વંશવૃક્ષ

વંશવૃક્ષ

નિધિ અને સમયની આજે ત્રીજી વેડિંગ એનીવર્સરી છે. હોટેલમાંથી જમીને સીધા છેલ્લા શો માં મુવી જોઇને ઘરે આવ્યા છે. મોંઘા કપડા અને આભુષણોને કાઢીને નિધિ પોતાને અરીસામાં નીરખી રહી છે. પોતાનો પોયણીના પર્ણ જેવો કોમળ ચહેરો હજી એજ માદકતા અર્પે છે. પોતાનો લાવણ્યમય, કાંતિમય અને આકર્ષક દેખાવ હજી ખીલતા કમળની જેમ છે. મનોમન પોતાની જ પ્રશંશામાં રાચતી નિધિની વિચારધારાને તોડતો એનો પતિ સમય એની સમીપ આવી ગયો. પાછળથી જ તેના શરીર સાથે પકડ લેતા તેણે કહ્યું.
“ અરે મારી વિચાર વૃંદા થોડો મને પણ પ્રશંશા કરવાનો લાભ આપ. ”
“તને કેમ ખબર કે હું મનોમન હરખાતી હઈશ ?સમય, તું મને કેટલી બધી ઉપમાઓ આપીને આમ નવાજે રાખીશ ? ”
“ તારો મનમોહક ચહેરો, તારો કાન્તીમય દેખાવ અને એક એક કરોડ રૂપિયાની અદાઓ પર તો જેટલી ઉપમા આપું એટલી થોડી પડે છે વ્હાલી. ”
“ હજી પણ મુવીનો નશો ઉતર્યો નથી જનાબ ! ”
“ તારા પ્રેમના નશા પાસે તો મુવી તો શું પણ ભલ ભલા નશા પાણી ભરે મારી પ્રાણ પ્યારી ”
“ બસ તું આમજ મને ઉપમાઓ આપે રાખ અને હું એની વેલીએ ઝૂલતી રહું. ”
“ એ વેલી તૂટે તે પહેલા ચલ મારી બાંહોમાં ઝૂલી લે ” કહીને સમયે નિધિને ઊંચકીને બેડ પર બેસાડી દીધી.
“ નિધિ ? બધાની રાજગી અને નારાજગી વચ્ચે આપણે એક બીજા સાથે અતુટ ગાંઠે બંધાઈ ગયા ને આજે ત્રણ વર્ષ તો સડસડાટ નીકળી ગયા. ”
“ હા સમય, ભગવાન કરે આમ ને આમ દિવસો, મહિના ને વર્ષો નીકળી જાય ! અને હું સમયની બાંહોમાં ઝૂલતી રહું. ”
“ એવી અભ્યર્થનાની મહેચ્છા તો કોને ના હોય ? જેની કામનાઓ ને પામવા તો આપણે થોડા વામણા ખરા કે નહિ ? ”
“ મારા દિલો દરબારના હકુમતી, એક વાત મનમાં ઘુસી ગઈ છે. ”
“ અરે રે ! બિચારીને મુક્ત કરી દે એની પર જુલમ કરવો ઠીક નથી. ” કહીને સમયે તેની ભીંસનો ભરડો સખત બનાવ્યો.
“ તારા આ ચંદન લેપિત ચહેરા પર ભલા કેમ આજે વિષાદની વાદળીઓ ડોકિયા કરે છે ? ”
“ મતલબ હવે તું અરીસાના પ્રભાવમાંથી બહાર આવી ગઈ છે ! ”
“ અરીસાનો પ્રભાવ જ એવો કે મારી જેવી એક સામાન્ય નારી એમાંથી છૂટી ના શકે ”
“ વાતને ગોળ ગોળ ઘુમાવવી અત્યારે રહેવા દઈએ. પણ કોઈ ને કોઈ વાત તારા ચહેરા પર રમી રહી છે જે મારી ખુશીઓથી અલિપ્ત છે. ” નીધીએ કહ્યું ત્યારે સમયે તેના ચહેરા પર એક આત્મીયતાના દર્શન કીધા.
“ વ્હાલની મારી વાદળી….તારા ફેસ રીડીંગ ને દાદ તો જરૂર દઈશ. પણ વાત કઈ એટલી ગંભીર નથી. ”
