ઘમ્મર વલોણું-૧૬
બચપણમાં લાડકોડ અને તોફાનો પણ કર્યા. જીદ, રૂસણા અને મનામણા પણ કરેલા. યુવાનીમાં જે રોમાંચિત અને સ્ફૂર્તિલા દિવસો પસાર કરેલા તે જોમભેર હતા. સ્વપનો જોવા એ મોટામાં મોટો ગોલ રહેતો. સ્વપનો જોવાના ગમતા અને હજી ગમે છે. સ્વપ્નો ક્ષણ ભંગુર હોય છે એવી ખબર હોવા છતાં જોવાની કેવી મજા પડે ! આશા અને અરમાનો હાથવગા થાય તેવું જ માની લીધું.
ધીરે ધીરે જોમ અને જુસ્સો ઘટવા લાગ્યા. ધારેલા કામો થાળે પડતા ગયા. ધગશ તો કોણ જાણે ક્યાં ધરબાઈ ગઈ ! અને ધીરજ તો ટકી ટકી ને કેટલું ટકે ! લોકો હવે મને કહે છે, ગઢપણ આવી ગયું છે. આથી હું શાંતિનો દમ લઈને બેસી ગયો કે ઘડપણમાં કોઈ ગઢ સર ના થઇ શકે. આખી જીંદગી, એક સળીના બે કટકા ના થઇ શક્યા તો હવે શું કામ ફાંફા મારવા ? એવું કહેવા જતા લોકો ફૂંફાડા મારે છે. પણ પરિસ્થિતિને તાબે થયા વિના છૂટકો નથી.
કપાળ પર હાથ ટેકવીને દુર દુર જોઉં છું તો બધું ઝાંખું દેખાય છે. કાન સરવા કરીને રસગાન ભરેલું એ ધીરુ સંગીત મને રોજે સંભળાતું; એ ક્યાં ? સંગીત તો હજી પણ વાગે જ છે. પણ મારા કાન હવે એને જીલી શકવાને કાબેલ નથી; એવું કોઈ કહે તો લાગી આવે છે.
તો શું હવે મારે એ સંગીત વિના ચલાવી લેવું પડશે ? ઠીક છે, સાલું કેવી બલા….! અભણ હોય તે કોઈની પાસે વાત સાંભળી શકે. સંભળાય જ નહિ તો કોને કહેવું ? અને કોઈ સાંભળે પણ ખરું; તો પણ એ સંભળાય ખરું ? ભોજન થાળમાંથી આવતી ખુશ્બુદાર સોડમ મન લોભાવે છે; પણ દાંત મારો સાથ છોડીને ચાલ્યા ગયા છે. આંખમાં ઝાંખપ, કાનોમાં બહેરાશ, બોખું મોઢું આ બધું મારા માટે પહેલી વાર નથી. ભણવા જતો ત્યારે આંગળી પકડીને દાદા કે દાદી છેક સ્કુલ સુધી મુકવા આવતા તેમને ક્યાં નથી જોયા !
બસ હવે મને જ મારું ઘડપણ દેખાય છે અને અનુભવાય છે ? બીજા વૃદ્ધ લોકો પણ હતા ને હજી પણ છે; તો કેમ મારું ઘડપણ જ દોહ્યલું ? આવું બધું વિચારવા કરતા એવું વિચાર્યું કે વર્તમાન ને કેમ માણવું ?
અરે રે !
આંખેથી રૂડું ઉજીયાળું જગ અને તેની લીલી કુંજાર જોઈ શકાય. કાનોથી રૂડા ગીતડાં ને કીર્તન સાંભળી શકાય. હાથેથી તાળી કે ચપટી વગાડીને આનંદ માણી શકાય. પગ વડે રૂડા નર્ત્ય કરીને મજા માણી શકાય; ને દાંતો વડે મીઠા ભોજન.
એવા વિચારોને અનુમોદન આપું કે ઘંટડી વાગી “ હવે તો એ બધું છે નહિ; જે નથી તેનો વિલાપ માત્ર કરી શકાય ”
નિરાશાનું એક મોટું આવરણ ઓઢાયું અને ચોધાર આંસુઓ પડવા લાગ્યા. અંતરમાં ઉકળાટ થયો. તન તો ખોખરું જ હતું તે વધુ સંકોડાયું. દિલ જે હજી અણનમ ધબકી રહ્યું હતું તે સળવળ્યું. અને ઊંડેથી એક અવાજ આવ્યો. એ અવાજે ફરી તનમાં શક્તિનો સંચાર આણ્યો.
“ આંખો તારી તેજ વિહીન થઇ, તન ક્ષીણ થતું જાય છે. કાનો, મ્હો અવળું ફેરવી ગયા છે. દાંતો પણ સાથ છોડીને જતા રહ્યા છે. શરીરની શક્તિ ધીરે ધીરે પોતાની લીલા સંકેલીને તને આવજો કહે એટલી જ વાર છે. તો હે માનવ, હું તારા શરીરનો આત્મા છું. ભલે બધા વારા ફરતી તને તરછોડીને ગયા; પણ હું તો તારી સાથે જ જોડાયેલો રહીશ. ”
બસ એ છેલ્લા શબ્દો કાને પડ્યા અને જાગ્યો ત્યારે તો હું કોઈના ઉદરમાં એક નળીથી જોડાયેલો માલુમ પડ્યો. અને મનમાં બબડ્યો. “ વધુ ઓર એક ફેરો ”
Thanks to My dear friend Ravi Rajyaguru
Wow, Sir! You are being interviewed! Super!!!
Thank you very much 🙂
” જે નથી તેનો વિલાપ માત્ર કરી શકાય ” પણ આપે
વિલાપ મુકીને “માણ્યું તેનું સ્મરણ” પણ કરી “ફરી તનમાં શક્તિનો સંચાર” કરીને
“મારી ઉંમર તને મળી જાય” અને “always રહીશું સાથે ” જેવા સર્જન કરીને
જેવા સર્જન કરીને અદ્ભૂત કામ કર્યું, અભિનંદન.
આપના પ્રતિસાદ મારા માટે પ્રસાદ બની જાય છે.