એક ઈન્ટરવ્યું

એક ઈન્ટરવ્યું

ઘરની દીવાલો અભેદ્ય કિલ્લાની સાક્ષી સમાન અડીખમ ઉભી છે. ઘરના કાંગરા પણ રહેવાસીને નત મસ્તકે સલામ ભરી રહ્યા છે. કાળની થાપટોના પડકાર જીલીને ઉભેલા દરવાજા હજી સૌને આવકારે છે. ઘરના સૌ કોઈ પોત પોતાના કામે નીકળી ગયા છે. ઘરની સ્ત્રીઓ ઘરકામમાં મશગુલ છે. છોકરાઓ શેરીમાં રમે છે. એવા સમયે અડગ ખડકીના દરવાજે ટકોરા પડયા. સૌ કોઈ કામમાં મશગુલ હોઈ ટકોરાને સાંભળ્યા નહિ. બીજીવારના ટકોરા પડ્યા; કે શેરીમાં રમતો એક છોકરો આવ્યો અને આંગતુકને ઘરમાં લઇ ગયો.
“ બાપા, વિનોદ કાકા આવ્યા છે. અને સાથે કોક અજાણ્યા ભાઈ પણ છે. સાથે કેમેરા અને ઘણું બધું છે. ” નાના છોકરાએ પલંગમાં સુતેલ એક વૃદ્ધને ઢંઢોળ્યા.
“ એ આવો સરપંચ સા’બ ” ઉધરસ ખાતા ખાતા તેઓ ઉભા થયા ને બેયને બાજુમાં પડેલ ખુરશી પર બેસવા કહ્યું.
“ મિલા બેટા, મહેમાન માટે પાણી લાવજો. ” થોડી તાકાત વાપરીને તેઓ એ બુમ પાડી કે એક સ્ત્રી પાણીનો લોટો અને ગ્લાસ લઈને આવી.
“ કેમ છો દાદા ? વિરોભાઈ ઘરે નથી લાગતો ? ” વિનોદભાઈએ બાપાની ખબર પૂછી.
સફેદી પકડી લીધેલા વાળ તેમની જૈફ વયને છતી કરે છે. માથાના વાળ વધી ગયા છે. દાઢીના વાળ પણ બે ત્રણ દિવસથી કાપ્યા ના હોય તેની ચાડી ખાતા હતા. કપાળે કરચલીઓ ઊંડી ને ઊંડી ઉતરતી જાય છે. થોડી થોડી વારે ઉધરસ આવે છે, જાણે ઉધરસ દોસ્ત બની ગઈ છે. શરીર નો મજબુત બંધો હજી જળવાઈ રહ્યો છે. ઉંમર શરીર પર જે અસર કરે તે કરી ગઈ છે. અવાજ પણ ધીમો બની ગયો છે. ક્યારેક ઉધરસને લઈને બોલવામાં તકલીફ પડે છે. છાતી પણ ધમણની જેમ હાંફે છે.
“ જુઓ ને ભાઈ આ આખો દિવસ સુઈ સુઈને બરડો કઠોર બની ગયો છે. કોણ જાણે વ્હાલો જાન જોડીને મને તેડવા ક્યારે આવશે ? ”
“ શુભ શુભ બોલો દાદા, આ ગામને અને તમારા કુટુંબને તમારી જરૂર છે. ”
“ અરે રે, વાત વાતમાં ભૂલી ગયો કે મહેમાન કોણ છે ? કેમ છો ભાઈ ? ”
“ દાદા, આ સાહેબ એક ટીવીની ચેનલ વાળા છે; શહેરમાંથી આવ્યા છે. ” સરપંચ વિનોદ ભાઈએ ખુલાસો કર્યો.
“ ઓહો ધન ઘડી ને ધન ભાગ્ય ગામના ! ટીવી વાળા ઓફીસરું આપણા ગામમાં ? ”
“ ધન્ય તો હું અને મારી ચેનલ દાદા…. ”
“ કેમ તમે વાલા ? ” ઉધરસ ખાઈને બાપાએ નવાઈથી પૂછ્યું.
“ દાદા, એ તમારું ઈન્ટરવ્યું લેવા આવ્યા છે. ”
“ શું લેવા ? ”
“ ઈન્ટરવ્યું. મતલબ એ તમને કંઈક પુછવા માંગે છે; પછી એ ટીવીમાં દેખાડશે. ”
