પફાએ મફાને માર્યો.

પફાએ મફાને માર્યો.

મિત્રો, પફલો અને મફલો બેય પાત્રો એકદમ અજાણ્યા છે. તમારા એકલા માટે નહિ; પણ અમારા આખા મહેલ્લા માટે એ અજાણ્યા છે. ઘનઘોર અંધારું હોય, અને જંગલમાં જઈએ કે ધીમે ધીમે દેખાવા લાગે. એજ રાહે આપણે પણ ચાલો થોડા અંધારામાં ઉતરીએ. પકવાન ફરસાણ ખાવાની ઈચ્છા થઇ હોય અને ઘરે મહેમાનની પધરામણી થાય તો કેવા હિલોળીયા લેવાય ! હિલોળીયા શબ્દ મારાથી વપરાઈ ગયો. હવે એના વિષે થોડું નહિ લખું તો પાછા ઘણા મિત્રોના ઈમેઈલ આવશે. ( એક ખાનગી વાત : કોઈના ઇમેઇલ નથી આવતા ) મહેલ્લાથી તદન નજીક તળાવ, અને તળાવમાં ઘણા કુવા છે. એમાંથી મહાજનિયા કુવામાં અમે લોકો ખુબ નહાતા. અમારા મહેલ્લામાં ચીનની એક કહેવત લાગુ પડતી.‘ છોકરું ચાલવા કરતા તરતા જલ્દી શીખે.’ અમે બધા કુવામાં ભુશ્કા મારીને એવા નહાતા કે પાણીને હિલોળે ચઢાવતા. એ હિલોળામાં ડૂબકીઓ ખાતા ખાતા પાણી પણ પી જવાય ને છતાં ટેસડા. એને અમારો મહેલ્લો ‘હિલોળીયા’ કહે.
ઓહ માય ગોડ, મ્હોમાં પાણી આવતી વાત કરતા કરતા મ્હોમાં પાણી ઘુસી જાય તેવી વાત કરી દીધી. પકવાન ફરસાણ ખાવાની ઈચ્છા થઇ હોય અને ઘરે મહેમાનની પધરામણી થાય; એમ તનતોડ નાહીને પરીક્ષાઓ પૂરી થઇ કે દિવાળી વેકેશન આવી ગયું. સૌથી પહેલો વેકેશનનો ફાયદો લઇ લે નરેશ. વેકેશન પડ્યું કે નથી કે નરીયો ઉપડે એના મૂળ ગામે. મિત્રો દિવાળી જ એક એવો તહેવાર છે કે તેને ઉજવવાની મજા પોતાના અંગત ગામે અને અંગત ઘરે જ આવે !
દિવાળીના વેકેશનમાં ટીના ને ઘરે એના ફૈબાનો દીકરો મફો આવ્યો. થોડા કલાકોમાં તે એ અમારો પણ મિત્ર બની ગયેલો. એ હજી તો મહેલ્લામાં જુનો પણ નહોતો થયો કે અશ્કાના ઘરે પફો આવ્યો. આમ કુલ્લે બે મહેમાન મિત્રો મળીને અમારી તોફાની ટોળી વધુ સ્ટ્રોંગ થઇ ગઈ. જેના ઘરે કોઈ મહેમાન આવ્યું હોય તે ભાઈ જરા ઉંચો ચાલે. અને એમાય ખાસ કરીને મોટા શહેરમાંથી આવ્યો હોય. એમાંય મહેમાન મિત્ર, અમદાવાદ કે મુંબઈથી આવ્યો તો પત્યું; એવો ઉંચો ચાલે કે એને ઉતારવા; અમારા મહેલ્લામાં રન-વે બનાવરાવવો પડે.
આ લેખ વિષે વિચારતા પહેલા તો મેં શીર્ષક લખી નાખ્યું છે. મહેલ્લા મિત્રો તો અવાર નવાર ઝઘડે પણ મહેમાન મિત્રો ના ઝઘડે. તો શીર્ષકને સાર્થક કરવા કંઈક તો કરવું પડશે. નહિ તો બાજુના મહેલ્લા વાળા પણ જબરા છે. એમનાં મહેલ્લામાં જાઉં કે પાછળ કુતરા દોડાવે છે. દિવાળી વેકશન પડે કે દિલમાં કેટલાયે મોરલાના ટેહુકા સંભળાય. જો કે આપણા ગુજરાતમાં તો તહેવારોના જલસે જલસા છે. મિત્રો વાંચવાનું બંધ ના કરતા; પણ અમે લોકો દિવાળીને અઠવાડિયાની વાર હોય કે તળાવેથી માટી ઉપાડી લાવીએ. અને ઘરના આંગણે લંબચોરસ માટીની ફ્રેમ બનાવીએ. જેવી અગિયારશ આવી કે રંગોળી પુરવાનું ચાલુ. મારી બાજુમાં અત્યારે હકો બેઠો બેઠો તુક્કા લગાવે છે. મને કોણી મારીને કહે કે “ હવે મને તારા લેખનો અંદાઝ આવી ગયો. અને હાશ ભગવાન, આ વખતે હું બચી ગયો. ” કહીને તેણે આકાશ સામે હાથ જોડ્યા.
