મને શું કામ માર્યો ?

મને શું કામ માર્યો ?

અમારો મહેલ્લો ઘણા ખરા અંશે શાંત. અમારી ટોળી, તોફાની કહેવાય પણ મહેલ્લા પુરતી. ક્રિકેટની મેચ પણ શાંતિથી પૂરી કરીએ. એ જુદી વાત છે કે અમારી ટીમમાં પીપળાની શેરી વાળો ધનો હોય તો મોટા ભાગે ઝઘડો થાય જ ! ધનો આમ તો ઝઘડાળું સ્વભાવનો નહિ. આ તો લોકો કહે છે કે થમ્સ-અપમાં એસ્પીરીનની ગોળી નાખે એટલે નશો આવે. તેમ ટીમમાં ટીના અને નરીયા સાથે ધનો ભળે એટલે ઝઘડો થાય. હકો બેય વચ્ચે ઉદ્દીપકનું કામ કરે. આજે આપણે ઉદ્દીપકની વાત નથી કરવાની.
ઈલેક્શન આવે ત્યારે, કોઈ પણ નેતા લોગ અમારા મહેલ્લાથી નચિંત ! કોઈને બોલાવવાની જરૂર નહિ, સો ટકા મતદાન થાય. વાર તહેવારે બધા ભેગા મળી મોજ મજા કરે. આ બધું અમારા મહેલ્લાને વર્લ્ડ લેવલે ઉંચો બતાવવા કે વખાણ કરવા નથી લખતો. પણ એના ઠોસ સબૂતો તમને મળી રહશે. (ક્યાં મળશે ? એવું પૂછી ને તમે કોઈને હેરાન નહિ કરો એની મને ખબર, એટલેજ લખ્યું છે ! ) કારણ બહુ સીધું ને સરળ હતું કે અમારો મહેલ્લો બહુ નાનો હતો.
બધું સરળતાથી પાર પડી જાય, એટલે કશું બીજું વિચારવાનું કે કરવાનું ના રહે. પણ જો આડું પડ્યું તો ઘણા વિચારો ય માંગી લે ને કામો પણ કરવા પડે. સરળતાથી પાર પડવામાં અમારો હકો થોડો નસીબ વાળો ખરો. એ વાત જુદી કે એને કાકાની ઓળખાણે જલ્દીથી નોકરી મળી ગયેલી. એમાં સૌથી વધુ તકલીફ પડેલી જેમ બોન્ડ જીગાને. પોળમાં લોકો કહેતા કે જે ખટપટિયા હોય તેને વધુ મુશ્કેલી આવે. પોળની ભાષામાં જીગો પણ ખટપટિયામાં આવે. પણ એટલું ખરું કે ખટપટ કરીને કોઈને તકલીફમાં મુકે એવો નહિ. એમ કહું તો ચાલે કે, ખટપટ કરવાના ગલગલીયા કરી લે. એની ખટપટમાં એકવાર દિલો જલાઈ ગયેલો. દિલો જોકે દિલનો દિલદાર આથી એના માટે પત્થર પર પાણી રેડવા જેવું થાય.
જીગાનો બહુ વાંક નહિ, ઓછા ટકા આવ્યા અને થોડો જીદ્દી. જરા પણ એનું ગુમાન નહિ.
“ યાર બે ટકા વધારે આવ્યા હોત તો ડિપ્લોમામાં એડમીશન મળી જાત.” મને કહ્યું.
“ નહિ, એમ કહે કે દશ ટકા વધુ લાવીને ડીગ્રીમાં એડમીશન લઇ લેત ”
“ અહિયાં ડિપ્લોમાના ફાંફા છે ને ડીગ્રીની ક્યાં વાત કરે છે ! એક તો અમે ઓ.બી.સી.માં પણ ના આઇએ. ”
“ એકદમ પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કરી જીગા ” મેં તેનો પક્ષ લીધો કે આવી ગયો ફોર્મમાં. પણ એનું ફોર્મ ક્યાં સુધી ટકી રહેશે ? એવી કોઈ પાક્કી ગણતરી હજી સુધી એના ડીપાર્ટમેન્ટમાંથી આવી નથી. જો કે અંદરની વાત કહું તો કોઈને એમાં રસ પણ નથી.
ધકેલ પંચે દોઢસોની ગણતરીએ જીગાને નોકરી તો મળી ગઈ. અને ભાઈ સાહેબ, જુઓ જીગાના નસીબ; એનું ભણવાનું પૂરું થયું કે તેની ગણતરી ઓ.બી.સી.માં થવા લાગી. હજી વધુ ભણીશ; એમ વિચાર્યું પણ ફોર્મ લેવા ગયો તો વિલા મોઢે પાછો આવ્યો. હજી નસીબે એનો પીછો છોડ્યો નહોતો. પાછો ક્રીમીલેયર અને નોન ક્રીમીલેયરના ચક્કરમાં ફસાઈ ગયો. આમ બબ્બે વાર અનામતને લીધે તે ઘવાયો હતો. એ વાત ને તે કાયમ દાંત નીચે કચ કચાવતો.
ચાર પાંચ વર્ષ નોકરીના જેમ તેમ પુરા થયાં કે એને આંદોલનની માહિતી મળી. એ ખુદ જાસુસ, જીગો જેમ્સ બોન્ડ; આથી સૌથી પહેલી જાણ એને થાય. અનામતને લઈને તેના દાંત નીચે કચવાતી વાત આજે ઉગ્ર બની. આંદોલન  અને જીગો; એની સાથે સાંગોપાંગ વણાવું એવું નીમ લઇ બેઠો.
