ચાલો શુટિંગ જોવા

ચાલો શુટિંગ જોવા

અમારા મહેલ્લાના બાળકો ત્રણ વસ્તુથી પાગલ. એક ફિલ્મ જોવી બીજું ક્રિકેટ રમત અને ત્રીજું તળાવની પાળ. તળાવની પાળ એટલા માટે કે ત્યાંજ રમીએ ને ત્યાંજ ઝઘડીએ ! પણ સૌથી વિશેષ પાગલપણું ફિલ્મ માટેનું. અને એમાંય કોઈ એકાદ દોસ્તાર ફિલ્મ જોઈ આવ્યો કે અઠવાડિયા સુધી એ બધાને ફિલ્મની સ્ટોરી કહેતો ફરે. એમાં હું પણ ખરો. અંદરખાને એક વાત કહી દઉં કે બધા મારા માટેથી એવી પણ વાતો કરે (મારી ગેર હાજરીમાં) કે; હું ક્યારેક સ્ટોરીમાં મરી મસાલા પણ ભભરાવું ખરો.
એવામાં ફિલ્મના ગાયનો જો હીટ ગયા હોય તો તૂટ્યા ફૂટ્યા રાગમાં ગાઈએ પણ ખરા. અને મને યાદ છે ત્યાં સુધી શોલે ફિલ્મે જે રેકોર્ડો બનાવ્યા તેના વિષે લખતો નથી. પણ ફિલ્મના ડાયલોગની પહેલી કેસેટ, શોલે ફિલ્મની બહાર પડેલી. અમારા મહેલ્લામાં ત્યાર બાદ લોકો એવુંય માનતાં થયા કે ફિલ્મમાં ડાયલોગ પણ હોય ખરા. અને એમાંય અમારો ટીનો ઘણા અંશે ફિલ્મનો રસિયો. પણ એની તકલીફ એટલી કે બધા એકટરોના નામ ભૂલી જાય.
“ અરે જીગા, ફિલ્મમાં રાજેશ ખન્નાએ; દાદુ ડાયલોગ બોલ્યા છે. ” અને ડાયલોગ બોલવા લાગે.
પણ જીગો એટલે જેમ્સ બોન્ડ ! એમને એમ કોઈએ નામ નહોતું આપ્યું. ફિલ્મોને એટલી ધ્યાનથી જુએ કે નાનામાં નાનો એકટર એને યાદ અને એય વળી ડાયલોગ સાથે.
“ ટીના એમાંતો વિનોદ ખન્ના છે દયાવાન વાળો ” જીગો એને ખોટું ના લાગે તેમ કહી દેતો.
“ હા વિનોદ ખન્નો ” ને પછી માથું ખણતો ખંધુ હસે. એને જરા ગુમાન પણ નહિ બોલો.
આ બધામાં મારો પરમ ને ધરમ મિત્ર હકો થોડો અલગ. એને ફિલ્મ જોવાનો શોખ પણ સ્ટોરી ફોરી યાદ ના રહે. કોઈ પૂછે તો ખાલી ફિલ્મનું નામ કહે. “ કોણ હીરો હતો ? ” એવુ પુછે તો માથે હાથ મુકીને યાદ કરે
“ બચ્ચન તો નહોતો પણ પેલો મૂછો વગરનો…” ને એવા આપણને સમીકરણો આપે કે; આપણે જ એને બીજી વાતોમા ચડાવી દઈએ. એ ટાઈમે અમારો મહેલ્લો હીરોને વધારે માન આપતો. માન આપતો મતલબ એવું નહિ કે, દેવાનંદજી, શમ્મી કપુરજી કે ધર્મેન્દ્ર ભાઈ કહીને બોલાવે. લોકો તો એવુંજ કહે કે ધર્મેન્દ્ર એ આખા ફિલ્મમાં ધબધબાટી બોલાવી. માન એવી રીતે કે, ફિલ્માંમાં હીરો કોણ ? એ જોઇને ફિલ્મ જોવા જઈએ. પછી હિરોઈન કોઈ પણ હોય.
હકાની જે મેં વાત કરી તેમ ફિલ્મ જોવાનો શોખીન પણ સ્ટોરી ફોરી યાદ ના રાખે. હવે આવા સીધા સાદા હકા માટે એક વાર કોઈએ અમારા મહેલ્લામાં એવી વાત વહેતી કરેલી કે હકો પણ સ્તબ્ધ.