“ હું કઈ સમજ્યો નહિ સાહેબ…કંઈક ફોડ પાડો. ”
“ એ સાહેબ તમને પૂછે એના જવાબ આપજો. અને બધું ફિલમ જેમ ઉતારીને પછી ટીવીમાં દેખાડશે. ”
“ ઓહો..શું તમારે પૂછવું છે સાહેબ ? મને તો બોલવામાં પણ તકલીફ પડે છે. ”
“ હું પૂછું અને તમને ગમે તેવા જવાબ આપજો. બાકીનું બધું મારા પર છોડી દો દાદા. ” ચેનલ વાળાએ કહ્યું. લગભગ બે કલાક રોકાઇને ચેનલ વાળા ભાઈ જતા રહ્યા. ખડકીને વટાવીને જયારે તેઓ શેરીમાં આવ્યા કે તેમનાં ચહેરા પર જે મુશ્કાન ગામ વાળાએ જોઈ તે અનેરી હતી.
ગામ આખામાં એક જ વાત ચર્ચાવા લાગી કે આજ સુધી ટીવીમાં ગામનું એકેય પ્રાણીય નથી આવ્યું. જયારે આવતા રવિવારે તો ગામના સૌથી મોટા જૈફ એવા દાદા ટીવીમાં આવશે. આથી ગામના લોકો રવિવારની ઈંતેજારીથી રાહ જોઈ રહ્યા છે.
આ એક ખુશીનો પ્રસંગ હોય તેવો માહોલ વર્તાઈ રહ્યો છે. ગામ લોકો ખુબ જ ખુશ છે. સૌથી વધુ ખુશી દાદાના ઘરે છે. હોય જ ને કેમ નહિ ! બધાની ઈંતેજારીના રૂપે રવિવાર આવી ગયો. વિનોદભાઈ એક ગામના વરિષ્ઠ સરપંચ છે. ઘણા વર્ષો પહેલા ગામના ચોકમાં સરકારી ફિલ્મો બતાવાતી. આજે ફરી એક વાર ગામ આખું ચોકમાં ભેગું થયું છે. દીવાનનો છોકરો જે શહેરમાં નોકરી કરે છે તે ખાસ સુચના રૂપે આવ્યો છે. ટીવી સાથે પ્રોજેક્ટર લગાવી દીધું છે. ઘરની દીવાલ પર પડદા જેમ સેટિંગ કરી રાખ્યું છે. સૌ કોઈ સાડા આઠ વાગવાની રાહ જોઈ રહ્યું છે. સૌ કોઈ સાંજનું જમવાનું વહેલા પતાવીને આવી ગયું છે. ટીવી ચાલુ કરી દીધું. સૌની ધીરજનો અંત આવ્યો. દાદાનો પ્રોગ્રામ ચાલુ થઇ ગયો.
“ નમસ્કાર!! ટીવી ચેનલના આજના આ ખાસ કાર્યક્રમમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજના આ કાર્યક્રમમાં એક ખાસ અને મોટી ઉંમરના સ્ટેજ કલાકાર અને એ સમયે ખુબ ખુબ નામના મેળવનાર શ્રી જોમાદાદાનું ટીવી ચેનલ સહર્ષ સ્વાગત કરે છે. દાદા નમસ્કાર ! ”
દાદા : નમસ્કાર !
ટીવી હોસ્ટ : અમને તમારી સાથે વાત કરતા ખુબજ ખુશીની લાગણી થાય છે. આપ પ્રેક્ષકોને એ બતાવો કે આપે તમારા કાર્ય ક્ષેત્રમાં કેવી રીતે પ્રવેશ કરેલો ?
દાદા : એવું હતું કે, હું ઘણો નાનો હતો, અને મંડળીમાં અભિમન્યુ બનવા વાળો છોકરો બીમાર પડેલો. હું તો બધા તૈયાર થતાં તે ઓરડામાં ગયો; તો મને ખેંચીને તૈયાર કર્યો. જેવા તેવા રુએ મેં અભિમન્યુનું પાત્ર કરેલું. અને લોકોએ મને વખાણ્યો. મને તો ખુબ નવાઈ લાગેલી કે લોકોએ મારું પાત્ર કેમ વખાણ્યું. (હાંફતા હાંફતા દાદા બોલે છે)
