ચકલી છાપ

ચકલી છાપ

દિવાળીનું મીની વેકેશન એટલે અમારા માટે મોજે દરિયા, ને તોફાનના હિલોળા ! મોટા તહેવારોનું ઝુંડ આ વેકેશન માં આવે. અને ખાસ તો આ વેકેશનમાં ના ગરમી કે ના ઠંડી; એટલે હવામાન વાળા ગમે તેવી આગાહીઓ કરે પણ અમારી ટોળી ગણકારે નહિ. હું અને મારો ભાઈ, બે ટોળીમાં ભળી જતા; એક તો ગામ ની ટોળી ને બીજી અમારા એરિયાની ટોળી. થોડી સ્પષ્ટતા કરી દઉં કે જેમ જુના અમદાવાદ ફરતે કોટ હતો તેમ અમારા ગામ ફરતે પણ કોટ હતો. કોટ અંદરનો એરિયા એટલે ગામ અને અમારો એરિયા એટલે નોકરિયાત અને આયાતી વસ્તી. જેમાં અમારું ઘર આયાતીમાં ગણાતું. કારણ સાયલા મારું મૂળ ગામ નહિ. અમારા એરિયામાં રેલ્વે સ્ટાફના છોકરાઓ ભણવામાં થોડા વધારે હોશિયાર હતા. ( અમારી ભાષામાં ભણવામાં ઢ ), હુંયે ઢ ખરો પણ એમના કરતા થોડો ઓછો ! ત્રણ ભાઈઓ જે અગલો,ભકલો, ભોપલો ને એમનો પાડોશી તપેલો. આ ચારમાંથી ભકલો અને તપેલો બેના ઓરીજીનલ નામ ખબર જ નથી. અમારો આખો મહેલ્લો ને પોળ એના વિષે ઘણા બધા સાહિત્ય ને વેદોનો અભ્યાસ કરી ચુક્યા છે પણ કોઈ સુરાગ મળેલો નહિ આથી ભકલો ને તપેલો નામ સર્વાનુમતે સ્વીકારી લીધા છે, તો આપ સૌને પણ સ્વીકારી લેવામાં શાણપણની ભલામણ.
દિવાળીના તહેવાર એટલે દોસ્તો આપ સૌએ માણ્યા જ છે ને માણતા પણ હશો. બઝારમાં દુકાન આગળ ફટાકડા ગોઠવાય કે બા પાસે રોજ જીદ કરવાના ખેલ ચાલુ થઇ જાય. આગળ કહેલું છે તેમ, અમારા નરીયાને બિચારા ને બા નહિ, અને બાપા ફરેલી ખોપરી ! નરિયો કોઈની પાસે જીદ ના કરી શકે. અમે બધા જીદની વાતો કરીએ તે એક દિવસ નરીયાને લાગી આવ્યું કે આખી ટોળીમાં એકલો તે જ કેમ જીદ વગરનો રહે ! જેવા તેનાં બાપા બપોરનું જમી ને રેલ્વે સ્ટેશને ગયા કે ભાઈડો અમારા ઘરની પાછળ આવેલા કુવામાં છુપાઈ ગયો. ત્રણ વાગ્યાની ટ્રેન રવાના થઇ કે તેના બાપા ઘરે આવ્યાતો નરિયો ના દેખાયો. અમારી આખી ટોળી તો એમના ઘર નજીક બેસીને તારલીયા ફોડતી હતી. પહેલો શક એમને કુવામાં નહાવાનો જાય; બે વાર ચક્કર મારી આવ્યા પણ નરિયો એમનો જ પુત્ર. જેવા ત્યાં ગયા કે નરિયો તો; ચામાચિડિયું લટકે તેમ કુવામાં દીઠો. તે વર્ષે નરિયો કુવામાં લટક્યો એનો ફાયદો અમને બધાને થયો. નરિયાની કુવા વાળી વાત તો બીબીસીના ન્યુઝ જેમ ફેલાઈ ગઈ. આથી અમને પણ સમય કરતા વહેલા ફટાકડા મળી ગયા.
પ.પૂ.ક.ધુ. (પરમ પૂજ્ય કરતુત ધણી) ૧૦૦0૮ એવા શ્રી અમારા હકેશ્વર મહારાજ એટલે અમારો હકો ઉર્ફે હસમુખ. એક એવાજ દિવાળીના વર્ષમાં, છેલ્લા એક બે અઠવાડિયાથી હકો અમારી જોડે રમવા ના આવે. રમવામાં હકો બહુ ચોક્ખો નહિ થુઈ થપ્પા કરીને રમતને ઘણી વાર ડખોળે બહુ ! આથી અમારી ટોળીએ બહુ નોંધ ના લીધી પણ એનો ખાસમાં ખાસ જીગરી એટલે જીલો; જે અમારી ટોળી માંનો નહિ પણ હકાનો ખાસ દોસ્ત. તેની પાસેથી જાણમાં મળ્યું કે હમણાં હમણાં છોકરીઓ એને હકલી હકલી કહીને ચીડવતી હતી. હવે આ હકામાં એકેય એવા ગુણો નહિ કે તે નારીજાતિમાં ગણાવીને કોઈ એને ખીજવે ! ચાલવામાં ડોલતો જતો હોય, અવાજ પણ પહાડી; કુવાના કાંઠા પર ઉભો રહીને બુમ પાડે એટલે ત્રણ પડઘા પડે એવો ! અમે લોકો તો ફટાકડા ફોડીને નવરા થઇ ગયેલા, પણ નરિયો અને હકો બે એવા ગઠીયા કે છેલ્લે સુધી ફટાકડા સાચવી રાખે ને પછી અમને બધાને લલચાવે.
