ચુંદડી નીતરે તરબોળ

ચુંદડી નીતરે તરબોળ

‘ભાઈ એક વાત પૂછું જો તુંને ખોટું ના લાગે તો ? ’કાલી કાલી ભાષામાં એક દશ વર્ષની બાળા પોતાના ભાઈને પૂછી રહી હતી.તેના ખુલ્લા હોઠમાંથી બે દાંત વચ્ચે થી એક આછેરી મંદ સ્મિતની લેરખી બહાર આવી.
‘તારી આ ગોળ ગોળ આંખુમાં જે મને વંચાય છી ઇજ તારે પૂછવું હોય તી મારું કામ કરવા દે ! ’
‘ભઈલા, હવે હું દશ વર્ષની થઇ અને આમજ ક્યાં સુધી મારી આંખના કણાને મારે જીલવાનો છે. ’ નુતુ પોતાના ભાઈને જાણે કરગરી રહી.
‘ઠીક છે તારે સાંભળ, જાણવાની જાજી તલપ છે તો છાતી પર પેલા એક મણનો પથ્થર મુકીદે નુતુ ’જાળ ને એક બાજુ મુકીને તે પોતાની લાડલી બેન બાજુ ફર્યો.
‘ઈની કોઈ જરૂર નથ વીરા…હું ય તારી બેન છું, ને આ ત્રાડું નાખતા દરિયાના ખોળે મોટી થઇ છું.વાત કર્ય પછી માથે વિજુડી તો નહિ પડે ને ? ’
‘એવી જ વાત છે બેનડી ’ને ભાઈલો નોરુ પોતાની બેનની ચિંતામાં વાત ને દબાવતો હતો.
‘આજ તો કહીજ દે…મારી હામ બધી તૂટીને વેરાઈ જઇ છે. ’
‘તું જયારે બે કે ત્રણ વર્ષની હઈશ તારે એક વાર, આપણું કટુંબ અને વિલાકાકાનું કટુંબ બધા મેળામાં શેરમાં જીયા તા.આખો દી બધા મેળામાં ખુબ મોઝું કરી અને જારે ઘરે પાછા આવવાનું ટાણું થયું તા,તું યે ફરકડી માટે ખુબ વેન કરી.આથી માંએ મને ફરકડી લઇ આવવા કીધું.પણ કરમ બુન્દીયાળ કે ફરકડી વાળો ક્યાંય દેખાય નહિ.આથી માંએ મને થોડે દુર જોઈ લેવા કીધું કારણ મેળો પણ વીંખાતો જતો ઉતો.’એક જ શ્વાસે નોરુ બોલી રહ્યો હતો પણ તેની આંખુ તો બેન સાથે મિલાવી શકે તેમ નથી.નજરુંને નીચી જ ઢાળી ને તે માંડી રહ્યો છે.
‘તું તારે મારી ફિકર નો કર વીર..મુને થોડો થોડો અણસાર તો આવે જાય છે પણ આજ દલડાને તુંયે રાહતું કરીને હળવો થા ! જગદંબા તું ને સો વરહનો કરે !’નુતુ બોલી,તો ભાઈ પણ થોડો હૂંફમાં આવી ગયો.અને એના મોઢા પર જે નસીરો ફરી વળી તે ચોક્ખી દેખાઈ આવી.
‘પછી હું તને માથે બેસાડી ને ફરકડી લેવા ઉપાડી જીયા.બધે બહુ ગોત કરી પણ ફરકડી વાળો તો ક્યાંય ફરાર થઇ જીયો હશે કે તારી ફરકડીની જીદ તો મારાથી પૂરી ના થઇ.અને તારી નાની નાની આંખુ તો નેવા જીમ નીતરતી હતી !પણ જેવા આપણે બેય મેળામાં આવ્યા ત્યાંતો મારા તો હોડીયાના બધાય વાણા તૂટીને પાણીમાં તણાઈ ગયા.’ત્યાતો ખખડધજ પહાડ જેવો નોરુ બરફની જેમ પીગળવા લાગ્યો, અને પાણીની ધારો વછૂટી ઉઠી.
આગની જ્વાળાઓ એટલી હદે વકરી રહી કે જોત જોતમાં આખા મેળાની જગ્યા એક આગની દાનાવળમાં ફેરવાઈ ગઈ.ચારે બાજુ “ભાગો ભાગો ” અને “ મરી ગયા ” ની બુમો વાતાવરણ ને ચીરવા લાગી.
