ફોર્મ્યુલા વન ફોર થ્રી

ફોર્મ્યુલા વન ફોર થ્રી

નવરાત્રીના ગરબા ઘુમીને હજી તો થાક ઉતર્યો નહોતો કે મારો પરમ અને ધરમ મિત્ર હકો સવાર સવારમાં મારા ઘરે આવી ગયો. આમ તો એ સવારમાં કદી ના આવે. એને ખબર કે મારા ફાધરનો સ્વભાવ ઘણા અંશે કડક. અમને બેય ભાઈને તો ઠીક આજુ બાજુ વાળા મિત્રોને પણ લઇ પાડે. (એમનો વાંક હોય તો) વાંકમાં તો છોકરાવ આવીજ જાય; સીધી વાત છે. પણ આજનો એનો ચહેરો કંઈક અલગ મીજાજનો દેખાતો હતો. એની આંખોમાં તો ઘણા ઘણા નિવેદનો અને સમાચારો પ્રસારણ થવા માટે કુદાકુદી કરી રહ્યા હતા.
ન્યુઝ પેપરમાંથી નજર ખસેડીને મેં એને બાજુમાં બેસવા કહ્યું. “ આજ હકેશ્વરની સવારી સવાર સવારમાં ? કોઈ ખુશ ખબરી છે હકા ? ”
“ હું તો ન્યુઝ પેપર વાળા ખબરપત્રીને મળ્યો ય નથી; એણે પેપરમાં પણ આપી દીધું ? ”
“ જે હોય તે, હવે સાફ સાફ કહી દે ને ” મેં પેપર પડતું મુક્યું. કારણ હકા કરતા મારે મન ન્યુઝ પેપર વધારે નહોતું.
એ ચુપ હતો કે હું સમજી ગયો કે નક્કી કશુક તો છે જ ! મેં એની સામે જોયું કે મને મારા ફાધર ઘરે છે કે કેમ ? એવું સંજ્ઞાથી પૂછ્યું. મેં પણ ઇશારાથી જ ના પાડી.
“ અરે યાર આપણો…. ” હકાએ એવો ઉમળકો પ્રદર્શિત કર્યો કે મારા ઘરની દીવાલોને પણ ખબર પડી કે હકો આજે વધુ ફોર્મમાં છે.
“ ધીરે બાપલીયા…હવે સવારમાં તળાવની પાળે ના લઇ જતો. ”
“ લે…તને તો ખબર કે તળાવની પાળ જ તો આપણો વિસામો છે. આપણી ગહનથી લઈને ખુશી સમેત બધી ચર્ચા તો ત્યાં જ થાય. ”
અને હકો મને પરાણે તળાવે લઇ ગયો. આ બાબતમાં અમારો હકો, સફેદ ચોખા જેવો પવિત્ર અને નિર્દોષ છે. તળાવની પાળ અમારા માટે, એવી જગ્યા હતી કે અમે કોઈની પણ ચર્ચા ખુલ્લા મને અને કોઈની પણ બીક રાખ્યા વગર કરી શકતા. મતલબ એવો નહિ કે અમે બધા બહુ બહાદુર હતા, પણ ઉજ્જડ ગામમાં એરંડો….વાળી નીતિ.
“ હવે કહે હકા ”
“ કેમ હવે જાણવાની તાલાવેલી જાગી ને ? ” આમ બોલીને તે મને ચીડવી લેતો.
“ ઠીક છે ચલ પાછા. મારે હજી ઘણું કામ પતાવવાનું છે. ” એમ બોલીને હું ચાલવા લાગુ કે હકો મને પકડી રાખે.
આજે પહેલી વારનું નહોતું મિત્રો; તળાવની પાળે ઝાંખા અજવાળામાં આવા વરવા દ્રશ્યો તો ઘણી વાર દેખાય છે. અમે બંને એકબીજાને બરાબર જાણીએ; અને એટલે જ અમારી દોસ્તી જગ મશહુર. ( અહી જગ એટલે અમારો મહેલ્લો ) અને અમારી દોસ્તીમાં કોઈ પણ જાતના જીયોગ્રાફીક લોચા નહિ. તમને એવું થશે કે જીયોગ્રાફીક લોચા કેવા ? મનમાં હાલ કેમિકલ લોચા યાદ આવી ગયું, પણ કોઈનો ડાયલોગ ચોરી લેવામાં સ્વાસ્થ્ય બગડે પણ ખરી; એ ધોરણે જીયોગ્રાફીક લોચા લખ્યું છે ! ના સમજાય તો, કંઈ નુકશાન નહિ જાય તેની સો ટકા ગેરંટી. ગેરંટી નહિ સોરી વોરંટી, આજકાલ હમણા માર્કેટમાં એ વધુ અપાય છે.