“ ભલે ગંભીર ના હોય પણ છાપ તો અચૂક છોડી જાય છે જેને ભલા અવગણવું હિતાહવ નથી. અગર વાતને મારાથી છુપાવવા જેવી હોય તો પ્લીઝ ના કરીશ. ” કહીને નીધીએ પોતાના હાથની પકડ સહેજ ઢીલી કરી. આથી સમય સમજી ગયો કે નિધિના દિલમાં એક નાનલી આશંકા કે નારાજગી જન્મે ત્યાર પહેલા ડામી દેવી જોઈએ.
ઘણી વાર નાની નાની નારાજગી એક દિવસ સંપ કરીને બહુ મોટું પરિણામ લાવી દેતી હોય છે !
“ અરે મારા સુર સંગીતની વીણા, જો વાત એવી હતી કે; ગઈ વખતે ઘરે ગયો ત્યારે મમ્મી, બાજુવાળા આંટીને કહેતી કે હવે તો સમયે ઘરમાં કિલ્લોલ કરતા બાળકને આમંત્રવું જોઈએ. પણ મને હજીય આપણી વચ્ચે પાર્કમાં થયેલ વાત યાદ છે પ્રિયે. ”
“ ઓહો…સમજી ગઈ….હું સ્ત્રીના હૃદયને બરાબર જાણું છું પણ તને કેમ આજે કંઈક અલગ જાતનું ફિલ થયું ? ”
“ કશું ફિલ નથી થયું; પણ મમ્મી જે વાત કરતી તે વેળા તેના હાવભાવ વિચારતો કરી દે તેવા હતા. ખેર…એતો એક ક્ષણનાં પરપોટાની અનુભૂતિ હતી. એનાં માટેથી તો કંઈ મારી રાતરાણીની સુવાસને વિચરતી નથી થવા દેવી. ” કહીને સમય, પત્ની નિધિ પરના આવરણમાં જતો રહ્યો.
એક સમય, બીજા સમયની ઈર્ષ્યા કરવા લાગ્યો !
બે સમય તો એકબીજાનાં કાર્યમાં રત છે તો, નિધિ અને સમય વચ્ચે પાર્કમાં થયેલ અનુવાદને વાગોળી લઈએ.
“ સમય, આપણો પ્યાર; સંસાર રથ પર સવાર થાય ત્યાર પહેલા મારે એક વાત કરવી છે. ”
“ વાત છે કે વિમર્શ ? ”
“ જો સમય મને કઈ તારી જેમ અલંકારિક ને સાહિત્યિક ભાષામાં વાત કરતા નથી આવડતું. પણ પ્લીઝ હું જે કઈ વાત કરું છું તે જરા ધ્યાનથી સાંભળીશ તો સારું. મને તારા અને તારા પ્યાર પર જેટલો વિશ્વાસ છે એટલો વિશ્વાસ તો ખુદ પર નથી ! ”
“ આ પણ કોઈ ફિલ્મી ડાયલોગથી કમ નથી…અને ફિલ્મોનું સર્જન સાહિત્ય થકી જ થતું હોય છે. ”
“ કોઈ વાંધો નહિ…પણ એમ કરવા જતા વાત હું ભૂલી જઈશ તો સાંભળી લે પ્લીઝ. ”
“ મારા કાનને મેં થોડા વધુ સતેજ બનાવી દીધા છે તું ચાલુ કર. ”
“ ખબર નહિ કેમ પણ મારી ઈચ્છા એક પણ સંતાન ના થાય તેવી છે. ” કહીને નિધિ ઘાસનું તરણું તોડીને પોતાના પગ સાથે ફેરવવા લાગી.
“ યુ મીન ????? ”
“ હા મારા સમય, આખી જીંદગી એક પણ સંતાન વિના જીવવું. ”
“ દોડવાને ઢાળ મળે તેવી વાત તો નથી. પણ સહજ રીતે મારી પણ એવી ઈચ્છા ખરી નિધિ. ” કહીને  નિધિનો હાથ પકડી લીધો.
“ વાહ….આજે તો તેં મારા જીવનના બાગને મઘમઘતો કરી દીધો પ્રીતમ ! ”
“ એક વાત પૂછું ડીયર ? ”
“ હવે તો એક નહિ પણ હજારો સવાલ કર ”
“ નહિ નહિ, હું એટલો બધો લાલચું નથી. ફક્ત એ કહે કે તને કોઈ મેડીકલ ઇસ્યુ તો નથી ને ? ”
