ઓય માં રે !

ઓય માં રે !

અગાઉ ના લેખમાં હકાને હોસ્ટેલમાં મુકેલો તે વિષે આપ સૌ વાંચી ગયા જ છો. આજ નો લેખ પણ એની પૂર્તિ સમાન છે. ઘણી વાર હું એકલો બેઠો હોય ત્યારે એવો વિચાર પણ આવી જાય કે હું હકાને જરૂર થી વધારે ચગાવું છું. પણ શું કરૂં માછલીની જેમ એ મારી જાળમાં બરાબર ફસાઈ જો ગયો છે ! પણ હકાને જરાય ગુમાન નહિ. એને હું ગમે તેમ કહું કે ગુસ્સે થાઉં…એ સદા મારી સાથે હસતો ને હસતો ! અમારી પોળની ભાષામાં, નામ પ્રમાણે એના ગુણ ! હસમુખ તે સદા હસમુખો પણ એકલા મારી અને દિલા સાથે.
સૌને એવો સવાલ થાય એમ છે કે દિલા સાથે કેમ વધુ હસતો ? હકો એટલે મુળે અમારા મહેલ્લાનો. હું અને દિલો તો બહારથી આવીને વસેલા. તો જયારે દિલો નવો નવો રહેવા આવ્યો ત્યારે પહેલી વાર હકા સાથે ઓળખાણ થઇ. દિલાના એક મામા મુંબઈ રહે. અને અમારે મન કોઈ પણ મુંબઈમાં રહેતા વ્યક્તિ સાથે વધુ લગાવ. દિલો મુંબઈ ગયેલો ત્યાંથી સીજન બોલ ( સુતળીનો મેચીસ બોલ) લઇ આવેલો. અમે મેચમાં લાલ કલરના બોલથી રમે તેને સીજન બોલ કહેતા. આમ તો અમે લોકો ઘણા પ્રકારના બોલથી ક્રિકેટ રમતા; પણ સીજન બોલ અમને પોષાતો નહિ. કપડાનો બોલ, ટેનીસ બોલ, પંચ બોલ, ભીંડી બોલ, રબ્બર બોલ, પ્લાસ્ટિક બોલ, રીંગ બોલ, બેટ બોલ ( લાલ કલરનો સોફ્ટ બોલ આવતો.) વિગેરે. દિલો સીજન બોલ લઈને પોળમાં નીકળે એટલે જાણે હાથીની અંબાડી પર રામાયણની પોથી ની સવારી નીકળી હોય એટલું માન અમે આપીએ. એ સીજન બોલને દિલાએ સૌથી પહેલા હકેશ્વરના હાથમાં આપેલો. ત્યારે અમારી પોળમાં એવી વાત ઉડેલી કે હકાએ હાથમાં બોલ પકડ્યા પછી તેણે બે દિવસ હાથજ નહોતા ધોયા.
હકો આટલો બધો ઉત્સાહ બતાવે એમાં નવું નહોતું પણ એ અમારી ગજા બહારની વસ્તુ હતી. હાઇસ્કુલના મેદાનમાં ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાતી. દરેક તાલુકા લેવલની ટીમો આવતી. એ ટાઈમે અમને સીજન બોલ નવો બોલ જોવા મળે તો પણ ફૂલ્યા નહોતા ફુલાતા. આખા મહેલ્લામાં ત્રણ ચાર દિવસ સુધી કહ્યે રાખતા કે “ મુન્ના આપણે આજ સીજન બોલ જોયો. ”
જયારે હકાએ તો નવો સીજન બોલ હાથમાં થોડી વાર પકડી રાખેલો. હવે દિલાની અને હકાની દોસ્તી વિષે જાણી ગયા તો થોડું આગળ વધીએ.
અમે લોકો બગીચા પાસે રોજ ક્રિકેટ રમીએ. દિલો રોજ સીજન બોલ લઇ આવે પણ રમવાનું તો રીંગ બોલથી જ ! રીંગ બોલ એટલે જૂની સાયકલની ટ્યુબને નાના ટુકડે કાપવાથી રીંગ બને. થોડા કાગળ કે કપડા સાથે એને એક ઉપર એક વીંટવાથી બોલ બને. આથી એક દિવસ અમે લોકોએ તેને ચગાવ્યો;
“ દિલા, આ બોલને આમ ને આમ નવો રાખીને રાજકોટ મ્યુજીયમમાં આપવાનો કે શું ? ”
“ તો ઠીક છે આપણે આ બોલથી રમીએ. પણ એક શરત આ બોલથી હું બેટિંગ કરું. ”
“ અરે ભાઈ ત્રણ વાર આઉટ થાય ત્યાં સુધી તારે બેટિંગ કરવાની બસ ? ” જાણે બાણું લાખ મળવાનો ધણી કોઈ ભિખારીને એમ કહે કે; બાણું માંથી એક માળવો આજથી તારો એવા મિજાજે દિલાને ખુશ કર્યો. હકાએ તો તેને ખુબ જ ખુશ કરી દીધો.
