ છોકરાવ ગમે તેટલા મોટા થાય પણ માબાપ માટે તો હમેશા કીક્લાવ જ રહે છે ! ’  માથે ધીમી ટપલી મારતા તેઓ બોલ્યા.
રોડ પર આવ્યા કે બહુ જાજી વાર ના જોવી પડી.બે ત્રણ ગામના લોકો અને કોઈ એક અજાણ્યો માણસ પણ તેમની સાથે બસમાં બેઠો.બારી પાસેની જગ્યા મળી ગઈ એટલે થોડી રાહત અનુભવી.ને વળી પાછો તે કુદરતના ખોળામાં માથું મૂકી ને ધરતીમાંના હાલરડાં માણવા લાગ્યો.પિતાજીની સામે પણ ક્યારેક ક્યારેક જોઈ લેતો હતો.ને વળી તેને તેની માં યાદ આવી.
અરેરે ! માથે કંકુનો ચાંદલો કરતી વેળાએ જે ગંગા’જમાનાની ધાર જોયેલી તે કદાચ આખી જિંદગી નહિ ભૂલાય ! નાનો હતો ત્યારે ભણવામાં કવિતા આવતી ” જનની ની જોડ સખી નહિ જડે રે લોલ ! ” આજ તેને સમજાયું કે કવિએ મન ખલા ને અને સ્નેહ ને બરાબર વાગોળી ને દિલના ખૂણેથી જે અમૃત હતું તેનો નીચોડ જ આ કવિતા છે.પોતાને પિતાજીનો બહુ મમત નથી પણ માંની મમતા ને તો હર એક પળે પોતાને જરૂર પડતી ! બા વગર કેવી રીતે જીવીશ ??? ને તેની સુની આંખોના ખૂણા માં જળ પ્રકટ્યા.જે તેના પિતાજીના ધ્યાન બહાર ના રહ્યા.મુખની દિશા બદલ્યા વગર જ તેમણે પોતાનો એક હાથ ગાલ પર એવી રીતે પસાર્યો કે દિલ ના એક ખૂણામાં કોઈ તેને ધીમું રડવાનું આક્રંદ કરીને ફરિયાદ કરતુ હતું કે મદદ માંગતું હતું ! પુષ્પું નું રિજલ્ટ આવ્યા પછી ધણી વાર રકજક થયેલી પણ આજ પહેલી વાર તેમના દિલમાં પુષ્પરાજ માટે એક એવી લાગણીનો અહેસાસ થયો કે બસ ઉભી રખાવીને બંને પાછા વળે !
ના ના… આમ લાગણીના પૂરમાં વહી ના જા ગાંડા, તું જે કરે છે તેમાં વધુ ભલાઈ તો પુષ્પુંની જ છે. એવો એક પ્રચંડ આવાજ અંદરથી આવ્યો કે વળી તેમણે રાહત અનુભવી.
બસની બ્રેકે બંનેની વિચારધારા ને તોડી નાખી.પોતાની બેગો લઈને નીચે ઉતર્યો.
થોડી ધ્રુણા ને વધુ જીજીવિષા !
‘ ઓહ તો વાત બધી એમ હતી પુષ્પરાજ ??  ’  વિનાયકે ધીમું હાસ્ય કરતા કહ્યું.
‘ અલ્યા વિન્યા તું આમ હસ નહિ, યાદ છે તારા ડોહા તને હોસ્ટેલમાં મુકવા આવ્યા ત્યારે તું કેટલો રડેલો ?? ’
‘ ચુપ…..આમ છોકરાવ સામે મને ઉઘાડો ના કર ..’ એમ કહ્યું એટલે બધા હસી પડ્યા.
‘ કાકાજી અમને વધુ કહો.. અમારા પપ્પા તો બીજ્નેસમાં બહુ બીજી હોય છે અમને કોઈ,એમની વાતો જાણવા નથી મળતી. ’ બધા એકસાથે બોલી ઉઠયા.
‘ રાત્રે ….અત્યારે એમને આરામ કરવા દો, અને હા પુષ્પરાજ માટે એક રૂમ ફાળવી દો. ’  નોકર સામે જોઇને તેઓ બોલ્યા.
‘ એક વાત.નહિ…નહિ….સોરી બે વાત…. ’ પુષ્પ આગળ બોલવા જતો હતો ત્યાજ વચ્ચેથી વિનાયકે કહ્યું.