ટીવી હોસ્ટ : પછી શું થયેલું ?
દાદા : પછી તો એવું બનેલું કે એક વાર એક ફાલતુ છોકરી થવા મને સમજાવ્યો. એક વાર મંડળીમાં પગ મુક્યો કે શરમ છૂટી ગઈ. અને અમારી મંડળીમાં સ્ત્રીનો વેશ તો પુરુષ કે છોકારાજ ભજવતા.
ટીવી હોસ્ટ : તમને લીડ રોલ ક્યારે મળ્યો ? મતલબ મુખ્ય પાત્ર નો વેશ ક્યારે ભજવેલો ? “
( ઉધરસ ખાઈને ) દાદા : થોડો વધુ મોટો થયો કે ઓઢાજામ નું પાત્ર મળેલું. અને મને તેના માટે પોરસ ચડાવેલો કે જો હું ઓઢાજામના પાત્રને ન્યાય આપું તો પછી દરેક એવા વેષ મારેજ કરવા. અને પરમેશ્વરની કૃપાથી મેં એવું પાત્ર ભજવ્યું કે લોકો દંગ રહી ગયેલા.
ટીવી હોસ્ટ : એવી કોઈ ખાસ ઘટના ખરી કે જે રમુજ વાળી બની હોય !
દાદા : હાહ હા…. અમારી મંડળીએ એક ખાસ ખેલ રાખેલો ‘ જસમા ઓડણ ’ નો. જોવા માટે એક યુવાન શહેરમાંથી આવેલો. જસમાનો વેશ એક બાબરના છોકરાએ એવો ભજવેલો કે અદ્દલ ઓડણી જ જોઈ લો.
ટીવી હોસ્ટ : ઈન્ટરેસ્ટીંગ, પછી શું થયું ?
દાદા : ખેલ પૂરો થયો કે તે યુવાનને જસમા ગમી ગઈ. તેણે અમારા માંના એકને જસમા વિષે પૂછ્યું. તો અમે લોકો એવું માનવા લાગ્યા કે વગર ખેલે પેલો યુવાન પોતાની જાતને સિદ્ધરાજ સમજવા લાગ્યો છે. પણ પછી જયારે ખબર પડી કે એ પાગલ નહિ પણ અબુધ બની ગયો જાણીને બધા મંડળી વાળા ખુબ હસેલા.
ટીવી હોસ્ટ : શું વાત છે. તમને સૌથી વધુ ગમતો વેષ કયો ?
દાદા : આમ તો બધા વેશ હું લઇ લેતો પણ રા’નવઘણ અને અમદાવાદી શેઠિયા થવું મને બહુ ગમતું.
ટીવી હોસ્ટ : હું પણ રા’નવઘણ થી ઈમ્પ્રેસ છું. કોઈ એવો પ્રસંગ ખરો કે જે બધાને યાદ રહી જાય તેવો ખાસ હોય ?
દાદા : આ જુઓ છો પત્રક ? આ પત્રક મને ધુમાણસિંહ બાપુ તરફથી ઇનામ રૂપે મળેલું.
ટીવી હોસ્ટ : એના વિષે દર્શક મિત્રોને જરા વિગતે કહેશો ?
દાદા : ( ઉધરસનો અવાજ ) અમારી મંડળીને એક વાર ધુમાણસિંહ બાપુ તરફથી આમંત્રણ મળેલું. બાપુ અને તેમનું કુટુંબ કબીલો પણ જોવા આવેલો. તે દિવસે મેં રાજા ભરથરીનો વેશ કરેલો.( ઉધરસનો અવાજ ) મારો ખેલ, બોલવાની છટા અને વેશભૂષા જોઇને બાપુ તો અંજાઈ ગયા. અને ચાલુ ખેલે મને એમને જે માળા પહેરેલી તે બોલાવીને આપી દીધી. ( ઉધરસનો અવાજ )
ટીવી હોસ્ટ : લો પાણી પીવો, પછી કહો.