સારી કરતા નઠારી વાત જલ્દીથી ફેલાય; એ ધોરણે હકાને હકલી કહીને ખીજાવતી જ એક છોકરીને ટીનાએ હિંમત કરીને પૂછી લીધું. અને જે જાણવા મળ્યું તે થોડું ચોંકાવનારું, થોડું કરુણ અને થોડું હાસ્ય ઉપજાવનારું હતું. હવે બનેલું એવું કે જમીને બધા એક સાથે ઘરની બહાર નીકળીએ, ટોપલીમાં ફટાકડા લઈને બધા બહાર આવી જાય. હકો બહુ જોશમાં હતો અને એ વર્ષે એના પપ્પા પણ બહુ ખુશ હતા કે મોટા ફટાકડા પણ લઇ આપેલા. તે વખતે ચકલી છાપ, લક્ષ્મી છાપ અને સોનેરી ફટાકડા બહુ માથાભારે ગણાતા. અમારી પોળની ભાષામાં એને એડલ્ટ ફટાકડા કહેતા. એડલ્ટ એટલા માટે કે ફોડવામાં થોડા ઝોખમી એટલે નાના છોકરાને ખાલી અડવા મળતા. હકો ફોર્મમાં ને ફોર્મમાં ફટાકડા ફોડતો હતો. આવા વીર હકેશ્વરે એક હાથમાં ચકલી છાપ ફટાકડો ધારણ કર્યો છે ને બીજા હાથમાં મીણબત્તી ધારણ કરી છે. ચકલી છાપ ફટાકડાનો ધમાકો તો કાન બંધ કરવો પડે એવડો મોટો થાય ! હકાએ આંખને કેન્દ્રિત કરીને ભૂમિ પર ચકલી છાપને ખોડવા નીચે બેઠો કે તેની ફટાકડાની ટોપલીનો ખખડવાનો અવાજ આવ્યો. પાછળ ફરીને જોયું તો તેનો નાનો ભાઈ તેના ફટાકડા લેતો હતો. “ જીનીયા….” કહીને તેણે જોરથી બુમ પાડી. અને આ બાજુ બીજી ઘટના બની ગઈ. તેના બેય હાથમાં ધારણ કરેલ ચકલી છાપ અને મીણબત્તીનું મિલન થઇ ગયું. હકાના હાથમાં જ ચકલી છાપ ફૂટ્યો. “ ઓ માં રે……” કરીને હકો ભાગ્યો પણ ચકલી છાપ એના કપાળ પર ચરકતો ગયો. એક ગરમ તીનકું એના કપાળે ચોટી ગયું. અને હાથ તો લાલ લાલ થઇ ગયો. આથી તેની બા એ ઘૂઘરા તળીને રાખી મુકેલા તેલની કડાઈમાં જઈને સીધો હાથ બોળી દીધો; તે હાથ બચી ગયો. હવે કપાળ કેવી રીતે કડીમાં બોળવું તેનું જ્ઞાન કે પધ્ધતિ કોઈ પણ સાહિત્યમાં લખેલી નથી. આથી જયારે અઠવાડિયા પછી તેનું કપાળ; દાજેલ ઘા માંથી મુક્ત થયું ત્યારે એક નિશાની દેખાઈ. એ નિશાન બરાબર ચાંદલાની જગ્યા એ થયું હતું. હવે તમે હકા પર હસો છો કો કે દયા લાવો છો મારા પ્યારા વાચકો ?? આવા કરતૂતોનો સરવાળો એટલે ૧૦0૦૮.
છોકરીઓ એને ખીજવતી બંધ થઇ ગઈ, એમાં એના પપ્પાનો ઘણો મોટો ફાળો હતો. છોકરીઓ ખીજાવતી બંધ થઇ કે અમારી ટોળીને ય હવે ખીજાવવાનું કારણ વ્યાજબી લાગવા લાગ્યું. દિવાળીના વેકેશનમાં અમે લોકો ગામની ટીમ સાથે ક્રિકેટની મેચ રાખીએ. એમાં સામેની ટીમમાં એક ધમો બહુ માથાભારે, પોતાની જાતને શોલેનો ધર્મેન્દ્ર સમજે. ધમો એટલે નામ એનું ધરમશી પણ ધર્મેન્દ્રના વ્હેમમાં ફરે. તો અમારી ટીમમાં રાજપુતનો ખોપરી ફરેલ, અજીત. અમારો હકો પણ અજીતની હાજરીમાં ઘણો કુદકા મારે. અને એમાય જઘડો થયા ત્યારે તે ઉંદરડો દારૂ પી જાય તેમ ઉછળી ઉછળીને સામે વાળી ટીમને આપે. એક વાર બેય ટીમો સામ સામે આવી ગઈ. અને અમારા દિલાએ ફટાકડો ફોડ્યો: મેચ ક્રિકેટને બદલે ફટાકડાની રાખવી. અમે બધા તો બાઘાની જેમ દિલા સામે જોઈ રહ્યા. અને ટીનો તો રીતસર દિલા પર આક્રમણ કરી બેઠો. “ અલ્યા ડફોળગર, અત્યારે ક્રિકેટ મેચની સીઝન છે ”
“ તે ફટાકડાની સીઝન નથી ? ” સામે ઘુરકીયું કરતો દિલો બોલ્યો.
