ગોજારો ટીંબો

ગોજારો ટીંબો

પ્રિય મિત્રો,

નમસ્તે !!

હમણાંજ આપણા સૌના પ્રિય સાહિત્યકાર શ્રી ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતી ગઈ. આ કૃતિ હું એમને અર્પણ કરું છું. જો કે એમના લખાણ પાસે તો હું મગતરું પણ નથી, છતાં હંમેશા પ્રયત્નો કરું છું કે થોડો પણ એમના સાહિત્ય જેવો ટચ આવે ! આશા રાખું કે મિત્રો આપ સૌને ગમે !! 🙂

મહા મહિનાને વિરામ આપતો ફાગણ, ફોરમતો બેસી ગયો છે. સીમમાં કેરડાના ઝાડ પર લાલ ચટાક ફૂલ બેઠા છે. કુદરતે એને ફૂલડે વધાવ્યો છે. સુરજ દાદો સવારે રથ સવારી લઈને આવે ત્યારે તો એકદમ ડાહ્યો ; પણ જેવો મધ્યાન થાય કે બાવાની જેમ એની ખોપરી ફરે છે. મોઢામાંથી લાલ લાલ અગ્નિ વરાળો ઓકે છે. ધરતી પણ એને ટક્કર જીલતો જવાબ આપે છે. “ તું મને ગમે તેવી ગરમ કર પણ અંદરથી તો હું ટાઢી હિમ જેવીજ રહીશ ”
આવે ટાણે હાથમાં કડિયાળી ડાંગ લઈને એક ભાથીડો જુવાન ખેતર અને ઓકળા વીંધતો પોતાની મસ્તીમાં જાય છે. સફેદ કેડિયું હવામાં ઝૂલે છે. નવી નકોર ચોરણી પણ પગ સાથે ચપોચપ પ્રિતુના હોંકાર આપે છે. તેના પગલાંમાં જે હરખ હતો તે રાત્રે ઘુવડની આંખો ચમકે તેમ ચમકતો હતો. ઑડિયામાં ઝુલતા વાળ સાથે હવા ગમ્મતું કરે છે. વા સાથે ગીતો ગાતો ધીમી ધારે જાય છે. એના જોડા પાછળ ડમરી ઉડાડીને એક ભડવીર જતો હોય એની ચાડી પુરી પાડે છે. નથી એને સુરજ દાદાનો કોપાયમાન તડકો નડતો કે નથી તો ગાલે આવતી ઉની ઉની લાહ્ય પવનની લેરખી. એ જે રસ્તે જતો હતો તે રસ્તો કચ્છના દેપા ગામમાં જતો હતો.
એ જુવાનનું નામ હતું લાખો. નાનપણમાં એના લગન દેપા ગામની સુંદરી જીવું સાથે થયેલા. પહેલું આણું કરીને જીવું ને સાસરે તેડી આવેલા. અને એમ કરતા બે વર્ષ સાસરીમાં રહ્યા બાદ તે પોતાના પિયર દેપા ગામ આવી હતી. લાખો એને આજે તેડવા જતો હતો. એક મહિયાનો વિયોગ ખમીને લાખો આજે પોતાની પ્રિયતમા જીવુને મળવા અને તેડવા જતો હતો. હૈયે હરખ, પગમાં જોમ અને તનમાં ઘોડા હણહણાવાતો લાખો જાય છે.
મનમાં મલપે છે. દિલમાં ઉરના નવા રાસડા લેવાય છે. તો આ બાજુ જીવુને પણ દિલે જમ્પ નથી. કોઈને કોઈ બહાનું કાઢીને સીમ ભણી જોઈ લે છે. ઉડતા ભમરા ચકલાને પૂછે કે જાવ અને જાજેરા જઈને જોઈ આવો કે સીમમાં કોઈના જોડાનો ખનકાર સંભળાય છે ? મારી કાયાનો રખેવાળ આવે છે ? મારા મનડાનો મોર દેખાય છે ?
દિલના કાંગરે કાંગરે દીવડા જ્યોતિ રહ્યા છે. મહિનાનો વિયોગ તો સહન થઇ ગયો, પણ હવે ઘડીયુંનો વિયોગ આકરો લાગે છે. એકવાર તો એની માંએ કહી પણ દીધું કે “ લાખા જમાઈ એમ મારગ ભૂલે ઇમ નથ ”
લાખો હવે તો મોટી મોટી ફલાન્ગુ ભરવા લાગ્યો. ગામના જાડવા દૂરથી દેખાયા કે લાખો તો કેરડા જેમ ચમકી રહયો. દિલમાં ઉમંગનાં ઘોડા હણહણવા લાગ્યા. એવામાં ગામના એક વડીલ સામે મળ્યા. લાખાએ મલપ મલપ કરતુ બે વીઘાંનું સ્મિત રેલાવ્યું. આથી વડીલ સમજી ગયા. તેઓ પણ આમ, આવી રીતે ગયા હોય ને !
“ઓ હો રામરામ જમાઈરાજ, જાવ જાવ તમારા સાળા ને સાળિયું તમારી વાટ જોતી હશે. ”
“રામરામ બાપા, બસ થોડીવારમાં પૂગ્યો ગણો.” અને લાખો તો એક ડગલું પણ રોકાયા વગર ચાલતાં જ આટલી વાત કરી લીધી. વડીલને પણ જવાની ઉતાવળ હોઈ રોકાયા નહિ.