બાઉન્ડ્રી પર ઉભેલો જીગો દોડતો આવ્યો ને કહે “ બોલિંગ મારી ”
દિલાએ સાફ ના પાડી દીધી. એની બોલિંગ એકતો થોડી જરર કરતા વધુ ફાસ્ટ. ફાસ્ટ નોય વાંધો નહિ પણ આખી ઓવરમાં એકાદ બોલ પીચ પર પડે. કોઈએ મારું નામ બોલિંગ કરવા સૂચવ્યું. હું તો ગલીમાંજ ઉભો હતો. સતક કરતો આગળ આવ્યો ને દિલાને બુમ પડી “ લાવ દિલા એ સીજન બોલ ” એટલે દિલાએ સીજન બોલ મને આપ્યો. એણે મને બોલ આપ્યો ત્યારે મેં જોયું કે દિલો મનોમન હરખાતો હતો.કારણ મારી બોલિંગ ‘ સ્પીન ’. નવા બોલથી બોલિંગ કરવાની ભલા કોણ ના પાડે ? મેં એક જ બોલ નાખ્યો ને ટોટલ ચાર પ્લેયર અને એક બેટને નુકશાન થયું.
બહુ આશ્ચર્ય કે પ્રશ્નો ના જન્માવો થોડું વિગતે કહું. જેવો મારા હાથમાં નવો સીજન બોલ આવ્યો કે મારા શરીરમાં કપિલદેવ નો પ્રવેશ ! બોલને પેન્ટ સાથે ઘસ્યો એટલે ત્યાં પેન્ટ લાલ લાલ થઇ ગયું એટલે ઘરે મને માર પડ્યો. અમારા મહેલ્લા વાળા કહેતા કે હું તો સ્પીન બોલર. પણ કોણ જાણે કપિલદેવનો પ્રવેશ અને નવો સીજન બોલ; તે થોડું દોડીને હતી એટલી તાકતે બોલિંગ કરી. દિલાએ બેટને ઉછાળીને ગાવસ્કર સ્ટાઈલે ચોગ્ગો મારવા ટ્રાય કરી. બોલ તો બેટ પર અડ્યો પણ બેટનો હાથો દિલના હાથમાં અને બેટનું બોડી જીગા ઉપર ફેંકાયું તો; એ ઘાયલ. એ બોલને રોકવા વિકેટ કીપર એવા મહેલ્લાના દિગ્ગજ ટીનો બોલ રોકવા ગયો તો બોલ છટકીને માથા પર ! એના માથામાં ઢીમચું કરીને બોલ સીધો સ્લીપમાં ઉભેલા કનું ઉપર. આમ ચાર પ્લેયર ઘવાયા બાદ એ સીજન બોલ પાછો મુંબઈ જમા થઇ ગયેલો એવા વાવડ દિલના પપ્પાએ આપેલા.
આ ઘટના બન્યા બાદ તો દિલાને પાછું મુંબઈ જવાનું થયું. એ ગયો એટલે બહુ બધું રીસર્ચ કરીને આવ્યો; સીજન બોલથી રમીને પણ આવ્યો. હકાને હોસ્ટેલમાં મુક્યો ત્યારે દિલો એને મળવા ગયેલો એનું મુખ્ય કારણ ઘણા વખત પછી મહેલ્લાની ચેનલમાં પકડાયેલું.
હકાની હોસ્ટેલમાં બધા સીજન બોલથી ક્રિકેટ રમે. હોસ્ટેલમાં ક્રિકેટની આખી કીટ અને એય સીજન ક્રિકેટની ! હકાને ક્રિકેટમાં બહુ રસ નહિ પણ દિલો એને પરાણે લઇ ગયો. હકો બહુ ઓછું ક્રિકેટ રમે. આઈ મીન બેટિંગ કે બોલિંગ કરે; પણ એને ફિલ્ડીંગ કરવી મહદ અંશે વધુ ગમે. એને કેમ ફિલ્ડીંગ કરવી વધુ ગમે ? તે રહસ્ય તો હજી અકબંધ છે. મિત્રો અમારી પોળનો અશકો એટલે અડધો ડિટેક્ટીવ. એના નેટવર્કમાં એ કારણ મળશે એટલે તમને ચોક્કસ કહીશ મિત્રો દુઃખ ના લગાવશો. જે ફિલ્ડીંગ ભરે એને બેટિંગ તો મળેજ; અમારી મહેલ્લાની ભાષામા દાવ મળેજ ! રમતા રમતા હકાનો નંબર આવ્યો. હકો બેટિંગ કરે એટલે થોડો જોવા જેવો ખરો. બેટને એકદમ ઉભું રાખે પોતે એકદમ નમેલો રહે. અને બેય પગ અને બેટ વચ્ચે હાથ જેટલું અંતર રાખે. ઘણા એવા રેકોર્ડ એના નામે કે બોલ, એના પગ અને બેટ વચ્ચેથી જઈને વિકેટ પાડતો જાય ! જેમ કે ટ્રાફિકમાં રીક્ષા વાળો નીકળી જાય તેમ !
