મેહુલિયે વરસી વરસીને ધરતીને લીલા વાઘા પહેરાવી દીધેલા. એના બદલામાં ધરતીએ પણ હીરા માણેક મોતીઓ સમાન પાકના દાણાં આપીને ધરતી પુત્રોને ખુશ કર્યા છે. ખેતરેથી પાકના ડોડા અને શીંગો ઉતારીને ખળામાં લઈને એમાંથી હીરા મોતી જેવા દાણાં અને પાકને ઘર ભેળા કરીને સૌ કોઈ મન મોકળા કરીને કોઈ ખાટે કે કોઈ હિંડોળે જુલી રહ્યું છે.
આવી બધી વાતોના ગપાટા કરીને મન રાજી રાખતું એક ટોળું; ઠાકરના મંદિરના ઓટલે બેઠું છે. સૌ કોઈ પોત પોતાનો મત કહે છે. ગામ તો નાનું હતું પણ ગામ વાળાના રુદિયા દરિયા જેવા વિશાળ હતા. કોઈ માંગણ, ગામમાંથી વીલા મોઢે પાછો ના જાય. માથે અનાજનું પોટલું બાંધતો, ભારે હૈયે સૌને આશીર્વાદ દેતો જાય ! આ વખતે તો મેઘરાજાની મહેરબાની અને ખેડૂતોની અથાગ મહેનતે; સૌ કોઈના ઘર અનાજથી ભરાઈ ગયા છે. એની અસર સૌ કોઈના મોઢા પર દેખાઈ આવે છે. સૂરજમુખીના ગોટા જેવા ચમકતા મોઢા અને ખીલખીલાટ ઉપજતું હાસ્ય એની ચાડી પુરે છે. વડીલો અને મોટેરાવ બધા વાતે વળગ્યા છે. એવામાં એ લોકોની વાતમાં ખલેલ પડતા શબ્દો એમના કાને પડયા.
“ કુંભાર માવજી ભગતનું ઘર કી ભણી આઈવું ? ” બગલમાં લૂગડાંનો થેલો દબાવીને એક આઘેડ વયનો ભાભો બધા સામે પૂછીને નત મસ્તક ઉભો છે. બધાનું ધ્યાન એકી સાથે એની ઉપર ગયું. બધા એમને જોઈને મનમાં અટકળો કરવા લાગ્યા. પણ એમનો એક જણ એમને ઓળખી ગયો હોય તેમ પૂછ્યું.
“ તમે તો જાણે ઓધાભાઇ નહિ ? બાપ ખળા તો ક્યારના ઉલ્લી જીયા શ ”
“ હા ભા, અટાણ હુધી તો થોડા હોય, અને ઇય મારા જેવાં નીયું થોડી રાહુ જોવે ? ” નીચું જોઈને જ ભાભાએ કીધું.
“ નરોત્તમ, તું હારો ઓળખી જિયો ” બીજા એક ભાઈએ કહ્યું. એટલામાં એક નાનો છોકરો નીકળો એને ઉભો રાખીને માવજી ભગતના ઘરે છેક મૂકી આવવા માટે ભલામણ કરી. દરેકે વળી કીધું કે “ ભા, તમારે જેને લીધે પણ મોડું થિયું, અમારે ઘરે આવજો જ ! ”
માથું નમાવીને આગંતુકે બધાનો આભાર માન્યો; ને પેલા નાના છોકરા હારે હાલવા માંડ્યું. જેવો એમનો પગ માવજીભાઈની ખડકીમાં પડ્યો કે ચલમ પીતાં માવજીભાઈની નજર આવનાર મહેમાન પર પડી. ચલમને એક કોર મૂકીને દોટ કાઢી.
