હું ના નહોતો પાડતો !!

હું ના નહોતો પાડતો !!

સ્વસ્છતા અભિયાન વાળા અમારો મહેલ્લો સાફ કરવા આવેલા ત્યારે હકાએ ખાલી ઝાડુ પકડીને ફોટો પડાવેલો. અને તે ફોટો ન્યુઝ પેપરમાં છપાયો અને સાથે અમારી પોળ પણ ખરી. ઘણી વાર રવિવારની સવારે સ્કુટર લઈને નાસ્તો લેવા જાઉં ત્યારે જોઉં છું કે ઘણા લોકો આખું ઝુંડ લઈને આવે છે અને રોડ સાફ કરે છે. એમને જોઇને મારું મન હરખાય ખરું. મને ઘણી વાર સ્કુટરને એકબાજુ પાર્ક કરીને હાથમાં ઝાડું લેવાના જોમ આવે ખરા ! પણ સોડા જેવો ઉભરો હોય કે ગમે તેમ મારી અંતર ઈચ્છા હોવા છતાં આજ સુધી એકેય વાર સ્વસ્છતા અભિયાનમાં જોડાઈ નથી શક્યો. મારી મજબૂરી ગણો કે જે તે, પણ એક વાર એ જોમને માન આપીને સ્કુટર રોડની સાઈડ પર પાર્ક કર્યું કે એક ભાઈ આવ્યા.
“ ભાઈ અમે લોકો આ રોડ સાફ કરવા આવ્યા છીએ તે દેખાતું નથી ? જાવ બીજી જગ્યાએ સ્કુટર મુકો. ” લો બોલો, હવે મારું જોમ ઉભરા જેમ બેસી જાય કે નહિ. પણ નહિ, તે દીવસે દિલથી અભિયાનમાં જોડાવાની ઈચ્છા. આથી વળી સ્કુટરને બીજી બાજુ રાખીને આગળ વધ્યો કે મારો મોબાઈલ ગર્જી ઉઠયો. ઘરેથી ફોન આવ્યો કે બે મહેમાન આવેલા હોઈ, વધુ નાસ્તો લઈને જલ્દી ઘરે જવું. લો હવે તમેજ કહો આમાં મારામાં ક્યાંય આળસ દેખાણી ?
ફરી એકવાર એવાજ જોમ સાથે ઉભો રહ્યો અને એક લીડર જેવા દેખાતા સાહેબને પકડયા.
“ હું સામેના મહેલ્લામાંથી આવું છું અને મારે…. ”
“ સામેના મતલબ કે હસમુખભાઈના મહેલ્લામાંથી ? ” પેલા ભાઈએ મને પૂછ્યું કે હું બાઘા જેમ તેમની સામે ઉભો રહ્યો. આથી સહેજ ઉત્તેજિત અવાજે તેઓ એ ફરી વાર પૂછ્યું. મેં કોઈ રિસ્પોન્સ ના આપ્યો કે તેમણે મને હકાના, ટીનાના અને જીગાના ફાધરના નામો આપ્યા.આથી મને લાગ્યું કે આ ભાઈ તો અમારી પોળમાં ઘણા વર્ષ ભાડે રહી ગયા હશે કે કેમ?
પણ હું એટલા માટે બાઘા જેમ ઉભો રહ્યો કે; આજ સુધી હકાને હસમુખ કહેવા વાળુંય કોઈ નહોતું. પેપરમાં ફોટો આવ્યો ત્યારે તેનું નામ અમે લોકો એ હસમુખ વાંચેલું. હવે પેલા ભાઈ તેને હસમુખભાઈ કહે તો મારું મગજ કેમ નું કામ કરે ?
“ હમ હા હા….. ” હું ઊંઘમાંથી ઉઠ્યો હોય તેમ માથું ધુણાવતો ઉભો રહ્યો.
“ તમારા મહેલ્લા વાળા પાકા ખરા હો ”
“ કેમ ભાઈ તમને કોઈએ પરચો બતાવ્યો કે શું ? ”
“ માળાનું, અમે લોકો દર રવિવારે ઝાડું પકડીને રોડો સાફ કરીએ. ગામ આખાની ધુળોના ફાંકડા ભરીએ. આજ સુધી અમારો કોઈ ફોટો પેપરમાં નહિ અને તમારા પોળના હસમુખ ભાઈનો ફોટો તો ફુલ સાઈજ આવેલો. ” તેઓ જાણે એમના મોઢામાં ગયેલી ધૂળોને બહાર ફૂંકી રહ્યા હોય તેમ મારી સામે ધૂંધવાયા. વધુ એક આરોપ મારા પર આવે તે પહેલા હું મારા કામે જતો રહેલો. પણ મનમાં ખુબ ખુશ થયો કે કોઈએ મારા પરમ મિત્ર હકાને હસમુખભાઈ કહ્યું !
અમારા મહેલ્લાનો જાસુસ જીગ્નેશ, ઉર્ફે જીગો, ઉર્ફે જેમ્સ બોન્ડ; ખબર લઇ આવ્યો કે આ વખતે ટાઉન ક્રિકેટ ટુર્નામેન્ટમાં કપિલદેવ આવવાનો છે. આથી ટીનો તો ભૂખ્યા સિંહ બાજુ જતા હરણને કોઈ તફડાવી લે તેમ તાડૂક્યો.
“ જીગલા, ફેંકવાની પણ કોઈ લીમીટ હોય. હું માનું કે તું થોડો ઘણો જેમ્સ બોન્ડ ખરો પણ આટલી બધી હદના ગોળા કેમ ફેંકે છે ? ”
“ અલ્યા ટીના, કપિલદેવ હવે કોઈ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન નથી. ”
“ તો શું થયું ? એવડી મોટી હસતી આવડા નાના ટાઉનમાં આવે ખરી ? ”
“ ટીનીયા તારે ના માનવું હોય તો કંઈ નહિ ” કહીને જીગો ચુપ થઇ ગયો. વધુ બોલવામાં બહુ મઝા નહિ; એમ માનીને તેણે દિલા સામે જોયું. દિલોતો કશું ના બોલ્યો પણ અશોક વચ્ચે કુદી પડયો.