ઉડાવેલી વાત કંઈક આ મુજબ હતી.
છ માસિક પરીક્ષા નો સમય. અને વિજ્ઞાનનું પેપર લખવા હકો બેઠો. પહેલો પ્રશ્ન વાંચ્યો તે ખબર ના પાડી. બીજો વાંચ્યો તો એનો જવાબ ના આવડે આથી એને થયું કે લાવ જે જવાબ આવડે તે પ્રશ્ન પહેલા લખી લઉં. બીજી બાજુ પાનું ફેરવ્યું ને ખાલી જગ્યા સુધી નજરને લઇ ગયો પણ એની નજર કોઈ અક્ષરોમાં સ્થિર ન થઇ. હવે ??  પોતે શું લખે ? શોલે ફિલ્મ જેટલાં વર્ષ મિનરવા થીએટરમાં ચાલ્યું એટલી વાર હકાએ જોયેલું. આથી એક બે ડાયલોગ યાદ રહી ગયેલા. બાજુમાં બેઠેલા એક ને ઇશારાથી પૂછ્યું. એટલે એણે છાનુંમાનું એટલું કહ્યું કે આકૃતિ સાથે જવાબ લખવાનો છે. આથી મારા પરમ ધરમ મિત્ર એવા પ.પુ.ક.ધુ 10008 એવા શ્રી હકેશ્વરે પહેલું પાનું કોરું રાખ્યું. વચ્ચેના બેય પેજ પર ત્રણ ડાકુ અને ગબ્બરના ફોટા દોર્યા. બધાની સામે એરો કરીને ગબ્બર, કાલીયા, વિગેર નામ પણ લખ્યા. પછી ત્રીજા પાને ડાયલોગ લખ્યા.
કિતને પ્રશ્ન થે ?
પાંચ સર
ઓર કીતને જવાબ લિખે ?
………….
ફિરભી પેપર ખાલી રખા ?
નહિ સર એક ચિત્ર ઓર થોડા ડાયલોગ લિખા હૈ.
પછી છેલ્લા પાને લખ્યું કે “ માનનીય સર, જેટલું અને જેવું આવડ્યું તેવું લખ્યું છે. ભૂલચૂક સુધારીને માર્ક આપજો. ”
તમે બીલીવ નહિ કરો એ પેપરમાં હકાને પાંચ માર્ક મળેલા અને એ વર્ષ પાસ પણ થઇ ગયેલો.
આ વાતમાં કેટલું તથ્ય છે તે ખબર નથી પણ બધાને જેમ્સ બોન્ડ જીગાએ જે મેસેઝ આપ્યા તેમાં તથ્ય હતું. અગરબત્તીની સુવાસ જેમ વાત આખા મહેલ્લામાં ફરી વળી. વાત પણ ઉત્સાહ વધારનારી હતી. ગામથી થોડે દુર તળાવના સામેના ભાગે ફિલ્મ વાળાનો કાફલો ઉતર્યો હતો. દલો દોડતો મારી પાસે આવ્યો.
“ કઈ ફિલ્મનું શુટિંગ ચાલુ છે ? ”
“ મને પણ બહુ આઈડિયા નથી પણ કોઈ ઈંગ્લીશ ફિલ્મ છે. ”
“ હોલીવુડ વાળા આપણા ગામમાં ? ” ને દલો તો રીતસર કુદકા મારવા લાગ્યો.
“ નવાઈ તો મને પણ લાગે છે કે હોલીવુડ વાળા આપણા ગામમાં ? ”
“ ક્યારેક તું નેગેટીવ બહુ વિચારે છે ” કહીને ગીન્નાતો તે જતો રહ્યો.
એના ગયા પછી મેં પણ જાણવાની ઉત્સુકતા વધારી. ચાર પાંચ સજ્જનોનો સંપર્ક કર્યા પછી ખબર પડી કે ફિલ્મ
સી.કિંગ ” નું શુટિંગ છે.
આ બાજુ મહેલ્લામાં તો બધા નવરાત્રી ની જેમ તૈયારીમાં લાગી ગયા. આવી તૈયારીને પ્લાનિંગ અમે ક્રિકેટ મેચમાં ય ના કરીએ. હું પણ વિચારતો કે શુટિંગ જોવા જવું કે કેમ ? નાનો હતો ત્યારે ફિલ્મ મુળુ માણેકનું શુટિંગ જોયેલું પણ બહુ મજા નહોતી આવેલી. હજી તો અવઢવમાંથી બહાર આવું ત્યાંતો હકો આવીને મારી પાસે બેસી ગયો.