જેવો નોરુ પાછો આવ્યો કે એકદમ હેબતાઈ ગયો ને એથી વધુ તો જયારે બધાને જોયા ત્યારે ! એક નાના અબુધ બાળ ને શું ખબર પડે કે આવા ટાણે શું કરવું ? એતો જોઇને જોર જોરથી રડવા લાગ્યો.ચારે બાજુ રો કકળ થવા લાગી.કેટલાયે લોકો દાઝી ગયા પણ નોરુ તો પોતાના માંબાપને ખોઈ બેઠો.મરતી વેળા એ માંબાપ જે કહેતા ગયા તેને જીવનનું ભાથું માનવા લાગ્યો.
‘બેટા નોરુ….આ જીનકી નો ભાર તારા ખંધે મુકતા જઈશી એને સાચવજે…ને આપણી હોડી..છોડા…. ’એટલું બોલીને સદા માટે આંખ બંધ કરીને તેના માંબાપ બેય ભાઈ બહેનને એકલા અટુલા છોડીને દુર દેશાવરના દરિયે નીકળી પડયા.
ગંગા અને જમાના બેય એક સાથે વહીને ડેમ ભરી રહી છે.વાતાવરણમાં એક તિખાર આવી ગયો.એક નાની બાળા એ આજ પહેલી વાર પોતાના અડગ ભાઈને રડતો જોયો.
‘બેન પણ તું ને હું કોઈ વાતનું દુખ નહિ આવવા દઉં છાની રહીજા અને આ હીરા માણેકુ થી મોંઘેરા આંસુડા ને રોકી લે બેનડી… ’નોરુ હિબકે ને હિબકે રડી પડ્યો.
‘હું પણ તારા આ મોટા કરા જેવા બોરને જોઇ ને શકતી…મને ઈ વાત નું ઓછું રડવું આવે છ પણ આજ પેલી વાર આ પહાડ જેવો મારો વીર રોતા કેવો લાગે છે !મારી સમ છે તુને જો હવે એક પણ આંસુડું પાડ્યું તો !’એય ભાઈ સાથે રડવા લાગી.કુબામાંના એક એક તણખાલાએ ભાઈ અને બહેન વચ્ચે ના નેહને જોયો તો સલામું ભરવા લાગી.દીવાલો તો નમાલી બની ને નાલેશ થઇ ગઈ. તો લીમડો પણ હાલતો હતો તે શાંત બનીને બેયના દુખમાં ભાગ લેવા લાગ્યો.ક્યારનો રોટલાના બટાકાની રાહ જોતો કુબલો કુતરો પણ પૂછડી પટ પટાવવાનું બંધ કરીને માથું ભોંમાં રાખીને સજ્જડ થઇ ગયો.
નોરું એ બેનને ઊંચકી લીધી.અને ગળે લગાડીને એટલી બચીઓ ભરી કે વળી લીમડો ઝૂલવા લાગ્યો.અને કુતરે પૂછડી પટ પટાવવાનું ચાલુ કર્યું.તો વળી આંગણામાં ઉછરેલ ચંપાએ બેયના માથે ફુલ વેરી ને વધામણી આપી.
આમને આમ ચંપાના ઝાડ પર છ વરહના ફુલ આવીને ખરી ગયા.નુતુ ય હવે પંદર વરહની થઇ ગઈ છે.જગદંબા જેવું ગૌર વદન, ટુંકેરા વાળ ને અણીયારી આંખુ !હજીયે કાલુ કાલુ બોલીને સૌ કુબા વાસીના દિલ જીતે છે.પાંચમા પુગાય છે ને સો માં સવાઈ છે.અત્યાર સુધી નોરુ ને રોટલા ઘડવાની એક પરોજણમાંથી મુક્તિ અપાવી છે.સવારમાં રોટલા ઘડીને ભાઈ જાગે તી પેલાતો તીયાર. નોરુ પણ દરિયે જવાની હામમાં ઝટપટ મોઢુ ખંગાળતો બેને બનાવેલ ભાથું લઈને દરિયે ઉપાડી જાય છે.એકદિવસ આમજ દરિયેથી પાછો આવીને જુએ છે તો બેનની આંખમાં એક નાની ચિંતાની વાદળી વરસતી દેખાઈ.