ભગવાને એને, દાંત નીચે કચવાતી વાતને છુટકારો આપવો હતો કે અંદોલન વાળાને એક નવો આંદોલન કારી મળતો હતો, એનો જુસ્સો હતો. પણ જીગાને બહુ રાહ ના જોવી પડી.
‘ હમારી માંગે પૂરી કરો ’ ‘ નેવાડીયા ઝીન્દાબાદ ’ ‘ અમે હક્ક લઈને જ જંપીશું ’ જેવા સુત્રો તો હવે મહેલ્લાની એકદમ નજીક આવી ગયા. જીગો તો રાહ જોઇને જ બેઠો હતો. દોડતો ને આંદોલન વાળા ટોળામાં ભળી ગયો. સૌની સામે જોતો જાય ને આગળ વધતો જાય. થોડી વારમાં તો એય પણ બધા સાથે સુત્રો બોલવા લાગ્યો. કસુંબાનો એક ઘૂંટ જીગાના ગળામાં ગયો હોય તેમ એકદમ જોમમાં આવી ગયો. ગળું ફાટી જાય એમ તે સુત્રો બોલે છે ને હાથને તો બગલમાંથી છૂટો કરી નાખવાનો હોય, એટલા જોરથી ઉંચો કરે છે.
થોડીવારમાં એક ભાઈ થાકી ગયો હશે તો જીગાના હાથમાં બેનર થમાવી દીધું. હવે જીગો જાલ્યો રહે ? કુદી કુદીને સુત્રો બોલ્યે જાય છે. ધીમે ધીમે તે એકદમ ટોળા આગળ જવા લાગ્યો. ટોળાની એકદમ આગળ પહોંચવાની તૈયારીમાં હતો કે; કોઈ જીગાને પકડીને એક બાજુ લઇ ગયું. હકો તો પેલા ભાઈ સામે ફાંટી આંખે જોઈ રહ્યો. થોડો ગભરાઈ પણ ગયો. જીગો એટલો ભોળો નહોતો કે સામે વાળો ખુશ છે કે ગુસ્સામાં છે તેની ખબર ના પડે. જીગાને લાગ્યું કે નક્કી પેલા ભાઈએ આનું બેનર પડાવી લીધું હશે. પોતાને દુરથી બતાવીને એ ભાઈ તમાશો જોતા હશે. આખું ટોળું પાછું વળીને તમાશો જુએ તે પહેલા જ જીગાએ તાત્કાલીક નિર્ણય લઇ લીધો. ટોળું થોડું આગળ ગયું કે જીગાએ બેનર બતાવીને પેલા ભાઈને કહ્યું.
“ લો તમે પકડી રાખો બેનર…..મને પણ કોઈએ આપ્યું છે ”
“ એય બેનર વાળી….ચુપ.. ” પેલા ભાઈ તાડૂક્યા અને એક સીલ જીગાના ગાલ પર મારી દીધો.
“ …………. ”
“ તારા કોઈ સગા છે આમાં ? ”
“ શેમાં ? ”
“ આ આંદોલનમાં ”
“ ના રે, પણ અનામત તો બધા માટે લાગુ ના પડે ? ”
“ કેવાનું અનામત ? ”
“ સરકાર પાસે વધુ અનામત લેવાનું આંદોલન …! ” જીગો આગળ બોલવા જતો હતો પણ રોકાઈ ગયો. કારણ કે બીજો સીલ તેના ગાલ પર પડે તે માટે હાથ ઉઠી ગયો હતો.
“ કોણે તને કહ્યું કે આ અનામતનું આંદોલન છે ? ” પેલા ભાઈએ તાડુકીને કહ્યું. જીગો તો સમસમીને રહી ગયો.
“ મને એમ કે…. ”
“ તને જે થયું હોય તે; પણ આ બધા તો અમારી સહકારી મંડળી વાળા છે. અને સભાદારો સૌ મનમાની કરે છે એના વિરોધમાં છે આ અંદોલન ”
“ …ઓહ… ”
“ હા, જા હવે પાછો વળ નહિ તો બીજી આપી દઈશ. ”
તે ઘટના પછી જીગો અનામતની વાત આવે એટલે ચુપ થઇ જાય. હવે હાર્દિકે અનામતનો ઝંડો ઉપાડ્યો છે તો; અમારો જીગો એના વિષે કોઈ પણ ખબર નથી આપતો.

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in હાસ્યલેખ/ જોક્સ. Bookmark the permalink.

4 Responses to મને શું કામ માર્યો ?

 1. vimala કહે છે:

  “હવે હાર્દિકે અનામતનો ઝંડો ઉપાડ્યો છે તો; અમારો જીગો એના વિષે કોઈ પણ ખબર નથી આપતો.”
  હાર્દિક્ની ખબર જીગો ના જ આપેને? એને બીક તો લાગે ને બીજા…ત્રીજા…..અને અગણિત સીલની…
  સમયાનુરૂપ વાર્તા.

 2. રીતેશ મોકાસણા કહે છે:

  Thank you so much

 3. nabhakashdeep કહે છે:

  સુંદર વાર્તા સંદેશો દેતી…ઘણું બધું કહેવા માગતી.

  રમેશ પટેલ(આકાશદીપ)

 4. રીતેશ મોકાસણા કહે છે:

  આશા રાખું કે, વ્યંગને બધા સમજી શકે !!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s