“ અરે આવો આવો…. ઓધાભાઈ…..છોકરાવ, પાણીનો કળશિયો ભરી લાવો મહેમાન આવ્યા છે ” માવજીભાઈએ તો ખાટલો પાથરીને એના પર ધોયેલું ગોદડું પાથર્યું; એની ઉપર બેસાડ્યા. “ કેમ છો માવજીભાઈ ને બધા છોકરા છૈયા ? ”
“ એય મજાનું રૂડું છે, ઠાકર ધણીના પરતાપે તો આ વરહ ય ખુબ હારું શ.અનાજથી બધાની કોઠીયું છલકાવી દીધી છે. તમે કો બાપ ? અને હમણાં ઘણાં ટેમે….? ” પણ તેમને જોયું કે ઓધાભાઇના મુખ પરનું નૂર ઉડતું દેખાણું. શાનમાં બધું હમજી ગિયા. “ મહેમાન માટે ચાપાણી બનાવો….એય હાંજે વાળુપાણી કરીને ડાયરા ભરશું …આડા પડો…થાકી જીયા હશો. ” બોલીને માવજીભાઈએ વાતને ફેરવી લીધી.
ઓધભાઈ એટલે બાજુના ગામના ભાટ બામણ. કાયમ આ ગામમાં અનાજ પાકે એટલે આવે ને અનાજ માંગી જાય. એમનાં જેવા ઘણાં માંગણ આ ગામમાં આવતાને પોતાનું ગુજરાન ચલાવતાં. બનેલું એવું કે એમનો દીકરો ભણીને સરકારી નોકરીમાં લાગેલો; આથી પોતાના બાપાને માંગવા નહોતો જવા દેતો. આથી ઓધાભાઇ પણ ખુશ રેતા કે; માંગવું નો પડે.
એમને એમ થોડા વરહ તો પાણીના રેલાની જીમ નીકળી જીયા. એક દિવસની વાત છે, એમનો દીકરો ઘરના વાડામાં ઉભેલો ને ઘોઘા બાપે ડંખ દીધો કે તરફડીને મરી પરવાર્યો. ઘરનો નિર્વાહ તો એના દીકરાને લીધે હતો. ચોમાશે ભરેલું તળાવ તો ઉનાળો આવે સુકાય તેમ એમનું ઘર ખાલી થયું. આથી આ વરહ માંગવા આઇવા સિવાય આરો નોતો.
રાતે બધાયે આ વાત જાણી કે ઓધાભાઇની હારો હાર ઘરના બધાએ પણ દીકરાની કાણ માંડી. ઘરના નળિયે નળિયા પણ એ જોઈને નીતરવા લાગ્યા.
“ બાપ, તમે કોઈ ચિંતા નો કરો. હું તમારા ભેરો આવીશ ને બધાને કહીશ ” માવજીભાઈએ એમને એવી હિમ્મત આપી કે એમના પેટમાં ખુશીના રેલા રેડાયાં.
“ હવે તો હું અને દીકરાની વહુ છે ને બે એના છોકરાવ…બસ બે થેલા અનાજ થાશે તો પણ હઉં. આવતે વરહે તો ખળાના ટેમે જ આવીશ. ”
“ હા બા, તમારા જેવા ભગતના ઘર હઈશે તા લગી મારા જેવા ભાટને ભૂખ્યા ની સૂવું પડે ”
“ ભા…રામ રામ કહો….એ તો બધું કરવા વાળો તો ઉપર વાળો. લો હવે શાંતિથી સુવો ” કહીને માવજીભાઈએ પણ ખાટલામાં દેહને મોકળો કર્યો. સુતા સુતા મુખમાં રામ અને ઠાકર ધણીનું નામ છે પણ તોયે ઓધાભાઇની કરમ કથની જાણીને જીવ દુઃખી પણ થિયો.
બીજા દિવસે સવારે ઉઠીને તો ઓધાભાઇ; ખેડુ લોકોના ઘરે ઘરે અનાજ માંગવા જાય છે. કોઈ પવાલું તો કોઈ બે પવાલા અનાજ આપે છે. કોઈને વળી સારું અનાજ પાક્યું હોય તે ત્રણ પવાલા પણ આપે છે. સાત આઠ ઘર ફરીને વળી ભગતના ઘરે આવીને રાતના વાળું જમણ પતાવીને ભજન ગાતા ગાતા ઊંઘી જાય. આમને આમ ત્રણ દિવસમાં ત્રણે થેલા ભરાઈ જીયા. હાંજે ઘરે આઇવા કે એમના મુખ મંડળ પર અનેરું તેજ દેખાણું. એ જોઈને ભગતનાં ઘરનાં પણ બધા ખુબ ખુશ થીયા.
