શરણાઈના શૂર

શરણાઈના શૂર

મેઘાભાઈએ માળિયામાંથી એક બોક્ષ નીચે ઉતાર્યું અને મહીંથી ઢોલ, એની દાંડી અને શરણાઈની જોડ કાઢી. ઢોલને હાથ અડાડીને બે હાથ જોડ્યા. શરણાઈને માથે અડાડીને નમન કર્યું. એક સ્વચ્છ કપડાથી ઢોલને સાફ કર્યો. અને શરણાઈને પણ સાફ કરીને ટેસ્ટિંગનો શૂર છેડ્યો. એ શુરનો અવાજ સાંભળીને રૂમમાંથી એમનો પુત્ર દિલીપ બહાર આવ્યો.
“પપ્પા, કેમ આજે આ બધું ??? ” ઢોલ અને શરણાઈ સામે આંગળી ચીંધતા દિલાએ કહ્યું.
“હા બેટા, મેં નીચે ઉતાર્યું છે. તને ખબર છે, આપણા ગામના દયાળજી શેઠની દીકરીના લગન છે. ”
“ કોણ, નીલમના ને ? ” નીચું જોતાજ દિલાએ કહ્યું.
“હા, પણ તનેય ખબર પડી એ સારું કર્યું…મેં એમને વચન આપ્યું છે કે ભલે શહેરમાં આવીને અમે જૂનો ઢોલ વગાડવાનો ધંધો બંધ કર્યો… ”
“તો તમે ઢોલ વળગાડવા જશો એમ ને ? ” દિલાએ વચ્ચેજ બોલી દીધું.
“હું નહિ બેટા, આપણે બેઉને જવાનું છે. આપણા ગામડે હતા ત્યારે; મારો ઢોલ ને તારી શરણાઈની જે રમઝટ બોલતી. તે રમઝટ ફરી બોલાવવાવની છે.” મેઘાભાઈએ પુત્રને કહ્યું. પુત્ર તો માથું હકારમાં હલાવીને જતો રહ્યો. મેઘાભાઈની ખુશી તો સમાતી નથી. દિલાને ભણવા માટે દયાળજી શેઠે જે મદદ કરેલી તે કેમ કરીને ભૂલી શકાય? એમની મદદને લઈને દિલો આજે કોલેજ પુરી કરી શક્યો છે. એ સહકારને સાર્થક કરવાનો આનાથી વળી બીજો રૂડો અવસર કયો હોઇ શકે !
તેમની પત્ની સવિતા પણ પતિની ખુશીમાં સામલે થઇ છે. બેઉ એક વાર દયાળજી શેઠને ઘરે જઈ આવ્યા છે. અને દાંડિયા રાસને દિવસે ઢોલ અને શરણાઈની રમઝટ બોલાવવાનું વચન આપી આવ્યા છે. દિલીપને એકવાર એના પપ્પાએ કહ્યું એટલે તે તૈયાર થઇ જાય. તેના પપ્પાની વાતને કદી કાપતો નહિ કે અવરોધતો નહિ.
દયાળજી શેઠતો ગામડે હતા ત્યારના શ્રીમંત હતા અને હવે તો સિટીમાં આવ્યા પછી તો વધુ શ્રીમંત બની ગયા છે. એમની એકની એક દીકરી નીલમના લગન હતા પછી તો કોઈ કહેવાનું બાકી ના રાખે !
પાર્ટી પ્લોટમાં દાંડિયા રાસનું ભવ્ય આયોજન છે. આમઁત્રિત મહેમાનોમાં ઘણા ખરા તો સિટીના જ હતા. આથી ઢોલ અને શરણાઈની રમઝટ બ્રેક બાદ રાખી હતી. બ્રેક પડ્યો અને બધા નાસ્તો લેવા લાગી ગયા. નીલમ પણ એની સહિયરો સાથે દાંડિયા રાસને લીધે પરસેવે લથબથ થઈને એક ખુરશી પર બેસી ગઈ. મેઘાભાઈએ પોતાના દીકરા દિલીપને નાસ્તો લઇ લેવા કહ્યું. બંને નાસ્તો લેવા જતા હતા કે દયાળજી શેઠે બુમ પાડી.
