અનેરૂ દાન

અનેરૂ દાન
નાનકડા શહેરનો એક મહોલ્લો બીજા મહોલ્લાથી થોડો વધારે ફેમસ હતો.ફેમસ હોવા માટે બે મિત્રો જવાબદાર હતા,ધ્રુવ અને દામુ.બેયના શરીર અલગ પણ મનમેળ તો બે સુતરના તાર જોડાઈ ને,દોરી બને તેવા એકમેક સાથે સંગોપાઇ ગયેલા.દોસ્તીને દીપાવતા બેય ઘઉંના ખેતરમાં રાજગરો ખીલી ઉઠે તેમ મહેકી રહ્યા છે.દેખાવમાં એકદમ સામાન્ય લાગે.ખેતરની બાંધી આવક,સામાન્ય ઘર અને સામાન્ય જીવન ! બેય ના ખેતર જોડે જોડે હતા,આથી અવાર નવાર મળતા રહેતા.દોસ્તીને ભોગે કદી પરિવાર કે આમદાની ને અસર ના થાય તેની ખાસ કાળજી લેતા.
‘કઉં છું, તમારી દોસ્તીની કોઈને નજર ના લાગે ’ દામુની પત્ની એ ટકોરના ભાવે કહ્યું.
‘નજર માં હું માનતો નથી કેમ ધ્રુવ ’ દામુ સહેજ ટટ્ટાર થઈને બોલ્યો.
‘ તમારા ભાઈબંધને કેમ પૂછો છો. ’ ધ્રુવની પત્ની કમુ ધીમું સ્મિત વેરતી બોલી.
‘કમુ ભાભી, મારો દોસ્તાર થોડો શરમાળ છે.અને તમે હાજર હોય એટલે વધુ શરમાય બાપડો! ’
‘  જો જે દામુ હું કઈ બિચારો નથી..અને શરમાળ એ તો ઉદરમાં મળેલ એક ગોટલી છે.જે ચાવવાથી કડવી લાગે.પણ દામુ તારા થકી જીવન હોંશે હોંશે જીવવાનું મન થાય તેવું બની ગયું છે. ’ ધ્રુવ થોડો લાગણીમય બની ગયો.
‘ અને તારો પણ અમૂલ્ય ફાળો મારા જીવન માં છે એ કેમ ભૂલી જાય છે.’ એમ દામુએ ઉમેર્યું કે, એક ખૂણામાં બધાની વાત સાંભળતા દાદીમાં બોલ્યા.
‘ બેટા તમે જાણો છો, તમારી દોસ્તી કેમ જગ આખામાં પંકાય છે ? ’
ધ્રુવ બોલવા જતો હતો પણ તેના શબ્દો પાછા ઉદર કંઠમાં ધકેલાઈ ગયા.કારણ કે વિમલા થોડી બોલવામાં ઉતાવળી હતી.તેજ પૂછી બેઠી. ‘ તમેજ કહોને મોટાબા ’
‘ અલી વિમુ…હું કઈ વાર્તા નથી કહેતી કે મારી વાતું તને કાયમ મીઠીજ લાગે. ’
‘ રહેવા દો વિમલા ભાભી, હું જ કહું છું. મોટીબા એવું છે કે અમારા ખેતર એકદમ જોડે જોડે છે અને આખો દિવસ એય મજાના,ગપ્પા મારતી વાતું માં ખેતી કરીએ ને સાથે દોસ્તીના ફાલ પણ પાંગરી જાય છે.’ ધ્રુવે,વિમલા ભાભીને ટપારતા ડાબી આંખ સહેજ જીણી કરતા બોલ્યો.
‘ અલ્યા દામુ આ તારો દોસ્ત જીભનો તો મીઠો એવો છે કે અત્યાર સુધી મને કોઈ રોગ નથી લાગ્યો પણ નક્કી પાછલી ઉંમરમાં મને ડાયાબીટીસ નો ચેપ લગાડી દેશે ! ’ ને દાદીમાં હસવા લાગ્યા.
‘ ચેપ લાગે ગામના દુશ્મનને, પણ તમે એવું કેમ કહ્યું મોટીબા ? ‘ દામુએ સહેજ નવાઇ પામતા પૂછ્યું.
