સાચો પ્રેમ !

સાચો પ્રેમ !

“ મને ખબર જ હતી કે આજે પણ તું ઓફિસેથી મોડો આવીશ. ” ઘરમાં પ્રવેશ કરતા પોતાના પતિ ને આવતા જોઇને પોતાની હૈયા વરાળ બહાર કાઢતી રૂનાલી બોલી.
“ ઓહ ડાર્લિંગ સોરી, તને કહીશ તો હર વખતની જેમ તું વાતને બહાનું ગણીને અવગણી કાઢીશ. ” સ્વ બચાવના ભાવે તોરણ બોલ્યો.
“ તને ક્યાં મારી કે છોકરાવની પડી છે. ” હજી પણ તેની હૈયાવરાળ ઉભરાતી હતી.
“ તમારી પડી છે એટલે તો જેમ બને તેમ જલ્દી ઘરે આવ્યો. ને ઓવર ટાઈમ પણ જતો કર્યો. ”
“ હમ તો એમ કહે ને, કે રૂપિયા વ્હાલા કરવા હતા. ”
“ તને હું નહિ પહોંચી શકું. પાણીનો ભાવ ના પૂછ તો ઠીક છે પણ, એ તો કહે કે આજ કેમ આટલી અકળાયેલી છે ? ”
“ અકળાવ નહિ તો બીજું શું કરું બોલ ? ક્યારનાય તૈયાર થઈને બેઠા છીએ. એક તમે છો જે બોસ સાથે ભરાઈને બેઠા રહો છો. ”
“ તો પછી મારે ચા પણ નથી પીવી. ચાલો જલ્દીથી થીએટર ભેગા થઈએ ” એક કાઢી નાખેલું મોજું પાછું પહેરતા તોરણે કહ્યું.
તોરણ એક મધ્યમ કુટુંબમાંથી આવતો નવયુવાન છે. બીજા શહેરમાં નોકરી ટ્રાન્સફર થતા પત્ની અને બે બાળકો સાથે સામન્ય જીવન વિતાવે છે. પ્રાઈવેટ બેંકમાં નોકરી કરતો હોઈ ઘણી વાર ઘરે પાછા ફરવામાં મોડું પણ થઇ જાય છે. પોતાની પત્ની રૂનાલી સ્વભાવે થોડી શોર્ટ ટેમ્પર છે અને એટલી જ ભોળી પણ છે. ઓફિસે જવા માટે એક જુનું સ્કુટર છે. જે ઘણી વાર સવારે એટલી કિક મરાવે કે તેની બાજુમાં બંધ પડેલું સ્કુટર ચાલુ થઇ જાય; પણ એ ચાલુ ના થાય !! નવી નવી નોકરી હોઈ, ઘણી વાર મેનેજર તેને થોડા કામ માટે રોકી પણ રાખે, જેથી રૂનાલી ગુસ્સે થાય. ઘણી વાર તો તે છોકરાના હોમ વર્ક ને લઈને પણ ગુસ્સે થતી. મોટો છોકરો આનલ, જોકે હજી તો ફર્સ્ટ ગ્રેડમાં જ હતો પણ પોતાની મોમ એને કોલેજનાં ફર્સ્ટ ઇયર માં હોય તેમ ટ્રીટ કરતી. ઘણી વાર એવું બને કે સાંજનું ડીનર બનાવવું અને એક બાજુથી આનલ હોમવર્કને લઈને ઉતાવળ કરે. આથી તે ગુસ્સે થતી ને ક્યારેક તે આનલના ગાલ પર પડતા તમાચામાં પરિણમતું. જો કે તે થોડા અંશે સાચી પણ એટલા માટે હતી કે એક બાજુ સાંજની રસોઈ અને બીજી બાજુ પુત્રનું હોમવર્ક ! તો નાનલો વિનલ તેન હોમવર્કમાં ડીસ્ટર્બ કરે. યા તો પેન લઈને ભાગી જાય કે નોટબુકને ખેંચે.