‘ બે નહિ ત્રણ વાત કહે ’  ને ધીમું સ્મિત ફરકાવ્યું કે પુષ્પ ને થોડી રાહત ની લાગણી થઇ.
‘ એક તો મને કાકા તમે પુષ્પું જ કહો મારા પિતાજી ની જેમ. અને બીજું કે મને અલગ રૂમ ની જરૂર નથી હું તો ગમે ત્યાં એડજેસ્ટ થઇ જઈશ. ’
‘ ગમે ત્યાં શું કામ ?? તને ખ્યાલ છે પુસ્પરાજ…..ઓહ  પુષ્પું……તારા પિતાજી મારા મિત્ર કરતા મારા મોટાભાઈ છે. ’ અને પુષ્પના પિતાજી તેને વિનાયકના હવાલે કરીને જતા રહ્યા.રસ્તે પાછા વળતા તેમને  એક જ ચિંતા કોરી ખાતી હતી કે, ક્યાંક પુષ્પુડો ભવાડા ના કાઢે ! જાણી જોઇને નાપાસ ના થાય ! તેની કુદરત પ્રત્યેની લાગણી અને નેહ તેમનાથી અજાણ્યો નહોતો.પણ વળી મન ને મનાવવા લાગ્યા.જાણી જોઇને તો પુષ્પું નાપાસ થાય તેમ નથી.એને જે વાતનો ડર છે તે તો તેને સ્વીકારેલ છે,રણમાં જેણે હથિયાર મેકીને પાછી પાની કરેલી હોય તેના પર કેમ કરી વાર કરવો ?
કેલેન્ડર નો ડટ્ટો ધીરે ધીરે કરીને એક મહિનાને ત્રણ દિવસના પાનાથી થોડો દુબળો દેખાવા લાગ્યો.બે હાથ જોડીને તેમને માં જગદંબાના ફોટા સામે સ્તુતિ કરી. ” હે માં જગ જનની,હે જગદંબા, પુષ્પું ને ડહાપણ આપજે અને એવી શક્તિ આપજે કે તેની હર એક મુશ્કેલી આશાન બની જાય ! શહેરમાં તે નવો છે ઘણી આનાકાની બાદ જ તે જવા તૈયાર થયેલો છે.હું માનું છું કે સ્વાર્થીપણું માણસને ક્યારેક વિસામણમાં પણ મૂકી દે છે. એવીજ મારી હાલત છે પણ માં, તમે તો જાણો છો કે આજ સુધી આ નાના ખોબા જેવા ગામમાં અમારી સાત પેઢીઓ નીકળી ગઈ.અને મારી ઈચ્છા છે કે પુષ્પું શહેરમાં ભણીને મોટો ઈજનેર કે ડોકટર બને ! ” ને કયારે તેમની આંખો એક અવિચળ જગતની ગહેરાઈ માં ડૂબી ગઈ તે ખબર ના પડી !
ચકલીઓનું વૃંદ લીમડાના ઝાડ પર ચી ચી કરીને એક અનોખો અવાજ પેદા કરતુ હતું.ચારણીમાંથી ચળાઈને આવે તેવો ચોક્ખો પવન તિરખિઓને હલાવતો હતો કે પછી હાલરડાં ગાઈને મસ્ત રાખતો હતો ! કોઈક ભેંસનો ભાંભરવાનો અવાજ આવતો હતો, ક્યાંક નાના ગલુડીયાવ નો ગોકીરો પણ હતો.એટલામાં ફોનની ઘંટડી રણકી કે સોમણ ભાઈ દોડીને ફોન પાસે પહોચી ગયા.
‘ મ….. કોણ ??  ’
‘ અરે ડોબા હું વિન્યો….કેમ છે ભાભી ને બધા અડોશી પાડોશી ? ’
‘ સો વરહ નો થઈશ મારા યાર, રાતેજ તને બહુ યાદ કરેલો….. ’
‘ યાદ કર જ કે, પુષ્પું જો આઈ રિયો ! ’
‘ ઠીક છે તો ફોન મૂકી દે….. ’  એકદમ રીસના ભાવમાં સોમણભાઈ બોલ્યા.