વીર હકેશ્વર બેટિંગ કરવા આવ્યા અને એની નિત મુજબની સ્ટાઈલે ઉભો રહ્યો. સામે એક ફાસ્ટ બોલરનો બોલીંગમાં નંબર.
“ હકા મને લાગે છે તારો નંબર પતે પછી ગેમ પૂરી કરીશું, તને ખબર છે ને કે આપણો રાતનો પ્લાન ? ”
“ હા હા, તો એક કામ કરું પેડ પહેરવાની માથાકૂટ નથી કરતો. ” અને અમારા પ.પુ.ક.ધુ. એવા શ્રી હકેશ્વર મહારાજ બેટિંગ કરવા ગયા. ( પ.પુ.ક.ધુ. = પરમ પૂજ્ય કરતુત ધુરંધર )
સામે છેડે ફાસ્ટ બોલર. એને પણ એકવાર હકાને ચેતવણી આપી રાખી. પણ એમ એનું માને તો હકો શાનો !
પેલાએ દોડીને બોલ ફેંક્યો કે રીક્ષાની જેમ બેટ અને પગ વચ્ચેથી નીકળી ગયો. અગર આપ સૌએ નોટ કર્યું હોય તો ફાસ્ટ બોલર થોડા ધૂની હોય, આ ધૂની બોલરે થોડું વધુ રનીંગ કર્યું અને બોલ ફેંક્યો કે સીધો હકાના પગ પર વાગ્યો.
“ આઉટ..એલ્બી….. ” અડધી પીચ સુધી આવીને પેલો તો વિવિયન રિચાર્ડસને આઉટ કર્યો હોય તેમ તાનમાં નાચવા લાગ્યો. અને આ બાજુ હકો એનો સાથળ ખજવાળે. દિલો દોડીને આવી ગયો.
“ હકા બોલ વાગ્યો તો નથી ને ? ”
“ એતો બેટિંગ કરો એટલે થોડું ઘણું તો વાગે, હવે એટલા વાગવાથી કશું ના થાય. તને ક્યાં ખબર નથી કેટલીય વાર હું આંબલી પરથી પડેલો છું. ચાલ હવે જલ્દી રૂમમાં જઈએ. ” અને બેય રૂમમાં જતા રહ્યા.
“ આંબલી પરથી પડવાને તું સીજન બોલ સાથે ના સરખાવ. ખબર છે બેટના બે ટુકડા થઇ ગયેલા ? વાગ્યું હોય તો બરાબર ઘસી નાખ નહીતો બીજા દિવસે મથાવશે. ” દિલાએ હકાને ચેતવતા કહ્યું.
“ એ તો સીજન બેટ નહોતું ને ” વાતને ત્યાજ દબાવવા માટે હકાએ કહ્યું.
રાત્રે ફિલ્મ જોઇને આવ્યા બાદ તો હકો સુઈ ગયો. પણ સવારે ઉઠવા ગયો તો કોકડું વળી ગયો. પગ એનો સજ્જડ !
“ જો હકા હું કહેતો હતો કે સીજન બોલ વાગે એની અસર પછી થાય. ” દિલે તેના પગને જોઇને કહ્યું.
“ હા દિલા, સાલું બહુ દુખે છે. ”
આ વાત આખી હોસ્ટેલમાં વાયુ વેગે ફરી વળી. તો કોઈ વળી આયોડેક્ષની બોટલ લઇ આવ્યું. અને એકે દબાવીને હકાના સાથળ પર માલીસ કરવાનું ચાલુ કર્યું કે હકે બુમ પાડી
“ ઓય માં રે !! ”
“ હકા, હવે તો માનીશ ને કે સીજન બોલથી તો સીજનમાં જ રમાય ? ”

મુખવાસ :  સંજોગો બદલવા કરતા સંજોગો સાથે બદલવામાં ડહાપણ છે

 

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in હાસ્યલેખ/ જોક્સ. Bookmark the permalink.

9 Responses to ઓય માં રે !

 1. ઝમાવટ નાં ઝાડવા હો ભાય્ય.

 2. aataawaani કહે છે:

  પ્રિય રીતેશભાઈ તમારા લેખો વાંચવા ખુબ ગમે એવા હોય છે .

 3. રીતેશ મોકાસણા કહે છે:

  આમજ આવીને પ્રતિભાવો આપો છો તે આશીર્વાદની સાથે ટોનિક સમાન સાબિત થાય છે.

 4. aataawaani કહે છે:

  સાચી વાત છે
  સંજોગોને આપણે બદલી શકવાના નથી . પણ સંજોગો પ્રમાણે આપણી જાતને બદલવી જોઈએ તોજ સમાજમાં રહી શકાય .

 5. aataawaani કહે છે:

  અને અજ્ઞાન કાઢતા જાઓ તોજ ઘટે ,અને અજ્ઞાન ઘટે એટલે જ્ઞાન વધે

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s