ભીંતોની ભીતર

ભીંતોની ભીતર

લીંબડીથી રાણપુર જવાની બસમાં બેઠો અને બારી બાજુની સીટ હાથવગી કરીને મનોમન ખુશ થયો. બસ કંડકટર આવીને ક્યારે ટીકીટ આપીને જતો રહ્યો ખ્યાલ ના રહ્યો. કારણ ચોક્ખું હતું ‘ ઘટમાં ઘોડા થનગને ને આતમ તરસે એ ગામ…..’ હાલક ડોલક થતી બસ ઉપડીને અમને બધા પેસેન્જરને મુકામ પર લઇ જવા આગળ વધી. લીંબડી સીટી ને પાર કરી ને બસ તો રોડ પર આવી ગઈ. મનમાં કંઈક અનોખું પામવાની હામ ધરબાયેલી છે. બાજુમાં પણ કોઈ ભાઈ બેઠા છે તેનો ખયાલ તો ત્યારે આવ્યો જયારે તેમણે પૂછ્યું.
“  રાણપુર જ રહો છો ? ” તેમના સવાલથી હું ડઘાઈ ગયો. ફરી એક વાર પોતાની તરફ જોયું ને ફરી પેલા ભાઈ સામે જોયું. મનને એ દિશામાં વધુ દોરવું નહોતું એટલે ટૂંકમાં પતાવ્યું
“ ના, ના …. ” કહીને હું ફરી બારી બહાર જોવા લાગ્યો. વળી ફરી એક વાર વિચારને અનુમોદન આપીને પેલાભાઈ સામે જોઇને લાગ્યું કે કદાચ તે ભાઈ જવાબથી અસંતુષ્ટ હશે !
“ માફ કરજો, હું આ એરિયામાં, અજાણ્યો છું. બેટર તમે કંઈ પૂછવું હોય તો બીજાને પૂછી લો. ”
“ કોઈ વાંધો નહિ ભાઈ સાહેબ…મેં તો ખાલી એમ જ પૂછેલું. ” વળી હું પાછો સંતુષ્ટ થતો બારી બહાર જોવા લાગ્યો. અને મારા મનમાં તરંગો ખીલવા લાગ્યા. મનની ગતિ જાણે પાછળ ભમવા લાગી. અચાનક એક ધક્કા સાથે બસ ઉભી રહી ગઈ. આગળના કાચમાંથી જુએ તો બસના બધા લોકો સ્તબ્ધ; અને ભયથી થર થર ધ્રુજે છે.
“ ગોલ્કીનાવ…જેને જીવ વાહલો હોય ઈ ચુપ ચાપ ઘરાણા ને રોકડા આપી દો. માવડીયું ને બેનડિયું જટ જટ ઘરાણા કાઢી ને આપી દો. આ કાળ મુખી કોઈની હગલી નઈ થાય ” મોઢે બુકાની ધારી, તોપની જેમ ગરજ્યો. સૌ લોક બીકને મોતના ઓછાંયે; પાસે જે કઈ હતું તે આપવા લાગ્યું છે.
“ આપી દે અલી…આ તો કાદુડો.વહાલો તો વરહે, નીકર તો જીવ લેતા અચકાય નો. ” એક બેને બીજીને ઠુંન્સો મારતા કહ્યું. એટલે એણે પણ બુટીયા ને ચાંદીની કંઠી પહેરેલી તે આપી દીધી.
“ ના ના કાદુ મકરાણી નથી; લાગે છે વીર રામવાળો છે. ”
“ મને તો એની ધાક પરથી તો ઈ જેસલ જાડેજો હોય એવું લાગે છે. ”
“ શું ભૂંડી તુંયે, કોણ છે ઈ જાણવા કરતા જીવ વા’લો કર ને !  ”
“ ઝોબાળા…. ”  કંડકટરે બુમ પાડી કે તુન્દ્રા તૂટી ગઈ. બારી બહાર જોયું તો રોડ પર ઝોબાળા ગામનું બોર્ડ મારેલું છે. ચાર પાંચ લોકો ઉતર્યા ને બીજા બે ત્રણ જણ ચડ્યા કે પાછી બસની સવારી આગળ વધી.
