શાહુડીના પીંછા

શાહુડીના પીંછા

આજ સુધીના મારા શંશોધન મુજબ દશમાં ધોરણ સુધી આવેલો દરેક વિદ્યાર્થી, જેવી પરીક્ષા પતે કે પુસ્તકોને માળીયા પર મૂકી દે. (અહીંયા સજ્જનતામાં લખવું પડે બાકી તો બધા માળિયામાં ફેંકે) આખું વર્ષ જતન કરેલા પુસ્તકો માળિયામાં પડ્યા પડ્યા રડતા પણ હોઈ શકે ! કોઈ કોઈ હકાના પુસ્તકો જેવા તો રાજી પણ થતા હોય. હવે રાજી કેમ થતા હોય ? એવું પૂછીને મારા અંગત મિત્ર હકાનું અપમાન ના કરશો. જો કે નરીયા જેવું અમુક લોકો તો પુસ્તકોને પસ્તી વાળાને પણ આપી આવે. એમાંથી નાટક, સિનેમા, સર્કસ કે ખાણી પીણીની મોજ પણ ઉડાવી લે. બાકી હું તો રિજલ્ટ આવે પછી પુસ્તકોને વેચતો…કોઈ લેવા વાળું ના હોય તો પસ્તીમાં. નરીયો તો રિજલ્ટ આવે કે ના આવે પુસ્તકો તો પસ્તીમાં જ ! તમને એવું લાગતું હશે કે નરીયો ભણવામાં હોશિયાર કે ફેઈલ તો થાય જ નહિ એવો અતૂટ વિશ્વાસ ?  ના રે ના !  એક તો પરીક્ષા આવે ત્યાં સુધીમાં એના પુસ્તકોની સાઈઝ અડધી થઇ ગઈ હોય. પાસ થાય કે નાપાસ એ પુસ્તકો કામમાં તો ના જ આવે. પસ્તી લેવા વાળો પણ એની ઉપર ગિન્નાય !
આવીજ મજાની અમારી પરીક્ષાઓ પુરી થઇ ગયેલી. એક ખાલી અશ્કાને બાકી, કેમ કે એને એક પેપર વધારાનું આવતું, ટેક્નિકલનું. જો કે અશ્કો તો ય અમારી તળાવની પાળે ભરાતી મિટિંગ માં તો આવે જ ! આવીને કહે
“ ટેક્નિકલ તો વળી કોઈ સબ્જેક્ટ કેવાય ! ”
“ તો, એક ખાલી તેં એકે જ રાખ્યો છે ? ” એમ કહીને વિનિયો એની પાછળ દોડતો.
“ તમે બેય હનુમાનજીની ડેરી પાછળ જઈને ઝઘડો ” બોલીને દિલાએ બેઉને શાંત પાડ્યા.
“ હા અલ્યા, માંડ પરીક્ષાનો બોજો ઉતર્યો છે તો કંઈક બીજી વાતો કરો ” ભણવામાં જરા પણ સિરિયસ નહિ એવો જીલો બોલ્યો.
“ આ વખતે વીડમાં જવાની, ચોટીલા ચાલતાં જવાની કે બીજી કોઈ આડી અવળી વાત કરીને મારું મગજ બગાડવું હોય તો હું આ જાઉં ” એમ બોલીને દિલો ઉભો થઇ ગયો.
“ તું બેસ ને, હજી તો કોઈએ કોઈ વાત કરીજ નથી ” મેં એને હાથ પકડીને બેસાડ્યો.
“ વેકેશન પડ્યું છે તો કંઇક તો થવું જ જોઈએ ” હકો બોલ્યો.
“ ક્રિકેટ મેચની પત્તર ફાડતો નહિ…આ વખતે તો ગરમી પણ બહુ પડે છે ” જીગાએ કહ્યું.
“ ચોપડા ફાડયા તો, હવે તુજ કંઇક ફાડને ” ટીનાએ બરાડો પાડ્યો.
મિટિંગને અંતે એવું નક્કી થયું કે વજાના મિત્ર ઘનાની વાડીએ જવું. ઘનાની વાડી એટલા માટે નક્કી કરી કે તેમાં, અત્યારે ઉનાળુ મગફળી વાવેલી હતી. અધૂરામાં પૂરું મગફળીના ઓળા પાડે તેવી થઇ ગઈ હતી. સમજૂતી એવી થઇ કે બધાએ બે બે રૂપિયા કાઢવાના અને એમાંથી કેળા, ફરાળી ચેવડો અને પેડા સાથે લઇ જવા. ત્યાં જઈને મગફળીના ઓળા સાથે બધું ખાવાનું.
આ વખતે ટીમનો કેપ્ટન પીપળા વાળી શેરીનો ઉમલો હતો. એ મારો મિત્ર હતો એ નાતે નહિ પણ ઘનો અને ઉમલો ખાસ જીગરી. ઉમલા સાથે નરીયો અને દિલો પણ ગયા. બધો સામાન લઈને મારા ઘરે આવી ગયા. લગભગ બપોરે ત્રણેક વાગ્યે અમારી ટીખળ ટોળી મારા ઘરેથી નીકળી. હું, મારો ભાઈ, દિલો, જીલો, ટીનો, અશ્કો, જીગો, વજો, દલો, હકો અને ઉમો; બધા આગળ પાછળ ચાલતાં ચાલતાં જવા લાગ્યા.
આજે હું જીલાની એક નબળાઈ કહું છું. જીલો રહે સ્કૂલની બાજુમાં અને એની પાસે પ્રાણીઓ વિશેનું જ્ઞાન બહુ સીમિત હતું. જોકે અમે બધા પણ એટલા જ્ઞાની નહિ છતાં જીલા કરતા વધુ નોલેજ ખરું ! તો નવાઈમાં ના ડુબશો. અમારી ટોળી ધીરે ધીરે ગામ વટાવીને, ખેતર વિસ્તારમાં પ્રવેશી. રસ્તામાં સસલું કે એવા કોઈ પ્રાણીનો ભેટો ચોક્કસ થાય ! જતા હતા એવામાં જીગાની નજર એક શાહુડી પર પડી. ધીરેથી હકા પાસે ગયો અને નરીયાના કાનમાં કહ્યું. અને તાત્કાલિક પ્લાન ઘડી કાઢ્યો.
“જીલા, તું કદી આવા પીંછાથી રમ્યો છે ? ” શાહુડી સામે બતાવીને જીગાએ કહ્યું.
“અરે એમાં…” વચ્ચે ઉમલો કૂદી પડ્યો.
“તારી જાતનો….બહુ હોશિયાર તે ખબર ” બોલીને ટીનાએ મોટો ઘાંટો પાડીને એની સામે એક પથ્થર ફેંક્યો. અને અમારી બાકીની ટોળી સમજી ગઈ. એમ અમારી ટોળી કોઈ બાઘી નહિ હો !
“ના યાર મેં તો આવા પીંછા પહેલી વાર જોયા… ” એમ બોલીને જીગો ઉભો રહી ગયો. તમાશો જોવા અમે પણ સ્થિર.
શાહુડી વિષે તો બધાને ખ્યાલ હશેજ; એટલે લખતો નથી. અને થોડું ઘણું આગળ વાંચશો એટલે સમજાઈ જશે. અમને જોઈને શાહુડી એકદમ સંકોચાઈને બેસી ગઈ હતી. ટીનાએ જીગાને કહ્યું કે “ ઉપાડ પીંછાના ઢગ ને ”
આથી જીગો વાંકો વાળ્યો અને પીંછાનો ઢગલો માનીને ઉપાડ્યું.
“ એમ નહિ જીગા, બે હાથે બથ ભરીને લઈલે …તો વધુ મુલાયમ લાગશે ” અશ્કે એને ઉશ્કેર્યો. આથી જીગાએ બે હાથે પીંછાને ઉપડ્યા કે સાથે શાહુડી પણ આવે જ ! શાહુડીને લાગ્યું કે નક્કી એનું મોત ! આથી એને સ્વબચાવ કરવા માટે પોતાની ટ્રીકનો ઉપયોગ કર્યો. પાંખો ફેલાવીને પહોળી કરીકે એના પીંછા તો જિગાનાં પેટમાં ખૂંચવા લાગ્યા.
“ તારો માંનો… ટીનીયો…. ” એમ બોલીને એને શાહુડીને નીચે મૂકી દીધી.
“ એય જીગલા મારું નામ નહિ દે …દલાને કહે ”
“ કોણ ??  હું તો છાનોમાનો ઉભો હતો ”
જીગો આજે પહેલી વાર અજાણ્યા પ્રાણીથી ઘાયલ થયો હતો. હકાએ એનો શર્ટ ઊંચો કરીને જોયું તો એના શરીર પર લોહીના ટશિયા આવી ગયેલા. થોડો ઘણો હકીમ એવા ધનાએ બાવળના પાનને મસળીને એન શરીર પર લગાવ્યા. જોકે આ બધો બનાવ તો બે કે ત્રણ મિનિટનો જ ખેલ હતો. અમે બધા તો ઘનાની વાડીએ જઈને જલસો કરવાના મૂડમાં હતા. થોડા ચાલ્યા કે જીગો તો નીચે સૂઈને આળોટવા લાગ્યો. એને શરીરે ખણ આવતી હતી. એટલું સારું થયું કે કોઈએ એમ ના કહયું કે ઘનાએ ઘા બાજરિયું નથી લાગાવ્યું. નહિ તો અમારી ટોળી રસ્તામાં જ બધો ખેલ પુરી કરી લેત !

