ભાગતું તરબૂચ

ભાગતું તરબૂચ

હું લગભગ આઠ કે નવ વર્ષનો હઈશ કે અમે લોકો એ, શહેરમાં સ્થળાંતર કરેલું. મારું જન્મ સ્થળ છોડવાનો થોડો વસવસો રહેલો. જો કે મારા વીતી ગયેલ દિવસોની જૂની ઘસાઈ ગયેલી સીડી તમને સંભળાવીને બોર નથી કરવા. પણ શું કરું ? સ્વભાવથી મજબુર બની જાઉં છું. ને મારા પ્યારા વાચકોના માથામાં ક્યારેક હથોડા રૂપી વાક્યો મારી દઉં છું.
ગામથી અડધો કિલોમીટર દુર એક નાની મજાની નદી આવેલી છે. ચોમાસામાં પાણીના છેલારા મારતી નદી, ઉનાળો આવતા તો લગભગ ખાલી થઇ જાય. નદીના ખાલી પટમાં અમુક લોકો તરબૂચ અને ચીભડા વાવે. એ તરબૂચ અને ચીભડાને ગામમાં તથા શહેરમાં વેચીને એ લોકો ગુજરાન ચલાવે. અમે બધા થોડા નાના મતલબ કે બાળકમાં ખપીએ તેવા; પણ મારા કાકાનો છોકરો ગૌતમ અમારાથી મોટો. એની હાથચાલાકી એ અમે લોકો ઘણી વાર તરબૂચની મોજ માણેલી.
શહેરમાં આવ્યા પછી હાથચાલાકીઓ ને લીધે મળતી મોજમજા બંધ થઇ ગઈ. પણ તળાવની પાળે ગપ્પા મારવાના સમયે હું બધા દોસ્તારોને એ વાત કરતો.
બધા મિત્રો વાત સંભાળીને વાહ વાહ કે શું વાત છે ? વિગેર બોલીને ભૂલી જાય. પણ નરીયો થોડો ખંતીલો. એને કાનમાં તરબુચનો સ્વાદ અટકી ગયો. લખવા વાળા થોડા પાગલ હોય અને એમાં હું વધુ ! કાનમાં સ્વાદ અટકે ? દાંતમાં સ્વાદ ફસાઈ જાય. જીભ પર સ્વાદ ટકી જાય. પણ કાનમાં સ્વાદ અટકી જાય તેવું લખી નાખ્યું છે તો ભૂંસતો નથી. એના માટેથી થોડા વધુ શબ્દો લખવા પડે તે કબુલ છે. કાનમાં સ્વાદ અટકવાનું મને એટલે વ્યાજબી લાગ્યું છે કે; મેં વાત એને તરબૂચની કરી તે ભૂલ્યો નહિ અને વાતને કાનમાં જ રહેવા દીધી બહાર ના કાઢી.
નરીયો ઉર્ફે નરેશ અમારા મહેલ્લાનો ખેલાડી. આગળ મેં લખેલું છે કે ગમે તેવો સાપ હોય તેને અધમુવો કરી નાખે તેવો ગામનો એક માત્ર નમુનો એટલે નરેશ ! મેં તો વાત એમજ કરેલી કે અમે લોકો નદીમાં મફતમાં તરબૂચ ખાતા. એક વસ્તુ કહી દઉં કે નાના બાળકોને મફતમાં મળતી વસ્તુ ખાવામાં ડબલ આનંદ આવે. જો કે આ વાક્ય અમારા મહેલ્લાના બાળકોને વધુ લાગુ પડતું. બીજા ગામનાં મહેલ્લા વાળાએ જાતે નક્કી કરવું. બધા લોકો પોત પોતાના ઘરે જતા રહ્યા પણ નરિયો તે દિવસે મારો ખભો પકડીને ચાલે; મને છોડે નહિ.
“ યાર, આ વેકેશનમાં તારા જુના ગામ જઈએ તો કેવું ? ” નરીયાએ કાનમાં અટવાયેલ સ્વાદને ખોતર્યો. હું તો તેની વાત સાંભળીને થોડો ડઘાઈ ગયો ને જાજો હેબતાઈ ગયો.
“ કેમ અલ્યા તારે મારા ગામ આવવું છે ? ”
“ મેં સાંભળ્યું છે કે ગામડાના તરબૂચ બહુ મીઠા હોય ”
મેં એને ઘણો મનાવ્યો પણ બધી બાજી એની ફેવરમાં જ આવી. એક તો વેકેશન પાડવામાં બહુ વધુ વાર નહોતી. બીજું મને પણ જવાની ઈચ્છા હતી. ત્રીજું મને ઘરેથી પણ સપોર્ટ મળ્યો. કેમ કે નરીયો અમારો મહેમાન થઈને આવવાનો હતો. આથી તારીખ તિથી નક્કી કરી દીધા. જવા ને બે દિવસની વાર હતી કે અશોકે પણ પોતાની ઉમેદવારી નોંધાવી દીધી. અને ઉમેદવારી પણ મારા ફાધર પાસે નોંધાવી કે કોઈ છટકી ના શકે. આમ તો અશ્કો આવે તેની મને બહુ ચિંતા નહિ પણ નરીયો એનું નામ સાંભળીને નાગની જેમ નાકથી ફૂંફાડા બોલાવે.
હું, મારો ભાઈ અને આ બે જાજરમાન મહેમાનો સાથે અમે લોકો મારા જુના ગામ ગયા. મારા કાકાના ઘરે રોકાવા સિવાય કોઈ ઉદ્ધાર નહોતો. અમારું ઘર ખાલી ખરું, પણ સંપૂર્ણ રીતે ખાલી. ઘરમાં એક બે કબાટ સિવાયનું બધું અમે લઇ ગયેલા. જેમ તેમ કરીને બપોર થઇ; પણ નરીયો ઉંચો નીચો થાય;
“ અલ્યા નદીએ નથી જાવું ? ” અશ્કો સાંભળે તેમ તે બરાડ્યો. જેનો અવાજ મારા કાકાના કાને પણ ગયો.
મારા કાકા એટલે એકદમ ગરમ મિજાજના. મારી સામે જોઇને આંખ ને ગોળ ગોળ ઘુમાવી.
“ કાકા એ તો નદીએ ધરામાં નહાવા જવાની વાત કરતો હતો. ” મેં કાકાને નરમ પાડતા કહ્યું કે વળી તેઓ તેમના કામમાં મશગુલ થઇ ગયા.
કાકાનો છોકારો ગૌતમ એટલે નટખટ. દિવસમાં એકાદ વાર તો કાકાના હાથનો મેથીપાક ખાય નહિ ત્યાં સુધી ખાવાનું હજમ ના થાય. એને મેં ખાનગીમાં કહી રાખેલું “ ગૌતમ, નદીમાં તરબૂચ ખવાય એવું છે કે કેમ ? ”