“ ભા..હું કેતો કે ઠાકર બધું હેમખેમ પાર પાડશે…..લો જોવો ત્રણ થેલા ….. ” ભગતે એકદમ ખુશ થતા કીધું.
“ હા ભગત …. એનાથી મોટું તો જગમાં કોણ છે ? લો તારે રામે રામ…હું ઉપડું મારે ગામ ! ” કહીને ઓધભાઈએ તો ભગત સામે બે હાથ જોડ્યા.
ભગતની તાણ ને માન દઈને ઓધાભાઇ એ થેલા હેઠા મુક્યાં અને મનને ઢીલ દઈને ખાટલે બેઠા. રાતનું જમણ પતાવીને બધા ફળિયામાં ડાયરો જમાવ્યો.
આલ આગોતરા ભાલ અગોતર સિમ ખેડે
નવ તાલ અખેતર હીરા મોતી માનક જડે
દીધે બોલ તારે ભગતના ઘરથી મે’ માનું
પાછાં કો’દિ ફરે જાણે જોઈ લો રૂપ ઠાકરનું
ગામે ગામની વાતું ને જૂની વાતુના ચોપાનિયા ઊખળ્યાં. મધરાત હુધી કોઈ હુવાનું નામ નથી લેતા. આખરે બધા થાકીને ભગવાનનું નામ લઈને આડા પડયા. થોડી વારમાં તો બધાને નીંદર આવી ગઈ છે. કોઈ તો પડ્યું એવું નાહકોરા ની ધમણ ચાલુ કરી શ. એક ખાલી ઓધાભાઇની આંખે ઊંઘ નથી. તેઓ ઘડી ગામના દરિયાદિલ માણહુંને યાદ કરી કરીને રાજી થાય છે તો કુંભાર માવજી ભગત જેવાની ઓથે બહુ સંતોહ અનુભવે છે. સૌ કોઈને ખરા દિલથી દુવા દે છે અને આમતેમ પડખા ભરે છે. જે આશ લઈને તેઓ આવેલા તેના કરતા બમણું મળી ગયાનો દિલમાં આનંદ રમે છે.
આખી દિ’ ના થાકેલા ચકલાને, પારેવા ને હોલા ય શાંત થઈને પોત પોતાના માળામાં સુતા છે. લીમડાને બોરડીના જાડવા પણ સ્થિર બનીને ઉભા છે. ક્યારેક ધીમી પવનની લહેરખી એમને હલાવી પણ લે છે. કોઈ કોઈ જાડ પર બેઠેલી ચીબરી પોતાનો ભૂંડો અવાજ કાઢીને વાતાવરણમાં ભોં ઉભો કરે છે. એકદમ શાંતી ભર્યું વાતાવરણ છે, તો ક્યારેક કોઈ કુતરાના ભસવાનો અવાજ પણ ડોકિયું કરે છે. એવા શિયાળાની પાછલી રાતે કોઈના પગનો આવાજ ઓધાભાઇના કાને સળવળ્યો. સુતા સુતાજ કાનને અવાજ બાજુ વધુ ખુલ્લા કીધા. એમણે નક્કી કર્યું કે નક્કી કોઈક છે. થોડી વાર તો એમને એમ સૂઈને અવાજને એકકાર કરીયો. એમના અનુભવી દિલે કીધું કે આ પગલાં તો કોક ચોરના છે.