દાદા : મેં મારો ખેલ ચાલું રાખ્યો ને બાપુને કહ્યું કે બાપ, ખેલ પૂરો થયે જે આપશો તે રાજી થઈને લઇ લઈશ પણ અટાણે નહિ. રાજા ભરથરી ને કોઈ દાન કે બક્ષિશ ના ખપે.
ટીવી હોસ્ટ : ઓહો, તો તો બાપુ ગુસ્સે ભરાયા હશે.
દાદા : ના, ના કલાનો કદર દાન કોઈ દી ગુસ્સે નો થાય વાલા. ખેલ પૂરો થયો કે મને ઊંચકી લીધો ને એક સો રૂપિયાની બક્ષિશ સાથે આ પત્રક આપ્યું.
ટીવી હોસ્ટ : વાહ રે, અગર આપને અનુકુળ હોય તો દર્શક મિત્રો ને કોઈ વેશ માટે થી બોલો; જાણે કે તમે રંગપટમાં હોય !
ટીવી હોસ્ટે કહ્યું એટલે દાદા ખુરશી પરથી ઉભા થાય છે. અને કપડાને વ્યસ્થિત કરે છે. બાજુમાં રાખેલ તરવારને ઉપાડે છે. અને ધીરેથી ખોંખારો ખાય છે. ગળાને હલકું ફૂલ બનાવી દીધું.
દાદા : હું બાણું લાખ માળવાનો ધણી વીર વિક્રમ…..મારા દરબારમાં ન્યાય ને સમતોલન મળશે. ગુનેગારને વાળ જેટલી પણ દયા બતાવીને છટક નહિ મળે. સારું છે તે પ્યારું છે અને નઠારું છે તે નિંદનીય છે. ગઢના કાંગરે કાંગરાની રક્ષા કરવી મારો ધર્મ છે.
ઘડી પહેલા ઉધરસ ખાઈને માંડ માંડ બોલનાર દાદા તો અત્યારે જાણે અદ્દલ મંડળીમાં રમતા વીર વિક્રમ જોઈ લો. એજ ઠાઠ, એજ છટા, અને એજ પડકાર ! ગામ લોકો સૌ મ્હોમાં આંગળા નાખી ગયા. યુવાનો અને બુઢેરા લોકો પણ જેમને દાદાને રમતાં નહોતા જોયા તેઓ પણ વિષમય પામી ગયા. તેના ઘરના લોકો પણ દંગ રહી ગયા, દાદામાં જે સ્ફૂર્તિ દેખાઈ તે આશ્ચર્ય પમાડે તેવી છે.
ટીવી હોસ્ટ : દાદા છેલ્લો પ્રશ્ન. તમે આજના નાટકો અને રંગમંચ વિષે શું કહેવા માંગો છો ?
દાદા : મારી તો ઉંમર વહી ગઈ છે, આંખે ઓછું દેખાય છે. પણ છોકરાવ કહે છે કે બે અર્થ કાઢતા શબ્દો બોલીને લોકોને ખુબ હસાવાય છે. પણ શું કરીએ..જમાનો ચાલે તેમ ચાલો. હવે તો બસ મારો દીનદયાળ ક્યારે આવે ને મને લઇ જાય તેની જ રાહ જોઉં છું.
ટીવી હોસ્ટ : દર્શક મિત્રો આપ જોઈ રહ્યા હતા અને માણી રહ્યા હતા જુના રંગમંચના ઉમદા કલાકાર એવા શ્રી જોમાદાદા. આશા રાખું કે આપ સૌએ આ કાર્યક્રમને માણ્યો હશે. તો હવે રજા લઈએ; નમસ્કાર ! દાદા નમસ્કાર ! અને ટીવીનો કાર્યક્રમ બંધ થયો.
ગામ લોકો એ કાર્યક્રમ ને ખુબ માણ્યો, બધાં ખુશી ખુશી ઉભા થઈને ઘરે જવા લાગ્યા.
“ દાદા, લો મને પકડી લો. ” કહીને નાના પૌત્રએ દાદાને ઉભા કરવા કર્યું કે તે હેબતાઈ ગયો.
“ પપ્પા આઅ………દાદા…..” તેના ગળામાંથી ચીસ નીકળી ગઈ.
બધાએ જોયું તો દાદા માટે દિનદયાળનું તેડું આવી ગયું હતું.

