જરા થોભો ભાઈ

જરા થોભો ભાઈ

રાત્રે સુતી વેળાની પોતાની જે હાલત હતી તે અજાણી નહોતી.મનના ઘોડા તો ગમે ત્યાં જઈને ઘાસ ચરવા લાગી ગયેલા.દિલની બેતાબી ઉભરવા લાગેલી. જો કે મન કે દિલ, પોત પોતાની જગ્યા એ જે રીતે વિચરતા હતા તે યથાયોગ્ય હતા. કેનેડાથી આવીને તો મોટા શહેરમાં વસવાટ કર્યો. પોતાની પત્ની ને પ્યારું શહેર, અને છોકરાઓને ભણવા માટે ની યોગ્ય વ્યવસ્થાએ જ આ શહેરમાં રહેવાનું પસંદ કરેલું.
કેનેડાની ભીડ અને કકળાટ ભરી જિંદગીથી કંટાળીને તો અંતે સ્વદેશે પાછા આવીને રહેવાનો નિર્ણય; હવે ઘણા અંશે સાચો ઠરતો હતો. પત્ની અને બાળકો પણ હવે તો કેનેડા અને ભારતને સરખાવતી વાતો ભૂલી ગયા છે.
પોતાનો જનમ એક નાના ગામડામાં થયેલો તે વાત એને થોડી થોડી યાદ છે. ગામડામાં જીવન અને ત્યાનો માહોલ તો ઘણી ફિલ્મોમાં જોયો છે.ઘણી નવલ કથાઓમાં વાંચ્યો છે. પણ નજરે મહાલ્યો નથીકે નથી તો અનુભવ્યો ! ઘણા દિવસથી મનમાં એ ઈચ્છા સળવળાટ લઇ રહી હતી. પણ એમ જટ દઈને ગામડામાં જવાની વાત ને સાકારતા પામતી નહોતી.
મનમાં એક વાર એવોય વિચાર આવ્યો કે પોતાના જન્મ સ્થળે જઈ પણ આવું; પણ પોતાને કોઈ ત્યાં ઓળખતું તો નથી. અને પોતાના પિતાજી પણ પોતે એકાદ કે બે વર્ષનો હતો ત્યારે ગામ છોડીને શહેરમાં આવી ગયેલા. પોતાને કોઈ કાકા કે બીજા પિત્રાઈ ભાઈ હોવાનું પણ યાદ નથી. કેનેડા જઈને તો જાણે ભારત કે જન્મભૂમી સાથે કદી કોઈ ધરોબોજ નહિ પડે એમ માની લીધેલું. આજ પોતે સારી રીતે જાણી ગયો કે જીવન સાથે વણાયેલ હર એક ચીજ ને વહાલ કરવો જોઈએ !
હવે આમ રાત્રે મનની હાલત જે હતી તે યોગ્ય જ હતી. વ્યક્તિ એક વાર વિચારે, અને તેના માટે સજાગ બને તો તે શકાય બને છે. એમ જ પોતાની પણ ગામ જવાની ઈચ્છા સાકાર થઇ ગઈ. ફેસબુકમાં ઘણાં દિવસ પછી રીફર કરતા એક જુના મિત્રનો પ્રોફાઈલ મળી ગયો. ભગવાને એટલો સાથ આપ્યો કે મિત્રનો ચહેરો હજી એટલો બદલાયેલો ના માલુમ પડ્યો કે પોતે ઓળખી ના શકે. તેને મેસેજ લખીને ગામ વિષે બધી ભાળ મેળવી લીધી. જો કે તેને એક વાતનો વસવસો રહ્યો કે તેનો મિત્ર પણ એ ગામ છોડીને બીજે રહેવા જતો રહ્યો હતો.
આખી રાત પોતે એજ વિચારમાં બરાબર ઊંઘી નહોતો શક્યો,કે પોતે ગામ જવા માટે કેટલો વ્યાકુળ હતો.કેટલાયે અનુમાનો અને ઘણી બધી અટકળો લગાવી દીધેલી. તો હજી પણ ગામ જવાની બસમાં બેઠા પછી પણ દિલને ક્યાં ચેન છે. વ્યાકુળતા પીછો છોડતી નથી અને અટકળો ગળામાં અટવાય છે. બસની બારીમાંથી ગળાઈને આવતો પવન મનમોહક લાગે છે. મુખ્ય રોડને પૂરો કરીને બસ હવે એક નાના રોડ પર આવી ગઈ છે.બારી બહાર દેખાતા દ્રશ્યો બદલાતા જાય છે.ખેતરોની પરિભાષા પણ બદલાતી જાય છે. ખેતરોમાંથી ગળાઈને આવતો પવન પણ મનભાવન ખુશ્બુથી નાકને ધન્ય બનાવે છે.બારી બહાર નજર કરતા શહેર ઘણું પાછળ ધકેલાઈ ગયું છે. ગામડું નજીક આવતું જાય છે. તેની આંખો સામે ગામડાનાં દ્રશ્યો તરવા લાગ્યા.