જુઓ ફાગણ ફોરમતો આવીયો સીમમાં
 લળી લળી ઝૂમતા ને ભમતા પતંગિયા.
મઘમઘતો કેરડો ત્યાં ફોરમે રે સખીઓ
 કેવા લાલ ચટાક એનાં ખીલ્યા છે ફૂલ.
બારી બહાર નજર જાય છે તો બાવળ ને બોરડી જુમી રહ્યા છે.
માં લાવ મારી લાકડી ને લાવ મારી કામળી
જટ જાઉં એની વાંહે જુઓ ભાગી છે ભામ
થઇ જશે આડા અવળા એને લઉં છું વાળી
નીકર બકરા ને ગાડર ને પૂરી દેશે વાડે
( ગાડર=ઘેટા )
કેવું ઘેલું લાગ્યું છે કે, પછી આ એમની કલમે ટપકેલ સાહિત્યની તાકાત છે ? સાચી વાત છે; શાહીના ટીપે ટીપેથી રચેલું સાહિત્ય અને વગડે ને ગામડે ભમીને ભેગા કરેલા રત્નોનો ભરથાર છે !
આવી બધી અવઢવમાંજ રાણપુર આવી ગયું. નીચા વળીને એક ચપટી ધૂળને માથે ચઢાવી. “ હે ધન્ય ગુર્જર ધરા, અહીજ તો એ મુઠી ઊંચેરા માનવીના ડગલાની છાપો છે. કેટલી ધન્ય છે તું ધરતી કે જ્યાં તારા એ પડઘમ પારણે ને બારણે ઝૂલ્યો તો એક મસ્ત મેઘાણી ! અને હું પણ આજે એ જ ધરતી પર આવીને ધન્ય બની ગયો છું; જ્યાં ઝવેરચંદ મેઘાણીએ જીવન વિતાવ્યું હતું. તેના પગલાની છાપોને એ ધૂળમાં શોધવા ઘણું મથ્યો; પણ હાય રે, પોતાના એવા કેવા નસીબ કે એવી તો કેવી સલૂણી નજર કે કશું કળી શકે ! ”
વળી કોઈ વડીલ જેવા દેખાતા ભાઈને પૂછ્યું અને તેમનાં ઘરની ભાળ મળી. સાથે કોઈ નાના છોકરાને મોકલ્યો. પેલો છોકરો તો ઘર બતાવીને જતો રહ્યો, જાણે કે એ ઘર કોઈ સામાન્ય માનવી નું કેમ હોય ! ઉપરથી નીચે દરવાજાને નીરખ્યો, આ જ દરવાજામાં રોજે એ મૂર્ધન્ય અને સૌના પ્યારા રાષ્ટ્રીય શાયર એવા શ્રી ઝવેરચંદ મેઘાણી નીકળતા હશે. દરવાજાને ધીરેથી ખોલીને અંદર જાઉં કે “ આવો આવો મહેમાન, અરે કહું છું મહેમાન માટે પાણી લાવો. ” એક જાજરમાન વ્યક્તિત્વ ધરાવતો છોકરો પાણીનો ગ્લાસ આપીને જતો રહ્યો.
“ અરે ભા એમ કઈ હોય; ઉભા રો, રૂ ની રજાઈ પાથરે પછી બેહો. મહેમાન તો ભગવાનનું રૂપ બાપ !, હવે કહો ક્યાં ગામેથી આવ્યા ?  ને જરા તમારી ઓળખાણ આપો ભલા. ”
ઘરમાં જોયું તો ભીંતો પર સમયના કરોળિયા લાગી ગયા છે. કાળના કેટલાયે ટક્કરોને જીલતી એ ભીંતો ને મોભારા હજી અડીખમ છે. ધીરે પગલે ઓશરીમાં પગ મુકાય છે કે સામે ભીંત પર ખોડેલ ખીંટી નજરે પડે છે. કાળાશની મળી એના પર જામી ગયેલી છે. અચકાતા મને એના પર આંગળી મૂકી.
