પીન્કી પૈણી ગઈ !

પીન્કી પૈણી ગઈ !

સંસારનો પહેલો અવળી લિપીનો પ્રેમપત્ર લખવાનો વર્લ્ડ રેકોર્ડ મારા પરમ મિત્ર હસમુખના નામે. અને એનો મનો ભારોભાર ગર્વ છે. મારે હસમુખ નામનો એક જ મિત્ર છે; તો એ ના પૂછશો કે કોણ હસમુખ ? એ જ તો પ.પુ.ક.ધુ. એવા શ્રી હકેશ્વર મહારાજ ઉર્ફે હકો; જેને હવે આપ સૌ વાચકો પણ સારી રીતે ઓળખો છો. હકાએ તેની પ્રેમિકા રસીલાને અવળી લિપીનો પ્રેમપત્ર લખેલો. એ પત્રની અસર થઇ નહોતી કે પછી રસીલાના માથાભારે બાપ કે ભાઈને લીધે હકાનો પ્રેમ બાળવયે મરણ પામેલો. હકો તો એ પ્યારને અને રસીલાને ભૂલી પણ ગયેલો એના કારણો મારે નથી આપવા. નથી આપવા એનુંય એક સજ્જડ કારણ એ છે કે હકો મારો પરમ મિત્ર અને એની કોઈ ખાનગી વાતો હું જાહેરમાં કહું તે વ્યાજબી નથી.
તે અરસા બાદ અમારા મહેલ્લામાં એક નવી છોકરી નામે પીન્કી રહેવા આવેલી. સવાલ ઉઠે એવો છે ને કે એકલી પીન્કી રહેવા આવી ? તો એના જવાબનું વિસ્તરણ કંઈક એવું છે કે; પીન્કી કોઈ ગામડામાં રહેતી હતી. અને વધારે ભણતરની સગવડ ના હોઈ તે અમારા ગામે ભણવાના અર્થે આવેલી. હકાનું નામ હસમુખ, નામ એવા ગુણ તેનામાં નહિ. એકલો હોય તો એટલો ગંભીર હોય કે જાણે કેટલુય વિચારતો હોય. પણ તે દેખાવમાં જોવો ગમે એવો. છોકરીયુંની ભાષામાં “ એના થોબડામાં કઈ ઠેકાણું નથી ! ” જેવો નહિ. એમ ને એમ કઈ રસીલા એની પાછળ ગાંડી નહોતી, કે માથાભારે ભાઈને પણ ગણકાર્યા વિના હકા સાથે ડેટિંગ કરતી. બાકી તો મહેલ્લામાં ઘણા છોકરા હતા. એમાંથી અશોક અને હકો બે એવા કે છોકરીઓ એમને મહત્વ આપતી.
પીન્કી અમારા મહેલ્લામાં આવી એવું મારું શેર માર્કેટ ગગડી ગયું. કારણ એવું હતું કે પીન્કી આવી એટલે હકો એની પાછળ થોડો ફિદા થયો. કોઈ છોકરો જો છોકરી પાછળ ફિદા થાય એટલે એનામાં કેવું પરિવર્તન આવે તે કહેવાની જરૂર નથી. મારા વાચક મિત્રો બધા ઘણા સ્માર્ટ છે; ઈશારામાં બધું સમજી જાય એવા !
મારો સ્વભાવ બહુ મળતાવડો નહિ એટલે બીજા સાથે વધુ ના ફાવે ને હું એકલો પડી ગયેલો. પણ હકો સાથે હોય એટલે બધા સાથે ખુબ જામે. એ ટાઇમે ગામમાં ‘ ફટકો ’ શબ્દ ઉત્તર ઇશાન ખૂણેથી નવો નવો આવેલો. એ શબ્દનો અર્થ તો અમને ઘણો મોડો મોડો સમજાયેલો. ગામમાં ટોકીઝ હતી, એમાં દર શુક્રવારે નવું ફિલ્મ લાગે. મને યાદ છે ત્યાં સુધી ગમે તેવું હીટ ફિલ્મ પણ એક અઠવાડિયામાં બદલાઈ જતું. ગુરુવારે સાંજે કે શુક્રવારે સવારે એસ.