દેશ માટે

દેશ માટે

રક્ષાબંધન આવી મતલબ તહેવારોનું ઝુમખું લાવી !
હાથમાં હજી બહેનોએ બાંધેલી રાખડી ઝગારા મારતી હોય ત્યાં નાગ પંચમ આવી જાય. તલ અને ગોળનો તલવટ ખાવાની મજા આખા વર્ષમાં એકવાર આવે. આથી ઘરે ઘરે જઈને તલવટ ચાવીને દાંતને મજબૂત બનાવતા. હજી તો દાંતમાંથી તલવટ પૂરો ચવાયો પણ ના હોય ને; ઘરના બધી સ્ત્રીઓ અને છોકરીઓ સાથે અમે બધા ભુલકાઓ રાંધણ છઠની ઉજવણી કરવા લાગીએ. તમને એવું લાગતું હશે કે અમે નાના ભૂલકા રાંધવામાં કેવી રીતે જોડાઈએ ? જે લોકો જોડાયા હોય તેમને ભૂતકાળમાં ઘસડી જાઉં છું. અને જે લોકો નથી ગયા એમને નવું બતાવું છું. બા, બેન કે ભાભી પુરી, ઢેબરાં કે થેપલા વણે તેને અમે લોકો પેપર પર સૂકવીએ. બોલો કેટલું મહત્વનું કામ ? શીતળા સાતમે વળી સવારે ઉઠીને નદીએ જઈને નહિ લઈએ.કે ગોર મહારાજ શીતળામાંની પૂજા કરે અને થોડા ઘણા રૂપિયા પણ કમાઈ લે. ત્રણ દિવસ મારા ગામમાં મેળો થાય. આને અમારો મહેલ્લો સાતમ આઠમનો મેળો કહે. કોઈ બીજા ગામના લોકો જન્માષ્ટમી કહીને પણ ઉત્સવ ઉજવે છે. હવે તહેવારો વિષે ઊંડું નથી જવું.
આવો તહેવારોનો થાક અને સાથે વરસાદના મારથી અકળાયેલા અમે બધા વળી મહેલ્લામાં જ ભેગા થયા. આજે તો હકો આવ્યો એવોજ આક્રમક દેખાતો હતો. એનો મિજાજ જોઈને જલો અને જીગો બેઉ દિલાની બાજુમાં ગોઠવાઈ ગયા. ટીનો બેય બાજુ કાતરીઓ મારીને વધુ બીવડાવતો હતો. નરીયો હજી દબાયેલો હતો. એ કોઈનાથી દબાય નહિ પણ પોતે જે આઠ-દશ દિવસ કસરત કરી તેનાથી નારાજ હતો. મેં હકા સામે જોયું તો મને લાગ્યું કે એ કોઈ બૉમ્બ ફોડવાનો છે. હકો આક્રમક બને એટલે મહેલ્લામાંથી કોઈની મજાલ નહોતી કે એની મશ્કરી કરે. બાકીના દિવસોમાં તો ચકલા ય એની ઉપર ઉડીને માથું ભીનું કરતા જાય.
“આ વખતે મેળામાં બહુ મજા ના આવી” ટીનાએ મૌન તોડ્યું.
“હા યાર મને પણ” એના સાગરીત સમા અશ્કાએ સાથ પૂર્યો.
મિત્રો, પછી તો એવું બન્યું કે જો કોઈ મેળાનું આયોજક હાજર હોય તો મેળાનું આયોજન જ ના કરે. ઊંધા ચકડોળ ફેરવ્યા. રગડા પેટીસ અને દાબેલીને તળાવમાં ફેંકી.
“ઉભા રહો સજ્જનો” હકાએ બુમ પાડી એટલે બધા શાંત. મેં એની સામે જોયું તો હકો તો લુહારની ધૂણી જેમ લાલચોળ.
“ બધા ઉભાજ છે હકા !” જીલાએ તેની દુખતી નસ દબાવી.
“ તારી જાતનો જીલીયો મા…..તમે બધા લોકો જયારે ને ત્યારે બીજાને બહુ દોષ દો છો ”
“એય હકલા, જબાન સંભાળીને બોલજે…” દિલો અકળાયો
“દીલા..એની વાત પુરી સાંભળો તો ખરા.” મેં બધાને શાંત પાડ્યા( જોકે મેં હકાનો પક્ષ લીધેલો, કોઈ દિલાને કહી ના દેતા)
“વાત મારી એકલાની નથી, એકલા દીલાની નથી, એકલા રીતુની નથી, એકલા જીલાની નથી…..આઈ મીન…હું સર્વને અનુલક્ષીને કહું છું ”
“ હા તો ઠીક, બાકી વચ્ચે મારું નામ નહિ આવવું જોઈએ…કહે હવે. ” દિલોય શાંત પડી ગયો.
“ આપણે કોઈ ક્રિકેટર ખરાબ રમે તો જાટકી કાઢીએ, કોઈ મેયરને લીધે સિટીમાં થોડી અસ્ત વ્યસ્તતા થાય તો એના પર લાગી જઈએ ”
“ હા એ તો છે જ ” નરીયાએ કહ્યું
“ અરે હકલા આ તો જગ પુરાણું છે, મોટા લોકો ગમે તેમ કરે, સાંભળવાનું તો હોય જ ” જેમ્સ બોન્ડ જીગાએ પણ કશુંક કહ્યું.