‘ અરે મુકતો નહિ પ્લીઝ….નાનલો મજાક પણ ના કરી શકે એમ ને ??? જવાદે બધું તને ખુશ ખબરી આપવા જ ફોન કર્યો છે ને તારી ગાળો ખાવા પછી નવરાશે આવીશ મળવા ! પુષ્પું એકદમ સેટ થઇ ગયો છે.અને હાં,જેનો પુષ્પું ને ડર હતો તેમાં તો તે કદાચ અવ્વલ નંબરે આવશે. ’  એકદમ ભાવુક ભાષામાં વિનાયક બોલ્યો.
‘ મતલબ  ?? ’
‘ મતલબ કે તે અત્યારે કોઈ કોઈ વર્ડ ઇંગ્લીશમાં પણ બોલે છે.અને હવે ગામ પાછા આવવાનું નામ પણ નથી લેતો. ને હાં એક વાત તને કહી દઉં કે પુષ્પું અત્યારે અમારા ઘરના સભ્ય જેવો બની ગયો છે.અને મને મારા બીજ્નેસમાં પણ હેલ્પ કરે છે.પ્લીઝ ખોટું ના લગાડીશ પણ ઘણી વાર ના પાડવા છતાં તે હેલ્પ કરે છે.પછી એવું ના બને કે તને મારા તરફથી કોઈ ફરિયાદ કરવાનો મોકો મળે! ’
‘ અરે મારા ભોળિયા ભગવાન….એક પણ શબ્દ આગળ બોલ્યો તો છુટ્ટું આ ફોનનું ડબલું તારા પર ફેંકુ છું. ’
અને અડધો એક કલાક બંને વચ્ચે ફોન પર વાત ચાલી. સોમણભાઈની ખુશીની કોઈ સીમા નથી, ખુશી ને જીરવી ના શક્યા કે દોડીને પત્ની પાસે રસોડામાં દોડી ગયા.ને જઈને તેને ઊંચકી લીધી.
‘ અરે ! આ શું કરો છો ?? છોકરા કે દાદાની તો મલાજ રાખો ’
‘ તું મારી પત્ની છે, કોઈ બીજી સ્ત્રીને તો નથી ઊંચકી ને ?? ‘’
‘ ઠીક છે બાબા, પણ એ કહો કે વિનાયક ભાઈએ શું કહ્યું ? અને આપણો પુષ્પું કેમ છે ??  ’  અધીરાઈથી તે પુછવા લાગી.
‘ મને અને તને જે વ્યાધી સતાવતી હતી તે,આંખમાંથી કણું નીકળે ને જે રાહત થાય તેવા સમાચાર છે.પુષ્પું તો હવે અંગ્રેજીમાં બોલવા માંડ્યો છે.વાલીડો ગયો ત્યારે કહેતો કે ઇંગ્લીશમાં થોડા ફાંફા પડે છે બાકી ગણિત અને વિજ્ઞાનને તો ઘોળી ને પી જાય ! ’  
‘ છોકરો કોનો ?? ’  ને તેની બાએ વાત સાથે આંખના નેણોને ઉપર નીચે કર્યા. ‘ કાલે રાત્રે વાત થતી તો કહે કે કુવામાં હોય તો અવેડામાં આવે ને ! બોલ હવે…..નહિ નહિ, ગમે તેમ તોયે આપણું સંતાન છે.ભગવાન નો પાડ કે પુષ્પું સ્થાયી થઇ ને ઠરીઠામ થયો.બાકી મને તો તેની ચિંતા હતી. ’  નિરાંતનો દમ લેતા તેઓ બોલ્યા.તેની પત્ની પણ જાણે તેની ખુશીમાં સામેલ થઈને ચંચુપાતમાં જોડાઈ ગઈ.
ગમે તેમ પણ રેતશીશીમાંની રેત સમય સાથે સરકતી ગઈ.અને જોતજોતામાં ચાર વર્ષ નીકળી ગયા.અને વિનાયકના દરવાજે સોમણ ને દસ્તક દેતો જોયો કે વિનાયક ના શરીર ટાઢિયો તાવ આવ્યો હોય તેમ,શરીર સંકોડવા લાગ્યો ને દિલમાં ધ્રુજારીથી કંપન ઉપડી.તેનું સ્વાગત તો કર્યું પણ એમાં કોઈ ઉમળકો નથી.ભાવતા ભોજન પીરસ્યાં પણ દિલમાં આનંદ નથી જે આનંદ આજથી ચાર વર્ષ પહેલા જયારે તે પુષ્પને મુકવા આવેલો.ગમે તેમ પણ સોમણની અનુભવી આંખો તે પામી ગઈ.ને બહાનું કાઢી ને તેને બહાર લઇ ગયો.