‘ બહુ કાલો થા મા હવે, લો હું જ કહું છું…..તમારી બેય પાસે નથી કોઈ રાજ રજવાડું કે નથી મોટા જમીન ગરાસ ! પણ તમારી બેય પાસે જે વસ્તુ છે તે આપણા આખા મલકમાં કોઈ ની પાસે નથી,અને તે છે સમજણ.એકબીજાની પરિસ્થિતિ અને મજબુરીને તમે બરાબર પારખીને ન્યાય આપો છો.સ્વારથ ભાવ છે નહિ અને એકબીજાના સુખને નજર અંદાજ કરો છો પણ દુખને જાણીને,તેને બરાબર વળગી રહીને ગામના સીમાડા સુધી વળોટાવી ના આવો ત્યાં સુધી જપતા નથી.હું આ બધું જોઉં છું એટલે મારી આંતરડી ખુબ ઠરે છે બેટાઓ ’ બેયના ઓવારણા લેતા દાદીમાં બોલ્યા.બોલાતી વેળાએ તેમના મોઢા પર કોઈ જંગ જીત્યા જેટલો આનંદ છવાયેલો અછાનો ના રહ્યો.
‘ મોટાબા,એ તો તમારા આશીર્વાદ પણ કામ કરે છે ને ! ’ દામુ દાદીમાં ના ખોળામાં માથું રાખતા બોલ્યો.
‘ હવે ઉભો થા ગગલા,એક છોકરાનો બાપ થયો હવે….ને જો પેલી કમુ વહુ…દાંતમાં હસી રહી છે.મારા આશીર્વાદ તો હંમેશા તમારા સાથે છે.અને રોજ રાતે હરિને પ્રાર્થના કરુ છું કે, બસ એક દિપક મારી કમુ વહુના ખોળામાં પ્રગટાવી દે ! ’ એમ બોલતા બોલતા તેમની વૃદ્ધ આંખોના તળિયાના ખૂણે પાણી તગતગ્યા.વાતાવરણ જે થોડું હસી ખુશી માં હતું તે થોડું ગમગીનીના આવરણમાં નરમ પડી ગયું.
જોકે દાદીમાં એ જે કહ્યું તે મહદ અંશે સાચું પણ હતું,. ધ્રુવ અને કમુના લગ્નને ચાર વર્ષ થવા આવ્યા હતા પણ તેમનું આંગણું બાળક વિના સુનું હતું.તેના ઠીક એક વર્ષ પછી દામુના લગ્ન થયેલા પણ બે વર્ષમાં તો તેના ઘરમાં ખીલખીલાટ હસતું અને રડીને કજિયા કરતુ બાળક,રમવા લાગ્યું હતું.જોકે બે વર્ષ સુધી તો બેય એમજ જીવન પસાર કરવામાં માનતા હતા.પણ ભગવાને ઘણી એવી ચાવીઓ પોતાના હાથમાં રાખી છે કે એના વિના તાળા ખુલી ના શકે.
ખેતર માં નવો પાક વવાય છે ને પાક તૈયાર થતા ઘરમાં જરૂર હોય તેટલું અનાજ રાખીને બાકીનું માર્કેટ ભેળું થાય છે.શિયાળુ ચણાના ઓળા ખવાય છે,અને ઢોર માટેની જુવાર ઘર ભેળી કરાવીને શિયાળો વિદાય લે છે.તો વળી ચોમાસાને ધોધમાર વરસાદે સ્વાગત કરાવતો ઉનાળો હાઉક કરતો આવી જાય છે.તો વળી ઉનાળાને કિક મારતા ગડગડાટ ગાજતા વાદળા આવીને ચોમાસાને મૂકી જાય છે.માંડ માંડ થોડા પરસેવામાંથી ખેડૂતો નવરા પડે કે વળી મહેનત કરવાની મોસમ આવી જાય છે. સમય ને જતા ક્યાં વાર લાગે છે !
આવા તેર વર્ષના પાક,ખળામાંથી પેટીએ ને બજારમાં વેચાતા થઇ જાય છે.અથાગ મહેનતના ફળ રૂપે મોતીડા જેવો હીરા સમાન અનાજના ઢગલા જોઇને ખેડૂતોના મન હરખાય છે.આવાજ એક અનાજના ઢગલા સામે ધ્રુવ ઉભો છે.
‘ અલ્યા, આટલું બધું અનાજ પાક્યું છે તોયે કેમ મ્હો લટકાવીને ઉભો છે ? ’ ખભા પર હાથ દવાવીને દામુએ પૂછ્યું.