“ ઓકે, તો કહે શું અંદાઝ આવ્યો ? ”
“ એજ કે પફલો સવારે ટીનાના ઘરે જઈને એની રંગોળી ભૂંસી આવે ”
“ શાબાશ હકા. ” મેં કહ્યું ત્યાં તો હકો તો દીવાલો સાથે પગ ભરાવીને કુદકે કુદકા મારવા લાગ્યો. હું પણ વિચારતો થઇ ગયો કે હકો આટલો બધો ખુશ કેમ ?
જો કે હકાએ જે અનુમાન કર્યું તે ઘણા અંશે સાચું હતું. ટીનો અને મનો બેય ઘણા ટીખળી. કોઈની પણ રંગોળીની ઉપર રંગોળી કરવામાં ઉસ્તાદ ! કોઈ જાણકાર ત્યાં સુધી કહી ગયા છે કે, એ બેય રંગોળી ઉપર સાયકલ પણ ફેરવે, એય નીચે પગ અડાડયા વગર.
અગીયારશની વહેલી સવારથી રંગોળીઓ પુરવાનું કામ ચાલે. જે કોઈ રંગોળી પૂરી લે પછી બીજાની રંગોળી જોવા જાય. અને જોવા નીકળે એટલે એવા વટથી જાય કે; જાણે સ્કુલમાં ઇન્સ્પેકશન વાળા આવ્યા હોય ! પણ મિત્રો, રંગોળી પૂરીને પછી બીજાની રંગોળી ને જોવાનો પણ એક અનોખો લહાવો છે. જોતા જોતામાં ધનતેરસ આવી જાય. તે દિવસથી દીવા મુકવાનું ચાલુ થાય. અને અમારે મન તો દીવા મુકવાના એટલે દીવાનો મુખ્ય હેતુ એની વાટ. જો કે અમારા બાળ ગ્રંથોના શાસ્ત્રો અનુસાર દીવો તો ફટાકડા ફોડવા માટે જ મુકવામાં આવે. મીણબત્તીઓ પોષાતી નહિ એટલે દીવેલ પૂરેલા દીવા જ અમારી સેવા. જો કે એ વાત જુદી છે કે અગરબત્તી અને મીણબત્તીનો પણ છૂટથી ઉપયોગ કરી લેતા.
હવે ધનતેરશે દીવા મુકાય, એટલે અમને ફટાકડા આપવાનું ચાલુ થાય. ત્યાર પહેલા તો તારામંડળ ફોડીને મોજ કરીએ. કોઈ બીજી પોળના મહેલ્લાના એક વિદ્વાને અમારા હકા સાથે ઝઘડો કર્યો. એનું  કારણ એકદમ નજીવું ને નાજુક હતું. એ ભાઈ કહે કે તારામંડળને પણ ફટાકડા જ કહેવાય. તો હકો ટશ નો મસ ના થાય.
“ જો તારામંડળ ને ફટાકડા કહેવાતા હોત તો કેમ મારા ફાધર મને એવું કહે છે કે, ધનતેરશ સુધી તારા મંડળ ફોડ. ”
એના મહેલ્લાના કુતરાના પૂંછડે ફટાકડો બાંધુ તે ! (જસ્ટ લખ્યું છે) દિવાળીની રાત્રી એટલે ફટાકડા ફોડવાની રાત્રી. અમે બધા ભેગા થઈએ અને વારાફરતી ફટાકડા ફોડીએ. એમાં કોઈ પણ જાતના ભેદભાવ ના રાખીએ કે કોણ કોના ફટાકડા ફોડે છે ! પફલો, નામ એનું પ્રફ્ફુલ; તે 888 છાપના બોમ્બ લઇ આવેલો. અને કાંગારું છાપના ટેટા.
મોર છાપ, વાઘ છાપ, લક્ષ્મી છાપ ટેટા ( લાંબા અને જાડા ફટાકડા ) અમે ફોડેલા અને જોયેલા. પણ કાંગારું છાપ તો નામ પણ સાંભળેલું નહિ. આથી અમારો હકો હરખ પદુડો થઈને એની ફટાકડાની ટોપલી ઉપાડી લીધી. બધાએ મન ભરીને કાંગારું છાપ ટેટા જોયા.