થોડી પળો એમજ વહી કે એમને લાગ્યું કે વધુ વાર પોતે સુઈ રહેશે તો ચોર છટકી જાસે. આથી દબાતા પગે તેઓ ઉઠ્યા અને ઘરની વંડીએ વંડીએ ગયા. વંડી વટીને જેવા આગળ ગિયા કે પેલા ભાઈનો ભેટો થઇ ગીયો. ચોર તો એમને જોઈને આભો જ રઈ ગીયો. સામે કાળ જેવા ઓધાભાઇ ને જોયા. પોટલીને બગલમાં દબાવતો પેલો તો ભાગવા લાઈગો. એમને થયું કે પોતે અવાજ કરશે તો ચોરીનું આળ પોતા પર આવશે, એ તો કદાચ ગામનો જ હશે. જાતી જિંદગીએ કાળી ટીલી ના લાગે; એમ માનીને મોઢું સીવી લીધું. અને બે હડફ કાઢીને એના પેરણને કસોકસ પકડી લીધું. પેલો તો બોલી પણ ના શકે એવો ભીંસમાં આવી ગયો. ચોરે ઇશારેથી કીધું કે લૂંટનો અડધો માલ લઇ લો ને મને જવા દો. પણ બુઢો એમનો દેહ થિયો તો બુદ્ધિ નહિ. બેય વચ્ચે ખુબ ઝપાઝપી થઇ. પેલા ચોરને લાગ્યું કે હવે કદાચ થોડો પણ અવાજ થિયો તો લોકો જાગી જશે ને માર પણ પડશે. આથી તે તક લઈને નાઠો.
સવાર પડી કે ચકલાનો અવાજ આવ્યો. સુરજ દાદો તો ધીમે ધીમે ધરણી પર અજવાળું મોકલવા લાગ્યો. ઘરના બધા ઉઠી જીયા છે. ભગતે આવીને જોયું કે ઓધાભાઇ તો ખાટલામાં દેખાતા નથી. રોજ તો મહળકે જ કામ પતાવીને બેઠા હોય. આજ કેમ નો દેખાય ? એમ વિચારીને આમતેમ જોયું પણ કોઈ નો દેખાય. ત્યાંતો ભગતાણી “ ગજબ થઇ જિયો……ભગત…ચોરી…… ” કરતાં બાર આવિયા. ત્યાંતો ઘર આખું ઊંચા સાન્હે આમતેમ જોવા લાગ્યું. ઘણી વાર થઇ પણ ઓધભાઈ નો દેખાય. એમાં એક છોકરાને કુવિચાર આઈવો. પણ ભગતે એનું મોડું દાબી દીધું. “ ખબરદાર….એતો આપણાં મહેમાન…. ” ને બાકીના શબ્દો તો થૂંક ભેગા ગળી ગિયા.
“ ભગત…આ મહેમાન એમને એમ જતા તો નથી રિયા ?? એમનું અનાજ પણ ખૂણામાં પડીયું છે. ” ભગતાણીએ ચિંતા બતાવી પણ ભગતે જોયું કે એ ચિંતામાં એક અનોખી બદબુ આવતી હતી. હજી તો ભગત એમની પત્નીને ભરોહો આપવા જતા હતા કે એક ટેણીયો હાંફતો હાંફતો આઈવો.
“ બાપા…આની કોર મે’માન….. ” ને એ ભગતનો હાથ પકડીને લઇ જિયો.
જઈને જુએ તો ભગતના તો પગ જમીન હારે જડાઈ ગિયા. લોઈ લોહાણ હાલતમાં ઓધાભાઇ પડ્યા છે.
“ આ શું થયું ? ” ભગતથી એવી રાડ પડી કે આખી શેરી દોડી આવી. તરફડતાં ઓધાભાઇને ઊંચકીને ખાટલે સુવાડ્યા.
“ રાતે ચોર આપણા ઘરમાં ખાતર પાડી ને જતો તો. મેં ને પકડ્યો તો મને અડધો માલ દઈને ભાગવા જતો ‘તો. મેં તો આ ઘરનું લુણ એટલું ખાધું છે કે મારા સાત જન્મારા ય ઓછા પડે એ લુણ ઉતારવામાં. હું ના માન્યો એટલે મને ખુબ માર્યો…પણ મેં આ પોટલી તો જીવની જેમ દબાવી રાખી છે…લો ભગત. ઠાકર ધણીથી મોટું…કોઈ નથી…એનો જ રાહ….” બોલતા તો ઓધાભાઈનો જીવ પરલોક ગામને હાલી નીકળ્યો.
ઘરના બધા લોકોએ રોઈ રોઈને એમના દેહ પર પસ્તાવો રેલીયો
Rate this:
નીચેની લીંક પર ક્લિક કરીને આપના મિત્રોને પણ વંચાવો
A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing a sport is another way of life :)
સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
પિંગબેક: ઓધાભાઇ – ગુજરાતી બ્લોગ જગત
Thank you dear !