ઉંબર વચ્ચે એક ડગલું

ઉંબર વચ્ચે એક ડગલું

પાપા પગલી પાડતું બચપણ નવાનવા રોમાંચ અને કાલાપણું લાવે છે. ભાંખડિયાં ભરતું બાળક ધીરેધીરે ઊભુંથાય છે અને ઊભાથવાનું પામવા માટે તો કેટલાંયેગડથોલિયાં ખાય છે.મસ્તીની માઝા ને જીદના લાડપણમાં જોઈતી વસ્તુ હાજર થાય છે.જમીન સાથે પગ બરાબર જોડાઈ જાય છે કે ખભે નાના એવા દફતરનો ભાર આવી જાય છે.બાળક ઘરમાં હોય કે બહાર,તેનું મન તો કોઈ પણ પ્રકારની રમતમાં જોડાયેલું હોય છે અને જીવન સુમધુર બની જાય છે;કારણ કે કોઈપણ જાતની જવાબદારીઓકે ફરજોથી વંચિત એ સમય હોય છે !અજવાળાને ધક્કો મારીને અંધારું રાતને ઘસડી લાવે છે.અજવાળાના કેફને ભુલાવીને રાતની નિદ્રા માણવામાં આંખો પણ વિરામ લે છે. હજી તો આંખોએ પૂરતો આરામ પણ નથી લીધો;ત્યાં તો ત્વરાથી સાપ જેમ દરમાં જતો રહે અને રાત પોતાની માયા સંકેલીને ગુમ થાય તેવી જરીતે બચપણ પણ જતું રહે છે.
લાડ કરવાના અને નાનીનાની વાતોમાં રિસામણાં-મનામણાં જેવા પ્રસંગોને બહુ ધ્યાનમાં નથી લેવાતા. જીદોને પૂરતું પોષણ મળે કે ના પણ મળે અથવા તો કયારેક તે નજરઅંદાજ પણ થાય,પરંતુ યુવાવસ્થામાં નવી જિજ્ઞાસાઓ જન્મે છે અને કંઈક નવું કરવા માટે ધગશ ચડે છે. તો વળી સાથોસાથ બક્ષિસ રૂપે થોડી ફરજો પણ અંગ સાથે લાગે છે. એક એવી અવસ્થા કે જે નવાનવા આવેગોને આવકારે છે ને સ્વપ્નાંને શણગારે છે. જુનૂન, આક્રોશ અને આવેગો પણ પ્રસંગેપ્રસંગે પોતપોતાની હાજરી પુરાવીને પરાક્રમો બતાવે છે. સૌથી વિશેષ તો દિલની અંદર અને મનમંદિરમાં નવી આરતીઓના ઘંટારવ સંભળાય છે.શમણાને પાંખો લગાવીને મુકત મને ઉડતી વેળાના અહેસાસ અને મનનાં સ્પંદનો શરીરને એક નવી દિશાનો રાહ બતાવે છે.અવનવું પામવા માટે અથાગ પ્રયત્નો કરવા થનગને છે. ચાહના અને તૃપ્તિ વચ્ચે એક એવો સેતુ રચાય છે કે જે પળમાં રચાય છે ને પળમાં નાશ પામે છે.
દિલની અંદરના આવેગો ઉભરાઈને બહાર આવવા થનગને છે, તો પરિતૃપ્તિની પરિસીમાઓને પામવા તલપાપડ મનની ઝંખના ઉગ્ર બનતી જાય છે.તેથી જ તો એ બધા આવેગો,અહેસસો અને સ્પંદનોને નાથવા માટે સમાજેજીવનસાથી સાથે સંપન્ન થઈને જીવન વિતાવવાનો નિયમ બનાવ્યો છે. આવા જ મુકામ પર ડગર ભરતા યુવકને સામાજિક ભાષામાં લગ્ન કરાવીને સાંસારિક બંધનોમાં બાંધી દેવાનું કહેવાય છે.લગ્ન તો એક બેય પક્ષની સમજણ ને શાન આપતી માત્ર વિધિ છે, બાકી તો દુનિયામાં ઘણા લોકો કોઈપણ બંધનમાં બંધાયા વગર પણ સાથે જીવન વિતાવીને એકબીજાંને અનુરૂપ થઈને જીવે છે. એકમેકનાં તન અને મન એકરૂપ હોય, તો પછી વધુ ધનની એટલી આવશ્યકતા નથી રહેતી.બચપણ,યુવાની અને વૃદ્ધત્વ એ તો આપણા સમાજે આપેલાં નામો છે.જીવન એક પીક ( ટેકરી) જેવું છે,જન્મ્યા પછી જેમજેમ ઉંમર વધે તેમતેમ ભાર અને જવાબદારીઓ વધતાં જાય ને વળી એ જ રીતે ઢાળ ઊતરતાં જવાબદારીઓ ઘટી જાય.આમ જ યુવાન વયે પહોંચતાં લગ્ન માટેની વેદીઓ સ્વાગત કરતી હાજર થઈ જાય છે.લગ્નવેળાએ માણસની સ્થિતિ ઉંબર પર ઊભા હોય એવી હોય છે !ઉંબર પર એક પગલું ચડી ગયા પછી એક પગલું ઘરની અંદર છે,તો બીજું પગલું ઘરની બહાર જવા માટે તલપાપડ છે ! ઉંબર તો એક મધ્યસ્થીનું પ્રતીક છે. ઉંબર પર એક પગલું મૂકતી વેળાનાં સંસ્મરણોને હવે વાગોળી જોઈએ.