દિલાનો અવાજ અને ઉત્સુકતાએ સૌ કોઈ તૈયાર થયું. બધા હનુમાનજીની દેરીએ ઉપડયા. દેરીની આગળ એક મોટો ઓટલો હતો, મહેલ્લા વાળા સંકટ સમયે ઓટલા પર ધૂન રાખતા. બાકી મોટે ભાગે ઓટલો અમારે રમવા કામ આવતો. મેચ નક્કી થઇ. બધાએ બે બે રૂપિયા કાઢ્યા. અને બે લક્ષ્મી છાપ ફટાકડાના પેકેટ મંગાવાયા. ઓટલા વચ્ચે બે નાના કુંડાળા કર્યા ; કુંડાળામાં ધૂળની ઢગલી કરીને ઉપર એક એક ફટાકડા મુક્યો. મેચના નિયમ કંઈક આવા નક્કી થયા.
વારાફરતી બેય ટીમનો એક એક પ્લેયર આવે અને ફટાકડો સળગાવે. જે ટીમ ફટાકડો ફોડ્યા વગર ભાગે તો એક માઈન્સ પોઈન્ટ અને સુરસુરિયું થાય તો બે માઈનસ પોઈન્ટ. બેય ફટાકડા ફૂટે તો; જેની ધૂળ વધારે દુર જાય તે એક લાકડાના ટુકડાથી માપીને પોઈન્ટ ગણવા એવું નક્કી કર્યું.
બેય ટીમ સામ સામે ગોઠવાઈ ગઈ. બેય કુંડાળામાં ફટાકડા રોપી દીધા છે અને બેય ટીમનો એક એક પ્લેયર હાથમાં માચીસ લઈને આક્રમણ કરવા તૈયાર છે. અમ્પાયરે ઈશારો કર્યો કે બેય એક સાથે ફટાકડો ફોડવા માટે ભાગ્યા. પણ બેય પ્લેયર બીકના માર્યા પાછા આવ્યા. કેપ્ટને ક્રમ મુજબ બધા પ્લેયરને ગોઠવી દીધેલા કે નંબર આવે તેમ જવું. બે પ્લેયર એમને એમ પાછા આવ્યા કે અમારી ટીમના બધા પ્લેયર ગભરાયા અને ધીરેથી પાછળ સરકી ગયા.તો હકો લાઈનમાં આગળ આવી ગયો. હકો તો ખુબ જ ઉત્સાહી; હાથમાં માચીસ લઈને અમ્પાયરના ઈશારે ભાગ્યો. સામેની ટીમ વાળો પણ આવી ગયો હતો. બધાને થયું કે હકો તો ફટાકડા ફોડવામાં કિંગ, એ કોઈને નહિ ગાંઠે. એટલે સામેની ટીમ વાળા ગભરાયા. હકો તો માચીસ ખોલીને દીવાસળી પેટાવીને ફટાકડાની વાટને અર્જુન માછલી વીંધવા તૈયાર હોય તેમ તૈયાર; એટલામાં કોઈએ બુમ પાડી “ જીનીયા હકાના ફટાકડા કેમ લે છે ? ” હકો તો એકદમ થોભી ગયો ને ફટાકડો ફુટ્યો. “ થુઈ થપ્પા થુઈ થપ્પા ” કરતો હકો ભાગ્યો.
“ કેવાનું થુઈ થપ્પા ? ” કહીને સામેની ટીમ વાળો તાડૂક્યો. મેં જોયું તો અમારા ઢગલાની ધૂળ તો દુર સુધી ફેંકાઈ ગઈ હતી. અને અમારી ટીમને વધુ પોઈન્ટ મળે તેમ હતા. આથી મેં હકાને બોલાવ્યો.
“ હકા, જવા દે હવે એમના જેવું કોણ થાય ? ચાલો પોઈન્ટ માટે માપો. ”
પેલા લોકોએ જોયું તો એય “ એક વાર થુઈ થપ્પા કીધું પછી ખલાસ. ” કહીને ધૂળની ઢગલી ફગાવી દીધી. પછી તો જે મેચ જામી તે આજ સુધી યાદ રહી ગઈ. જેની નિશાનીઓ ઘણા બધાના મોઢે ને હાથે આજેય દેખાય છે.

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing a sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in હાસ્યલેખ/ જોક્સ. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s