“ અલ્યા ટીના, હવે ટુર્નામેન્ટને બહુ વાર નથી. અને તને એવું લાગતું હોય તો ના માનીશ. બાકી ઘણી બધી તેની માહિતી સાચી પડતી હોય છે. ” અશકાએ જીગાના વખાણ કર્યા કે તે ફુલાયો અને વધુ ફોર્મમાં આવ્યો.
“ એ બધું છોડો પણ મને એક બીજી ખબર મળી છે કે કપિલ દેવ સામાન્ય લોકો વચ્ચે આવશે અને બધા વચ્ચે બેસીને ક્રિકેટ મેચ નિહાળશે. ” નરીયાએ વળી બીજા અને ઘણાં સારા ન્યુઝ આપ્યા.
“ જો એવું જ હોય તો તારા મોઢામાં તાડીની ગલેલી. ” હકાએ નરીયાને ઊંચકી લેતા કહ્યું.
“ અરે નીચે મુક મને તો ગલેલી ભાવતી પણ નથી. ”
“ તને તો તારા ડોહાની ગાળોજ વધુ ભાવે કેમ ? ”
“ હકલા; પછી તને ખબર ને કે મારો પિત્તો જાય એટલે…. ” થાંભલામાંથી નૃસિંહ ભગવાન પ્રગટેલા તેવા ગુસ્સામાં નરિયો આવી ગયો. આથી મેં તેને શાંત પાડ્યો.
ટુર્નામેન્ટનો દિવસ આવી ગયો. આ બાજુ જીગો તો હવે એકદમ ખુશ છે કારણ કે કપિલદેવ વાળા ન્યુઝ સાચા પડી ગયા. ન્યુઝ પેપર અને ટીવીમાં પણ ન્યુઝ આવી ગયા. તો બીજી બાજુ ટીનો થોડો ઝંખવાઈ ગયો. પણ અમારી ટોળીમાં એવું કોઈ અભિમાની નહિ. સવારે બાખડ્યા કે સાંજે બધા ભેગા જ રમીએ. હાઈસ્કુલનું મેદાન આજે પહેલી વાર ધજાપતાકાથી શણગારેલું હતું. ઘણા બધા ગામના લોકો મેચ જોવા આવતા. પણ આજે તો મેદાન ખીચોખીચ ભરાયેલું છે. મેદાનમાં લોકોની હિલચાલ વધી એટલે અમારી ટોળી સમજી ગઈ કે; કપિલ આવી ગયો. અમે લોકો તો કપિલ દેવ સુધી પહોંચી શકીએ એટલી ઊંચાઈ નહિ; આથી અમે એક સારી જગ્યા ખોળીને બેસી ગયેલા. પોલીસ બંદોબસ્ત પણ ટાઈટ હતો. ટુર્નામેન્ટનું ઉદઘાટન પત્યું કે કપિલ તો બધા પ્રેક્ષકો વચ્ચે આવી ગયો. અમારી બાજુમાં બેઠો બેઠો ટીનો ઉંચો નીચો થાય.
“ અલ્યા ચાલો કપિલ બેઠો ત્યાં જઈએ ”
“ એ બધાની સાથે બેસવાનો છે; અહિયાં પણ આવશે. અને હજી મેચ તો ચાલુજ થઇ છે. ” મેં તેને રોકયો.
“ કેમ અલ્યા મને તો ડફોળ ગણતો અને હવે બહાવરો બહાવરો થઇ ગયો છે ? ” મલક મલક મલકાતા જીગાને ચાન્સ મળી ગયો; છગ્ગો ફટકારી દીધો.
“ ઠીક છે તું અહી બેઠો રહે હું અને નરીયો જઈએ છીએ, ચલ નરેશ ” ટીનાએ નરીયાને માનથી બોલાવીને રિસ્વત આપી કે નરીયો ઉભો થઇ ગયો; તો સાથે અશકો પણ. હકો ઉભો થવા જતો કે મેં તેને હાથ પકડીને નીચે બેસાડી દીધો. ટીના, નરીયા અને અશકાની ત્રિપુટી કપિલદેવ સાથે બેસવા ઉપડી. જેવા એ ત્રણ લોકોને ત્યાં જતા જોયા કે બીજું એક ટોળું પણ ઉઠીને ત્યાં જવા ભાગ્યું. આમ બીજા ટોળા પણ ઉમટ્યા. કપિલ ને તમે રૂબરૂ જુઓ તો એકદમ સિમ્પલ લાગે. જો એને કોઈ ઓળખતું ના હોય અને કપિલ એમ કહે કે તે બસનો ડ્રાઈવર છે તો હર કોઈ માની જાય ! કપિલની આજુબાજુ ટોળા આવીને બેસવા લાગ્યા. એટલે કોલાહલ વધી ગયો અને રીતસર કપિલદેવ પર તવાઈ આવવા લાગી. થોડું તો કપિલે સહન કર્યું પણ તેની પર લોકો પડતા હોય તેવું લાગ્યું એટલે કપિલ અકળાયો.
“ છક્કા મારો બટ ધક્કા મત મારો ”
છતાં બહુ ફાવટ ના આવી કે કપિલદેવ ઉભો થઈને અમે બેઠેલા ત્યાં આવવા લાગ્યો કે ટોળું એની પાછળ. આ બધી ધમાલ હાથમાં તમાકુ મસળતા પોલીસોના ધ્યાનમાં આવી. ચાર પાંચ ને દંડા ફટકાર્યા. એટલે ભાગતા ટોળા શાંત બનીને એકબાજુ ઉભા રહી ગયા. કારણ પોલીસની અમારા ગામમાં ધાક ખરી. એમાં એક દંડો તો અશકાને વાગી ગયો.
કપિલ તો આવીને બિલકુલ અમારી જોડે બેસી ગયો. ત્યાં ઉભા ઉભા પેલા ત્રણે અમારી ઈર્ષ્યા કરવા લાગ્યા. ખાસ્સી વાર પછી કપિલ અમારી પાસેથી બીજી જગ્યાએ ગયો કે પેલા ત્રણે અમારી બાજુમાં આવ્યા. તેમને આવકારતા હકો બોલી ઉઠયો.
“ હું ના નહોતો પાડતો !!! ”