‘ શું વાત છે વીના ??? ધંધામાં કોઈ…… ’  તે આગળ પૂછી ના શક્યો પણ વિનાયક ને એટલી તો જરૂર ખબર પડી કે મિત્ર શું કહેવા માંગતો હતો.
‘ ના યાર ….પણ તારી આગળ વાત છુપાવી ને શું ફાયદો.મેઘથી કેમ છુપાવવું કે ખેતર ને વરસાદની જરુર છે, પનીહારીથી કેમ છુપાવવું કે તરસ લાગી છે ! માંથી કેમ છુપાવવું કે ભૂખ લાગી છે ! મિત્ર,પુષ્પ હવે એકલો તારો મિત્ર નથી પણ અમારા ઘરનો એક સામાન્ય સભ્ય બની ગયો છે.કાલે તારી સાથે મોકલતા મારો જીવ કેમ કરીને ચાલશે ! હું એવું ઈચ્છું છું કે કાલે હું બહાર જાઉં પછી તું તારી સાથે લઇ જજે. ’
‘ હું તારી લાગણી સમજુ છું મિત્ર….તારો લાખ લાખ પાડ કે તારા થકી મારો પુત્ર,એક ઈજનેર બની જશે.અને થડથી વેલીને છૂટી પડતા કેટલું દુખ થાય તેની મને કલ્પના છે.દોસ્ત,જરા પણ એવું ના સમજીશ અને હા,…તારી ઈચ્છાને જરૂર માન આપીશ.બસ ?? ’ને સોમણ પણ એક પળ માટે ભાવેશ બની ગયો.
બીજા દિવસે તો પાસા બદલાઈ ગયા.ઉલટાનો પુષ્પ તેના પિતાજી સાથે જવા તૈયાર ના થયો.તેના પિતાજીને ઘણું દુખ થયું પણ મિત્ર ની પરાવેશે તે મજબુર બની ને ખાલી હાથે પાછો ગયો.ઘરે પોતાના પુત્રની રાહ જોઇને બારણા ને અઢેલી ને મંગલ સ્વપ્નોમાં રાચતી તેની બા એ પણ જયારે એકલા આવતા પતિને જોઇને રીતસર ઘરમાં જઈને ઢગલો થઈને ફસકાઈ પડી.થોડી વાર માટે તો તેને પુષ્પું પર રીસ ચઢી.શહેરની હવામાં મને પણ ભૂલી ગયો ??? પણ પતિની મનામણી એ માંડ માંડ તે શાંત થઇ.
આઠ દશ દિવસ વહ્યા કે ધીરે ધીરે પુષ્પું પરની રીસ ભૂંસવા લાગી છે.અંતર મન અને દિર્ઘ મન શાંત બની ને સહાય રૂપ થવા લાગ્યા છે.કામ પ્રત્યે ની ધગશ ઘેરી બની ને એકરૂપ થવા લાગી છે.સવારની,અને સાંજની આરતીમાં દિલ ડૂબવા લાગ્યું છે.ભજન કે સંગીત ને તાલ આપવા ની સાથે સાથે તન પણ ડોલી ને સરળ બની ગયું છે.રોજના તાલમેળ ને ઓપ આપીને દૈનિક ક્રિયાઓ સમય થકી સાંપડે છે.પણ દિલ ના કોઈ એકાંત ખૂણા માં હજી સોમણને ખટકે છે કે પુષ્પું ને પ્યાર અને હુંફ આપવામાં કોઈ ખોટ તો નહોતી રહી ગઈ ને !!!
એ ખોટ નો જવાબ તેને થોડાજ દિવસમાં મળી ગયો.ઘરના આંગણે એક નવી નકોર મોટર આવીને ઉભી રહી.ઘરના બધા ની નજર એક સાથે બહાર મોટર પર ખોડાઈ.ઈંતેજારીને અવગણ્યા વગર બધા એક મીટે જોવા લાગ્યા કે કોની મોટર ??ધડાધડ દરવાજા ખુલે છે.અંદરથી પહેલા એક સ્ત્રી બહાર આવી.પછી એક પુરુષ બહાર આવ્યો ને સોમણ તથા તેની પત્ની એક ઉમળકા સાથે દોડી ગયા…..