યુવાવસ્થાના સહયોગે સુંવાળી પળોને સન્માન આપીને બહુમાન કર્યું. દિલ થકી ઉત્પન્ન થયેલા આવેગો અને સ્પંદનોને ક્યારેક કેન્દ્રિત કરાયાં, તો ક્યારેક અંકુશમાં રાખીને સંકોચ્યાં. એ વેળાની અનુભૂતિઓ ક્યારેક પીડા આપનારી, તો ક્યારેક રાહત આપનારી હોય છે.
એક નજર પાછળ નંખાય, ત્યારે ખબર પડે છે કે જે પંથ કપાઈ ગયો છે; તે તો હવે ઘણો પાછળ રહી ગયો છે. અરે ! આ એજ રસ્તો હતો કે જ્યાં ચારે બાજુ લીલીછમ વનરાઈ લળીલળીને ઝૂમી રહી છે. વાહ રે ! ભગવાને લીલા કલરનું ડબલું નીચે ઢોળીને આ મજાની લીલા ઘાસની ચાદર પાથરીને માનવજાતને બક્ષી છે.જ્યાંત્યાં રૂમઝૂમ કરતાં ઉડતાં પતંગિયાનાં વૃંદો શોભામાં અનેરો વધારો કરે છે. ખળખળ વહેતાં એ ઝરણાઓની તો રે કોઈ નોંધ જ ના લેવાઈ ! ફૂલોથી આ મહેંકતી ફૂલક્યારીઓ તો કેટલી મઘમઘતી હશે. પર્વતોથી ઘેરાયેલા રસ્તાઓ અને એના થકીની મોહક અને દિલભાવન વાતોથી વેરાયેલ આ વન પણ વેરણ થઈ ગયું કે શું ?   પણ હવે તેનો પસ્તાવો કરે કોઈ આરો નથી. શું આ એક જીવન જીવવાની રાહ છે કે પછી તેના થકીનો એક ભાગ છે ? વહી ગયેલો સમય,જીભથી બોલાઈ ગયેલા શબ્દો,કમાનથી છુટેલું તીર આ બધી એક સમવર્તી ક્રિયાઓ છે,જેના માટે અહમ પોષવો રહ્યો કેપછી એના થકીનાં પરિણામોની પીડા કે સુખને વાગોળવાં રહ્યાં.
એક પગલું જે હજી પણ ઘર સાથે જોડાયેલું છે, તે યુવાવાસ્થાનું છે; જે હજી પણ રમતો, નાદાનિયત,આછકલાઈ કે જવાબદારીથી પર છે. એટલે જ તો પહેલું પગલું જે અધ્ધર હવામાં લટકીને ઉંબર પર જવા તત્પર છે અને બીજું હજી ઘરની મમત સાથે જોડાયેલું છે, એ બેયમાં આભ જમીનનો તફાવત છે. એક પગલું તો હજી નાદાનિયત અને જવાબદારીના જ્ઞાનથી વિમુખ છે, તો બીજાને એ બધું ગ્રહણ કરીને માર્ગ અપનાવવાનો છે. એક જ શરીરના બેય પગ જયારે આ વિસ્મય સ્થિતિએ અંકારાય છે,તો જાણે એવું લાગે છે કે એક જ અંકુરે ફુટેલા બેય પગની મનોદશા ભિન્ન કેમ ? એક જ પદાર્થમાંથી બનેલાં અંગોની સામર્થ્યતા તો સરખી છે, તો શું સ્થિતિ બદલાતા વિહંગાવલોકન અલગ ? આતો હજી એક પગની ફરિયાદ કે સુચિતા છે, પણ. એ થકી ઉપજતા મનોભાવ કે લાગણી તો હજી પ્રકાશિત થવા લાઈનમાં ઊભેલાં છે. પહેલું પગલું બીજા પગલા સામે જોઇને મંદમંદ મુસ્કાય છે, તો બીજું પગલું તો એક નવા અભિગમે કશું નવું પામવા કે નવી વણજારની રાહે થનગની રહ્યું છે.