કોઈ ઘરોમાંથી રેડિયા પરથી ભજનો અને લોકગીતોના શૂરો રેલાય છે.કોઈ ઘરોમાં ઢોરનાં ઘૂઘરાનો અવાજ આવી રહ્યો છે.તળાવ ઓવારે કુમાંથી સીંચતા પાણીએ ગરગડીનો અવાજ આવે છે. મંદિરે થતી આરતીએ જાલરનો અવાજ આવે છે. ઢોરનું ધણ સીમમાં જતી વેળા ઘૂઘરીઓ અને પગના ખટ ખટ અવાજ આવે છે. વચ્ચે વચ્ચે એમનો ધનો ગોવાળિયાના હૈડ હૈડ…..અવાજ પણ આવે છે.
‘ ધેવરા ’ કંડકટરે બસની ઘંટડી વગાડીને નૃપાલની વિચારધારાને તોડી નાખી. નૃપાલ તો જાણે જબકીને જાગી ગયો હોય તેમ બારી બહાર જોવા લાગ્યો. ચારે બાજુ નજર કરી તો ઝાડો દેખાય છે. અને એક બોર્ડ દેખાયું જેના પર ધેવરા લખેલું છે.
“ ભાઈ સાહેબ તમે કહેલું ને કે ધેવરા આવે એટલે મને કહેજો…ચાલો આવી ગયું. ”
સાથે લાવેલ બેગને ખભે ભરાવીને તે નીચે ઉતર્યો. અને ચારે બાજુ નજર ફેરવી. તો સામે એક ચા ને પાનની દુકાન દેખાઈ.
“ ધેવરા…? ”
“ બસ આ રહ્યું…પાંચેક મિનીટ ચાલશો કે આવી જશે….પહેલી વાર આવતા લાગો છો. કોને ત્યાં જવાના ? ”
“ હા ભાઈ સાહેબ ઘણા વર્ષ પછી આવું છું. ” કહીને નૃપાલ ગામ બાજુ ચાલતો થયો. આખી રાતનો જે અજંપો હતો તે હવે પૂરો થઇ ગયો છે. પોતાની જન્મ ભૂમિ આવી ગઈ છે. થોડા ઝાડોને પાછળ મુક્યા કે એક ઉંચી પાળ દેખાઈ. પાળ પરથી જ તો રસ્તો જતો હતો. જેવો પાળ પર ચડ્યો કે એક નાનું હર્યું ભર્યું તળાવ દેખાયું.તળાવ ફરતે નાના મોટા ઝાડ દેખાય છે.તળાવ ને સામે કિનારે કોઈક પ્રાણીઓ ચરતા દેખાયા. તો સામે છેડે નાના ભૂલકાઓ રમી રહ્યા છે. તળાવને અડીને એક પાણીની ટાંકી દેખાય છે. જેવો તે થોડો નજીક આવ્યો કે બે ડગલા થંભી ગયો.ત્રણ મોટા પત્થર તેણે જોયા.જે તળાવની પાળને અઢેલીને જાણે ઉભા કર્યા હોય તેમ અડીખમ દેખાયા. જાણે કોઈ સુરક્ષા જવાનો તેનાત થઈને ઉભા રાખ્યા હોય !ત્રણે પત્થર જાણે તળાવની રક્ષા કરવા માટે ગોઠવાયા હોય તેવું માલુમ પડ્યું. થોડા અચરજ સાથે તે આગળ વધ્યો પણ જેવો નજીક આવ્યો કે થોભી ગયો. પત્થર માં કોઈ ડિજાઇન દેખાઈ. આંખોને જીણી કરીને જોયું તો ઘોડા પર કોઈ બેઠેલું હોય તેવું ચિત્ર ભાસ્યું ને નીચે કઈ લખેલું પણ વાંચ્યું.હાથ વડે ધૂળ સાફ કરીને તેને વાંચવા કોશિશ કરી પણ તે વાંચી ના શક્યો.
હાથ પર લાગેલી ધૂળને સાફ કરવા તેને હાથને ખંખેર્યા પણ તોયે ધૂળ સાફ ના થઇ.આથી તે આગળ વધ્યો.પણ જેવો બે ડગલા આગળ વધ્યો કે ‘ જરા થોભો ભાઈ ’ અવાજ આવ્યો કે નૃપાલ ચોંકી ગયો. તે આવતો ત્યારે થોડી થોડી વારે પાછળ જોઈ લેતો હતો કે રખેને કોઈ આવતું દેખાય; તો તેની સાથે વાત કરે અને સધિયારો મળે.કોઈ તો આવતું નહોતું દેખાયું તો પછી કોનો અવાજ હોઈ શકે ? વળી તે ચાલવા ગયો કે આવાજ આવ્યો ‘ જરા થોભો ભાઈ ’ .