“એમાં મારો વિરોધ છે, ખાસ કરીને દેશ દાઝ માટે ”
“હકા કાલે કોઈ મનોજકુમારનું ફિલ્મ જોઈ આવ્યો કે શું ? ” અત્યાર સુધી શાંત વજાએ પૂછ્યું.
“બસ આજ આપણી તકલીફ, કેમ એકલો મનોજકુમાર જ દેશભક્ત ? ”
“બીજું બધું ફાડ્યા વગરનો જે અંદર હોય તે ભસી કાઢ ને ” ટીનો બગડ્યો
“જાવ..હું ચાલ્યો…. ” કહીને એ તો રિસાઈને ભાગ્યો
“રીતિયા, એને મનાવ ને, આ આપણી મહેલ્લાની શોભા વિરુદ્ધ છે ” જલાએ મને પકડ્યો. મને એ પણ ખબર હતી કે હકો જે બોલશે તે દમ વાળું હશે. કોઈને કોઈ ખટકતી વાત હશે. મને પણ મજા આવતી હતી…અને એમાંય હકાએ દેશ દાઝની વાત કરી.એટલે મારે માટે તો ઓર ઇન્ટરેસ્ટિંગ. જોકે મહેલ્લામાં હકાના કરતૂતો તો ગિનેઝ બુક સુધી પહોંચેલા છે. આથી જ અમે લોકોએ એને ખાસ ડિગ્રી અને બિરુદ આપ્યું છે.પ.પૂ.ક.ધૂ. 10008 શ્રી હકેશ્વર મહારાજ. (પ.પૂ.ક.ધૂ. = પરમ પૂજ્ય કરતૂત ધૂરંધર)
મેં એને એક મસ્ત મજાના લહેકાથી બોલાવ્યો કે હકો પાછો આવ્યો.
“ જો હકા, તારે જે કહેવું છે તે વટ કે સાથ કહી દે ” દિલાએ એને સાથ આપ્યો
“જુઓ, આપણે અહીં બેઠા બેઠા કશું પણ કહીએ, કોઈની પણ કિલ્લી ઉડાવીએ. કોઈને પણ ઉતરતા ચીતરીએ. પણ આપણે કદી આપણા વિષે વિચારીએ છીએ ? ” હકાએ તો તોપ અમારી સામે કરી દીધી. આથી બધા ચૂપ થઇ ગયા. હવે તો બધાએ હકાનું વ્યાખ્યાન સાંભળવુંજ રહ્યું.
“આપણે ફેસબુક કે વોટ્સ એપ પર સારા સારા મેસેજ અને સ્લોગનો શેર કરીએ છીએ. પણ જયારે એનું પાલન કરવાનું આવે ત્યારે ટાઢ આવે છે ! હેપી મધર્સ ડે, ફાધર્સ ડે તો કેમ સાલું આખું વર્ષ તેઓ આપણી પર પ્રેમ નથી વરસાવતા ? તો કેમ આપણે એક વાર જ કહીને છટકી જવાનું ? ”
અમે તો સાંભળીને બધા એકદમ ચૂપ બની ગયા અને હકો જે કહેતો હતો તે કોઈની તરફ આંગળી ચીંધતો હતો એ પણ વિચારી લે તેવું લાગ્યું. આજ જેવું રૂપ હકાનું કદી જોયું નથી. એના ધારદાર ડાયલોગ લાકડાફાડ હતા.
“પંદરમી ઓગષ્ટ આવી કે તિરંગાને અને સૈનિકોને સલામી પછી બધું હવામાં, વળી 26મી જાન્યુઆરી આવી કે બધા હઇશો હઇશો લાગી જશે. પણ કોઈને દિલમાં દેશદાઝ જાગી ? નહિ, ખાલી ખાલી હવામાં ફાયરિંગ કરે કહી ના વળે લલ્લુઓ. ”
“પણ મારી પાસે તો તારોલીયા ફોડવાની બંદૂક હતી એ પણ બગડી ગઈ છે હકા ! ” દલાએ કોશિયો ભુશ્કો માર્યો.
“દલા, અત્યારે મસ્તી કરવાનો ટાઈમ નથી ” જીગાએ એને શાંત રહેવા કહ્યું.
“ હું પણ મસ્તી નથી કરતો, બાપના બોલથી કહું છું કે એક પણ ફાયરિંગ હવામાં ના કરું ”
“હકા, એ ભલે લવારીએ ચઢ્યો; તું કહે ” ટીનાએ એને આગળ બોલવા કહ્યું.
“ ઘણું તો કહી દીધું, હવે તમે તો કંઈક ડાયલોગ બનાવો … ” હકો એકબાજુ બેસી ગયો.
“આમતો આટલાં ડાયલોગ પણ આપણા નાટક ને જોરમાં લાવશે કેમ ? ” મારી સામે જોઈને નરીયો બોલ્યો.
“હા, હમણાં તો આટલું યાદ રાખીને  રિહર્સલ કરીએ, બાકી દેખા જાયેગા” મેં કહ્યું ને અમારી વાતને વધાવતો વરસાદ આવ્યો કે બધા વિખેરાઈ ગયા.

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in હાસ્યલેખ/ જોક્સ. Bookmark the permalink.

1 Response to દેશ માટે

  1. પિંગબેક: દેશ માટે – ગુજરાતી બ્લોગ જગત

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s