ટી. બસમાં ફિલ્મની પેટી આવતી. આથી બસ ઉપરથી ઉતરતી પેટી જોઇને આનંદ લેતા ને સાથોસાથ કયું ફિલ્મ હશે ?તેની અટકળો કરતા. ઘણી વાર તો ફિલ્મ વિષે પેટી ઉતારવા વાળાને પૂછી પણ લેતા. પણ શુક્રવારે સવારે આખા ગામમાં ને ટોકીઝ પર પાટિયા લાગતા ત્યારે કયું ફિલ્મ છે તે ખબર પડતી. એવીજ રીતે ‘ ફટકો ’ શબ્દનો અર્થ ઘણો મોડો ખબર પડેલો. જે તમને પણ ઘણે મોડેથી લેખ ના અંત સુધીમાં ખબર પડી જશે.
પીન્કી એકદમ સીધી છોકરી. મહેલ્લામાંથી નીકળીને હાઇસ્કુલ જાય ત્યાં સુધી એની નજર રસ્તા પર જ રાખે. જાણે એનું કશું ખોવાયું હોય કે પછી કાંકરા થી સાચવીને ચાલવાની ટેવ હોય ! કોઈની સામે જુએ પણ નહિ; પછી તો કોઈની સાથે વાત કરવાની તો વાત જ કેમ કરવી ? પીન્કી એના માસાના ઘરે રહે. એના માસા એટલે અવળી ખોપરી. એ જો સવળા હોય તો સોડા પાય ને જો અવળા તો સામે વાળાને અધમુવો કરી નાખે એવા !
એક દિવસની સવારે સુરજ હજી ગરમી પકડે તે પહેલા મેં હકાને ઉભો રાખ્યો.
“ હકા આજ કાલ તને કોઈ તકલીફ નથી પડતી લાગતી ? ”
“ કેમ એવું પૂછે છે ? ” હકે ય મને સામે સવાલ કર્યો.
“ તું હમણાં હમણાં હુડાકાકા સાથે બહુ જોવા મળે છે. ”
“ સોરી યાર થોડી વાર સંભાળી લેજે. પછી તો તારી સાથે જ ફરવાનો ને ”
“ મતલબ હમણા મારે એકલા એકલા ફરવાનું એમને ? ”
“ શું તું યે યાર, માંડ માંડ ઘાટ પડતો હોય ત્યાં ! ”
“ કઈ સમજ્યો નહિ હકા ”
પછી હકાએ જે વાત કરી તેનો સારાંશ એવો હતો કે તેને પિંકી વધુ ગમતી હતી. અને હુડાકાકાને મળવાને બહાને પણ પીન્કીને જોઈ આવતો. જે સુકા રણમાં વરસાદ પડ્યો તે ! એકવાર મ્હેલ્લામાં પીન્કી અને હકો આમને સામને થઇ ગયા. હકો તો જમીન સાથે એવો જડાઈ ગયો કે એક ઇંચ પણ હલે તો હકો કેવાનો ! આ બાજુ પીન્કી બિચારી હકાને જોઇને હેબતાઈ ગઈ. અને દુકાનેથી લાવેલ વસ્તુની થેલી પડી ગઈ.
જોઈ લો સાહેબ, આને કહેવાય નસીબ.
પેલા જૂની ફિલ્મોમાં બતાવે તેમ, હકો તો દોડ્યો અને જઈને નીચા નમીને પેલી થેલી ઉપાડી લીધી. અને પીન્કી સામે જોઇને થેલી આપી. પણ પીન્કી તો એટલી ગભરાઈ ગઈ કે નીચું જોઇને જ ઉભી રહી. હકાએ થેલી આપી એટલે ત્રણ ચાર એમ.એમ. શરમાઈને જતી રહી. એટલુંક શરમાઈને જતી રહી હોત તો હકાને કોઈ વાંધો નહોતો. પણ જતાં જતાં કહેતી ગઈ. “ થેંક યુ હસમુખભાઈ ”
“ ભલું થાજો ભુદાનું ” એમ બણબણતો હકો તો ઢીલો પડી ગયો.
હકાના નસીબ પાશેરક પાધરા ખરા ! તે ત્યાં હાજર કોઈ દોસ્તાર નહોતો.
પ્રેમી લોકો થોડા મજબુત મન વાળા અને કડક દિલ વાળા હોઈ શકે.