‘ આવો આવો અમારા મોંઘેરા મહેમાન….આવો રે !! ’
‘ અમે કેવાના મહેમાન.. મહેમાન તો કારમાં છે તેનું સ્વાગત કરો ’  
ને બંને એ એકસાથે મોટરની અંદર ડોકિયું કર્યું કે સુકા ખેતરમાં એક વાદળી વરસીને ખેતર ભીનું બની,મઘમઘી ઉઠે તેમ બેય ના દિલ જુમવા લાગ્યા.મહેમાન ને બથમાં લઈને બા તો બિચારી ઓળઘોળ થઇ ગઈ.ચુમીઓના વરસાદે અતિવૃષ્ટિ કરી !મારા લાલ મારા લાલ કરતી જાય છે ને તેનો ખભો પલાળતી જાય છે.
‘ બસ હવે તેને ઘરમાં તો આવવા દઈશ કે ???? ’  સોમણે કહ્યું.
બધા એકસાથે ઘરમાં ગયા.ને એક એવો દોર ચાલ્યો કે બધાએ મનભરીને વાતો કરી.બંને પતિ અને પત્નીને પુષ્પ પ્રતિ જે અણગમો કે સુકી લાગણી હતી તે રસભર થઇ ગઈ. ફરી એજ લાગણીના ઘોડા પુર દિલમાં વહેવા લાગ્યા,ઉલટાના બમણા વેગે.દિલમાં કાંટો જે હતો તે નીકળી ગયો અને રાહત ની જે લાગણી અનુભવી તે અવર્ણનીય હતી.જતા જતા વિનાયક નવી કારને છોડી ને બસમાં જવાની વાત કરી ત્યારે તો સોમણને એટલો અફસોસ થયો કે તેના દિલમાં,મિત્ર માટે જે સ્વાર્થભાવ જન્માવેલો તે યથાસ્થાને નહોતો.
‘ મિત્ર, તારા પુષ્પુએ તો એવી કમાલ કરી છે કે અમારા દિલ તો ઠીક પણ દિન પણ જીતી લીધા છે. !! ’  
‘ દિન ?????? હું કઈ સમજયો નહિ ! ’  
‘ હું પણ ’  તેની પત્ની પણ બોલી ઉઠી.
‘ મતલબ કે તેણે મારા બીજ્નેસમાં ધ્યાન દઈને, મારા તરફી જે ભાવ બતાવ્યો છે તે કોઈ બતાવી શકે તેમ નથી ! એ જગ્યાએ મારો સન પણ કદાચતેવું કરી શકે તેમ નથી ! આ કાર તો તેના બદલામાં કશું નથી, કદાચ હું હેલીકોપ્ટર પણ આપું તો અતિશયોક્તિ નથી….. ’
‘ બસ કાકા હવે, તમે બસ ચુકી જશો. ’  ને પુષ્પે ભારે હ્રદયે કાકા અને કાકીને વિદાય આપી.
‘ પિતાજી હવે તો તમને ખ્યાલ આવ્યો ને શા માટે હું તમારી સાથે નહિ આવેલો ?? કે વિગતે સમજાવું ????  ’
‘ ના મારા લાલ….ઝેર ના પારખા ના હોય ! તે તો મારી સાત પેઢી ને તારી દીધી મારા લાલ ! અમે અભાગી તને સમજી ના શક્યા.અમને માફ કરી દે બેટા …. ’  ને બંને રડમસ થઈને એકસાથે બોલી ઉઠ્યા.
‘ અરે ! આમ મને મુંજવો નહિ.એ તો મારી ફરજ નો માત્ર એક ભાગ હતો. જેના ઘરે હું રોટલા કહતો હોય તેમની રોટલી કોઈ ઝૂંટવી લે તો કેમ સહન થાય, આ નીતિ તો તમારી છે પિતાજી. ’ પુષ્પે કહ્યું અને જાણે ધરતી પર ચારે બાજુ સ્મિતના પુષ્પો નો વરસાદ થઇ રહ્યો.

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing a sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in નવલિકા. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s