“ હમ..તો આપણો કોણ ?  ”
“ આમ સીધો ચાલે તો કેવું સારું, પછી મને ના કે’તો. ”
“ સારું, પણ પેલી વાત તો કહે ”
“ આપણો દેવો ખરો ને ? એ કોઈ નવી ફોર્મ્યુલા લઇ આવ્યો છે. ”
“ કેવાની મેથ્સ કે ફીજીક્સની ? ”
“ એ તો મને પણ નથી ખબર. જેમ્સ બોન્ડ જીગાએ મને ખાલી વાત કરેલી છે. ”
“ ઠીક છે પણ કઈ ફોર્મ્યુલા, એ તો કહે ? ” હવે તો મને પણ ઇન્તેજારી વધી. કારણ ભણતો ત્યારે મેથ્સ અને ફીજીક્સ સાથે મારે બહુ બનતું નહિ.
“ વન ફોર થ્રી !! ”
કહીને હકો તો સાઈડમાં ઉભો રહી ગયો. અને દુનિયાની અઘરામાં અઘરી ફોર્મ્યુલા મને કહી હોય તેમ મારી સામે સ્ટાઈલથી ઉભો. મારા માટે તો એક ચેલેન્જ જેવું હતું. ભલે ભણવામાં હું ઘણા અંશે ઠોઠ હતો, પણ ફોર્મ્યુલાની તો ખબર હોય જ.
પહેલા તો મેથ્સના બધા ચેપ્ટર રીવાઈન્ડ કર્યા, પછી ફીજીક્સ અને છેલ્લે જીયોમેટ્રીને પણ ફંફોસી લીધી. કોઈ ટપ પડતી નથી. ઈતિહાસ કે ભૂગોળમાં તો ના જ હોય. મગજ ને ઘણું નચાવ્યું, પછી બધા હથીયારો હેઠા મુકીને, હકાને શરણે ગયા સિવાય છુટકો નહોતો.
“ હા, તો વન ફોર થ્રી શું ? ”
“ મને ખબર હોત તો કોલેજમાં પ્રોફેસર ના હોત ! ”
“ કોલેજમાં નહિ તો હાઈસ્કુલમાં હોત…ફોર્મ્યુલા તો બધે આવે. ”
“ તું આમ મને નિરાશ ના કર…મારી પણ મહેલ્લામાં ઈજ્જત છે. ”
“ હકા, તારી ઇજ્જતનું માન અને ભાન બેય છે. ”
“ હા તો કહે યાર, કોઈ વન ફોર થ્રીની વાત કરે અને હું મૂંગો રહું તો કેવું લાગે ? ” અને હકો ગળગળો થઇ ગયો. મને એની દયા આવી ગઈ. મેં બે દિવસની મુદત લીધી, પછી હકાએ મને છોડયો.
ઘરે આવીને ખુબ વિચાર કર્યો પણ કોઈ કડી મળતી નથી. હવે મને મારા ખુદ પર દયા આવવા લાગી. જીગાને પકડ્યો તો એ કહે “ મને તો ખાલી વાત મળી છે પણ દેવાને બધી ખબર છે. ”
લો બોલો, કેવા નસીબ. મને પણ જાણવાની ઘણી તાલાવેલી; પણ દેવા સાથે મારે નવરાત્રીમાં જ જપાજપી થયેલી. વાત કોઈ ખાસ નહોતી પણ મારાથી ભૂલમાં એના ખભા પર દાંડિયો મરાઈ ગયેલો. હવે એને તો કેમ કરી પૂછવું ? આથી પ.પુ.ક.ધુ. હકેશ્વરને મોકલ્યો પણ હકાને એને ખાલી વન ફોર થ્રી જ કહ્યું. તોફાની નરીયાએ મને રાહત અપાવી કે જીલાને, એની સાથે વધુ બને છે.
જીલો તો હોંશીલો ને ખંતીલો !
“ મને એણે કોઈ ફોર્મ્યુલા વિષે માહિતી ના આપી પણ એનો પ્રયોગ કરવા માટે રીત બતાવી છે. ” જીલાએ કહ્યું.