“ કોઈએ ક્યાં સાંભળ્યું છે મને ભાઈ કહેતા ” એવું સ્વ આશ્વાશન આપતો હકો પાછો પોતાના કામે લાગી ગયો.
કામે લાગી ગયો મતલબ કારખાને જાય છે તે નહિ. તે ટાઈમે તો અમે બધા ભણીએ અને એમાં કામ તો ક્યાં કરવાનું હોય.
એકપક્ષી પ્રેમનો ભાર હકાથી વહન થઇ શકતો નહોતો; આથી મનમાં મુંજાતો હતો. મારી પાસે એ ઘણી વાર દિલ ખોલે. પણ આ વખતે એને મને જરા પણ ગંધ ના આવવા દેવાનું નક્કી કરેલું. જો કે એવું નક્કી કરવામાં એ સાચો હતો. કારણ રસીલા વખતે મારાથી થોડો બફાટ થઇ ગયેલો. અને બીજું એવું હતું કે હું પ્રેમની બાબતમાં થોડો અતડો હઈશ.
હવે કોને કહેવું ? કોઈક ને તો કહેવું જોઈએ.
દિલપુરાણ અનુસાર ભાર હળવો કરવા કોઈને કહેવું !
આવી વાત માતાપિતાને તો કરાય નહિ. મારા પછી એનો નજીકમ નજીક મિત્ર એટલે નરીયો; પણ નરીયાને એ વાત કહેવાની ઉચિત ના લાગી. મગજને બરબાર વલોવ્યા પછી એને બાજુની પોળ વાળા દલાને કહેવાનું નક્કી કર્યું. હવે આ દલો એટલે વિશ્વાસ મૂકી શકાય તેવો ખરો. સંકટ સમયે સાંકળ ના પણ ખેંચે અને ટી.ટીના હાથે પકડાવી દે ! દિલો તો હકા માટે લાકડા પર કેરોસીન જેવો સાબિત થયો.
“ હકા, જો પીન્કી પટી તો ન્યાલ ! ”
“ અને ના પટી તો ? ” હકાએ સામો સવાલ કર્યો જાણે દલે એને પીન્કી પટી જવાની ગેરંટી આપી હોય !
“ તો કોઈ વાંધો નહિ, તારું તો એમાં કોઈ મૂડી રોકાણ છે નહિ. ” દલાએ દિલાસો આપ્યો કે હકો ય મન મનાવીને પાછો અમારા મહેલ્લામાં આવી ગયેલો.
હકાએ દિલાને વાત કરેલી જાણીને મને તે થોડો પાગલ લાગેલો. કારણ દલો અમારી ટોળી વાળો નહિ. ક્યારેક આવે ખરો, એટલે દોસ્ત.
મિત્રો એક વાત નોંધવા જેવી ખરી કે આપણા ક્લાસમાં ભણતા દરેક આપણા દોસ્ત. હોસ્ટેલમાં એકજ રૂમમાં રહેતા બધાં દોસ્ત. એક વાર પણ બસમાં કે ટ્રેનમાં મળેલ વ્યક્તિને પણ દોસ્ત બનાવી દઈએ છીએ. એ આપણા ભારત દેશની સંસ્કૃતિ છે.
કોઈ આપણ ને એમ પૂછે કે કોણ છે ? તો મિત્ર તરીકે ઓળખાણ આપીએ; નહિ કે કલાસ મેટ, રૂમ મેટ. યા તો અમારી પોળમાં રહે છે.
હકાને થયું કે, પોતે પિન્કીને પ્યાર કરે છે એ ખબર તો પાડવી જ રહી. તો જ પીન્કી પણ પોતાને પ્રેમ કરી શકે. એ હિસાબે વળી પાછી અવળી લીપીમાં પ્રેમપત્ર લખવાનો વિચાર આવ્યો. પણ બીજી જ પળે હકો કરમાયેલા છોડ જેવો થઇ ગયો. પીન્કી તો બહારગામની છે એને અવળી લિપિનું જ્ઞાન ના હોય તો ? તેનો ડર સાચો હતો. એક વારની અવળી લીપીએ તેના બરડે સહન કરેલું છે.
તો શું કરવું ?
આમને આમ તો હકો લેવાઈ ગયો. રાત્રે ના કરે તેટલા દિવસે વિચાર કરે અને મન ને મારે.
