દિવાળીના વેકેશન ખુલે પછી અમે બધા થોડા નર્વસ રહેતા. એક જે જગજાહેર કારણ છે તે એ હતું કે એકવીસ દિવસના વેકશન પછી ફરી સ્કુલે જવાનું. અને બીજું મસમોટું કારણ એ કે દિવાળી જાય પછી છેક ઉત્તરાયણ સુધી કોઈ તહેવાર ના આવે. અમારી સાથે ક્યારેક રમવા આવતો, નવલો એવું કહે કે ઉત્તરાયણ આવે ત્યાં સુધી દિવાળીનો મોટો તહેવાર માન્યો તેની ખુશીમાં ઝૂમવાનું; આથી ઉત્તરાયણ જલ્દી આવે. આ સાંભળી ને હકો એને ચીઢવે “ તારી ફૈબા એ તારું નામ નવીન બરાબર જ રાખ્યું છે. જે આવે તે બધું નવીન જ રાખવાનું. ”
હકો ઘણી વાર આમ બોલે એટલે બધા ઘરે જતા રહે એટલે દિલો મને ઉભો રાખીને પૂછે.
“ આ હકો કઈ ભષામાં નવલા ને કહે છે ? ”
“ મનેય એક જ ભાષા બોલતા ને સમજતા આવડે છે યાર ” હું એને જવાબ આપતો પણ; એને સંતોષ ના મળે ને મને એનું દુઃખ પણ થાય, બોલો. મિત્રો, નવીન ભલે ગમે તે બોલીને મન મનાવતો પણ આખા હિન્દુસ્તાને એ વાત તો સ્વીકારવી જ પડશે કે; દિવાળી અને ઉત્તરાયણના તહેવાર વચ્ચે ઘણો સમય ગાળો છે.
મને તો રોજે તહેવાર હોય તો ખુબ ગમે એવું નરીયો કહે. અમે બધા પણ સાથ પુરાવીયે. જોકે બધા સાથ પુરાવવામાં સ્વાર્થી ખરા. રોજ તહેવાર હોય તો રોજ રજા; સ્કુલે જવાનું નહિ. આહ.. ! કેવી મજા આવે જયારે સ્કુલમાં છુટ્ટી હોય ! મહેલ્લામાંથી એક બે ફૂટેલા માણસો જઈને નરીયાના ફાધર ને કહી આવે આથી એના ફાધર તો ફૂંફાડા મારે ને નરીયો મળે એટલે તમાચો મારવાની ખણ લાવે. જો કે નરીયો એક જલાઈ જાય; બાકી તો બધાના વિચાર તો સરખા જ. વાત સાચી હતી કે નરીયાને ભણવા જવાનું નહોતું ગમતું. એના ફાધર ખુબ કડક હતા આથી ભણવા જતો. બાકી એને છૂટ આપે તો આખો દિવસ કુવામાં ન્હાયે રાખે. અમારી આખી ટોળી જોકે ઘણે અંશે ભણવામાં ઠોઠ. થોડો ઘણો હું સ્કુલ પ્રેમી કહેવાતો. જો કે એનું મને જરા પણ અભિમાન નહોતું. કેવો સમય રહેતો કે, બધા કોઈ પણ જાતના આમંત્રણની રાહ જોયા વગર તળાવની પાળે કે પછી બગીચામાં ભેગા થઇ જતા. રમતા, જઘડતા અને માર પણ ખાતા.( પોતા પોતાના વડીલોનો) એક વસ્તુ મેં ખાસ નોંધ કરેલી કે અમે લોકો અમારા જ ઘરનાનો માર ખાતા. બીજ કોઈના ફાધર અમને આંગળી પણ ટચ નહોતા કરતા. જો કે હવે મોટો થઇ ગયો પછી ખયાલ આવે છે કે; ત્યારે પણ કાયદા કાનુન જેવી કોઈ વસ્તુ હતી ખરી !