 

આ પોસ્ટમાં લખેલ વાક્ય “ છક્કા મારો બટ ધક્કા મત મારો ” તે રીયલ કપિલના મોઢેથી સરેલ વાક્ય છે. કપિલ દેવ હું જે કંપની શેલ માં જોબ કરું છું તેનો શેફટી માટેનો બ્રાંડ એમ્બેસેડર છે દર વર્ષે તેને કંપની બોલાવે. નીચે મુકેલ ફોટો પણ અમારી કંપનીમાં કપિલદેવ 2009ની સાલમાં આવ્યો ત્યારનો છે. કપિલદેવ સાથે હું ફોટો પડાવતો ત્યારે લોકો પડાપડી કરતા હતા. તેણે જેવો મારા ખભે હાથ મુક્યો કે પાછળથી લોકો ધક્કા મુક્કી કરવા લાગ્યા. આથી અકળાઈને કપિલ બોલી ઉઠેલો કે “ છક્કા મારો બટ ધક્કા મત મારો ”with kapil

 

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in હાસ્યલેખ/ જોક્સ. Bookmark the permalink.

11 Responses to હું ના નહોતો પાડતો !!

 1. nabhakashdeep કહે છે:

  આપના લેખમાં મૌલિકતાને મજા પણ છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

 2. aataawaani કહે છે:

  પ્રિય રીતેશ
  તારી લેખન આવડતને બહુજ વખાણવા નું મન થઇ આવે છે .અને આ વાત હું મારા દિલથી કહું છું હો .
  લખાણ વાંચવાની શરૂઆત કરીકે મુકવાનું મન નથી થાતું . વાહ

 3. sindhoooo કહે છે:

  Wow! You really met Kapil Dev! Great!!!

 4. aataawaani કહે છે:

  ફર ફરીને વાંચવાનું મન થાય એવી વાર્તા સરસ છે અને લખવાની રીત ઉત્તમ છે .

 5. aataawaani કહે છે:

  હું નાં નોતો પાડતો એ વાર્તાને ઉત્તમ કહી શકાય .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s