‘ અમ…..ના ના દોસ્ત, ભગવાનની મહેર છે કે વ્યવહાર અને જીવનને સજીવન રાખે છે.અનાજ તો અમારે ત્રણ જણ ને કેટલું જોઈએ.અને મારી મમ્મી તો બિચારી હું એક ટંક જમું તેટલું તો આખા દિવસમાં પણ નહિ જમતી હોય. ’
‘ એ બધી વાત સાચી, ભલે મારી આંખો એટલી અનુભવી નથી પણ એટલી ભોળી પણ નથી.સાચું કહે શું વાત છે ? ’
‘ અરે યાર કહ્યું ને કશું તો નથી. ’ નીચું જોઇને ધ્રુવ બોલ્યો.
‘ ઓકે, મારી આંખોમાં આંખ પરોવીને કહે કે બધું બરાબર છે. ’ તેની જુકેલી નજર ને તેની સમક્ષ લાવતા તે બોલ્યો.
બે પળ મૌન છવાઈ ગયું.દામુએ ખભા પર હાથ હતો તેને થોડો વધુ દબાવ્યો.કેરીને દબાવવાથી ગોટલી બહાર નીકળે તેમ દામુના હાથ દબાવાથી,ધ્રુવની આંખોનો બંધ તૂટી ગયો. દામુએ, પહાડને પીગળતા પહેલી વાર જોયો.
‘ મિત્ર, મારાથી બધું સહન થાય છે પણ કમુની વિહવહળતા મારાથી નથી જોવાતી. રાત્રે જબકીને જાગી જાય છે એટલે બેઠી બેઠી, આંસુડાથી રજાઈ ધોતી હોય છે.અને આ બધું તારાથી ક્યાં અજાણ છે દામુ ’ આંખોના ખૂણા સાફ કરતા તે બોલ્યો. જોકે હજી સ્વસ્થ દેખાતો ના હતો.
‘ મને ખ્યાલ છે,અને કમુ ભાભીની વ્યથાને હું બરાબર જાણું છું. ’ દામુ પણ ગળગળો થઇ ગયો.
‘ તેને મનાવવામાં ને આશ્વાશન આપવામાં તમે લોકોએ પણ ક્યાં ઓછી મહેનત કરી છે ! ગયા મહીને તો અનાજ પાક્યું પણ નહોતું, તોયે તેના માટે તેની મનગમતી બુટી લઇ આપેલી. ’
‘ છોકરા આગળ તો ગમે તેવી કિમતી ચીજનું બલિદાન આપી દે છે માં ! એની જગ્યાએ તે બરાબર છે અને તારી પીડા પણ મારાથી અજાણી નથી.ભાભી તો તારી પાસે બે આંસુડા પાડીને શાંત થઇ જાય પણ તું કોની આગળ જઈને કહે તારી વ્યથા. ’
‘ મારા મનને તો હું ગમે તેમ કરીને મનાવી લઉં છું, પણ કમુના પાછલી પહોરના ડુસ્કા, મારા આંતર મનને કોરી ખાય છે. ’ થોડો ભાર હળવો કરતા ધ્રુવ બોલ્યો.
આથી દામુ પણ વધુ ના બોલ્યો.પણ તેના દિલના એક ખૂણામાં પણ ટાંકણી ભોંકાયાની પીડા પમાણી.પહેલી વાર આજે પોતાના દોસ્તારના આંસુ પોછવામાં નાકામ રહ્યો.પોતે કશું તો કરી શકે તેમ નથી. બાધા માનતા ના માનવા વાળો,માનતા પણ લઇ બેઠો હતો કે જો પોતાના જીગરજાન દોસ્તને ઘેર પારણું બંધાય તો પાવાગઢ જઈને માંને પાંચ શ્રીફળનું તોરણ બાંધશે.
વાત ને વર્ષ વીતી ગયું.મહેનતની મોસમ ખેતરના ઉંબરે આવીને ખનખનવા લાગી.ને વળી પાછા ખેડૂતો એમની લગનમાં લાગી ગયા છે.હરિભજન ગાતા જાય છે તો કોઈ વળી ફિલ્મો ગીતોની ગુન્જારે કોયલ ને રાહત આપે છે.લીલુડા ઓઢણા ઓઢીને વળી ધરતી જુમવા લાગી છે.તો વાદળ પણ તોફાને ચડી જાય છે.અને ધરતી સાથે જાણે હોળી ખેલે તેમ, પાણી ની હેલો ભરીને ઠાલવે છે.સાવધ કરવા માટેની નિશાની રૂપે નગારાની દાંડીએ ધણધણાટી બોલાવીને ધરતી ને સજાગ પણ કરી દે છે.