“ મેઘા, બેઉ બાપ દીકરો બરાબર નાસ્તો કરીલો..પછી એવી જમાવટ કરો કે સિટીના લોકો વખાણ કરતા થાકી જાય. ”
“ હા શેઠ હા, એવુંજ થશે ….આપની કૃપા દ્રષ્ટિ છે….પછી તો ” કહીને મેઘાભાઈ દીકરાને લઈને નાસ્તો કરવા લાગ્યા.
માઈક પર ઢોલ-શરણાઈની જાહેરાત થઇ કે બધા લોકો પોજિશનમાં ગોઠવાઈ ગયા. ડી.જે. ના રંગે નાચતા મહેમાનોને આજે અસલી ઢોલના તાલે નાચવાનો અવસર મળ્યો છે. મેઘાભાઈએ ઢોલ પાર દાંડી મારી કે આખા મંડપમાં એના શુરો ગાજી ઉઠ્યા. મેઘાભાઈએ ઈશારો કરીને દિલાને શરણાઈ વગાડવાનું કહ્યું. લોકોના પગમાં ખનકારા બોલી ઉઠ્યા છે. પગ થિરકીને થનગનવા આતુર છે. ગાનારે માઇકમાંથી ગાવાના શૂર છેડ્યા છે. મેઘાભાઈએ ઢોલ પર દાંડીને રમાડવા લાગી છે. દિલાએ પણ શરણાઈના શૂરોને હવામાં વહેતા કર્યા છે. જેવા શરણાઈના શૂર વહેવા લાગ્યા કે ઢોલ અને શરણાઈના શૂર નો તાલમેલ બાઝતો ના હોય એવું બધાને લાગ્યું.
“ દિલા, જાનની વિદાયના શૂર અટાણે કાં બેટા ? ”
“ હું તો બરાબર વગાડું છું પણ ખબર નહિ….” ને તે ફરી વગાડવા લાગ્યો
મેઘાભાઈએ બે ત્રણ વાર કહી જોયું પણ દિલાની શરણાઈના શૂરમાં અસલી મોજ વર્તાણી નહિ. તે પણ વિચારમાં પડી ગયા. ” દિલો તો શરણાઈના શૂરનો પાક્કો ગવૈયો, તોય કેમ આજે એના શૂરમાં કરુણા છલકાય છે ?
મેઘાભાઈ પણ જમાનાના ખાધેલ, વચન તો પાળેજ છૂટકો હતો. બહાનું કાઢીને દિલાને નીચે બેસાડ્યો. અને ઢોલ પર રીતસરની સવારી બોલાવી. ઢોલ પર દાંડી અને નાચવા વાળની થનકનો તાલમેલ….રાતના ત્રણ વાગ્યા સુધી મેઘો હલ્યો નહિ. ઢોલ તૂટે તો ભલે પણ રમઝટ તોડવી નહિ ! એમ નક્કી કરીને મંડપમાં જામ્યો છે. દયાળજી શેઠે 1001 રૂપિયા આપીને મેઘાની પીઠ થાબડી.
“શેઠ, આજે આ રૂપિયા પાછા લઈલો, અભિમાનથી નહિ ગુમાનથી કહું છું. નીલમ તમારી દીકરી એવી મારી પણ દીકરીજ ને ! ” બોલીને મેઘાભાઈએ વિદાય લીધી. ઘરે જઈને ચુપચાપ સુઈ ગયા.
બીજા દિવસે સવારે, દિલીપ ઉઠીને ચા નાસ્તા માટે આવ્યો કે મેઘાભાઈ ચૂપ ના રહી શકયા.
“ બેટા, રાત્રે તારી શરણાઈના શૂરમાં જે કરુણા રસ ખસતો નહોતો ઈ ખુબ નવાઈ લાગે છે. ”
“કોને ખબર ” બોલીને તે ચા નાસ્તો કરવા લાગ્યો. “ બેટા, શરણાઈ તો એક નિર્જીવ ચીજ….એના શૂર તો આપણા દિલ થકી જ ઉપજે ” કહીને મેઘાભાઈએ દિલા સામે જોયું. દિલો તો ચુપચાપ નાસ્તો જ કરતો રહ્યો.
