દલાએ દલડું ચોર્યું

દલાએ દલડું ચોર્યું

આજની ચર્ચા થોડી ગંભીર છે. અમારા મહેલ્લામાં પ્રેમને પાંગરવા માટે બહુ અવકાશો નથી મળ્યા. મારા મિત્ર હકેશ્વરે જે પ્રેમ કરેલો તેની નોંધ મહેલ્લા બહારના એ લીધી નહોતી. રસીલા સાસરે પણ જતી રહી અને હકો પાછો હતો એવો ને એવો થઇ ગયેલો ! લેખ લખતા પહેલા શીર્ષક લખી કાઢ્યું છે તો હવે કોઈકને તો પ્રેમ કરાવવોજ પડશે !
હા, તો આજે આપણે વાત કરવાની છે દલસુખ સાયકલ વાળાની એટલે કે આપણા સૌના પ્યારા એવા મિત્ર દલાની. આ દલો સાયકલ વાળો કેમ ? એ અત્યારે નથી કહેતો, લેખ પૂરો થતા સુધીમાં ખ્યાલ આવી જશે. એનું મૂળ નામ દલસુખ, પણ હરામ એને કોઈ દલસુખ કહે તો ! મહેલ્લામાં એક સમ ખાવા પૂરતો એક જ કોઈ હોય તો એ દલો. એકવાર તો એવું બન્યું કે સ્કૂલમાં દલાને ઘરે વાંચવા માટે, એના ઇતિહાસના સાહેબે એક બુક આપેલી. બુક લેવા માટે એના સાહેબ અમારા મહેલ્લામાં આવેલા. આવીને દલાને જ પૂછ્યું; “દલસુખનું ઘર ક્યાં ? ”
“કોણ દલસુખ, સાહેબ ? ” દલો તો સાહેબ સામે બાઘા જેમ વિચારતો ઉભો છે. સ્કૂલમાં તો રોજ યુનિફોર્મ પહેરેલો હોય, ને હાલ તે બીજા કાપડમાં હતો તે ઓળખાયો નહિ. સાહેબે ફરી વાર એની સામે જોયું અને એક તમતમતો તમાચો એના ગાલે માર્યો.
“અલ્યા દલસુખ હું તારા માટે પૂછતો હતો, જા પેલી બુક લઇ આવ ”
દલાએ કોઈ પણ જાતની દલીલ કર્યા વગર દોડતો ઘરે ગયો અને એમની બુક લઈને આપી દીધી. જોકે એ વાત તો મહેલ્લામાં બહુ ચગેલી નહિ.
મતલબ કે દલાને કોઈ એના રિયલ નામે બોલાવે તો પણ એ, એવુજ માને કે કોઈ બીજા દલસુખની વાત હશે. દલાની વાત કરતા પહેલા તેની થોડી ખાસિયત બતાવવી તે મારો નિજી ધર્મ છે અને આપનો જાણવાનો.
દલો ઘણાં અંશે શાંત, બધા વચ્ચે બહુ બાફે નહિ. અને ખાસ તો લખોટી રમવામાં એક્કો. જેમ્સ બોન્ડ જીગાની ડાયરીના એક પાનામાંથી મળેલ માહિતી અનુસાર, દલા પાસે એક મટકી ભરીને લખોટીઓ છે ! આથી ટીનો, એને ઘણી વાર બાણું લાખ લખોટીઓનો ધણી કહીને ખપાવતો !
અમારું વેકેશન તો યુવાનીના પૂર જોશમાં વહી રહયું છે. સવારે આંબલીબાગમાં, બપોરે તળાવે નાહવા અને સાંજે ક્રિકેટ રમીએ ને વળી રાત્રે મહેલ્લામાં મહેફિલ ! આ ક્રમનું પણ કોઈ ઠેકાણું નહિ. એમને એમ કાંઈ અમારી ટોળીનું નામ ટીખળ ટોળી થોડું પડ્યું હશે ! વેકેશન પડે એટલે અમારી ટોળીમાં ઘણાં સભ્યો હાજર ના પણ હોય અને ઘણા નવા પણ હોય. મનો એટલે કે મનીષ, બહુ અમારી જોડે રમે નહિ. નહિ રમવાનું મુખ્ય કારણ નરીયો હતો. એની જોડે એને બહુ ફાવે નહિ અને અમે કોઈ પણ ભોગે નરીયા વગર ચલાવી નહોતા લેતા. વેકેશનમા એ કયારેક અમારી જોડે રમતો. ખીસું ભરીને લખોટી લઈ આવે અને અમારો દલો એને થોડી વારમાં તો ખાલી ખિસ્સે ઘર ભેગો કરી દેતો. આથી અશ્કો એને લાડમાં લખોટીપતિ પણ કહેતો. આ વખતે વેકેશનમાં અમારા મહેલ્લામાં રસીલાની નણંદ આવેલી. રસીલા ઘણે સમયે આવેલી હોઈ બધા એને ખુબ માન આપતા હતા. અને એમાંય યુવાનો બધા માન આપવા લાગ્યા એટલે અમારા હકાને ઘણી નવાઈ લાગેલી. પછી એ મારી આગળ ભસ્યો કે,માન રસીલાને નહિ પણ સાથે આવેલી રસિલીને લઈને છે!
જોકે શરુ શરૂમાં તો હકે પણ રસીલા સાથે પનારો પાડવાની ટ્રાય કરી. પણ તેની નણંદે એની સામે જોવાની પણ તસ્દી ના લીધી એટલે ભાઈ માયૂષ થઈને તળાવે નાહવા જતા રહેતા.