આવીજ એક રઢિયાળી રાત ધીમા પગલે વહી રહી છે.ઝરમર ઝરમર વરસતા વરસાદના બિન્દુઓ બનીને ઘરની છત પર નાનો અવાજ પેદા કરે છે.નેવામાંથી નાના ઝરણા વહીને ખળ ખળ કરતા,આંગણને સરોવરમાં ફેરવી રહ્યા છે.તો વળી વૃક્ષ ના પર્ણો પરથી ટપકતા બિંદુઓ, પરપોટા સર્જીને એક નવો રોમાંચ પેદા કરતા હતા.શાણા, ભોળા અને મજબુર પક્ષીઓ માળામાં ભરાઇને વરસાદ બંધ થવાની જાણે રાહ જોતા હોય તેમ થોડી થોડી વારે આકાશ તરફ ચાંચ ઉંચી કરીને જોઈ લે છે. નગરમાં સન્નાટો છવાઈ ગયો છે. દામુના મગજમાં એક વિચાર આવતા, તેના દિલની અંદર ચાલેલું તોફાન શાંત બનું ગયું.
‘ તને યાદ છે એક વાર કોઈ ઘરે નહોતું ને  આપણે બેય અગાસી પર જઈને વરસાદના પાણીમાં ખુબ નાયેલા ? ’ વિમલાની વાળની લટ સાથે તોફાન કરતા દામુ બોલ્યો.
‘ હા યાદ છે પ્રિયે,પણ અત્યારે આપણે ઘરમાં એકલા નથી. ’ માથે ટાપલી મારતા વિમલા બોલી.
‘ ઘરમાં તો નથી પણ રૂમમાં તો છીએ ને ’ કહીને તેણે વિમલાને પોતાના અંગ સુધી ઘસડી લીધી.
‘ અરે ! આ શું, કેમ બહાર વરસાદ તોફાન મચાવે છે તો અંદર તારે તોફાને ચડવું છે કે કેમ ? ’ વ્હાલમાંજ વિમલા એ પતિને થોડો દુર કર્યો.
‘ મારી વ્હાલી વિમુ,કેમ હવે રોમાન્સ કરવાની આપણી ઉંમર વીતી ગઈ છે ? ’
‘ હવે તો આપણા છોકરા પણ મોટા થઇ ગયા છે ને, નાનલો ય હવે તો સ્કુલે મોકલે તેવડો મોટો થઇ ગયો છે. ’
‘ તારી વાત સાચી છે, પણ મારી આંખો જોઈ લે ડાર્લિંગ…તને કોઈ હવસના હાવિયા ભાસે છે ? ’
‘ બિલકુલ નહિ,અને તું તો મારો પ્યારો પ્રિયતમ છે.મારા પર ભગવાન કરતા પણ તારો વધારે અધિકાર છે. ’
‘ આઈ લાવ યુ માય વીમુ, પણ હું તને એક વાત જે કહેવા જઈ રહ્યો છું તે,વાદળના ધણધણાટીથી પણ વધુ ભયંકર છે. ’
‘ હેં….શું વાત છે જટ કહે નહીં તો જીવ મારું ખોળિયું છોડતા વાર નહિ લગાડે ! ’
‘ ધીરજ રાખ, એવી કોઈ ગંભીર વાત નથી…..અને છે પણ ખરી. ’ એક હાથ તેના મોઢા પર અને એક હાથ છાતી પર દબાવ્યો કે જેથી પોતાની પત્ની હેબતાઈ ના જાય.
‘ જે હોય તે પણ જટ કહી દે, તને તો ખબર છે કે સ્ત્રીઓની ધીરજ વૃત્તિ બહુ છીછરી હોય છે. ’
‘ ઓકે બાબા,એક દિવસ ખેતરની કોરે મેં ધ્રુવ ને એકદમ રડમશ જોયેલો ને ત્યારથી કોણ જાણે મારું દિલ પણ બેચેન બની ગયું છે. ’
‘ પ્રોબ્લેમ તો કમુનો જ હતો કે બીજું કઈ ??  ’ ને તે એકી ટશે પતિ સામે જવાબની રાહ જોઈ રહી.