“ અરે ભલા કેમ ધ્રુજો છો ? ભલે કાળના કારમાં જીલ્યા. મારી પર તો એય મજાની ગામે ગામની વાતું, સીમે સીમની વાતું, વગડે વગડાનું વાતું, ખોરડે ખોરડાની વાતું, વાડે વાડાની વાતું, ગામ ને ગરાસની વાતું, રાંક ને રૈયતની વાતું, બાપડાને બારવટીયાની વાતું, ઢોરને ઢાંખરની વાતું, મરદ ને પાળીયાની વાતુંથી છલકાતો એ જોળા નો ભાર વેંઢારવાની ટેવુ છે. હું યે સુની પડી ગઈ છું મારા વીર. તે દી’ કોઈ નાની બાળાએ ડાલા મથ્થા સાવજને ભગાડ્યાના એ રસ ઝરતા શબ્દોથી ભીની થતી તો કોક પરોઢિયે ઉઠીને છાછ વલોવતી વહુવારુંના કંઠેથી નીતરતા વ્હાલને પામીને ધન્ય થતી. તો કોક વળી બેન દીકરીયું કે ગામને કાજે મોતને વ્હાલ કરનાર વીર જવાનોની હિંગોળા ભરી વાતુંને જાણીને પાવન થતી. ”
હાથ પર લાગેલ એ જૂની ધૂળને જોઇને ભલા, રગે રગમાં કસુંબીનો કેફ ઉતરી આવે છે. મનના ઉમંગો ઉલાળા લેવા લાગે છે.
માથે છોગ પાઘડી આંટીયાળી ને ફાગે ફોરમતી
ફર ફર ફરકતી મૂછો અને થોભિયા નિત રમતા
ખભે થેલો ભરાવીને સીમ વગડે નેસડે એ ફરતો
કંઠે ગીતો મધુરને લોકગીતોની હેલી વરસાવતો
ભલે ઉગ્યો રે ભાણ ભલા નેહે મેઘાણી ગજવતો
“ આ બાજુ જો વીરા, હું ગોખલો….કેમ મને ના ઓળખ્યો ? અરે રે ગામે ગામ, સેઢે ને છેવાડે, વાડે ને નેસડે ભટકીને મારો ભેરુડો ઝવેરચંદ, ભાથું ભેગું કરીને આવે તે મારી અંદર મુકતો. ”
“ ભાથું ?? ”
“ તો બીજું શું ? એ વાલીડાએ જીંદગી આખી બધે રખડીને, આખડીને, લમણા ઝીંકો કરીને જે સાહિત્ય ભેગું કર્યું તે ભાથુંજ તો ને ! એય, લોકો હજી પણ ઈ ભાથું છોડી છોડીને ખાય છે અને યુગો યુગ ખાતો રહેશે. ” એક બારવાટીયાની હાંક જેવો ખોંખાર પેલા ગોખલામાંથી આવ્યો. નજીક ગયો કે તળાવના પાદરે ઉભેલ અડીખમ વડલાના ઝાડ જેવો તે ભાસ્યો.
“ હા, ભાઈ એક ખૂણામાં સહીનો ખડીયોને પડખે એની કલમ. શું વાત કરું ભાઈ ? એય ઇન્દ્રના દરબારમાં દેવો સમાન બેય શોભી ઉઠતા જ્યારે મારો વાલીડો ઝવેરચંદ એને મારી મહી મુકતો. ”
નજરોને વેગળી કરવી, કેન્દ્રિત કરવી કે સંકોચવી કશું સુઝતું નથી. મનના વિચારો સહસ્ત્ર ઘોડાની ગતિએ છે. ચારે બાજુ નજર તો ફરી રહી છે. તેના પરનો કાબુ તો ક્યારનો ગુમાવી ચુક્યો છું. ઉપર જોયું કે ખાટના કડાનો કિચુડ કિચુડ અવાજ સંભળાયો.