ન્યુટનના નવમા  નિયમ મુજબ, કોઈ પણ સારી કે નરવી દેખાતી છોકરી સામે છોકરો ગુરત્વાકર્ષણે ખેંચાય જ ! એ નિયમને માન આપીને મહેલ્લાના લગભગ દરેક છોકરાએ, પોત પોતાની શક્તિ એટલી ભક્તિ કરી જોયેલી. એમાં ખાલી વજો એકજ બાકાત ! જીગો આવીને મને પૂછે કે;  “ કેમ વજાએ ટ્રાય ના કરી. ? ”
“ કેવાની ટ્રાય ? એ તો સ્કૂલજ નથી જતો તે ” મેં શાણપણ ગિરી બતાવી. હું એ એમ કઈ થોડો હાર માનું ને છાછ ફૂંકીને પીવું.
એનો જવાબ ખુદ વજાએ જ આપ્યો. “ અરે યાર હું ભણેલો નહિ અને એ રૂપાળી દેખાતી શહેરની છોકરી સામે જોવાય પણ કેમ ? ”
“વજા, એ ય નથી ભણેલી ” દિનાએ અગ્નિમાં ઘી હોમી આપ્યું.
બે દિવસ પછી જીગો ખબર લાવ્યો કે વજાએ તો રસિલાની નણંદને લઇ પાડેલી. પેલી વજાના ઘર પાસેથી નીકળી અને ગટરનું પાણી ઉભરાતું જોયું કે “ ઓ માય ગોડ ” બોલી. વજો સાંભળી ગયેલો ; આથી એને આપી પડી ; “ મારી જેમ અભણ છે ને અંગ્રેજી શું કામ ફાડે છે ? ” આ સાંભળીને પેલીએ એક ઢેખાળો વજા ઉપર ફેંકેલો. એ જાણીને અશ્કો ખુબ રાજી થયેલો કે, ચાલો એક તો ઓછો !
એ વાતની જાણ રસીલાને થઇ આથી એને હકાને એકબાજુ બોલાવીને ચીમકી આપી દીધી;
“ હકા કોઈએ મારી નણંદ સામે જોવું નહીં ”
“બીજાને તો ઠીક પણ મારેય નહિ ??? ” એમ બોલીને હકાએ સોગઠી મારી જોયેલી પણ રસીલાએ તો હકાને આંખોથી એવું તીર માર્યું કે હકો તો દીવાલ સાથે જડાઈ ગયેલો. આ વાતની જાણ પણ અમારી ટીખળ ટોળીમાં પવન વેગે ફેલાઈ ગયેલી.
અમારા મહેલ્લામાં ખાલી દલા પાસેજ સ્પીડકિંગ સાઇકલ. બાકીનાં અમે બધા તો અમારા ફાધરો કે બ્રધરોની જ સાયકલ ચલાવતા. દલાના કાને એક વાત આવી કે રસિલાની નણંદને સાયકલ શીખવી છે. આ જ વાત પાછી જીગાને કાને પણ આવી. તો જીગાએ એ વાતનો અફસોસ ના કર્યો કે, મારા પહેલા દલાને કાને આ વાત આવી કેમ ? પણ એણે તો પોતાની પાસે પણ સ્પીડકિંગ સાયકલ નહોતી એનો અફસોસ કર્યો.
સાયકલ પર હું વધુ વિસ્તારથી નથી લખતો પણ સાયકલને લઈને થયેલી ધમાચકડી વિષે ખાસ લખીશ અને એજ તો આ લેખનો મહત્વનો ભાગ છે. બીજા દિવસે તો અમે લોકો ક્રિકેટ મેચ માટે હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં ઉપડી ગયેલા.
મેચ હારીને અમે લોકો લથબથ થતાં તળાવની પાળે પાળે આવતા હતા. તળાવની બાજુમા જ એક રસ્તો જે ગામની બહાર તરફ જાય. આ રસ્તો એટલે, એકદમ ટ્રાફિક વગરનો. અમે બધા તોફાન મસ્તી કરતા જતા હતાં કે અશ્કાના પગ જમીન સાથે જડાઈ ગયેલા. દિલાનું ધ્યાન ગયું કે, અશ્કો પાછળ રહી ગયો છે. દિલાએ ઈશારો કરીને પૂછ્યું તો એ બોલી પણ ના શક્યો. એણે પણ ઈશારો કરીને રસ્તા સામે પોઇન્ટ આઉટ કર્યું. બધાનું એક સાથે ધ્યાન ગયું કે અમે બધા તળાવની પાળે સ્ટેચ્યુ થઇ ગયા. કોઈનામાં બોલવાના હોશ ના રહ્યાં, બધા એકબીજા સામે જોવા લાગ્યા. મિત્રો, અમે લોકોએ જે દ્રશ્ય જોયું તે હતું જ એવું ! દલો, રસીલાની નણંદને સાયકલ શીખવતો હતો.
“ માળો, એટલે મેચ રમવા ના આવ્યો ” એવો ધીમો સિશકારો સંભળાયો. હું સમજી ગયો કે એ અશ્કો જ હોવો જોઈએ.

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing a sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in હાસ્યલેખ/ જોક્સ. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s