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in નવલિકા. Bookmark the permalink.

8 Responses to એક ઈન્ટરવ્યું

 1. aataawaani કહે છે:

  પ્રિય રીતેશભાઈ મોકાસણા,
  તમારા લખાણો મને વાંચવા ગમે છે .

 2. aataawaani કહે છે:

  પ્રિય રીતેશ ભાઈ આ તમારા ઈન્ટરવ્યું વાળી વાત ફરી વાંચી બહુ મજા આવી મને તમારા જેવા યુવાનો કહે છે કે દાદા તમે વિશ્વા। મિત્રનું પાત્ર ભજવો। અને એની મુવી લ્યો અને એની ડી વી ડી બ્લોગમાં વહેતી કરો . છોકારીયુંના તો તમારી સાથે ઘણા ફોટા છે એમાંની ગોરીને મેનકા બનાવો। મેનકા વતી કોઈ દેશી બેન બોલશે ગોરીને તો ખાલી હોઠ હલાવવાના .
  તમે કહો વિશ્વામિત્ર નું પાત્ર હું બરાબર ભજવી શકું ? તમે મારા ફોટા જોયા હશે ?

  • રીતેશ મોકાસણા કહે છે:

   તમે પાત્ર વિશ્વામિત્ર નું ભજવો હું તમારું ઈન્ટરવ્યું છાપીશ., એ પ્રોમિસ.

 3. smdave1940 કહે છે:

  રીતેશભાઈ, 1960 નાદશકામાં અને તે પહેલાં દેશી સમાજ અને મોરબી નાટક મંડળીના નાટકો જોયેલા. મજા આવતી હતી. હવે તો ઘણા ગુજરાતી નાટકો યુટ્યુબ ઉપર જોઈ શકાય છે. પણ પ્રત્યક્ષ જોઇએ તેનો આનંદ કંઈક અનન્ય છે. આ નાટકોમાં “વન્સ મોર” પણ થતા. ઓગણીસો પચાસના દશકામાં અમારે ભાવનગરમાં વેહ (વેશ) થતા. આ વેહોમાં સ્ત્રીપાત્ર પુરુષો ભજવતા. અને તેમાં પબ્લીકના વન્સમોર પણ થતા અને મોટા અવાજે પબ્લિકના ટૂચકાઓ પણ સાંભળવા મળતા.
  ડાયમન્ડ ચોકમાં વેહ થતા હતા. કોઈ એક વેહ હતો.
  તેમાં કોઈ એક રાક્ષસ અને વિષ્ણુભગવાનના યુદ્ધનો પ્રસંગ આવતો હતો. બંન્ને તલવાર બાજીનો અભિનય કરતા અને યુદ્ધ પ્રદર્શિત કરતા. પહેલી વારની લડાઈમાં રાક્ષસ જીતી જાય છે. તે વિષ્ણુ ભગવાનને પીછે હઠ કરાવતો કરાવતો રોડ ની મધ્ય સુધી પહોંચાડી ભગાડી દે છે.
  થોડીવાર પછી દેકારા પડકારા કરતા ફરી થી વિષ્ણુ ભગવાન આવે. બીજી વાર પણ રાક્ષસ એમને એજ રીતે પીછે હઠ કરાવતો કરાવતો થોડે વધુ દૂર સુધી લઈ જઈને ભગાડી દે.
  પબ્લિકમાં થી કોઈ બોલે “ઓલો હજી આવશે હોં?” એટલે રાક્ષસ પબ્લિકને જવાબ આપે ” તે ભલેને આવે , આપણે કોઈ થી ડરતા નથી …”. આમ ચાર પાંચ વાર વિષ્ણુભગવાન આવે અને દર વખતે રાક્ષસ તેમને થોડા વધુ દૂર પીછે હઠ કરાવે અને ભગાડે. પછી છેલ્લેથી બીજી વાર આવે એટલે પેલો રાક્ષસ ખૂબ ખીજાયાનો અભનય કરે અને વિષ્ણુ ભગવાનને ઠેઠ ડામન્ડચોકના ગાર્ડન સર્કલ સુધી પહોંચાડી દે. અને પછી કૂદતો કૂદતો આવે.
  પબ્લિકમાં થી કોઈ બોલે. “અરે ઓલો હજી ફરીથી આવશે તો?”
  રાક્ષસ જવાબ આપે; ” અરે આવખતે તો હું એને “કહારે” સુધી મુકી અવ્યો છું” . (કહારા એટલે કંસારા ગામ. એ રોડ ઉપર આગળ જતાં આ ગામ આવે).

  • રીતેશ મોકાસણા કહે છે:

   દવે સાહેબ, બહુ સરસ પ્રસંગ, હાસ્ય સાથે આપે રજુ કર્યો. અમે નાના હતા ત્યારે ગામના લોકોજ ભવાઈ કરતા. નાટક કંપની અમે લોકો સાયલા ગામે રહેવા ગયા ત્યારે જોયેલી. નીચે બેસીને ખેલ, ભવાઈ કે વેષ જોવાની મજા કંઈક ઓર જ હોય ! કદાચ તમે જોયેલ હોય તો ભવાઈ વચ્ચે સમજુડું રે સમજુડું કરીને કોઈની મજાક ઉડાવતું ગીત ગવાતું. જેનાથી મનોરંજન ની સાથે સારી એવી આવક પણ થતી.
   ખુબ આભાર આપનો, અવાર નવાર પધારીને પ્રતિસાદ આપતા રહેશો.

 4. Paul કહે છે:

  I love looking through a post that will make people think.
  Also, thanks for permitting me to comment!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s