ઉત્તરાયણને મહિનાની વાર ત્યારથી અમે લોકો પોત પોતાની મમ્મીઓ ને પરેશાન કરતા. પરેશાન મતલબ પૈસા માંગીને. આથી મમ્મીઓ બિચારી કંટાળીને સીવવાની રીલ જે જૂની પડી હોય તે આપીને અમને શાંત પાડે. રીલ હાથમાં આવે એટલે અમે તો કોઈ ટ્રોફી મળે એટલા ખુશ થતા પોળમાં બધાને બતાવી આવતા. હું અને હકો બેય છાનાંમાનાં એના રસોડામાં ઘુસી જતા. અને ચૂલો સળગાવીને તપેલીમાં ચોખા ને ઉકાળતા ને હળદર નાખીને પીળો કલર લાવતા. પછી જુનું કલરનું ડબલું હોય તેમાં રેડીને તળાવની પાળે ઉપડી જઈએ. અમને જોઇને જીલો, દિલો, ટીનો, અશ્કો,નરીયો, નવલો કે જે હોય તે બધા અમારી સાથે જોડાય. રીલનો એક છેડો એક જણ પકડી ને દોડે અને રીલ નાખીએ ચોખાવાળા કલરના ડબલામાં. તમને એવું લાગશે કે આનાથી દોરી થોડી સ્ટ્રોંગ બને ? પણ મિત્રો અમે જૂની કાચની શીશીઓ કે ગ્લાસ તૂટે તેને સાચવી રાખતા. કહેતા ને કે સંઘરી ચીજ કામ આવે. તો અમે કહેવત વાળાને માન આપતા હો ! કાચને જીણો ખાંડીને નાખતા કોઈ પણ જાતના માપીયા વગર. અત્યારે તો લોકો પતંગ ઉડાડે ત્યારે આઠે આંગળામાં ટેપ મારીને ઉડાડે. અમે તો દોરીને આવી રીતે પાઈએ તો પણ આંગળા ઉઘાડા જ હોય; કશું નહોતું થતું. યા તો થતું તો ખબર નહોતી પડતી. ખબર પાડવામાં પણ ઝોખમ હતું યારો. ઘરે ખબર પડે તો બીજા દિવસથી એ રમત બંધ !!
અમને દોરી પાતા જોઇને વજો જે કોઈ દિવસ અમારી સાથે રમે પણ નહિ તે આવ્યો. આવીને એકધારો અમે દોરી પાઈએ તે જુએ. અને પછી તો એય જાણે સાયન્ટીસ્ટ જેમ બનીને જાતે દોરી પાઈ. દોરીનો ફીન્ડલું કેમ વાળવું તે જોવા માટે ઉભો ના રહ્યો. ફીન્ડલું કેમ વાળવું ? એની પાછળ પણ બહુ મોટું સાયંસ છે. એને બિચારાને સાયન્સમાં બહુ ટપા ના પડ્યા અને દોરી પાઈને લીલે લીલી એક સાંઠીકા સાથે વીંટી લીધી. બે દિવસ પછી આવ્યો દોડતો “ હકા, આ દોરી એ થી પતંગ કેમ ચગાવવાનો ? ” અને એને દોરીનો દડો બતાવ્યો. હકે એ જોઇને એને કેવી રીતે દોરી પાઈ એની આખી પ્રોસેસ પૂછી. આથી વજો મુન્જાયો; એને થયું કે એના કરતા તૈયાર દોરી દુકાનેથી લઇ આયો હોત તો સારું થાત.
“ મુંજા નહિ વજા, આનો રસ્તો છે. ” એમ કહીને હકાએ દોરીનો દડો તળાવમાં ફેંકી દીધો પોતાનું દિલ પાણીમાં તરતું જોઇને વજો અકાળાણો; વજો હકાને મારવા દોડ્યો.
“ હકલા એમ ફેંકતા તો મને પણ આવડતું હતું. ”
“ અરે ઉભો રે વજા, તું ધીરો પડ. ” એમ બોલીને હકો પેલી દોરી લઇ આવ્યો અને સાચવી રાખેલા ડબલામાં બોળી.
“ લે આ છેડો, હું ફરી વાર પાઈ આપું છું. ” અને હકાના હથવારે વજાની દોરી તૈયાર થઇ ગઈ. આથી રૂમતો ઝૂમતો વજો તળાવની પાળે ગીત ગાતો ગાતો ઘરે ઉપડયો.
દોરી મારી બની છે ખુબ કડક, કાપીશ પતંગ બધાનાં થઇ અડગ
હવે તો રોજ પતંગ ઉડાડીશ, સૌને હવે હું તો કાઈપો છે બોલીશ.
બીજા દિવસથી વજો તો પતંગ ઉડાવે ને મજા કરે. ઉતરાયણ ને બે દિવસની વાર રહી ત્યાં સુધી પતંગ ઉડાવ્યા. અમારા મહેલ્લાનું ડાઇરેકશન કઈ એવું હતું કે ગામના કપાયેલા બધા પતંગ ઉડીને અમારી બાજુ આવે. આથી અમે મોટા ભાગના બધા બપોર પછી તૂટેલા પતંગ લુંટતા. કેવી રીતે લુંટીને મજા કરતા તે ફરી કોઈ વાર કહીશ; આજે તો બીજું કહેવાનું છે. ઇતિહાસના લખાણો મુજબ, આ વજાનો મુખ્ય શોખ પતંગ ઉડાવવા કરતા લુંટવાનો હતો. અમે લોકો પતંગને કીનિયા બાંધવામાં લાગેલા હોય ત્યારે વજો, મોટું એક લાકડું લઈને એની સાથે કાંટા બાંધવામાં મશગુલ હોય. મોટું લાકડું લઈને તે સ્કુલની આસપાસ ઉભો રહે. પવનની દિશા જોઇને તે ઉભું રહેવાનું નક્કી કરે. “ ચોકડી આવે તે કોઈ અડકતા નહિ, અને તિરંગો પણ મારો જ છે ” તૂટીને આવતા પતંગો ને જોઇને બુમો પડતો જાય ને પતંગ ભેગા કરતો જાય. સૌથી મોટું લાકડું એનું એટલે લગભગ પતંગ એજ લુંટી લે. આથી અમે લોકો પતંગ લુંટવામાં બહુ નિષ્ફળ રહેલા.