સૂર્યના કિરણ પડે ને કળીમાંથી ફૂલ ખીલી ઉઠે તેમ લાખો મહેકવા લાગ્યો. સાસુમાએ દુખણાં લીધા. સાળા ને સાળી ફરતે ફરી વળ્યાં. ઓરડાના બારણાની ઓથમાંથી બે ચમકતી આંખુ લાખા પર મંડાઈ છે. જીવું પણ લાખાને જોઈને ઓળઘોળ થઇ ગઈ છે. ઢોલિયા પર મખમલી ગાદલા પથરાયા છે. ઘર આખું જમાઈ ને સાચવવામાં અછોવાના કરી રહ્યું છે. લાખો પણ મહેમાનગતિ માણતો જાય છે ને છાની આંખે પોતાની પરણેતર જીવુને પણ જોઈ લે છે. ચાર આંખો છાનીમાની એક થઈને મિલનનો રાગ ગાય છે. સાળા ને સાળિયું એ બે ઘડી ગમ્મતું પણ કરી. બે રાતુંના રોકાણ પછી ત્રીજી સવારે લાખાએ સાસુમા પાસે બે હાથ જોડ્યા. પણ તડકાને લીધે કોમળ દીકરીને તડકો મોળો પડે ત્યારે વિદાય કરવાનું વચન આપ્યું. એમને પણ માન્યું કે દીકરી તો પારકી થાપણ, બીજાનું આંગણું ઉજાળનારી. દીકરી જીવુને બાથમાં લઈને ચાર આંસુડાં પાડીને માંએ સાસરે જવા તૈયાર કરી દીધી.
દીકરી જીવુને વિદાય કરવા માંબાપની સાથે ભાઈ બહેન અને આડોશી પાડોશીઓ પણ જોડાયા. રડતા મુખે ને હસતા દિલે બધાએ જીવુને વિદાય કરી દીધી. આગળ લાખો ને પાછળ જીવું; ગામનું પાદર વટાવીને પોતાને ગામનાં મારગે ચડ્યા. જીવુએ એક નજર પાછળ કરીને ગામના જાડવા ને ખોરડાં ભણી જોયું. હાલતી હાલતી એ સીમના જાડવાને પક્ષીઓને ભલામણ કરતી જાય છે.
“હે મારા ભેરુડાઓ, મારા વીરો, મારા જોડીદારો મારા માંબાપ તો હવે ઉંમર લાયક થઇ ગયા છે, એમનું ધ્યાન રાખજો”
એ બિચારા પણ હોંકારો ભણીને ગામની દીકરીને જતી જોઈ રહે છે.
વ્હાલી પત્નીને સ્પર્શવા માટેથી ત્રણ દિવસથી પોતાના મન ને કાબુમાં રાખેલું પણ હવે તો ગામનાં જાડવા ય દેખાતાં બંધ થઇ ગયા હતા. લાખાએ પોતાની ચાલ ધીમી કરી દીધી. પાછળ ફરીને જોયું તો જીવુએ એપણ ચાલ ધીમી કરી નાખેલી.
“ અલી જીણાની બોન, હવે આનાથી ધીમું તો કેમનું હલાય ? ””
“ તમને કોણ કે’ છે કે ધીમા હાલો. અને તમ તમારે હાલે રાખો. મને એવું લાગશે કે તમારી પડખે થઇ જઈશ. ”
“ મનને કેટલુંક મારવું જીવું ? ”
“ તમને એવું લાગે કે તમે એકલાં જ મનને મારો છો ? બસ આ નેળિયું પૂરું થાય કે હડપ કરીને તમારી ભેગી હાલવા લાગીશ.” લાખાને ધરપત આપીને વળી જીવું હાલવા લાગી.
નેળિયું વટાવીને લાખો અને પોતાની પત્ની હાલ્યે જાય છે. ત્રણ મહિના પછી બંનેનો ફરી મેળાપ થયો છે. વાતો અને ગમ્મતની જમાવટ ચાલુ છે. એક બીજા સામે જોઈને આંખુની ઊંડાઈ માપવાની હરીફાઈ પણ થઇ જાય છે. ક્યારેક તો બેયની આંખો પણ વાતો કરી લે છે. એકવાર વાવમાં પાણી પીવા માટે રોકાયા, બાકી તો જટપટ ઘરે પુગવાની ઉતાવળ છે. વાતો અને આનંદની હેલરૂએ સમય ક્યાં કપાઈ ગયો ખબર ના રહી. ગામ હજી બે એક ગાઉ દૂર છે. હવે તો બેય વેરાન રેતીના ઢગલા વચ્ચેથી જાય છે. બસ જેવા ઢગલા પુરા થાય કે ગામ આવી ગયું જાણો, એમ માનતા બેય જાય છે.
“ જીવું, હવે તો ગામની સિમ આવવાની વાર નથી “
“ હા, મારા હૈયે ધબકારા ય વધી ગયા છે ”
“ હમ..સાસરે જવાનું છે ને….પણ મને આગળ રાખીને તું તારા ગામ ભણી પાછી તો નહિ વળ ને ? ”
“ એવું હોત તો; આ લૂગડાંનો બચકો લઈને તમારી ભેગી હાલવા ના લાગેત ”