‘ એજ તો વળી, બાકી ધ્રુવતો ભડનો દીકરો છે, એકવાર પીઠ પર પાંચ મણની ગાંસડી પડેલી, હરામ છે જો ઉંકારો પણ કર્યો હોય ! પણ કમુની બાળક વાંછનાની પીડા તેનાથી સહન નથી થતી.કોણ જાણે કેટલાયે ડોકટરોને બતાવી જોયું, જોશી,પ્લાતો ને દોરા ધાગા, કશું બાકી નથી રાખ્યું. ’
‘ તારી વાત સાચી છે, તેમની જગ્યાએ બીજો કોઈ હોય તો થાકી જાય.અને બિચારી કમુ ભાભી તો વાત શરુ કરતા જ રડી પડે છે. આપણા આંગણામાં બે બાળકો રમતા જુએ કે શ્રાવણ ભાદરવો શરુ થઇ જાય! ખોટું નહિ બોલું મારાથી પણ તેમના આંસુ જોયા નથી જતા.કે સાથોસાથ હું પણ ભેગી રડી પડું છું. ’
‘ હવે મારી વાત ધ્યાનથી સાંભળ,આપણે તેમને દાન કરીએ તો કેમ ? ’
‘ કેમ , આ વખતે તો એ લોકોને આપણા કરતા વધુ અનાજ પાક્યું છે. ’
‘ ગાંડી, ભગવાન તેમને સલામત ને સાહસિક રાખે કે કોઈનું એવું દાન લેવાની જરૂર ના પડે.પણ મારી ઈચ્છા એમને પીંડ દાન કરવાની છે. ’
‘ અરે ભગવાન, મને મુંજવો નહિ, હું કઈ તમારા જેટલું ભણેલી નથી ભલા. ’ તેનો હાથ છાતી સરીખો ચાંપતા તે બોલી.
‘ મતલબ કે આપણે વધુ એક બાળકનું આગમન કરીએ તો કેમ ? જો જે વધુ સવાલ ના પૂછતી.ઘણા વિચારને અંતે તને રીક્વેસ્ટ કરું છું.અને મને મારી વિમુ પર ફુલ ટ્રસ્ટ છે. ’ છાતી સરીખી દાબીને ભાલ પ્રદેશને વ્હાલો કરતા તે બોલ્યો.
‘ તારું એવું કહેવું છે ને કે આપણે બાળક તેમને આપી દેવું..? પણ…..’
‘ જો ડાર્લિંગ…મને નિરાશ ના કરીશ, તું જ તો હમણા કહેતી કે, મારો તારા પર ભગવાન કરતા વધુ અધિકાર છે.અને મને એ કહે કે કમુભાભી રડે એટલે તું પણ સાથે રડવા લાગી જાય છે.તો શું એવું છે કે તેમને સારું લગાડવા રડે છે ? ના રે! મારી વ્હાલી, તારામાં પણ એક માંનું હૃદય છે. ’
‘ હા ખરી વાત છે. ’
‘ અને તને તો ખ્યાલ છે કે ધ્રુવ તો મારા માટે ભાઈથી પણ વિશેષ ભાઈબંધ છે. હું માનું છું કે નવ મહિના, માં પીડા સેવીને બાળક ને પામે ત્યારે નવ પળો,નવ મહિનાની પીડા ભુલાવી દે છે.તારા સાથે તો મારી જીવન નૈયા ગમે તેવા દરિયાના તોફાન સામે સ્થિર તરી રહી છે.તો વધુ એક સપોર્ટ કરીને આપણે બેય ધન્ય થઈએ તેમાં સહયોગ આપ ’દામુની લાચાર આંખોમાં વિનંતી તગતગી ઉઠી.તો વિમલાએ પણ પોતાની આંખોની પાંપણ ને ઢાળીને મુક સંમતિ આપી.
વાદળો જાણે બેયની વાતને વધાવતા વધુ વરસી રહ્યા.વૃક્ષોની ડાળો પણ જુમીજુમીને સલામ કરવા લાગી.તો પક્ષીઓ પણ પાંખ ફફડાવીને તેમની વાત વધાવવા લાગ્યા.

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in નવલિકા. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s