બીજું પગલું હવામાં અધ્ધર થયું કે તેના તળેની મુક્ત થયેલી હવા જાણે આનંદિત થતી લહેરાઈ ઊઠી.જમીન પર જ્યાં એ પગલું મંડાયેલું હતું, તે જગ્યાએ થોડો હાશકારો અનુભવ્યો; પણ વળી એ જ ક્ષણે એના પર તિરસ્કારનો મારો બોલ્યો. જમીનનું તો કામ જ કોઈને સ્થિરતા આપવાનું છે, કોઈને આશરો આપવાનું છે. ભલા કોઈ અતિથિ વિદાય લે તો એના થકી ઉત્સવ થોડો મનાવવાનો હોય ! ખેર,ભલે ને તમે તેનાથી દુ:ખ પામ્યા હોવ.કોણ જાણે બીજો અતિથિ એનાથી વધુ પીડા આપનારો આવે ! પગલું અદ્ધર થયું કે શરીરના બીજા અંગ પર તેનો ભાર લદાયો કે તેના તરફની ફરિયાદ તાદ્રશ્ય થઈ  કે સમતોલનમાં ફેરફાર થઈ ગયો.કોને ન્યાય આપવો કે કોને સજા કરવી એવી એક અણધારી ઘડી આવીને ખડી થાય છે. ણીવાર સજામાં પણ એક માર્મિક સ્નેહ છુપાયેલો હોય છે, જે પીડા પર મલમ જેવો પણ સાબિત થાય !   સંજોગો અને પરિસ્થિતિ સામે ઘણી વાર આપણે ઝૂકવું પડે છે, તો ઘણી વાર આપણે વામણા સાબિત થતા હોઈએ છીએ. તો શું એ ઘડીઓની વિટંબણા અનૈતિક કે અઘટિત હોય છે કે સમાજે જ નોંતરેલી ને બંધારણીય કરેલી હોય છે. ગમે તે હોય પણ આ રાહ પર મને કે કમને નીકળવું તો રહ્યું જ !
નજરો ઉંબર પર સ્થિર થયેલી છે, એકાગ્રતા એ આગવું સ્થાન બનાવ્યું છે. સ્થળને નક્કી કરવા માટે થોડી તસ્દી મનને પણ અપાઈ કે રસહીન પ્રતિસાદ મળ્યો. અરેરે, કેવું બધું ઘટિત બની રહ્યું છે ! ગઈ કાલ સુધી તો બસ સવારનો નાસ્તો પતાવીને સ્કૂલે ગયા, ભણ્યા કે ના ભણ્યા પણ દિવસ મોજમસ્તી અને વાતોગપાટામાં વ્યતીત થતો.ના કોઈ રોકટોક કે ના તો કોઈ બંધન,પરીક્ષા ટાણે થોડું વાંચીને સાચવી લીધું કે હાઉ !!   જોઈતા ગુણોથી પત્રક ભરાઈ જતાં અને વાતાવરણ ખુશનુમા બની જતું. સિદ્ધિઓને હાંસલ કરીને મહાનતા બતાવી દેવાથી કંઈ બધું કામ બની જતું નથી.બીજા પગલે વળી એક એવું ઘુરકિયું કર્યું કે બે પળોને માણી લેવાથી સિદ્ધિ આવશે કે રિદ્ધિને વરાશે ! પલભર માટે ગુમાનનું આવરણ ઉતારીને જોવાશે, તો ખ્યાલ આવશે કે વાસ્તવિકતાને સ્વીકારવી કેટલી કઠિન છે !
પહેલું પગલું ઉંબર પર જગ્યા બનાવીને સ્થિર થયું અને હવે આંખોએ થોડી રાહત અનુભવી. મન તરફનાં લગામનાં બંધન થોડાં ઢીલાં થયાં. ઉંબરની પેલે પાર નજર કરી તો એક નવો જ ચિતાર તાદૃશ્ય થયો. ખેર, પગલાને નીચે મૂકવા જતાં જે શક્તિ અને સહારાની જરૂર છે તે તો મળી રહેશે. એક વાર ઉપર ગયું છે, તેને નીચે તો આવવું જ રહ્યું; એ સરિયામ વાસ્તવિકતાને સ્વીકારવામાં જ શાણપણ છે. જેની અનુભૂતિ કરવા માટે સ્વપ્નોની હારમાળાને જે નવોનવો ઓપ આપીને શણગારેલી, તે હવે કદાચ ફળીભૂત બનીને આંગણે આવવા થનગની ઊઠશે તેની તો તૈયારી કરવી પડશે ! મનના આવેગો અને દિલનાં સ્પંદનોના રોમાંચને આતિથ્ય રૂપે આવકારવાં પડશે. બહાર નજર કરતાં જે ચિતાર દેખાય છે, તેનાથી તો દિલે એક નવી લાગણી અનુભવી છે. જેને પામવા માટે રાત અને દિવસ ઝંખનાઓ કરેલી તે હવે ફળીભૂત થશે.જેની કલ્પનામાં રાતોની નિંદર વેરણ બનેલી અને આંખોનાં મટકાં સજાગ બનીને બહાવરાં બન્યાં તેનું મૂલ્ય ચૂકવવાનો કદાચ વારો આવી ગયો છે.
