ઘરમાંથી જૂનો ભંગાર હતો તે ઉઠાવીને બહાર ફેંકી દીધો. કચરો સાફ કરીને કુડામાં નાખ્યો. પાણી અને ડિટર્જન્ટ વડે ધોઈને ફર્શને વળી ચકમકતી કરી દીધી. છત અને દીવાલોને રંગ રોગાન કરીને મહેકતી કરી. આંગણ સાફ કરીને ઉજળા કર્યા. માળિયા પરથી વધારાનો સામાન હટાવ્યો. કપાળેથી પરસેવો નિતારીને આંગણામાં ઉભા રહીને ઘર સામે અપલક નીરખ્યા કર્યું. વળી ઘરમાં એક ચક્કર મારીને જોયું તો દિલમાંથી એક આંનદનું અમી ઝરણું વહેવા લાગ્યું.
“હાઈશ, હવે કોઈ આગંતુક કે અતિથિ આવશે તો એનું ઉમળકા ભેર સ્વાગત કરીશ. અને એવું કરવા જતા જરા પણ દિલમાં આશંકા નહિ રહે. મનમાં કોઈ કચાશ નહિ ઉદ્દભવે ! શરમનાં કોઈ ભાવ ચહેરા પર નહિ ડોકાય” મનમાં એમ બોલીને પરિતૃપ્તિ પામતો બેઠો.
વહેલા ઉઠીને નિત્યક્રમ પતાવીને શરીરને સાફ કરીને નવા કપડાં પહેરીને તૈયાર થયો ને મનનાં તરંગો ગતિમાન થયા.
હજી તો વિચારોને અનુમોદન મળે કે તરત આજ્ઞા પણ થઇ. અને એ મુજબ જ કર્યું જે મનમાં ઉત્પન્ન થયું.
બે હાથ જોડીને જગતના તાત સામે બેસી ગયો. પહેલા તો એમનું અપલક હસતું મનમોહક મુખડું જોયે રાખ્યું. અને વિચાર્યું કે આજે તો એ જ કશું કહે. સલાહ આપશે તો વધાવી લઈશ. મીઠો ઠપકો આપશે તો મનમાં ઉતારીશ. એમનાં આશીર્વાદ થકી તો આટલો ધન્ય અને પ્રસન્ન છું. પણ જો તેઓ મૌન રહેશે તો ? એનો કોઈ ઈલાજ કે અનુશંકા મારા વશમાં ના હોય તે કેમ વિચારું ?
આંખો બંધ કરીશ તો એમના દર્શન થાય તેવી વકી છે. અને જો આંખો બંધ કરીશ તો એમનું અપલક સ્મિત કરતું મુખડું નહિ દેખાય. એવી અવઢવમાં ડૂબ્યા વગર જ હરિના મુખને મનભરીને પામ્યો કે આપોઆપ આંખો બીડાઈ ગઈ.
મનમાં એમના જાપ અને દિલમાં રટણ ચાલુ કર્યું. એમની પ્રતિકૃતિને પામવા પ્રતીક્ષા આદરી દીધી. આજ દિવસે, દર વર્ષે હું આટલા વર્ષોથી નિયમિત આજ તો કરતો આવ્યો છું. હરિને પામવા, પોતાને ખુશ કરવા; હરિને જીતવા કે મનને ગર્વિત કરવા ?
પળો પર પળો વીતી, અને હજી વીતશે પણ ખરી.
મનની ગતિ અટકી, તનની જીજીવિષા ખટકી અને જોયું તો દ્વારે અતિથિનું આગમન.
દર વર્ષની જેમ અતિથિઓને આવકારી; તેમનો સત્કાર કરીને વળી સંસારચક્રમાં અટવાઈ ગયો.
Rate this:
નીચેની લીંક પર ક્લિક કરીને આપના મિત્રોને પણ વંચાવો
A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing a sport is another way of life :)
સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
સાલ મુબારક.
આપને પણ સાલ મુબારક અને શુભ કામનાઓ
Reblogged this on ગુજરાતી બ્લોગ જગત.
Thank you for sharing Atulbhai 🙂