“ કેવાની રીત ? ” અધીરા થઈને મેં પૂછ્યું.
“ એજ કે કોઈ જાણીતી છોકરી પાસે જઈને કહેવાનું વન ફોર થ્રી. જો સામેથી છોકરી વન ફોર થ્રી થ્રી કહે તો સમજો કે ફોર્મ્યુલા કામ કરી રહી છે. ”
અમે બધા તો એક સાથે અબુધ બનીને સાંજે જ તાત્કાલિક મીટીંગ બોલાવી. સાંજે બધા વળી તળાવની પાળે ભેગા થયા. સૌથી મોટો સવાલ એ ઉભો થયો કે; છોકરીને પૂછે કોણ ? વાત પણ ઊંટના ગળે ઘંટડી બાંધવા જેવી હતી. વળી જીલાએ એની શરત રીકોલ કરી, છોકરી જાણીતી હોય તો જ પ્રયોગ કરી શકાય. એના વાંદરાના ગાલે ચિન્ટ્યો ભરું તે ! ( આને કથા સાથે કોઈ નિસ્બત નથી, માર્કેટમાં નવો જ મુકેલ મહાવરો છે.)
“ જીગા, વાત તું લઇ આવ્યો છે તો તારે જ પ્રયોગ કરવો પડશે. ”
“ તો હકા તુંજ કર ને ” જીગો વળી ઉલટો હકાને બાજ્યો.
“ રસીલા હોત તો તમને કોઈને ચાન્સ ના આલેત. ” છાતી કાઢીને હકે નાદારી નોંધાવી દીધી. પણ વળી જીલો ખુદ જ આગળ આવ્યો. એણે પ્રયોગ માટે બીડું જડપ્યું.
બે દિવસ પછી મહેલ્લામાં વાત વહેતી થઇ કે જીલાને કોઈ છોકરીએ તમાચો માર્યો છે. મેં માન્યું કે ઘણી વાર એસીડમાં કોસ્ટીક નાખીએ તો ધુમાડા નીકળે તેમ પ્રયોગની આડ અસર હોઈ શકે. ઘણી ખરી શોધ ખોળ ને અંતે માલુમ પડ્યું; ત્યારે ખબર પડી કે પેલી છોકરી અમારા બધા કરતા એડવાન્સ નીકળી. હકો આવીને ફોર્મ્યુલા વિષે જાણવા મારો જીવ ખાવા લાગ્યો. મેં એને ટૂંકમાં કહ્યું કે અગર કોઈ છોકરી ને તેના માંબાપની હાજરીમાં આઈ લવ યુ કહેવું હોય તો વન ફોર થ્રી કહેવાનું. આથી છોકરી પણ સામેથી વન ફોર થ્રી થ્રી, મતલબ આઈ લવ યુ ટુ કહે.
“ લોકો ખરા છે ને, મારે રસીલા સાથે લવ હતો ત્યારે કોઈએ ના કહ્યું. નહીતો હું અને રસીલા કેવા મજાના વન ફોર થ્રીની ગેમું રમતા હોત ! અને એના ભાઈ અને ફાધરને એમ લાગેત કે; હું મેથ્સના દાખલા ગણું છું.” નિરાશ થતા હકાએ કહ્યું.
“ પણ જો જે, હવે પ્રયોગ કરતા પહેલા વિચારજે. જીલાના પ્રયોગ પછી બધા માંબાપો પણ આ ફોર્મ્યુલા વિષે જાણી ગયા છે. ”
(કોઈ પ્રાચીન ગ્રંથોમાં આ ફોર્મ્યુલાનો ઉલ્લેખ નથી. પણ કોઈ પ્રેમાંધેશ્વરી મહારાજના મત અનુસાર આ ફોર્મ્યુલા લગભગ સાતેક વર્ષ પહેલા શોધાઈ છે.)

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in પ્રકીર્ણ. Bookmark the permalink.

2 Responses to ફોર્મ્યુલા વન ફોર થ્રી

  1. nabhakashdeep કહે છે:

    શ્રી રીતેશભાઈ , ઘમ્મર વલોણા દ્વારા સંસ્કૃતિના મેવા ધરી ,એક સરસ કૃતિ આલેખી.

    રમેશ પટેલ(આકાશદીપ)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s