“ ભેગી તો હાલતી નથ ”
“ કાશ તમે બૈરાવના દિલને જાણી શકો ”
“ ના ના હું બરાબર જાણું, ખોટું નો લગાડીશ, તારા ગામના જાડવાને પુછજે કે તુંને મળવા કેટલો અધીરો ઉતો ”
“ હું એ જાણું છું મારા માણીગર. તને વચન આપું છું કે તનમાં જીવ હશે ત્યાં સુધી તારો કેડલો નહિ છોડું”
“ તું મુને વચન નો આપ તો પણ તારા પર મુને પૂરો વિસ્વા ”
“ બસ તો પછી હૈયે હામ રાખીને ડગલાં ભર ”
“ આ રેતીના ટીંબા ડગલાં ને ડગાવે છે જીવું….”
“ મારા ડગલાં ને પણ…બસ હવે થોડું હાલશું કે ગામનું પાદર. એય નિરાંતે હાલ, પાછળ વળીશ કે તને તારી જીવું દેખાશે”
એકબીજાના પૂરક બનતા; રસ્તાને ધીમે ડગલે પાછળ છોડતા જાય છે. ગામનું પાદર મેલ્યું કે સાસરીનું પાદર આવવા સુધી, બેય એ વાતોની જમાવટ કરી છે. હવાની લહેરખીઓ પણ તેમની વાતુંમાં હોંકારો પુરે છે. વનની વનરાયું પણ લળી લળીને બેયની વાતું માણે છે. બે પળો માટે વાતું થંભી છે. લાખાના મનમાં પોતાની પત્ની જીવું ને જોવાનો વિચાર આવ્યો કે ફર્યો. અને આથમણી કોરેથી વંટોળ ફૂંકાયો અને રેતીને ઉડાડવા લાગ્યો. રેતીને ઓથરતો જેવું પાછળ વળીને જોયું કે એ રેતીનાં ટીંબામાં ફસકાઈ પડ્યો. પોતાની જીવું દેખાણી નહિ. ચારેકોર રેતીને ઉડાડતો વાયરો ફુંકાઈ રહ્યો છે. લાખાનાં દિલનાં ધબકારા વધી ગયા. જોડામાંથી રેતી ખંખેરીને એ ઉભો થયો. અને પાછળ ફરીને ચારેકોર પોતાની વ્હાલી પત્ની જીવુને જોવા લાગ્યો.
“અલી જીવું ?…..ક્યાં છે તું ? ” ને વળી તેને યાદ આવ્યું કે વાવનું મીઠું  પાણી એણે વધારે પીધેલું…તો કદાચ…
ચારેબાજુ ડાફળીયા મારતો એ તો યે જીવું માટે જુજમે છે. “અરે હજી હમણાં સુધી તો એ વાતુના હોંકારા દેતી’તી તો એટલી વારમાં ક્યાં ગઈ હશે ? એમ મનોમન બબડતો લાખો, રેતીના ટીમ્બામાં વાજડીમાં અથડાય છે.
ઘડી પેલા મને હોંકારા દેતી’ તી
તારોલીયા જેમ તો ચમકતી’તી
વા ને વાદળા સાથેય વાતો કરતી
ક્યાં ખોવાણી, તને કેમ લવ ગોતી ?
આજુબાજુના ટીંબા બધા ફરી વળ્યો, એક પલમાંતો એના દિલનાં ઉરમાં જે ઉભરા હતા તે શમી ગયા. ડુંગર જેવો અડીખમ લાખો રેતીમાં ફસકાઈને પોકે પોકે રડવા લાગ્યો. પોતાની જીવુને સાદ દીયે છે, ક્યાં છે ક્યાં છે ? એમ પૂછીને આંસુડાં સારે છે. એને રડતો જોઈને પવન પણ ધીમો પડી ગયો. ચારેબાજુ કોઈ દેખાતું નથી. ટીંબા પર ઉભો થઈને એ ચારેબાજુ જુએ છે, દી’ આથમવાને જાજી વાર નહોતી.
“અલી જીવું..? ભલી તું તો કેતી’ કે, હું પાછું ફરીને જોવું કે તને ભાળીશ…પણ ક્યાં છે તું ? ક્યાં છે તારું વચન ? ” રેતીના ઢગલા પલળીને ઓસરવા લાગ્યા.
એક રેતીના ટીંબામાંથી અવાજ આવ્યો “ વ્હાલા લાખા, આ ટીંબો મને ગળી ગીયો છ”
લાખો તો એ તરફ ફર્યો. એ ટીંબાને ઉલેચવા લાગ્યો.
“ જીવું તારા વચનનો ભંગ નહિ થવા દવ…હજી છેટું નહિ પડે…હું આવું છું. ”
એક શ્વાસે લાખો રેતીને ઉલેચે છે. ઉલેચતાં ઉલેચતાં એને એની જીવું દેખાણી.
“ મારી જીવું…હાલ હવે ઉપરવાળા ધણીના મારગે”
એક હાથે એણે જીવુને બાથમાં લીધીને બીજે હાથે બેય ઉપર રેતી વાળી લીધી. બેય પ્રેમીને શ્રદ્ધાંજલિ આપતો પવન ટીંબા પર રેતીનું પડ પાથરતો રિયો.