“ યાર તારી પાસે કોઈ પોકેટ ડાયરી જેવું  છે ? ”
“ તારે વળી ડાયરીનું કામ પડયું ? કઈ બંધ બેસતું નથી ? ”
“ કેમ લ્યા, તું લખે એટલે ડાયરીયુની જરૂર તારે જ પડે ? ”
“ મારી પાસે ફાધરને એલ.આઈ.સી. વાળાએ આપેલી એક ડાયરી છે. ”
“ તું વધુ પડતું માન માંગે ત્યારે મને બહુ ગુસ્સો આવે છે ”
પછી તેને વિગતે વાત કરી કે ડાયરી તો એકટર લોકોના ઓટોગ્રાફ લેવા જોઈતી હતી. મને તો પછી ખબર પડી કે મહેલ્લાના નાકેની દુકાનમાં છેલ્લા દશ વર્ષમાં નહિ વેચાઈ હોય તેટલી ડાયરી એકજ દિવસમાં વેચાઈ ગઈ. બીજા દિવસે હું તો હકા સાથે જ્યાં શુટિંગ ચાલતું હતું ત્યાં પહોંચ્યા. ફિલ્મ વાળાએ તેમનો સરંજામ ગોઠવી રાખ્યો છે. ત્યાં જઈને જોયું તો અમારી આખી ટોળી હાજર. અને એમાંય ખાસ વટ તો અશ્કાનો પડતો હતો. રેબન જેવા ડુપ્લીકેટ લારીમાંથી લીધેલા ચશ્માં પહેરીને એકદમ આગળ ઉભો હતો.
એટલામાં એક ભાઈ હાથમાં બોર્ડ લઈને આવ્યો જેમાં ફિલ્મનું નામ દરિયારાજા લખેલું હતું. અમે તો બધા એકબીજા સામે જોવા લાગ્યા. હકો મારી સામે તરડાતા અવાજે  બોલ્યો “ શું છે આ બધું ? ”
“ મને તો બધા શુટિંગ જોવા ઉભા હોય એવું દેખાય છે ”
“ એ તો મને પણ દેખાય છે પણ હોલીવુડ વાળા નહિ આ તો ઢોલીવુડ વાળા છે. ”
“ હા યાર કોઈક મજાક કરી ગયું છે. ”
“ કેવાની મજાક ? ” કરતો જીલો અમારી બાજુ આવ્યો.
“ હોલીવુડના બદલે ઢોલીવુડ ” મેં કહ્યું.
“ સી કિંગ ?? અરે એતો મેં જ ટીના ને ખીજવવા કહેલું કે સી.કિંગ ફિલ્મનું શુટિંગ છે ”
“ તારી ભલી થાય જીલીયા. કહી કહી ને તેં ટીના ને કહ્યું….. ” હકો ઉછળ્યો
“ હકા, આમ જો લોકો ઓટોગ્રાફ લેવા પડાપડી કરે. ” મેં તેને ભીડ બતાવીને શાંત પાડ્યો કે એય ભાગ્યો.
બન્યું એવું કે ફિલ્મનો હીરો કોઈ કામે ટોળા બાજુ આવ્યો કે લોકો તૂટી પડયા ઓટોગ્રાફ માટે. કોઈ હાથ પર, ડાયરી પર ને કોઈ પોતાના ફોટા પર ઓટોગ્રાફ લેવા લાગ્યા. કોઈ એકે તો હદ કરી નાખી. માથે ટાલ પર ઓટોગ્રાફ લીધો. હકો જોઇને થોડો જાલ્યો રહે ?
“ અલ્યા કાલ નાહીશ એટલે ઓટોગ્રાફ ભૂંસાઈ જશે. ”
“ નાહીશ તો ને ? ” એ ય માથાનો મળ્યો. ત્યાર પછી કોઈએ ટાલ પર ઓટોગ્રાફ લીધાનું સરકારી ચોપડે નોંધાયું નથી.