“ ના ના, પણ પ્લીઝ એ ના પૂછીશ કે મારા અંદર પણ એક સ્ત્રીનું દિલ છે. ”
“ હું તને સવાલ પૂછીને તારું ઈન્સલ્ટ કરવા નથી માંગતો. કે નથી તો કોઈ ઠેશ નો ઈરાદો ! ”
“ જેને દિલ દઈ દીધું મતલબ કે; વિશ્વાસનો બંધ મજબૂત ! નહિ તો નાવ અટવાયા વિના ના રહે. ”
“ ઠીક છે નિધિ….પણ એક નાનું એવું કારણ કહી દીધું હોત તો સારું રહેત. ”
“ એકદમ સાફ અને પવિત્ર ભાષામાં તને કહું તો, લગ્ન પછી પણ મરણાંત તારો પ્યાર પામવો છે અને કરવો છે. ” નીધીએ કહ્યું કે પાર્કનાં ઝાડવાઓ ઝૂમી ઉઠયા.
આમને આમ જ સમય અને નીધીનું જીવન પ્રેમ અને પ્રતિક્રિયાઓમાં પસાર થાય છે.
સ્નેહના સરવાળા કરતા જાય છે અને સમજણના ગુણાકાર કરતા જાય છે. કટુતા અને ગેર સમજણની બાદબાકી કરતા જાય છે. જીવન ને મધુર અને રસમય બનાવવા માટે જે પુરક તત્વો ની જરૂર હોય તે પુરા પડે છે. આમજ મધુરા અને નવલા દિવસો પસાર કરતા નિધિ અને સમયના જીવનમાં એક નાનો ચઢાવ આવે છે. સમયની બદલી એક નાના સેન્ટરમાં થાય છે. શરૂમાં તો નીધીએ નાકનું ટીચકું ફૂલાવેલું પણ વાસ્તવિકતાને સ્વીકારેજ છૂટકો માનીને તે પણ વ્યર્થ દુઃખોની પળો મનમાં પ્રવેશ થાય તે પહેલા જ જવા ખુશ થઇ ગઈ.
બંને કપલ એક નાના મહેલ્લામાં રહેવા આવી ગયા છે. સરસ મજાનું એક નાનું બે રૂમ વાળું ઘર ભાડે રાખી લીધું છે. મહેલ્લા વાસીઓ પણ નવા આવેલા કપલને સાથ અને સહકાર આપીને નવાજે છે. શરુ શરૂમાં નવો લાગતો મહેલ્લો હવે અનુકુળ થવા લાગ્યો છે. દૈનિક ક્રિયાઓ સરળ રીતે વિધિવત થતી જાય છે. નિધિ અને સમય સામે કોઈ આગંતુકની માફક જોઈ રહેતા મહેલ્લા વાસીઓ હવે પરિચિત બની ગયા છે. નગરના રસ્તાઓ જાણીતા બની ગયા છે. જીવન જરૂરિયાતની ચીજ અને રેસ્ટોરેન્ટ વાળાઓ સાથે સમયની મિત્રતા બંધાતી જાય છે.
એક દિવસ ઓફિસેથી છૂટીને સમય ઘરે આવી રહ્યો છે. મહેલ્લામાં બે ત્રણ વડીલો વાતો કરીને સમય પસાર કરે છે. સમયને આવતો જોઇને એક વડીલે ઘણા દિવસથી કાબુ કરી રાખેલ સવાલનો ઉભરો આજે ફરી એક વાર બહાર આવી ગયો. આથી તેઓ સમયની સાથે સાથે ચાલવા લાગ્યા. અને એમના દિલમાં જે વાત હલચલ કરતી હતી તે કરવા માટે કહ્યું. આથી જમીને રાત્રે સમયને બહાર બોલાવ્યો. સમય પણ એકદમ બિન્દાસ્ત અને ઓછું વિચારવા વાળો હતો. જમીને થોડી આશંકાઓને હાથવગી કરીને બહાર આવ્યો. પેલા વડીલ કાકા તો તેની જાણે મેઘ ડોળે રાહ જોઇને બેઠા હોય તેમ દોડી આવ્યા.
“ આવ બેટા પેલી દુકાનના ઓટલા પાસે બેસીએ. ”
“ તમે બેસો કાકા, હું હાલ જ જમીને આવ્યો છું તો થોડું ઉભો રહીશ; કહો હવે. ”