‘નુતુ….સાવ હેમખીમ તો છી ને ? ’નોરુ પૂછ્યા વગર નો રહી શક્યો.
‘બધું બરેબર છે પણ આજ મારે તને એક વિનતી કરવી છે.બોલ મારા વીર મારા વેણ ને ઉથામીશ તો ની ને ? ’એક નિર્દોષ કુંપળની જેમ હસતી તે ભાઈને સામે જોઈ રહી.
‘બોલ તો ખરી જીનકી..મને વધુ ગનાન નથી ’
‘આજ દેવુ મને મળી’તી તે કેતી કે તારા ભાઈને કે જે કે જલ્દી જાન જોડીને આવે નહિ તો મારે કુવો ગોજારો કરવો પડશે. ’  કહીને તે ઘરની બહાર આવી.
‘કુવો ગોજારો ચ્યમ કરવાનો નુતુ ? ’
‘તુને શું ખબર ભઈલા.એક દી’ ઓલા નુગરા તિનુડાએ ઈનો હાથ જાલેલો તો….. ’કહીને તે દાંતથી હોઠને દબાવવા લાગી.
‘ઈની જાતનો તિનુડો મારૂ…આજ ઈની ખેર નથી…જો જીવી જીયો તો મગરના મોઢામાં માથું નાખીને મરી જઈશ. ’હાથમાં રહેલી લાકડી ને એવી દબાવી કે કડાકા બોલી ગયા.ને નોરુ વિકરાળ સિંહનું રૂપ ધારણ કરી બેઠો.
‘ હમ..હમ…..અહમ મારા સુગાન છે તને.તારે જે કરવાનું છે તી કર..ઈ મુવા અદેખીયાનું નામ લીઅન તારી જીભ ને કડવી શું ‘ આજ દેવુ મને મળી’તી તે કેતી કે તારા ભાઈને કે જે કે જલ્દી જાન જોડીને આવે નહિ તો મારે કુવો ગોજારો કરવો પડશે. ’  કહીને તે ઘરની બહાર આવી.
‘કુવો ગોજારો ચ્યમ કરવાનો નુતુ ? ’
‘તુને શું ખબર ભઈલા.એક દી’ ઓલા નુગરા તિનુડાએ ઈનો હાથ જાલેલો તો….. ’કહીને તે દાંતથી હોઠને દબાવવા લાગી.
‘ઈની જાતનો તિનુડો મારૂ…અઆજ ઈની ખેર નથી…જો જીવી જીયો તો મગરના મોઢામાં માથું નાખીને મારી જઈશ. ’ને તેને હાથમાં રહેલી લાકડીને એવી દબાવી કે કડાકા બોલી ગયા.ને નોરુ વિકરાળ સિંહનું રૂપ ધારણ કરી બેઠો.
‘હમ..હમ…..અહમ મારા સુગાન છે તને.તારે જે કરવાનું છે તી કર..ઈ મુવા અદેખીયાનું નામ લીઅન તારી જીભ ને કડવી શું કામ કરેશ. ’નાની બહેનીએ કસમ આપીએ એટલે નોરુ તો બિચારો , ધગધગત અંગારા પર પાણીની ડોલ ઢોળે ને છમ કરતો ને ટાઢો પડી ગયો.તેના માટે તો બસ એની બેન એજ એની આગવી દુનિયા હતી.તેના માટે તો રાત ને દિવસ એક કરીને સખત મહેનત કરતો હતો.
‘ભાઈ તું હવે લગનની તીયારું કર.. ’
‘જીનકી તને કેટલી વાર કીયુ છે કે,તારા પેલા મારા લગન કોઈ કાળે ની થાય ! ’
‘મને ખબર છે, પણ તું સાહીશ કે દેવુ કુવો ગોજારો કરે ? ’
‘ના… એટલો અધર્મી તો નથી ને એટલો જાલિમ પણ નહિ……..પણ તું ને તો ખબર છે કે રાત દિવસ એક કરું તારે આપણા બેયનો ગુજારો થાય છે.બાપા બચારા મરી જીયા પણ ઘરની નાવડી નો થઇ.અને હું કોકની નાવડી ભેગો જઈને કેટલુક કમઇ લવ. ’
‘ઈ મારે કઈ ની હાભરવું, કાલથી બસ લગનની તીયારી કર મને જટ દેવુને ભાભીના રૂપમાં જોવાના અભરખા ઉપડયા છે. ’ઘેલી ઘેલી નાચતી હોય તેમ નોતુ તો બોલી રહી છે,મોઢે તો જાણે ફૂલડાં ખરતાં હોય તેમ મહેકી રહી છે.
