ઘમ્મર વલોણું-૩૪
જમીન ખેડીને સાફ સુથરી કરી લીધી. એમાં ખાતર અને પાણી નાખીને ભેજવાળી કરી. એમાં ફૂલના બીજ નાખ્યા. સૂર્ય એ તડકો ફેંક્યો કે એમાં અંકુર ફૂટ્યા. એ અંકુરો જોઈને દિલમાં જે ખુશીનો વ્યાપ થયો તે અવર્ણિત હતો. અંકુરોને પાણી અને તડકા સાથે હવાએ પણ સાથ આપ્યો કે જોત જોતામાં એ છોડ બની ગયો. થોડા દિવસોમાં તો એની ડાળીઓ પર કળીઓ ફૂટી અને જોતજોતામાં એ મનમોહક અને ખુશ્બૂદાર ફૂલ બની ગયું. ચારે દિશામાં એની સોડમ પ્રસરી ઉઠી.
બે દિવસ બાદ તો ફૂલની પાંખડીઓ ઝાંખી પડીને કરમાવા લાગી. મનમોહક ખુશ્બુ ઓસરવા લાગી. હજી તો હું એનો અફસોસ કરું છું ત્યાં તો એ ફૂલ ડાળીથી વિખૂટું પડીને નીચે પડ્યું. આકાશ સામે જોઈને ફરી નીચે જોયું. એ કરમાયેલા ફૂલમાંથી પોકાર આવી રહયો હતો. ફૂલોની ભાષા તો ના સમજાઈ પણ અટકળો તો જરૂર કરી શકું, એમ માની મનને વિચારવા વહેતું કર્યું.
દરેકને પોતપોતાનું આયુષ્ય હોય છે. તો એનું આયુષ્ય તો પૂરું થઈ ગયું હશે, બાકી એને એમ હોય કે મારી માવજતમાં કોઈ કચાશ રહી ગઈ હોય. મેં મારા બચાવ રૂપે કહ્યું કે અગર મારી માવજતમાં કચાશ હોત તો અંકુર જ કરમાઈ ગયા હોત. એથી વધુ, છોડ પણ કરમાઈ ગયો હોત.
તો બીજી શું હોઈ શકે ?
મન ને તો હુકમોનું પાલન કર્યે જ છૂટકો હતો !
ક્યાંક વાંચવામાં આવેલું કે ફૂલો, છોડ પર રહીને પસ્તાવો કરતા હોય છે. છોડ પરથી ફૂલ થાળીમાં આવે તો ફૂલછાબ બની જાય છે. કોઈ છોકરીના માથે લાગે કે ગજરો બને તો પ્રેમનું પ્રતીક બની જાય છે. હાર બનીને કોઈ વરરાજાના ગળામાં પડે તો હરખનાં પ્રસંગનું પ્રતીક બની જાય છે. અને કોઈ મૃત શરીર પર પથરાય તો શોક અને શ્રદ્ધાંજલીનું પ્રતીક બની જાય છે. છોડ પરથી માળા બનીને તે ભગવાનના ગળામાં પડે તો પવિત્ર બની જાય છે. જો એનો અર્ક કાઢીને તેલ બનાવો તો હર એક પ્રસંગે ખુશ્બુ આપતું માનીતું અત્તર બની જાય છે.
અંતઃ રૂપ; પ્રતીક, શોભા, શણગાર કે મહત્વ આપવા વાળી તો માનવ જાત જ ને !
વિચારો શાંત પડ્યા અને વળી ફૂલ સામે જોયું તો, એની કળીઓ બીડાઈ ગઈ હતી. મનમોહક બનેલું તે હવે ધુત્કારી લાગતું હતું. માન્યું કે પળમાં તો એ ધૂળમાં ભળી જશે.
અરે રે ! ધૂળમાંથી વિકાસ અને ધૂળમાં જ નાશ !
“આ બધો જ માટીનો ખેલ છે, મિત્ર”
કોણ કહી ગયું ? કોને કહી ગયું ? ચારે બાજુ ફાંફા મારતો વળી જમીનને ખોતરી, ભીની કરવા પાણી છાંટવા લાગ્યો. મારા હાથમાં રહેલ ફળના બીજ જમીનમાં જવા તત્પરતા દેખાડતા હતા.
Dust develop and destroy only in dust..Nice post
Thank you very much
“ધૂળમાંથી વિકાસ અને ધૂળમાં જ નાશ !
“આ બધો જ માટીનો ખેલ છે, મિત્ર”
જીવ તત્વના સૃજન ,વિકાસ,નાશ ને ફરી સર્જનના કુદરતિ નિયમનું સરસ ખેડાણ કર્યું , એક નાનકડાં ફૂલની જીવન સફરને જોઇને!!!!
વાહ !!!કહેવાનું તો બને જ છે.
આપને ગમ્યું તે મને પણ ગમ્યું…..નમસ્તે 🙂
પિંગબેક: ઘમ્મર વલોણું-૩૪ – RKD-रंग कसुंबल डायरो
Thank you Atul bhai 🙂