જેના નામથી લેખનું શીર્ષક લખ્યું છે એના વિષે કહું દઉં. પોપલી એ કોઈ નામ નથી. એનું અસલ નામ પ્રીતિ, પણ એવી બીકણ હતી કે; મરેલું સપોલીયું જોઇને પણ ડરે. હવે અમે બધા તળાવમાં દેંડાથી ( પાણીનો સાપ ) રમીએ આથી પેલી સપોલીયાથી બીએ એટલે મહેલ્લાએ એનું નામ પોપલી પાડી દીધેલું. અમારા મહેલ્લાની ભાષામાં પોપલી એટલે બીકણ અને નાની વાતને પણ પપલાવે. હવે ફરી પાછા વજાના ચેપ્ટર પર જઈએ !
ઉત્તરાયણ ને અઠવાડિયાની વાર હોય ને વજો રોજ પતંગ લુંટે અને ઉત્તરાયણ પૂરી થાય પછી ખેતરે જઈને પતંગ ઉડાડે. ટીનો એની મજાક ઉડાડતો. “ વજા કેમ ખેતરે જઈને પતંગ ઉડાવે ? ”
“ કોઈ મારો પતંગ કાપી ના જાય એટલે.” અને તે ખંધુ હસતો.
આખો દિવસ પતંગ લુંટીને એટલો થાકી જતો કે એની બા કહેતા કે એ જમીને તરત સુઈ જાય. આવાજ એક દિવસે તે ખુબ થાકીને ઘરે આવેલો. બપોરે જમીને ખાટલામાં આડો પડ્યો ને તરત ઊંઘ આવી ગઈ. થોડી વારમાં તો ઘસઘસાટ ઊંઘી ગયો. ( નસકોરા બોલેલા કે નહિ તેવું કોઈ લખાણ ઇતિહાસમાં ઉપલબ્ધ નથી.) આજ ટાઈમે પ્રીતિ એના ઘરે કોઈ કામે ગયેલી. રસોડામાં પ્રીતિ અને એની બા બંને વાતો કરે. કામ પતાવીને પ્રીતિ તો જતી રહી. જતા જતા એણે જોયું કે વજો ફળિયામાં ખાટલામાં સૂતેલો છે. એ તો નીકળી ગઈ; પણ અડધે રસ્તે તેને યાદ આવ્યું કે તે ફરી પાછી વળી. વજાના ઘર પાસે ગટર કામ ચાલતું હોઈ મોટો ખાડો હતો. આથી ધીમે ધીમે જવું પડે તેમ હતું. જેવું વજાનું ઘર દેખાયું કે તે થોભી ગઈ. સામે વજો દેખાયો; એની આંખો બંધ હતી અને બુમો પાડતો દોડતો આવતો હતો.
“ એ ચોકડી કોઈ લેતા નહિ…એ તિરંગો કોઈ અડતા નહિ; એ કરકાબરો પતંગ હુજ લુંટીશ. ” પ્રીતિ તો આંખો ચોળતી ઉભી જ રહી ગઈ. જો કે વજો મહેલ્લામાં પતંગ લુંટવા માટે નામચીન; આથી એને બહુ નવાઈ નહોતી. પણ નવાઈ એટલે લાગી કે થોડી વાર પહેલા એ સૂતેલો હતો. જોત જોતામાં વજો તો ‘ એ આવી ગયો…..’ કરતો ને ખાડામાં પડ્યો. પોપલીએ તો રાડે રાડો પાડીને મહેલ્લો ભેગો કર્યો. બધાએ જોયું કે ખાડામાં પડ્યો પડ્યો વજો હજી રાડો પાડતો હતો કે ‘ મેં લુંટી લીધો છે… મેં લઇ લીધો…..’
આખો મહેલ્લો તે દિવસે એટલું હસેલો કે કદાચ લિમ્કા બુક ઓફ વર્ડ રેકોર્ડ વાળા હોત તો નોંધ લેત !
બધાનો હસવાનો અવાજ સંભાળીને તેની બા દોડી આવી. અને ફોડ પાડ્યો કે વજાને ઊંઘમાં ચાલવાની આદત છે. પતંગ દેવની એટલી કૃપા થઇ કે વજાને વાગ્યું નહિ.
Rate this:
નીચેની લીંક પર ક્લિક કરીને આપના મિત્રોને પણ વંચાવો
A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing a sport is another way of life :)
સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!