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing a sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in હાસ્યલેખ/ જોક્સ. Bookmark the permalink.

3 Responses to શાહુડીના પીંછા

 1. vimala કહે છે:

  શાહુડીના પીંછા, એવું શિર્ષક જોયું ને પછી પહેલા ફકરામાં પુસ્તકો માળ્યામાં ફેંકાયેલા જોયા ત્યારે જ અનુમાન થઈ ગ્યું કે હવે આ ટોળકી આવા કોઇ પરાક્રમને રસ્તે જાશે ને એકાદને ફસાવશે!!!

  બાકી બે બે રૂપિયા કાઢીને એમાંથી કેળા, ફરાળી ચેવડો અને પેડા સાથે મગફળીના ઓળા સાથેની જ્યાફતનો આઇડિયા બહુ ગમ્યો; એ ઉંમરની એ મોજ હતી,જે મોટીમસ પાર્ટીઓમા પણ ના મળે

  • રીતેશ મોકાસણા કહે છે:

   સાચી વાત છે, હું આવા ગામઠી લેખો એટલે લખું છું કે એ ક્લચર એક ઇતિહાસ બની ગયો છે.
   આપ મારા લેખો માણો છે તેની ઘણી ખુશી છે !

 2. પિંગબેક: શાહુડીના પીંછા – ગુજરાતી બ્લોગ જગત

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s