તો પહેલું પગલું, બીજાને કશુંક યાદ અપાવે છે કે સિક્કાની એક બાજુને જોઈને હરખાવું તેમાં પંડિતાઈ નથી. તો બીજું પગલું જે હવામાં એક આશની હૂંફમાં લહેરાતું હતું, તે થોડું મલિન બની ગયું અને વિચારવા લાગ્યું કે હા,પોતે જે ક્રમિક ઘટનાની કડીને ભૂલી ગયો છે તે એક યોગ્ય ડહાપણ નથી. વળી જયારે સિક્કાની બીજી બાજુ જોઈ લેવા માટે કૃતજ્ઞ થયો કે દિલના ઉભરા હજી શમ્યા નથી, પણ મનના આવેગોનો વેગ ઘટી ગયો.
રે મનવા !   જીવનની આજ અકળ લીલા છે !  
જીવનસાથીને પામી જવાથી બધા ઉભરા શમી જશે. નવું પામ્યાનો અહેસાસ થશે શમણાંઓ સાકાર થશે. પણ ત્યારબાદની ક્રમિક આવતી પળોની ઘટના વિષે ઊંડાણમાં વિચાર્યું; સહારાની જરૂર હતી તે તો મળી રહેશે ! એવા નિર્ધાર સાથે થોડી રાહતનો દમ ખેંચતાં બંને પાપણોએ મટકાં માર્યા. ઉપર ગયા પછી નીચે તો આવવું જ રહ્યું તે એક સરિયામ સનાતન ને સ્વીકારવામાં કે કેમ ? ?   આથી બીજા પગલાએ પહેલા પગલા તરફ નજર કરી તો એ હજી મુસ્કરાતું હતું. તો બીજા પગલાએ થોડી હુંકાર કરીને તેને યોગ્ય અવસ્થામાં આવી જવા માટે સૂચન કર્યું,કારણ કે હક્કની સાથે ફરજો સાંગોપાંગ વણાયેલી છે;અને ફરજોનો ભાર તો વહેવા માટે ભગવાને ખભાને મજબૂત બનાવ્યા છે. થોડી પળોને યુવાવાસ્થમાં રહીને માણી લીધા પછી તો બીજી કડીમાં આવ્યે જ છૂટકો છે એમ જણાવ્યું, ત્યારે તો થોડી રાહત અનુભવી;પણ છતાંય બીજા પગલે એક વાતની કબુલાત કરી કે અત્યારની પળો એટલી સરળ ને આસાન નથી કે નથી તો અવગણવા જેવી. એકએક જવાબદારી અને ફરજને શિરોમાન્ય ગનીને અગ્રેસર રહેવું તે મહાનતા છે. તેનાથી છૂટવા મથવું તે નરી કાયરતા છે. પરંતુ સાથોસાથ એ પણ એક નક્કર વાસ્તવિકતા છે કે વિતાવેલી પળોએ જે રોમાંચ અને સ્નેહથી સત્કાર કરેલું તે મહામૂલું અને અવિસ્મરણીય છે. આ ઉંબર પરનું એક પગલું તોળાયું છે, તે બહાર જવા થનગની ઊઠશે, તો બીજું પગલું ઉંબર પર જવા માટે નારાજગી પ્રગટ કરશે ! તો બે પગલાં વચ્ચે જે અંતર છે કે ગાળો છે તે તો મામુલી અને સરાહનીય છે; પણ છતાંય બેની સમાનતાએ જે ભિન્ન અને મિશ્ર લાગણી અનુભવાય છે, તેને અવગણી શકાય તેમ નથી.
કદાચ આજ પળ યુવાશ્રમ અને ગૃહસ્થાશ્રમને જોડતી એક કડી છે અને તે પળમાંથી પસાર થવામાં આવી નાજુક ઘડીઓનો સામનો કરવો રહ્યો !

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing a sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in પ્રકીર્ણ. Bookmark the permalink.

2 Responses to ઉંબર વચ્ચે એક ડગલું

  1. Tarun Doshi કહે છે:

    ઉંબરાને મધ્યસ્થી બનાવીને જે લોજીક વર્ણવેલ છે તે કુલ છે. પ્રથમ મુલાકાત જ રસપ્રદ રહી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s