“ કોણ જાણે કેમ પણ તને જોઉં છું ને મને દિલમાં એક અનોખો જોમ ઉભરી આવે છે. તારામાં એક દીકરાનો આભાસ થાય છે. ”
“ એ તો મારા માટે ધન્યતા અનુભવવા જેવી વાત છે કાકા. આમ અજાણ્યા નગરમાં કોઈ પોતાનું માને; એનાથી વળી રૂડું શું ? ”
“ હા દીકરા. પણ આંગણામાં એક નાનું બાળક રમતું હોય તે વધુ રૂડું લાગે. ”
“ હું કંઈ સમજ્યો નહિ કાકા. ”
“ મેં રસીલા, મારી પત્ની પાસેથી સાંભળ્યું છે કે તમારે લગ્ન થયાને ચાર વર્ષ થી વધુ સમય થઇ ગયો ? ”
“ સાચી વાત છે કાકા ” સમયે અનુમાન લગાવી દીધું કે કાકા હવે પછી પોતાને શું કહેવા માંગે છે.
“ તો પછી હજી પણ કેટલા વર્ષ આમ નછોરવા રહેવું છે ? ”
“ નછોરવા ?? ”
“ મતલબ કે સંતાન વગરના, ભાઈ અમે લોકો તો દેશી જમાનાના છીએ. વધુ તો તને કહેવાની જરૂર નથી પણ એના વિષે વિચારજે. ”
“ કાકા તમે મને આટલી લાગણી આપીને જે વાત કરી છે તે તો એક ઉપકારની સાથે આશીર્વાદ સમાન છે. ” એકદમ લાગણી શીલ બનીને સમયે પેલા કાકાનાં પગમાં માથું નમાવ્યું.
“ અરે બેટા હું હજી એટલો મહાન નથી બન્યો કે એક ઉચ્ચ હોદાનો ઓફિસર મારા પગમાં માથું ઝુકાવે. ” તેને ઉભો કરતા કાકાએ કહ્યું અને સમયને રાહ જોતી પત્ની પાસે જવા કહ્યું. જેવો તે ઘરે આવ્યો કે વ્યાકુળ નિધિએ રૂમના બારણામાં પગ મુકતા સમયને પૂછી લીધું.
“ કોઈ ચિંતા કરાવે તેવી મેટર તો નહોતી ને ? ”
“ ચિંતા ન કર મારી દિલરુબા ડાર્લિંગ. જસ્ટ એન્જોય….લાઈફ ઇજ સો પ્રીસીયસ ” કહીને તે નિધિને વળગી પડયો.
“ તારી બાહોંમાં આવતા તો પ્રીસીયસ લાઈફ પ્રેસ્ટીજીયસ બની જાય છે વ્હાલમ. પણ એક વાતની તો તને દાદ દેવી પડશે કે ઉપમાનો મહાસાગર તો તારી પાસે ઊંડે સુધી ભરેલો છે. ” વ્હાલનું એક ફુમતું ફેંકતા તે બોલી.
“ જેની જીવન સંગીની નિધિ હોય તેવા પતિ સમયને તો ભલા શી વિધિ ? ”
એકમેકના શ્વાસો એકબીજામાં આટોપાઈ ગયા. સમયે તેને સમજાવી દીધું કે કાકા શા માટે પોતાને સમજાવવા માંગતા હતા. જો કે કયારેક મહેલ્લામાં રમતા છોકરાને જોઇને સમય એક પળ માટે થોભીને તેમને અવલોક્યા વગર રહી શકતો નથી. આમને આમ નવા નગરમાં બે વર્ષ નીકળી ગયા. ખાસ કરીને નિધિ તો કોઈના ઘરે જતી નથી. ટીવી અને પુસ્તકોમાં રચી પચી રહીને ટાઈમ વ્યતીત કરે છે. પણ કોઈ સાથે તો સારા સબંધ રાખવા જ રહ્યા ! આથી એક પાડોશી હેનલબેન સાથે નિધિને મિત્રતા બંધાઈ ગઈ છે. કયારેક બંને એકબીજાના ઘરે જાય છે. નિધિ તો જવલ્લેજ તેમનાં ઘરે જાય પણ હેનલબેન તેના ઘરે જતી આવતી થઇ ગઈ. તેમને એક દીકરો છે જે ક્યારેક કોઈ ભણવાની મુંજવણો લઈને સમય પાસે આવે છે. સમય તેને ભણવામાં માર્ગદર્શનની સાથો સાથ ઉત્તેજન પણ આપે છે.