સામાજિક કહેવત મુજબ બે વાસણ ભેગા થાય એટલે વાજ તો આવેજ. પણ તોરણ એવું નહોતો ઈચ્છતો કે વાસણ પડીને નંદવાઈ જાય.
પ્રખ્યાત હાસ્યકાર શ્રી શાહબુદ્દીન રાઠોડના એક જોક મુજબ, સંસાર રૂપી વાહનમાં એક ટાયર સ્કુટરનું અને એક ટાયર ટ્રેક્ટરનું હોય તો બરાબર ના ચાલે. જોકે બેયના સંસાર રૂપી વાહનના ટાયર તો બેય સ્કુટરના જ હતા. પણ ગેર સમજણ અને અણસમજણના જોરે અનબેલેન્સ થઇ ગયા છે. આથી ક્યારેક તણખા મંડળ જોર પકડતું.
એક સર્વે મુજબ ભારત પાસે યુવા ધન ખુબ છે. અને છેલ્લા વર્ષોમાં મહિલા જાગૃતિએ જોર ને શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરી છે. એવીજ એક નવી મહિલા કર્મચારીને તોરણના માર્ગદર્શન નીચે એપોઇન્ટ કરવામાં આવી. એક દિવસ અચાનક રૂનાલી બેંકમાં આવી ચડી. અને સાથેજ એક છોકરીને જોતા તો તેના ભવાં ચડી ગયા. બેંકમાં તો કશું ના બોલી, ગાલ ફુલાવતી કામ પતાવીને નીકળી ગઈ. પણ આખા રસ્તે કેવી રીતે પતિને લઇ પાડવો તે પ્લાન ઘડતી ગઈ. આનલ કે વિનલ કશું બોલે તો તેને પણ ઉગ્ર સ્વરે બોલવા લાગી પડી. આ બાજુ તોરણ તો બસ પોતાના કામમાં મશગુલ હતો.
એક મધ્યમ કુટુંબમાંથી આવતા તોરણને બરાબર ખ્યાલ હતો કે પૈસાની વેલ્યુ કેટલી ? આથી તે પોતાનું સમગ્ર ધ્યાન અને બુદ્ધિને, બેન્કના કામકાજના હવાલે કરી દેતો. તેને તો રૂનાલી આવી તે એકદમ લાઈટલી લઈને થોડી ઘણી નવાજીને વિદાય કરેલી. એને તો જરા પણ ખબર નહોતી કે ઘરે જતા કેવા ચા નાસ્તા હાજર હશે.
“ ચા બનાવું કે પછી બહાર પીને આવ્યો છે ? ”
“ રૂનાલી તારી તબિયત તો બરાબર છે ”
“ મને શું થવાનું હતું…..એય મજાની અલ મસ્તાન છું. મને થયું કે નવા સ્ટાફ ને લીધે, ચા નાસ્તો થઇ ગયો હોય. ”
“ ઓહ…તો શ્રીમતીજી આજે બેંકમાં આવ્યા ને પેલા નવા મેડમને જોયા એટલે કે ? ”
“ થોડા દિવસતો એવું લાગતું કે તમારો બોસ તમારા ભોળપણનો ફાયદો લઈને રોકી રાખે છે. પણ હવે કંઈક સમજાય છે કે ”
“ શું સમજાય છે બોલ ? ”
“ એજ કે બાજુમાં એક રૂપકડી છોકરી બેઠી હોય તો પછી મારા જેવી પત્ની ને છોકરા ઘરે રાહ જોતા હોય તે કયાંથી યાદ આવે. ”
“ શું તું પણ બક બક કરે રાખે છે. તને તો ખબર છે કે બાજુ વાળા બહેન એક દિવસ શું કહેતા હતા ? હું સવારે સ્કુટરને બહુ કીકો મારું છું એમાં તેમનો છોકરો જાગી જાય છે. ”
“ તે છો કહેતા..બહુ દયા આવતી હોય તો નવું સ્કુટર લાઈ આપે, પછી એમનો છોકરો એય મજાનો નીંદર કરે રાખે. ”
“ શું તુયે બાફ્યે રાખે છે ! નવા સ્કુટર લેવાની લગનીમાંતો કયારેક ઓવર ટાઈમ કરું છું. અને પ્રિયે, તને તો ખબર છે હું સ્વમાની છું. થોડોક સપોર્ટ આપ, પ્લીઝ માય હની. ” ને તેણે રૂનાલીની ગાલ સાથે ગમ્મત કરતી લટને ઘુમાવી.