“હું તારો બાપ તો છું જ પણ તારો દોસ્તાર પણ નથી ? તો તારા દિલમાં કોઈ કરુણા કેમ ? તને મારાથી કોઈ અજાણતા ખોટું તો નથી કે’વાઈ ગયું ? ”
“ના પપ્પા…એમ બોલીને મને પાપમાં ના પાડો…એવું કંઈજ નથી…. ”
“ના …..તારી આંખોમાં મને તો અત્યારે પણ કરુણતા દેખાય છે. ” મેઘાભાઈ બોલ્યા કે દિલાની આંખોમાંથી ટપક ટપક આંસુ પડવા લાગ્યા. “ તને મારા સમ છે જો ના કહે તો…” તેઓ પણ ઢીલા પડી ગયા. આજે પહેલી વાર પોતાનો યુવાન દીકરો રડી પડ્યો હતો.
“પપ્પા, વાતમાં ખાસ કોઈ દમ નથી….હું અને નીલમ બેઉ ભેગા ભણતા હતા. એની સુંદરતા તો આખા ગામમાં અજોડ હતી. એ મને બહુ ગમતી હતી…..પણ ક્યાં એ અને ક્યાં આપણે ? ”
“અરે મારા ભગવાન …. ” સાંભળીને મણ એકનો નીશાસો નાખીને તેઓ હતાશ થયા.
“મેં કદી કોઈને એ વિષે વાત નથી કરી. રાત્રે એને લગનના લેબાસમાં કલ્પીને કદાચ દિલમાં કરુણા વસી ગઈ હશે. ”
“અરે રે બેટા….એ તો શ્રીમંત બાપની એકની એક દીકરી…અને એ પણ એકદમ સુંદર. કદાચ કાલે તો એણે તારી સામે જોયું પણ નહિ હોય ! ”
“સાચી વાત છે….પણ તમે હવે દુઃખી ના થાશો…કાલે તો એ સાસરે જતી રહેશે… એ તો નિર્દોષ છે, મારો એક તરફી પ્રેમ તો ગુનેગાર જ ને ? મારા દિલમાં એના વિશેના પ્રેમના જે અંકુર ફૂટેલા તે તો ત્યારે જ કરમાઈ ગયેલા. ત્યાર બાદ મને કદી નીલમની યાદ સુધ્ધાં નથી આવી. ”
“મારે શું કહેવું એજ ગમ નથી પડતી” માથે બે હાથ ટેકવીને તેઓ બેસી રહ્યા
“પપ્પા, રાત માટે મને માફ કરી દો…અને હાં તમે રાતની વાતને હવે પછી યાદ કરો તો મારા સમ છે ” દિલાએ પોતાના પપ્પાને દિલાસો આપ્યો.
આ વાર્તાલાપ સાંભળીને ઘરની દીવાલો તો વિચારવા લાગી કે કોણ કોને દિલાસો આપી રહ્યું છે !

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in નવલિકા. Bookmark the permalink.

2 Responses to શરણાઈના શૂર

  1. vimala કહે છે:

    શરણાઈના કરુણ સૂરમાં પણ એક તરફી લાગણીનો  સકારત્મક અભિગમ  ધરાવતા દિલીપના વ્યક્તિત્વનું સુંદર પાત્રલેખન.
    “આ વાર્તાલાપ સાંભળીને ઘરની દીવાલો તો વિચારવા લાગી કે કોણ કોને દિલાસો આપી રહ્યું છે !” દીવાલો સાથે વાંચકને પણ વિચાર કરતા કરી દે
    તેવી સરસ વર્તા.

  2. રીતેશ મોકાસણા કહે છે:

    આપની દરેક કોમેન્ટ ઉત્સાહપ્રેરક હોય છે; નમન સાથે આભાર !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s