રવિવારની એક સવારે તે સમય પાસે દોડી આવ્યો.
“ અંકલ મને વંશવૃક્ષ વિષે પ્રોજેક્ટ બનાવવાનો છે, પ્લીઝ હેલ્પ મી. ”
વંશવૃક્ષ શબ્દએ તેના મનનાં અંતરંગોને હલાવી નાખ્યા. પોતે પણ નાનો હતો ત્યારે આવોજ પ્રોજેક્ટ બનાવેલો અને તેને ખાસ યાદ હતું કે તેના પપ્પાએ તેને હેલ્પ કરેલી. તેની સામે પપ્પાનાં શબ્દો તરવરવા લાગ્યા.
“ જો બેટા આ ડાળી પર મારું નામ લખ. એમાંથી બે બીજી ડાળી દોર….જેના પર એક નામ તારું અને બીજી ડાળી પર મોટાભાઈનું. અને જે સમયની ડાળી છે તેની પર નવી ડાળ ઉગશે; તેનું નામ તારું સંતાન લખશે, સમજી ગયો બેટા ? ”
ઘણાં દિવસના શાંત પડેલા સરોવરમાં આજે તરંગો વહેવા લાગ્યા. તેની સામે કાકાના શબ્દો પણ તરવરવા લાગ્યા. એ બધા શબ્દો ની અસરે તેને મજબુર કર્યો અને તે ફરી નિધિને લઈને એજ પાર્કમાં ગયો જ્યાં બંને એ સાથે બેસીને નિસંતાન રહેવા માટે ચર્ચા કરેલી.
તેની સામે આવેલ પ્રસંગ, તેનું નિરૂપણ અને તેના થકી ઉપજેલા સ્પંદનોને નિધિ સમક્ષ રજુ કર્યા. શબ્દોમાં લાગણી અને સ્નેહ ભળ્યા. ચિત્રોમાં અનુભૂતિ પ્રગટી !
“ તારી વાત અને બધાની વાત સાચી છે સમય. કોઈ પણ સ્ત્રી; માં બને પછીજ પૂર્ણતા ને પામે ! ” અને સમયે જોયું કે દ્રઢ નિશ્ચયને પલ્લુંમાં બાંધીને આ પાર્કમાં ગયેલી નિધિની આંખોમાં આજે માતૃત્વે પોકાર કર્યો છે. સમયે તેના હાથને પકડીને ઉષ્મા આપી. બીજા હાથે તેની અશ્રુધારને રોકીને બોલ્યો.
“ ચલ નિધિ હવે ઘરે જઈશું ? ”

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in નવલિકા. Bookmark the permalink.

5 Responses to વંશવૃક્ષ

 1. dee35(USA) કહે છે:

  સરસ વાર્તા છે તેને લંબાવીને કીલ્લોલ કરતાં કુટુંબ અને સંયુક્ત કુટુંબમાં મહાલતું કરી શકાય.સારા વાર્તાકાર છો જ માટે પ્રયત્ન કરશો.એજ આશા.

 2. રીતેશ મોકાસણા કહે છે:

  આપના પ્રતિભાવ મને હમેશા નવી નવી પ્રેરણા આપે છે. આ વાર્તાને લંબાવતો નથી પણ પ્રોમિસ… આ વાર્તામાં સંતાનનું જીવનમાં મહત્વ દર્શાવ્યું છે તેમ, સંયુક્ત કુટુંબ વિષે જરૂર લખીશ.

 3. aataawaani કહે છે:

  તમારા વંશ વ્રુક્ષ લખાણ બહુ ગજબનું , છે તમારી ઉપમાઓ સંસ્કૃત કવિ કાલીદાસની યાદ અપાવે છે .

 4. aataawaani કહે છે:

  તમારી આ વાર્તા ફરીથી વાંચવાનું મન થઇ ગયું .બહુ ગમી .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s