“ અરે એવા તરબૂચ પાક્યા છે કે વાત જવા દે… ” કહીને તેણે મને તાલી મારી. એ તાલી મારે એટલે મારો હાથ ચમચમે. પણ એજ હાથે તે મફત તરબૂચ ખવરાવે એટલે તાલી દીધે છુટકો !
કાકાની નજર વટાવીને અમે પાંચેય નદીએ પહોંચી ગયા. નદીની એક ભેખડ પર તે ચડ્યો અને તરબુચની વાડીમાં નજર કરી.
“ અલ્યા નરીયા તું નસીબ વાળો ખરો, આજ તો વાડીમાં કોઈ નથી. એય મજાના લહેરથી તરબૂચ ખાઈશું. ” એકદમ હસતો ને મલકાતો ગૌતમ અમને બધાને છેક નજીક લઇ ગયો.
હવે, ગૌતમની તરબૂચ લેવાની પધ્ધતિ વિષે કહી દઉં. વાડીનો એક છેડો એકદમ ખુલ્લો. એ બાજુ અમને લોકોને ઉભા રાખે અને ગૌતમ વાડીમાં ઘૂસે. તરબૂચના વેલામાં સાપ જેમ સરકીને તરબૂચ તોડી ને બહાર ફેંકે. બે કે ત્રણ તરબૂચ લઈને અમે લોકો બીજી જગ્યા એ જઈને ખાઈએ.
એ જૂની રીત મુજબ ગૌતમ તો તૈયાર થયો તો સાથે જવા અશ્કો પણ તૈયાર થઇ ગયો.
ગૌતમને અમે લોકો લાડમાં ગોતો કહેતા. ગોતો નામ બીજી રીતે એમ સાર્થક કે, વાડીમાં તે ઘૂસે પછી ગમે તેમ ગોતો (શોધો) ! શ્રીમાન ગૌતમ અને અશોકની સવારી વાડીમાં ઘુસી. ગોતો તો નિત મુજબ વેલાની વચ્ચે સુઈ ગયો. પણ અશ્કો હજી ચારે બાજુ ડાફળિયા મારતો ઉભો છે કે આવ બેલ મુજે માર હું નવરો જ છું. ગોતાને તેણે હાથ પકડીને સુવાડી દીધો. અમે લોકો વાડમાંથી બેયને જોઈએ. ધીરે ધીરે તેઓ સાપની જેમ સરકતા હતા. બેય તો છેક અડધા ભાગે જતા રહ્યા. ગોતાએ એક મોટું તરબૂચ તોડ્યું. નિશાની રૂપે તેને તરબૂચ પકડીને ઊંચું કર્યું. કારણ અમે લોકો મોટું તરબૂચ જોઈ શકીએ. આ બાજુ અમે લોકો તો મોટું તરબૂચ જોઇને કુદાકુદ કરવા લાગ્યા. વધુ તો નરીયો કુદકા મારી રહ્યો. એ બાજુ જેવું ગોતાએ તરબૂચ ઊંચું કર્યું કે વાડીનો માલિક અંદર આવ્યો. એણે જોયું કે તરબૂચ આટલું બધું ઊંચું કેવી રીતે થાય ? આથી કુતુહલ જોવા તે અંદર આવ્યો. જેવા તેના પગલાનો આવાજ આવ્યો કે ગોતાને ખબર પડી ગઈ. આથી ધીરે ધીરે તે સાપની જેમ સરકીને અમારી બાજુ આવવા લાગ્યો.
તરબુચને હાથથી પકડીને આવે આથી તરબૂચ વેલાથી થોડું ઉપર દેખાય. પેલી બાજુ માલિક ચાલતું તરબૂચ જોઇને નવાઈ પામ્યો.
“ સાલું તરબૂચ પણ ચાલે ખરું ? ” એમ બોલીને તે આગળ આવ્યો. હવે અશ્કાને એ વાતની ખબર નહિ; કે કેમ પાછું વળવું ? અભિમન્યુ જેમ અંદર ઘુસી ગયો પણ પાછા આવવાની કળા તે ગોતા પાસેથી શીખેલો નહિ. પેલો માલિક પણ ચાલતા તરબુચની કુતુહલ પકડવા ઉતાવળે પગલે દોડ્યો. દોડતા દોડતા એક પગ આશ્કાના હાથ પર આવી ગયો. એની બુમ સાંભળીને ગોતે તરબૂચ અમારી તરફ ફેંક્યું. “ ભાગો બધા માલિક આવે છે. ”
તરબૂચ પકડીને હું ભાગવા ગયો કે એક કાંકરો મારા ચપ્પલ નીચે આવ્યો કે હું ગબડી ગયો.
એટલી વારમાં તો માલિક પણ અશ્કાનો એક હાથ પકડીને અમારી બાજુ આવી ગયો. મને ગબડતો જોઇને માલિકે મારા કોલર પકડીને મને ઉભો કર્યો. મારા તો હોશકોશ ઉડી ગયા. હાથમાંથી તરબૂચ પણ છટકી ગયું. મેં પાછા ફરીને જોયું તો પેલા ભાઈએ એક હાથે અશોકને અને એક હાથે ગૌતમને પકડ્યો છે. જેવું મેં એમની બાજુ જોયું કે તેમણે બેયની પકડ છોડી દીધી; અને મુક્ત કર્યા. એ બેયને મુક્ત કર્યા કે હું તો ખુબ ડરી ગયો. કારણ તરબૂચ તો મારા હાથમાં હતું. તેઓ એકદમ મારી નજીક આવ્યા અને નીચા નમ્યા કે મને લાગ્યું કે નક્કી એકાદ સોટી લઈને મને ફટકારશે. પણ મારા જીવમાં થોડો જીવ આવ્યો. તેમણે તરબૂચ ઉપાડીને મારા હાથમાં મુક્યું.
“ શહેરમાં તારા પિતાજી મજામાં તો છે ? અને આ ગોતાના રવાડે બહુ ના ચડીશ; જાઓ હવે. ” અમે તો રાજી થતા ને મનમાં ગભરાતા આગળ વધ્યા કે ફરી તેમની બુમ સંભળાણી.
“ ગોતા, ફરી વાડીમાં આવ્યો છે તો; મેં જેમ ભાગતું તરબૂચ જોયું તેમ તને ગામ સુધી મારીને ભાગતો કરી દઈશ. ”
તરબૂચ ખાઈને ઘરે આવ્યા કે નરીયો બોલ્યો “ આના કરતા તો ઝેરીમાં ઝેરી સાપને પકડવો સારો હો ! ”