‘મારી લાડલી બેની, એક વાતે માનું જો તું મારું વેણ નો ઉથાપ તો ! ’કહીને નોરુ પોતાની બેન સામે એવી રીતે નેહ વરસાવવા લાગ્યો કે આંગણે ઉભેલો ચંપો પણ ઝૂમવા લાગ્યો.
‘મારા વીર તારા માટે તો મારું જીવન દઈ દુ તો પણ ઓછું છે,બક જલદી.બસ તારા હાથે પીઠીના રંગ ઝબુકે ને માથે કલ્ગેરો મોર! તારા લગનમાં એટલા ગાણા ગાઇશ કે દરિયા પારના લોકોને ખબરું પડશે કે કોણ હરખ ઘેલી છોડી ગાતી હશે ! ’ઝૂમ ઝૂમ ઢેલડ ની જેમ નાચવા લાગી ને આભમાં ઓતરાદી વીજળી ચમકી.
‘તારા અને મારા બેયના લગન એક હારે કરીએ. ’
‘અરે ! હજી તો હું નાની છું ને મને ભાભીના હાથના રોટલા નહિ ખાવા હોય ! અને શું હું તુને હવે ભારી પાડવા માંડી છું ? ’રીસામણા ના ભાવે તે બોલવા લાગી. એનું મોઢું તો એવું પડી ગયું કે ભૂલમાં લીમડાનો કૉર ખવાઈ ગયો હોય !
‘તો પછી મને થોડો સમો આપ બેની..તારા માટે તો મારે કમસે કમ થોડા દાગીના તો લેવા પડશે ને એટલા રૂપિયા હું કીથી કાઢુ અતારે ’  નોરુ તો એકદમ ઝંખવાઈ ગયો.ને ચિંતાની ઊંડી ગર્તામાં ડૂબી ગયો હોય તેમ બેન ને લાગ્યું.
‘વીરા બસ બે જોડ લૂગડાં ને એક જોડી ચપલા આપીશ એટલે ઈ તો મારા માટે હીરા માણેક આપ્યા સમાન છે. ’બોલતી જાય છે ને મોઢે તો શરમના શેરડા ચરાક ચરાક કરતા ગાલમાં લીસોટા પાડે છે. તું મારી ફકરું નો કર, પણ ઓલી દેવુ ની કર એની માં બચાડી તારાથી હરમાય છે કે તુને નેહિ કેહિ હકતા. ’ને તે ધીમું ધીમું હરખી ઉઠી.
‘એવી વાતું નો કર જીણકી,હજી મારા બાવડા અકબંધ છે.તને મજાના ઝૂમખાં,પગની બેડિયું અને એકાદો અછોડો તો ખરો જ ! ’
‘અને મારી ભાભી હારું….? ’ને તે ભાઈ સામું એવી રીતે જોઈ રહી કે નાનું બાળક કોઈ માં સામે જોતું હોય ! જોકે નોરુ તો તેના માટે માં ગણો કે બાપ ગણો કે ભાઈ ગણો બધું એજ હતો !
‘તારી ભાભી માટે કંઈક તો કરવું જ રિયું. ’
‘કરવું રિયું ઈનો મતલબ ?? ’જાણે ભાઈની જાટકણી કાઢતી હોય તેમ તે બોલી.
‘વાહ રે મારી બેની તો હવે મોટી થઇ ગઈ છે, હવે તો મારે નક્કી તુંને વળાવવી રહી. ’
‘જા……હું તારી ભેગું ની બોલું…. ’રીસમાં જ બેની બોલવા લાગી.