“ બસ હવે લટપટિયા કરવા રહેવા દે અને હું તારા માટે ચા લઇ આવું. ” કહીને તે કિચનમાં ગઈ. એક નિરાંતનો શ્વાસ લઈને, એના જેવાજ દયામણા સોફા પર આડો પડ્યો.
આવા કચકચાટ તો રોજના થઇ પડ્યા.
થોડા ઘણા અંશે તો તોરણ થાકી પણ ગયો. રોજ બેંકમાં મોડે સુધીનું કામ, અને ઘરે આવે એટલે પત્ની પારાયણ ચાલુ. કોઈ દિવસ કોઈ વસ્તુની બબાલ, કોઈ દિવસ છોકરાની બુમરાણ તો કોઈ દિવસ શંકાના સમાધાનોની સમસ્યા !
“ જો મારી રૂનાલી, આપણા કોઈ એરેન્જ મેરેજ નથી. બેય એકબીજાને પસંદ કરતાં. અને તેના થકીના, પ્રેમનું પરિણામ તો આપણા પ્રેમ લગ્ન છે. ”
“ તું મને એમ ભોળવ નહિ….એક વાર ટ્રેપ થઇ ગઈ, છો બહુ થયું. ”
“ મતલબ મેં તને ટ્રેપ કરેલી એમ ? મેં તને ફસાવેલી ? ”
“ હા જ તો…. ” ને તે એકદમ ત્રાડ નાખીને બોલી.
કેટલાયે દિવસનો કંટ્રોલ કરેલો ગુસ્સો આજે ભડ ભડ સળગી ઉઠ્યો. થાડ દઈને એક તમાચો રૂનાલીના ગાલ પર પડી ગયો; આથી તે રડવા લાગી.
“ બસ તમે પુરુષ લોકો આ એક કામ બરાબર બજાવી જાણો. ” રડવાનું રોકીને તે બોલી.
આથી વળી પાછો તોરણ માફી માંગીને કરગરવા લાગતો. એ નહોતો ઈચ્છતો કે નાની એવી લડાઈ એક મોટું સ્વરૂપ ધારણ કરે. આથી ફોસલાવી પટાવીને વળી થડને વેલી વળગે તેમ આલિંગનમાં લઇ લીધી.
પાછો બંનેનો સંસાર સુખમય બનીને સોળે કળાએ ખીલી ઉઠતો. જેટલી તે અડીયલ હતી, એટલી જ ભોળીને પ્રેમાળ. પણ થોડીક જડતાના બીજે તે હેરાન થઇ ઉઠતી. શંકાના વાદળો ઘેરાય કે તે તોરણ પર વરસી પડતી. ગુસ્સો દબાવવા ટ્રાય કરવા છતાં પણ તે કન્ટ્રોલ ગુમાવીને તોરણ સાથે બાખડી પડતી. આમ ને આમ તેમનું રગસીયું ગાડું ગબડે જાય છે. જેમ દરિયાની ખારાશ દુર ના થાય તેમ રૂનાલીના સ્વભાવની ખારાશ કયારેક ક્યારેક રંગ બતાવી દેતી.