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing a sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in નવલિકા. Bookmark the permalink.

6 Responses to ગોજારો ટીંબો

 1. Vimala Gohil કહે છે:

  શરૂઆત વાંચતા થયું ઃ થોડો શું? આ તો પુરે પુરો મેઘાણી ટચ આપ્યો રીતેશભાઈએ, ને પછી થોડું આગળ વાંચતા ભુલી જવાયું કે રીતેશભાઈનું લખાણ છે!!!
  જાણે મેઘાણીને જ વાંચતી હતી!!!!અંતે લાખાને ટીંબાની રેત વાળતો જોયો ત્યાં રિતેશભાઈ દેખાયા ને અનાયાસ બોલાઈ ગયું કે ઃઅરે!! આતો આપણા બ્લોગ જગતના મેઘાણી જ.
  આપ માનો યા ના માનો,મારા માટે તો આપ “બ્લોગ જગતના મેઘાણી” છો જ.
  ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ સહ અપેક્ષા કે અમ જેવાને રસતર્બોળ કરતા રહો.

  • રીતેશ મોકાસણા કહે છે:

   વિમલાજી,
   તમારા પ્રતિભાવ ના પ્રતીસાદે શું કહેવું ? ભાવુક બની ગયો. પ્રણામ 🙂

   • Vimala Gohil કહે છે:

    હવે એક વધુ પ્રતીસાદ: આ વાર્તા એક મિત્રને મોકલેલ,
    તેઓ કહેછેઃ”સંચોડા હલબલાવી નાંખે એવી વાત ક્યાંથી લઈને આવી?”
    ને હું ભાવવિભોર!!!!
    મેં કહયું-મારે તો કતારથી આવી….વાયા અમેરીકા ભાવનગર મોકલી.

   • રીતેશ મોકાસણા કહે છે:

    તમારા મિત્રને મારા ખુબ ખુબ ધન્યવાદ ! આપ જેવા લોકોની હૂંફે તો મારી કલમમાં ઓર જોમ અને જોશ આવી જાય છે. ફરી એક વાર આપ સૌ નો આભાર.

 2. aataawaani કહે છે:

  પ્રિય રીતેશ, તેં ઝવેરચંદ મેઘાણીની ખોટ પુરી કરી દીધી. મારા આશીર્વાદ સાથે કહું છુકે. ગોજારો ટીમ્બા જેવી મુવી બનાવ બરાબર જામશે.તારા જીવનમાં તું ખુબ સફળ થઈશ,એ મારી આગાહી છે, આતા

  • રીતેશ મોકાસણા કહે છે:

   આતા,
   આપ ના તથા આપ જેવા સર્વે વડીલોના આશીર્વાદે મારું બીજું ફિલ્મ પણ બની રહયું છે. બાસ આમજ આશિષ આપતા રહેશો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s