બેયની વાતો એ એક વાતનો નીચોડ આવ્યો કે બેય ભાઈ ને બેન સાથે લગન કરશે.વાતું ને વાતુંમાં ઉનાળો હાલી ગયો.આભમાં વાદળોની દોડાદોડી વધી ગઈ.વીજળીના ચમકારા થી રાતું બિહામણી બની ગઈ.પછી તો વરસાદની હેલો આવવા લાગી.ખેડૂતો કામે લાગ્યા ને મછિયારા ને આરામ ! બધા મછિયારા ને તો ઠીક પણ નોરુના મનને આરામ નથી રાત ને દી ચિંતા કરવા લાગ્યો.ચોમાહુ આવી બેઠું ને બેય ના લગન કેમ કરી કરું ? ભાઈ બંધુ પણ બિચારા કડાકા છે કોઈની પાંહેથી રૂપિયા ઉછીના ય કેમ લેવા ? પોતાને કોઈ એવું સગુ કે વ્હાલું પણ નહોતું કે આવા સામે મદદ કરે અને પોતાનું કામ પાર પડી જાય !મનને હલેસા મારીને વિચારોને પાછળ ધકેલતો જાય છે.પણ કોઈ મત ના સુજી ને વેહલી વેહલી નિંદ્રા દેવી આવી કે સવારે સુરજ દાદાએ ડોલ ભરીને ઉપર તડકો ફેંક્યો ત્યારે ભાઈ ઉભા થયા.કામે તો જવાનું નહોતું આથી કોઈ ચિંતા નહોતી.મોઢા પર જેવો તેવો પાણીનો લેપ કર્યોને ડેલી ભણી ઉપડ્યો.
‘અરે આ ચા તો પીતો જા,ને આ અતારમાં કી હાલો ? ’
‘લાવ તારે ચા પી ને પછે નીકરુ… ’કહીને તે ચંપાના ઝાડની પાળી પર બેઠો.
રકાબીમાં ફૂંફાડા મારતી ગરમ ચા લઈને નુતુ આવી. ચા ને જલદી પૂરી કરવા માટે તો જીભ ને તાળવે ગરમ લાગતું હતું તો પણ ઉતાવળ કરવા લાગ્યો.
‘અને બપોરે ખાવા વેળાસર ગુડાજો વીરા, બધા અળવીતરાવ ભેગા પાને રમવા નો બેહી જતા. ’એક વડીલ ને છાજે એવા સુરે નાની બેની જાણે ભાઈને અવળા લતે રોકવા માટે મથી રહી.પણ એતો ખાલી નકારમાં માથું હલાવીને ડેલી વટાવી ગયો.
જતા જતા પણ તેની મન સવારી ચાલુ છે.
‘આવ આવ નોરુ…હવે તો હેય ને ત્રણ મહિના લેર કેમ ? ’નોરુને આવતો જોઇને કેનુકાકા બોલ્યા.
‘લેર કેવીને વાત કેવી કેનાકાકા પણ આજે એક આશ લીને તમારી પાંહે આવ્યો છ. ’દુકાનના ઓટલા પર જ બેસતા તે બોલ્યો.
‘બોલને થાશે એટલી મદદ કરીશ બસ જા.. ’થોડી હુંફ આપતા કેનુકાકાએ કહ્યું.
‘મારે બે દી’ એક હોડી ભાડે જોઈએ છે. ’મૂંગું અનાથ બાળક કોઈ દાનવીર સામે આશા રાખે તેવી યાર્દ ભરી નજરે નોરુ તેમની સામે જોઈ મોટી અપેક્ષાને રાહે જોઈ રહ્યો.
‘તું ગાંડો થઇ જીયો છે કે શું, લિયા સરકારે પણ રેડ સિંગલ દેઈ દીધું છ તો તુ દરિયે કેમ કરી જાવાનો ? ’
‘મને ખબેર છે પણ પંદર દી’ પછી મારા ને નુતુના લગન લેવા છે તો મારે થોડા રૂપિયાની જરૂર છે.અને આવામાં જ તો મને વધુ માછલીયું મળશે ને વધુ પૈસા મળે કેવુક ને ! ’
‘અરે છોરા તારા જીવનું જોખમ ને કેવુક ને ?? ’પાનની પિચકારી સામે ની દીવાલ માર મારતા તેઓ બોલ્યા.
‘મને તમે સમી મોટી હોડી આપસો તો પણ કશું ની કાકા…તમને હાથ જોડીને પગમાં પડું છું એક અનાથ પર દયા કરો રે ! ’તે કરગરવા લાગ્યો.