પ્યાર વ્યક્તિને મજબુત બનાવે કે નબળો ! એ નક્કી ના થઇ શક્યું.
એ લાંબા વિચારોનું પરિણામ એ આવ્યું કે અમે લોકો વેકેશનમાં ક્રિકેટ રમવા જઈએ કે બસ સ્ટેશન બાજુથી આવતા હુડાકાકા દેખાયા. એમને જોઇને તો હકો એટલો ફોર્મમાં આવી ગયો કે જઈને એમને વળગી પડ્યો.
“ અરે કાકા, ક્યાં ગામ જઈ આવ્યા ? ”
“ કશે નહોતો ગયો. પિન્કીને મુકવા ગયો હતો.”
“ કેમ …? ” ઘણી શક્તિઓ લગાડીને હકાએ સવાલ તો પૂછી લીધો પણ જવાબ મળ્યા પછી એવો ભાંગી ગયો કે જાણે એની કેડ તૂટી ગઈ હોય !
એમના ગયા બાદ અને અમે બેય એકલા પડયા પછી મેં હકાને પૂછ્યું
“ હકા, પીન્કી અમદાવાદ ભણવા જતી રહી એમાં તું કેમ આટલો ઢીલો પડી ગયો ? ”
પછી તો હકે બધી વાત કરી અને એવો હિબકે હિબકે રોયો કે મને ઘણી દયા આવી. આથી હું એને કુલ્ફી ખવરાવવા લઇ ગયો.
છતાં હજી એના મગજમાંથી પીન્કી હટતી નહોતી. આ વાતને વટાવીને પાંચ છ વર્ષ નીકળી ગયા. અને એક દિવસ બધા તળાવની પાળે ગપ્પા મારીએ કે મહેલ્લાનો જેમ્સ બોન્ડ જીગો ખબર લઇ આવ્યો કે પીન્કીના લગ્ન થઇ ગયા. જેવું હકાએ સાંભળ્યું કે તેની હાલત જોવા જેવી તો ના થઇ. અમારા હકાને એનું જરાય ગુમાન નહિ. પણ હકાએ તળાવની પાળને બે હાથ જોડીને પ્રાર્થના કરી કે પોતાને માટે જગ્યા કરે ! પણ તળાવની પાળ પણ લાચાર હતી એના ઉપર પણ લોકોએ ઝાડ ઉગાડ્યાં હતા. હકા જેવા તો અનેક લોકો તળાવની પાળે આવીને આંસુ સારીને તળાવ ભરવા આવે.
હવે અમારા મહેલ્લા વાળાને ફટકો શબ્દનો ખરો અર્થ સમજાયો. જેના લીધે બહુ મોટો ફટકો પાડે તે ‘ ફટકો ’ !!!

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in પ્રકીર્ણ. Bookmark the permalink.

4 Responses to પીન્કી પૈણી ગઈ !

 1. vimala કહે છે:

  રસપ્રદ વાર્તા ગમી. સરળ -સહજ રજૂઆતને લઇને વાંચવાની બહુ મજા પડી.
  ખાસ કરીને મિત્રોના નામ…હકો,દિલો, દલો,જીગો વગેરે
  “.મારા વાચક મિત્રો બધા ઘણા સ્માર્ટ છે; ઈશારામાં બધું સમજી જાય એવા !”
  વાહ,વાહ. વાચક મિત્રોની કદર કરવા બદલ ખૂબ-ખૂબ આભાર;રીતેશભાઈ.

  • રીતેશ મોકાસણા કહે છે:

   Thank you very much Vimalaji.
   હાસ્ય લેખની પ્રસંશા બદલ ખુબ ખુબ આભાર. વાચકો થકી જ તો કવિ કે લેખક ઉજળો એટલું ધ્યાનમાં રાખીને આગળ લખું છું. અવાર નવાર આવીને આપના પાવનકારી શબ્દોની છાપ છોડતા જશો.

 2. Archana Kapoor કહે છે:

  bau saras… 🙂

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s