 

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing a sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in કાવ્યો/ ગઝલો. Bookmark the permalink.

4 Responses to ભાગતું તરબૂચ

  1. Ashok Vavadiya કહે છે:

    સુંદર મજાની રજૂઆત…. જે મજા છે બાળપણમાં એ મજા હવે ક્યાં મળે

  2. nabhakashdeep કહે છે:

    નદી કિનારે ઉનાળામાં પટ પર, તરબુચ ,સક્કર ટેટી, ચીભડાં વગેરે ખાવાની મજા લૂંટવાની એ પળો, સાચે જ મધુરી હોય છે. અમે જતા રાયણાં ખાવા, ગોરસ આંબળી ખાવા..જેના ખેતરમાં ઝાડ હોય, એ ઉપર ચડી, તોડેલી વસ્તુમાં અડધો ભાગ માગે, પાકા કાતરા હોય ..તેનો બરાબર ભાગ કરવાના..ખાવાનું ને વેકેશનની મજા.લોકો ખાવાની ચીજો માટે બાળકો માટે મોટું મન રાખતા..એવો સામાજિક સંબંધ હતો..વેપારી માનસ ઘડાતાં..હવે તો મેથીપાક એવો મળે કે..તરબૂચ જેવા થઈ જવાય..માણ્યો આપની બાળ કહાણીનો આનંદ.

    રમેશ પટેલ(આકાશદીપ)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s