“ થાકી ગયો ને જવાન ? બેસ બેસ મારા પર. મારી ઝૂલતી પીઠ પર બેસીને તો ઝવેરચંદ પોતાના મગજને વલોવી નાખતો. અને એ વલોણાટ ને અંતે જે દેદીપ્યમાન ઉપજ થતી તે રાત્રે કાગળમાં આલેખાતી. ઘૂંઘટની આડેથી પોતાના પિયુને આડ નજરે જોતી વેળાનો મનોપાત કે માંને હૈયે લાગીને ગટુક ગટુક દુધડા ને પીતા બાળકનો ઘુઘવાટ ! કડીયાળી ડાંગો લઈને સીમે ઢોર ચરાવતાં ગોવાળના કેડીએ ઘમકતી ઘૂઘરીનો ઘમકાર કે કુવામાંથી સિંચાઈને આવતા કોશના પાણીએ ઉડતી જણનો ચમકાટ ! વારસમાં મળેલ તલવારને લઈને બાપનું વેર લેવા નીકળેલ ભડવીરની આઈન્ખુમાં ડોકાતો સુરમાનો કેફ કે નેણો જુલાવી પ્રીતનું પાન કરતી ગોરીના દિલમાંથી ઉભરતો કસુંબલ હેત ! અરે રે ! કેટ કેટલું ગણાવું જુવાન ? ”
ડુંગરોની ખેપે ઢાળી ઢોલિયા ને કરે પાણા કેરી પથારી
ધાંય ધાંય ઓકાવતા ગોળી, વાઢી દુશ્મન માથા વધેરી
ધરા ધરણી ધ્રુજાવી પાન પંખી ડોલાવી જાય છે ફરંતો
કોણ ગયું ને કોણ રહી જશે કે ? ફકર ના કોઈ દી કરતો
વાહ, બારી કે ઝરુખો, ભીંત કે ગોખલો, ઈંટ કે પથરો, ખાટ કે વંડી જ્યાં જોવું ત્યાં સઘળે કસુંબલ રંગ ઢોળાયો છે ! ઓરડાના કમાડને કિચુડ થતા અવાજે ખોલ્યું કે મારા પગ અંદર જતા થંભી ગયા. “ ધીરેથી ભાઈબંધ, આ ભોમ પરતો આ ઘરના મોભીના પગલાની છાપું છે. તને નથી લાગતું કે એ છાપમાં કંઈ કેટલાયે યુગોનું સાહિત્ય દટાયેલું છે ? એ છાપ પર પગ પડશે તો એ બધું સુવર્ણથી મોંઘેરું સાહિત્ય નંદવાઈ જશે. જરા જાળવીને પગલા મુકતો પાછળના વંડામાં જવું હોય તો હાલ્યો જા ભાઈબંધ ”
ઓરડામાં ચારેબાજુ નજર કરી તો સાહિત્ય લખાણના પાના ફરી રહ્યા છે. એ પાનામાં હિંગોળો આંજીને તળાવની પાળે પાળિયા થઇ જવા નીકળેલ જુવાનો છે. ધાવણના ઘુંટડે ઘુંટડે પોતાના બાળકને વેરના વળામણા લેવા ધીમું ઝેર પાતી માં છે. એક હાકોટે હાથમાં ડાંગ પકડીને ગીરના રાજાને ભગાડનાર ચારણ બાળા છે. ગામ કાજે માથું વઢાયા પછી પણ દેહ લડેલા જુવાનની પાછળ સતી થયેલ નારી છે. કસુંબાના કેફમાં રાચીને પ્રજાને રક્ષણ આપવા વાળા ક્ષત્રિયો છે. ગામના ચોકમાં રાસડા લેતી બેનડીયુંના કંઠેથી નીતરતા ગળાના રસીલા લોકગીતો છે ને ભાતીગળ આભલામાં ઝગમગતા તારલા જેવા ભજનીયા ને ગરબાઓ છે. બાજરાના ડોડે ખીલતા દાણાની ચમક જેવું ગમતીલું; હસતા બેનડી અને ભાઈની કથા છે. આઝાદીના સમરાંગણથી આવતા રક્ત ટપકતા શબોની અંદર દફનાયેલી દેશ દાઝ છે.

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing a sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in નવલિકા. Bookmark the permalink.

2 Responses to ભીંતોની ભીતર

  1. Vimala Gohil કહે છે:

    “ભીંતોની ભીતર” આપ સંગાથે મેઘાણી માણ્યો બાપલા…….પાડ માનું તમારો…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s