“ તને હજાર વાર કહું છું પણ તું નહિ માને, મારે તો શું કરવું એજ સમજાતું નથી. તને હું ના ગમતી હોય તો સાફ સાફ કહી દે. બાકી મને તો એવું જ લાગે છે કે મેરેજ પહેલા તું મને જે પ્રેમ કરતો તે અલગ હતો. તું એકદમ બદલાઈ ગયો છે. ”
“ હની, તું જ મારા માટે સર્વેસર્વા છે. તારા સિવાય તો હું કોને પ્રેમ કરું ? ક્યારેક તો મને સમજવાની ટ્રાય કર રૂનાલી. હવે તો આપણા દીકરાઓ પણ યુવાન થઇ ગયા છે. ”
“ હું પણ એજ કહું છું કે પ્રેમ ના ગીતો ગાવાની ઉંમર નીકળી ગઈ છે. ”
“ ફટ હજો, જો હું મનમાં પણ એવું વિચારતો હોય. ઘેલી તું જ તો મારી પ્રિયે છે ને તું જ તો મારી વ્હાલી છે. ” કહીને તોરણે પત્નીને પોતાનાથી એકદમ નજીક ખેંચી.
“ બસ આ તમારો ડાયલોગ સાંભળીને વળી પાછી જીવન જીવાવવાની ઘેલછા વધી જાય છે. ” કહીને રૂનાલી વળી પતિની બાહોમાં સમાઈને બધું ભૂલીને પ્યારને પામવા મથી રહેતી.
પણ જેમ મેથીને ગમે તેટલી ધોવો પણ કડવાશ ના જાય તેમ રૂનાલી પણ કોણ જાણે દિલની ભડાશ ઓકી નાખતી. તો તોરણ હંમેશા વાતને વાળીને નીપટાવી લેતો. બને ત્યાં સુધી ગમ ખાઈ જતો. ઓફિસેથી આવે તો પાણી કે ચાનો પણ વિવેક ના કરનારી પત્ની રૂનાલીનું જરા પણ દિલ પર ના લઈને પરિસ્થિતિને સંભાળી લેતો. ઘણી વાર તેને લવમેરેજ કરીને પસ્તાવો થતો પણ ગમ ખાઈને દિલને વાળી લેતો.
શિયાળાના સુકા વાયરાઓ વાઇને જતા રહ્યા. ત્યાં વળી ઉનાળાની લુ શરીર ફરતે ફરીને પરસેવો પાડતી ગઈ. કે ચોમાસાના ભીના ભીના વાયરાની ફુવારો તન બદનમાં ભીનાશની સ્ફૂર્તિ આપીને વળી શિયાળાના સુકા વાયરાને મોકલી આપે છે. એવોજ દરેક મોસમનો વાયરો તોરણ અને રૂનાલીના જીવનમાં પણ વાઈ ગયો. ઘસડાતું ઘસડાતું સંસાર ગાડું વૃદ્ધાવસ્થાએ લઇ ગયું. સમય તો દરેકના જીવનમાં આયુંને અનુરૂપ પોતાની છાપ છોડતો જાય છે. અને જેમ વૃદ્ધાવસ્થા નજીક આવે તેમ શરીરની સમતુલા તથા તંદુરસ્તી જળવાતી નથી.
રૂનાલીના શરીર પર સમય વધારે અસર કરી ગયો. નામ છે તેનો નાશ તો છે જ ! અને જેણે જીવન પામ્યું તેને પરમ ધામ તો જવું જ રહ્યું ! જન્મ અને મરણ બેય તો કુદરતને આધીન.
પણ કાળક્રમે, રૂનાલી પહેલા ફસાઈ ગઈ. જો કે આયુમાં તે તોરણ કરતા ત્રણ વર્ષ મોટી હતી. એ સમયે તો બંને એ સમાજને એક આયુ તફાવતનો જીવંત દાખલો આપીને મેરેજ કરેલા. પણ આયુ તો દરેક વ્યક્તિના આયુષ્ય સાથે નિર્ભર નથી. પથારી વશ બનેલી રૂનાલીની સેવા ચાકરી કરવામાં તોરણ એવો લાગી ગયો કે, તેના માટે તો રૂનાલીની સેવા એ જ જીવન ! તો આ બધું જોઇને વહેમ તથા શંકાના આવરણે ઢંકાયેલી રૂનાલી હવે પસ્તાવો કરવા લાગી. અરે રે પોતે કેટલી અભાગી કે કાયમ પતિની સાથે કચકચ કરીને સંતાપ આપતી રહી. કાયમ તેના પર શક કરીને પોતાની ફરજોને છાવરી રહી.