એમાં કોઈએ રકજક કરીકે હીરો ભાગ્યો. અમારો હેન્ડસમ દોસ્ત અશોક પણ ઓટોગ્રાફ લેવા ગયો તે એ ય રહી ગયો. ને બીજી બાજુ, બાજુના ગામડાનું એક ટોળું દોડી આવ્યું. એમને ખબર પડીકે હીરો ઓટોગ્રાફ આપે છે. બધાને એમ કે અશોક હીરો છે તે માંગ્યા ઓટોગ્રાફ લેવા. અશોક પણ હેબતાઈ ગયો. પણ એક ભાઈએ જનુન ચડાવ્યું  “ અરે ભાઈ બે આંકડા પાડો ને લોકો પણ ખુશ ”
એક બે ને ઓટોગ્રાફ આપ્યા કે કોઈ એક ભાઈ આવ્યાને અશ્કાને ઉપાડી ગયા.
જીગો સમાચાર લઈને આવ્યો “ અશ્કો માંડ્યો તો ઓટોગ્રાફ આપવા; તે કોક દાદો આવીને એને ઉપાડી ગયો. ખુબ પીટાવાનો છે. ”
“ ગમે તેમ તોયે એ આપણો દોસ્તાર છે. ચાલો એને છોડાવીએ. ” કહેતો નરિયો આગળ થયો.
“ હા ચલ નરેશ….. ” કહેતો હકો ને દિલો પણ તેની સાથે જોડાયા.
મારે તો બધો તમાશો જોયા સિવાય છૂટકો નહોતો. બધા બાંયો ચડાવતા એ બાજુ ગયા કે રોકાઈ ગયા. મારી નજર એ બાજુ જ હતી. મેં જોયું કે અશોક તો વધુ હીરો લાગતો હતો. ચહેરા પર મેક અપ અને કોઈ બીજા હીરો સાથે આવતો હતો. બધા લોકો હવે તેમની સામે નજર ખુપવીને જોવા લાગ્યા. બધાએ જાણ્યું કે હવે શુટિંગ ચાલુ થાય છે.
કોઈ એક તગડા ભાઈએ અશોકને કશું સમજાવ્યું અને એક બાજુ ઉભો રાખ્યો. હીરો જેવો લાગતો બીજો ભાઈ એક જાડને હાથ ટેકવીને ઉભો રહી ગયો. ડાયરેકટરે રોલ..કેમેરા એક્શન કહ્યું…..અને બેય સામે જોઇને ઉભો રહ્યો. અશોક તો બધા સામે જુએ છે. એને ય શુટિંગ જોવું હતું. ડાયરેકટરે અશ્કા સામે જોઇને ધીરેથી કહ્યું “ બોલ..બોલ ”
“ હું ? મને કહ્યું ? ”
“ કટ..કટ ” કરતો ડાયરેકટર બરાડ્યો. અને ફરી બે વાર ટેઈક લેવા કર્યું પણ વળી એજ પુનરાવર્તન થયું. આથી ડાયરેકટર ખુબ અકળાયો. “ જોસ, કેવો છોકરો પકડ્યો છે ? એક નાનો ડાયલોગ તો બોલવાનો છે એને ”
એટલામાં પીપળાની શેરી વાળો ઉમલો દોડતો દોડતો આવ્યો. “ સર, આ તો મહેલ્લા વાળો અશ્કો, અશોક છે. મને ખબર છે કયો ડાયલોગ બોલવો ”
“ વેલ , પણ ક્યાં ગયેલો ? ”
“ સર, સમજી જાવ ને…..” કહીને પેટ દેખાડ્યું કે પેલો ભાઈ પણ હસવા લાગ્યો.
એટલામાં બાજુના ગામડેથી આવેલું ટોળું ચીટીંગ ચીટીંગ કરીને અશ્કા બાજુ ઘસી આવ્યું. અમને બધાને થયું કે કેમ આ લોકો અશ્કાને મારવા દોડે છે ? પણ એટલું જરૂર માની લીધું કે અસ્કો પીટાશે. આથી હકો ઘુસ્યો ટોળામાં અને અશ્કાને લઈને સીધો પહોંચી ગયો અમારા મહેલ્લામાં.
“ આ ચશ્માં કાઢી નાખ ફરી શુટિંગ જોવા જવું હોય તો ” હકે એને ટીપ આપી.
“ ના તારે જવું હોય તો જા…. મેં તો શુટિંગ જોયું ને કર્યું પણ ખરું. ”
બે દિવસ પછી ખબર પડી કે ટોળું અશ્કાને મારવા કેમ દોડેલું ? પછી ખબર પડી કે અશ્કો બધાને ઓટોગ્રાફ દેવા જામી પડેલો તે ! જાણીને અમે લોકો પણ ખુબ હસેલા.

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in હાસ્યલેખ/ જોક્સ. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s