‘તારા પર દયા આવે છે ને છોરા એટલે જે તો ના પાડું છું મને મારી હોડીની ની પણ તારી પડી છે નોરું। ’
અને એક વેહલી સવારે કેનુકાકાને મનાવીને હોડી લઈને તેને દરિયામાં ભગવાનનું નામ લઈને જંપલાવ્યું.બેનને તો એટલે જ કીધું કે બે દી માં કેનુકાકાની હોડીને રીપેર કરાવીને પાછો આવી જશે.ને બેન પણ બિચારી માની ગઈ.કુબા વાળા બધાના સંપ સહકારે તો બેય ભાઈ બહેન મોટા થયા હતા.થોડા તેમના સાથ સહકારે તો નોરુ એ પંદર દિવસ પછી બેયના લગન ની તૈયારીઓ કરી હતી.નુતુ તો રાત ને દિવસ ભાઈને વરરાજાનાં અને દેવુને સોળે શણગાર કરેલી દુલ્હનના રૂપમાં જોવા થનગની રહી છે.
ઓઢણીમાં જાતભાતના આભલા લગાડે છે.લગનની તીયારું કરવામાં.પોતાનો ભાઈ બે દિવસનું કહીને ગયો તે હજી પાછો નથી આવ્યો તેનું પણ ભાન નો રિયું.એક વાર તો કેનુકાકાને મળી આવી તો તેમને ચિંતા નો કરવા કીધું.તેઓ જાણતા હતા કે વરસાદી મોસમમાં બે ત્રણ દિ’ વહેલું મોડું પણ થઇ જાય હરખમાં ને હરખમાં નુતુ તો ઘરનું કામ કરતી જાય છે ને લગનની પણ તૈયારી કરતી જાય છે,સાથોસાથ ગીત પણ ગાતી જાય છે.
વીરને હું તો ચોખાલીયે વધાવીશ
વીરને હું તો કંકુ કેરા ચાંદલા કરીશ
ઓઢાણીમાં આભલે વીરો જગમગશે
રૂમજુમતી ભાભીના પગલા પડાવીશ
ગામમાં વટ બેની નો એવો રે પડશે
મીઠડા રાગમાં ગીતડાં ગાતી જાય છે ને રંગે રાચતી જાય છે.આથી આજુબાજુ વાળા તો એના લગનની જોમે રાચે છે તેવું માનતા, પણ ખરેખર તો તેને ભાઈના લગનની વધુ ખેવના હતી.
હવે તો ત્રણ દિવસ ની જ લગન ની વાર રહી તોયે ભાઈ ઘરે નથી આવ્યો.પાડોશી બાઈઓ બધી તો નોરુને પીઠી ચોળવા માટે સજી ધજી ને તૈયાર છે, આંખમાં મેશ આંજી છે,મોઢે પાવડરના લપેડા કરાયા છે.નવા નકોર કપડા તૈયાર કરી રાખ્યા છે.પણ નોરુ નો કોઈ પતો નથી.નુતુ તો બિચારી કેટલીયે વાર કેનુકાકા પાસે જઇ આવી પણ એકજ જવાબ મળતો…“ તારો ભાઈ આવી જશે ” હવે તો કોઈ પણ વસ્તુ માનવા તૈયાર નથી.ઘરે આવીને ઓશરીની કોરે બેસીને ઢગલો થઇ ગઈ. કેટલાયે વલોપાત કરવા લાગી.
આકાશમાં કાળા ડીબાંગ વાદળો એક બીજા સાથે જાણે કુસ્તી કરી રહ્યા છે.તો વીજળી જાણે મહાકાય રૂપ ધરીને આકાશને ચીરતી ધરતી વાસીઓને બીવરાવી રહી છે.દરિયો પણ છ-છ માથોડા ઊંચા મોજા ઉછાળતો ગાંડો તુર બન્યો છે.
ઓશરીની કોરે બેની બેઠી છે આંખમાં ઉચાટના વાદળા વરસે છે તો ઉપર ગગનના વાદળા વરસે છે.વરસાદમાં નુતુની ચુંદડી ભીંજાય છે તો આંખ્યોના વરસાદે ઓશરીની કોર ભીંજાય છે.                                                                                                                    (ક્રમશઃ)

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in નવલિકા. Bookmark the permalink.

2 Responses to ચુંદડી નીતરે તરબોળ

  1. ખુબ સરસ

    સાહિત્યરસ થાળ જમવા વગર નોંત્રે જરુર આવીશું

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s