પોતાનો પસ્તાવો પણ કેવો ને કેવી અવઢવ ! કે પતિ પાસે માફી માંગીને બોલવાની શક્તિ પણ હણાઈ ગઈ ?
પથારીમાં પડી પડી બે હાથ જોડે છે; અને તોરણ સામે દયા યાચના દ્રષ્ટિ નાખે છે. આથી તોરણ પણ તેની સામે સાંત્વના આપતા ઈશારા કરે છે. કાયમ મળેલી કડવાશે તે ટેવાઈ ગયેલો તે રૂનાલીની મીઠી વાણીને મુક સંજ્ઞામાં જાણી નથી શકતો. તે રૂનાલી બરાબર જણાતી હતી પણ પોતે એવા વમળમાં ફસાઈ ગઈ છે કે કશું કરી શકે તેમ નથી. તેણે તોરણનો હાથ પકડીને નજીક બોલાવ્યો. અને તેના હાથને છાતી સરીખો ચાંપીને આંસુ વહાવા લાગી. આથી તોરણ પણ એકદમ ભાવુક બની ગયો. અને તેના કાન નજીક જઈને બોલ્યો
“ પ્રિયે…તું મારી જરા પણ ચિંતા ના કરીશ અને આશા રાખુંકે; તારી પાછળ જ હું જેમ બને તેમ જલ્દી આવીશ. ” તેના આંસુ લૂછતાં તે બોલ્યો કે વળી પેલા આંસુનો એક ઓર ધોધ વહેવા લાગ્યો. તોરણ એક પતિ ધર્મ નિભાવે છે તો પત્ની પણ પતિની ચિંતા કરતી પથારીમાં પોતાના આત્માને કોચે છે. પોતાને કશું બોલવું છે પણ બોલી શકતી નથી. તેના ચહેરા પર ચિંતાની નસો ફૂલાયેલી જોઇને તોરણ એકદમ નજીક જઈને બોલ્યો.
“ રૂનાલી, કશું કહેવું છે ને ? જે દિલમાં હોય તે કહી દે. મને તારું આજ સુધી કોઈ વાતનું ખોટું નથી લાગ્યું. તારા આત્માને દુઃખી ના કર. કદાચ મારી વ્યથાને રોઈને હું તને વધુ સંતાપ આપવા નથી માંગતો. તારા અધૂરા રહી ગયેલા ઓરતા પણ કહે, બની શકશે તો પુરા કરીશ. હું માનું છું કે એક સામાન્ય બેન્કનો ક્લાર્ક તો વળી કેટલા અરમાનો પુરા કરાવી શકે ? ”
રૂનાલી બધું સાંભળી રહી હતી. તેના અંતરમાં દાહ ચપાતો હતો. દિલ ભારે બની ગયું છે. આત્મા કોચવાય છે. જીભ સંકોડાઈ ગઈ છે. તોરણના હાથને પોતાના હોઠ સાથે ચાંપીને તે ભગવાનને પ્રાર્થી રહી.
“ ભગવાન, મેં પતિ સાથે કરેલ અક્ષમ્ય વર્તન માફીપાત્ર તો નથી જ. તેનો અફસોસ કરીને પશ્ચાતાપ કરવાનો સમય મેં સરકાવી દીધો છે. પણ જો મેં આજ સુધી પતિને જ પ્રેમ કરીને જીવન પસાર કર્યું હોય તો મને બે પળ માટે બોલતી કર. ” તેની નિર્જન આંખો જરતી રહી. તે જોઇને કે એક નારીની અગમ્ય શક્તિએ, તેનામાં વાચા ફૂટી; શરીરનું બધું બળ જીભ પર કેન્દ્રિત કરી દીધું.
“ હું જ તારી પ્રિયે ને હની. તું સાચોને તારો મારા માટે પ્રેમ સાચો. મને માફ…… ને તે તોરણની બાહોમાં જુલી રહી. તેનો મંદ મંદ સ્મિત આપતો ચહેરો છતને તાકતો લટકી રહ્યો.

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in નવલિકા. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s