“ પફા આ ફૂટે કેવી રીતે ? ” ટીનાએ પૂછ્યું.
“ લાવો એ કોઈ સામાન્ય ફટાકડા નથી. ત્રણ અવાજ આવે એવા છે. ” પફાએ હકાના હાથમાંથી ટોપલી જુટવી લીધી.
“ પફા, હું ટોપલી સાચવું, મને તો ફટાકડા ફોડતા પણ બીક લાગે છે. ” મફાએ કહ્યું. મફો એટલે મફતલાલ. મફાનું નામ એવું હતું કે બહુ બધ્ધું માન આપીને બોલાવવો પડે. આથી પફાએ બધાની સામે વારાફરતી જોયું. અને પછી તેને મફા પર વિશ્વાસ બેઠો અને ટોપલી આપી દીધી. પછી તો એવો રંગ જામ્યો કે બધા વારાફરતી ફટાકડા ફોડવા લાગ્યા. અમારા મહેલ્લાની ભાષામાં જે ફટાકડા વ્હાલા હોય તે છેલ્લે ફોડવાના, એવી પરંપરા. જો કે વહાલી વસ્તુ, જે મોંઘી હોય તે. એ ધોરણે પફો પણ પેલા કાંગારું છાપને સાચવીને બેઠો હતો. અત્યાર સુધી મનમાં કંટ્રોલ કરી રાખેલ દિનો ઉછળ્યો. “ અલ્યા પફલા, હવે એકાદ કાંગારું છાપ તો ફોડ ”
“ હા પફા, પ્લીઝ  ” જીગાએ એને સપ્પોર્ટ કર્યો.
“ હા સારું… ” ને બધા એ એકદમ શાંતિ લાવી દીધી. મોટું કુંડાળું બનાવી દીધું. અને વચ્ચે પફો કાંગારું  છાપ લઈને ઉભો. કોઈએ એને માચીસનું પેકેટ પણ આપ્યું. અને ફટાકડો ફૂટ્યો તો એક અવાજ નીચે આવ્યો, બીજો થોડે ઉપર જઈને અને ત્રીજો અવાજ તો એવો આવ્યો કે બધાનાં કાન બહેરા થઇ ગયા.
“ પૈસા વસુલ પફા.. ” ને હકાએ તેને ઊંચકી લીધો. મેં  હકાના કાનમાં જઈને કહ્યું
“ તો ય એ તને ફટાકડો ફોડવા નહિ દે કંજુસીયો. ” મેં ય હૈયા વરાળ કાઢી.
“ તે આંય કોને ફોડવોય છે ” કહીને હકે તો ખભા હલાવ્યા. એ અવાજ પફાના કાનમાં ગયો. એને થયું કે લાવ હકાની પરીક્ષા લઇ લઉં. લો બોલો કેટલાયે સાહેબો હકાની પરીક્ષાઓ લઈને રીટાયર થઇ ગયા છે. આજે વધુ એક સાહેબ.
“ હકા, આ ફટાકડો તું પકડ..અને હું એક ફોડું છું. ” અને તેણે મીણબત્તી મફાના હાથમાં આપી.
“ હા લાવ લાવ ” કોહીનુર હીરો હાથમાં પકડવા મળ્યો હોય, એટલા ઉત્સાહમાં હકો આવી ગયો.
પફાએ તો બીજો ફટાકડો એવી અદાથી ફોડયો કે જાણે કોઈ શો રૂમનું ઉદઘાટન કરતો હોય. પણ આબાજુ બીજી ઘટના ઘટી ગઈ. બીજા પણ ત્રણ અવાજ આવ્યા.
“ ઓ માં રે ” કરતો હકો ભાગ્યો.
“ શું થયું હકા ? ” હું એ એની પાછળ ભાગ્યો. હું પાછળ ફર્યો ત્યાંતો થડ દઈને અવાજ આવ્યો. મફો ગાલ ચોળતો હતો.
“ શું થયું ટીના ? ”
ઘટના કંઈક આવી ઘટેલી કે; હકાના હાથમાં એક ફટાકડો હતો. એક તો પફો ફોડી રહ્યો હતો. આ બાજુ હકાના હાથમાં ફટાકડો ને મફાના હાથમાં મીણબત્તી. જેવો પફાએ ફટાકડો ફોડ્યો કે ઉપરનો અવાજ જોવા મફા એ ઉંચે જોયું. બીજી બાજુ હકાના હાથમાં રહેલ ફટાકડો પણ ફૂટવા આતુર થઇ ગયેલો. મફાના હાથની મીણબત્તીનું એની સાથે મિલન થઇ ગયું. પફો જોતો રહી ગયો.

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing a sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in હાસ્યલેખ/ જોક્સ. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s