મ ન ગમતાં સંવાદો–૮
“આજે ધંધામાં સારો વકરો થયો”
“ખૂબ સારું બેટા, પણ વકરો એટલો નફો નથી હોતો”
“સાચી વાત છે પણ વધુ વકરો આવે એટલે મન તો હરખાય ને ?”
“બિલકુલ,મન હરખાય તે માનવ સહજ છે પણ એ હરખમાં સંતોષ ભળે તે મહત્વનું હોય છે”
“કઈ સમજાયું નહીં પપ્પા”
“ઘણી દુકાનો પર લોકો બોર્ડ મારે છે ‘ગ્રાહક અમારા માટે ભગવાન સમાન છે’, જે તેં જોયું હશે”
“હા બિલકુલ જોયેલું છે”
“દિલ પર હાથ રાખીને કહે કે અગર કોઈ ગ્રાહક પજવે તો શું કહે ? કે માને ! ”
“એવા ગ્રાહક પર ગુસ્સો આવે એ સ્વાભાવિક છે”
“એ જ ગ્રાહક થકી આપણો ધંધો ચાલતો હોય છે એનું શું?”
“એજ ગ્રાહક કોઈની સામે વેપારી નહીં બનતો હોય ?”
“એ એને વિચારવાની વાત છે, અને ખાસ તો આજના વકરાની વાત કરું તો”
“બોલો પપ્પા, મારી ખુશીમાં વધારો કરો”
“એ વકરામાં કોઈનો એક પણ રૂપિયો એવો નથી આવ્યો ને કે જે અણહક્કનો હોય ?”
“અજાણતા આવી ગયો હોય તો ખબર નથી”
“આપણા હાથમાં આવે તેને અજાણતા કેમ કહેવાય?”
“વાત તો સાચી છે પણ એનું હું શું કરું ?”
“એજ કે દિલથી વેપારમાં ધ્યાન. પછી એવું ના માન કે પપ્પા વધુ સ્ટ્રિક્ટ છે!”
“આજે મને તમે એકદમ નિખાલસ અને મિત્ર જેવા લાગ્યા”