અવાજ તો એકદમ નજીકથી આવતો હતો પણ કોઈ દેખાતું નહોતું.કોણ હશે ?કોઈ પોતાને ઓળખતું હોય અને બોલાવતું પણ હોય એવું અનુમાન લગાવ્યું. એવું કેમ બને ? પોતે તો આ ગામ છોડ્યું ત્યારથી આજ સુધી આ ગામમાં આવ્યો પણ નથી. અને પોતાના પિતાજી કે ભાઈ બહેન કોઈ પણ આવ્યું હોય તો મને જાણ નથી. એમ વિચારતો તે દિગ્મૂઢ બનીને ઉભો રહી ગયો.
“ એમ હાથની ધૂળ સાફ નહિ થાય ભાઈ…જઈને તળાવમાં ધોઈ લે ” એવો અવાજ આવ્યો કે તે ચોંકી ગયો.
તેણે વળી એક વાર હાથ સામે જોયું. હજી તેનો હાથ ખરડાયેલો હતો.વળી એક નજર તળાવ સામે કરી તો તળાવનું પાણી પોતાને હાથ સાફ કરવા આવકારી રહ્યું હોય તેમ લાગ્યું. નક્કી કર્યું કે ખરડાયેલો હાથ ધોઈ લેવામાં ડહાપણ છે. પાળ ઉતરીને તે નીચે ગયો. નાના હિલોળા લેતું પાણી કિનારા સાથે અથડાય છે અને મોજા પેદા કરે છે.તે નીચો નમીને બેઠો અને હાથને પાણીમાં જબોળવા ગયો કે તે સ્તબ્ધ બની ગયો.
“ હવે તારા હાથ બરાબર સાફ થશે. ધોઈ લે ભાઈ ” પાણીની અંદર પેલા પત્થરની આકૃતિ દેખાઈ.
આટલે બધે દુર પણ પેલા પત્થરની આકૃતિ પાણીમાં ??
વળી ઉભા થઈને એક નજર તે બાજુ કરી પણ બાજુમાં ઉભેલ છોડની આકૃતીતો દેખાતી નથી.
આ તે કેવી વિસામણ !!
વળી બધા વિચારોને ખંખેરીને હાથ ધોવા લાગ્યો.હાથ ધોવાઈ ગયા.અરે કેવી તાજ્જુબી ?પોતાના હાથ એકદમ સાબુથી ધોયા હોય તેવા ચોક્ખા થઇ ગયા.
આજુ બાજુ જોયું તો કોઈજ દેખાતું નથી. સામેના કિનારે એક ભાઈ પોતાના બળદ ને લઈને ધૂનમાં જતો જોયો. અનાયાસે તેની નજર પાણીમાં ગઈ કે એક પુરુષની આકૃતિ દેખાઈ આંખોએ ઝપકું માર્યું કે બીજી આકૃતિ દેખાઈ. બીજા પલકારામાં ત્રીજી આકૃતિ દેખાઈ.
માથે પાઘડી પહેરેલી છે. લાલ લાલ આંખો અને મોટી મોટી મૂછો એ ત્રણે આકૃતિની સમાનતા હતી. મોઢા પર ખુમારીનું આવરણ અને જનુન સવાર થયેલું માલુમ પડ્યું. પણ આવું કેમ ? શા માટે મને આવું દેખાય છે ? કોણ હશે એ ત્રણે આકૃતિ ? આ કોઈ ભ્રમ છે કે ભ્રાંતિ ??
“ કોઈ ભ્રમ નથી ભાઈ, એ તો હું ઘૂઘો અને ધૂનો હતા. ”
એક દેડકો કુદીને ભાગ્યો કે તરંગો ડહોળાઈ ગયા.પેલી આકૃતિઓ વિલાઈ ગઈ. અવાજ તો તળાવની પાળ પરથી આવ્યો; તે તો ડઘાઈ ગયો.
“ બિશ નહિ ભાઈ…એ તો અમે છીએ….ઘણા વર્ષે કોઈએ આવીને અમારા પર હાથ રાખ્યો છે અમારી ખેવના કરી છે, અમને યાદ કર્યા છે. ”
હવે તો અવાજ તેની સન્મુખે જ આવી રહ્યો હતો.અરે પોતે બીવે નહિ તો શું કરે ? એક હાથે બેગને દબાવીને દબાતા પગલે તે આગળ વધ્યો. થોડો આગળ ગયો હશે કે કોઈના ઘરમાંથી અવાજ આવી રહ્યો હતો ‘ ધણ રે ધિંગાણે જેના માથા રે વઢાણા એના પાળિયા થઈને પુજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ’

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing a sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in નવલિકા. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s