ગરબી

ગરબી

તહેવારનો થડકલો એટલે નવરાત્રી ! યાનેકી તહેવારનું એક મોટું પડીકું. પહેલા નવરાત્રીમાં ખાલી પુરુષ લોકો માતાજીનાં જ ગરબા ગાતા. કેમ એકલાં પુરુષો ? મગજને થોડી તસ્દી આપજો જવાબ મળી જશે. પછી એવું થયું કે ગરબા ગાવામાં નાની બાળાઓ ભળી. અત્યાર ના ગરબામાં કોઈ પણ ભળી શકે, જેટલી શક્તિ એટલી ભક્તિ ! લોકો નવ રાત્રી મન મૂકીને ગરબા ગાય. હવે એવોય સમય આવી ગયો કે લોકો આ નવ દિવસ થી ત્રુપ્ત ના થતા, લગ્ન પ્રસંગે પણ રાસગરબાનું આયોજન કરવા લાગ્યા.
મારા જેવા હજીયે ગરબા અને રાસ વચ્ચે ગોથા ખાય છે. આપણે અત્યારે એવા ગોથા નથી ખાવા, એય મજાના ગરબા ગાઈએ. હમણાં અમે લોકો મહેલ્લાની ઓટલા પરિષદ ભરેલી, જેમાં ખાસ્સી બધી સંખ્યામાં લોકો હાજર હતા. નવરાત્રી, જન્માષ્ટમી અને દિવાળી ત્રણ તહેવાર એવા કે મારા જેવા જે લોકો ગામથી બીજા ગામ ગયા હોય તે આ તહેવાર ટાઇમે આવે. મુખ્ય કારણ તો બધા એક સાથે મળે. અમે લોકો એકદમ નાના હતા ત્યારની વાત નીકળી. મિત્રો, જે સ્થળે ગરબા ગવાતા હોય તેને અમે ગરબી કહેતા.
થોડો વધુ ઊંડો જઈને સ્વ આનંદ લેવાનો વિચાર કર્યો છે તો આપ સૌની અનુમતિ લઈને કહું છું. ગામડામાં નવરાત્રીની સાંજે, સૂર્યાસ્ત બાદ; નાની બાળાઓ માથે ગરબો મૂકે અને ઘરે ઘરે ગરબા ગાતી. છોકરાઓ ઘોઘાને હાથમાં લઈને ઘરે ઘરે ઘોઘા ગીત ગાય. એના બદલામાં દરેક ઘરેથી કશુંક ને કશુંક મળતું. આમ ઘણી રમૂજો થતી. પણ એ રમૂજો ફરી કયારેક રજુ કરીશ. કારણ આ લેખ એના માટે નાનો પડે. એના માટે એક આખો લેખ લખવો પડે. નવરાત્રિને અઠવાડિયાની વાર હોય ત્યારે ગામ લોકો ભેગા થઈને ચાર થાંભલા ખોડે ઉપર કપડાંની ચંદણી ઓઢાડે. બધા જમીને આઠેક વાગ્યે આવે અને એક જવાબદાર વ્યક્તિ આવીને માતાજીની ગરબી મંડપ વચ્ચે લાવે. એ ગરબીને સાચી ગરબી કહેતા. સમય બદલાય એમ બધું બદલાય, હવે તો ગરબી ખાલી સૌરાષ્ટ્ર પૂરતું બની રહી. અને મોટા શહેરોમાં તો નવરાત્રી એકદમ પ્રોફેશનલ બની ગઈ. ગરબા ગાતા લોકોને એ પણ ખબર ના હોય કે માંના ફોટા કે મૂર્તિ કઈ બાજુ છે !
હવે અમારી વાત કરું. નવરાત્રી આવે એટલે અમારી ટીખળ ટોળી બાવળ, લીમડો, સરગવો, અને આંબલી એ ચાર જાડના લાકડા કાપીને ગરબી બનાવીએ. ઘરે ઘરેથી સાડી ઉઘરાવીએ. દિલથી આભાર માનુ છું એ દરેક માતા અને બહેનો નો કે અમને કદી ના નહોતા પાડતા. એ સાડીને નુકશાન પણ થતું. અમને યાદ છે કે કદી અમારા પર ગુસ્સે પણ નથી થયા. ગરબીની વચ્ચે એક ખુરશી પર અંબાજીમાંનો ફોટો મૂકીએ. ફોટા પર હાર તો ચડાવેલોજ હોય. કયારેક તાજા ફૂલનો હાર પણ ચડાવતા. ઘીના દીવાઓ કરતા અને પાંચ માતાજીના ગરબા ગવડાવતા. એક જણ ગરબો ગવરાવેને બીજા જીલે. ( જીલે એટલે કેચ જીલે એ નહિ પણ પાછળથી એજ લાઈનો ગાય ) ઘણે ખરે અંશે મારે જ ગરબા ગાવાનો વારો આવતો. હવે આછી કોમેડી ચાલુ કરું છું. લગભગ તો તમને હસવું નહીંજ આવે. પણ દરેક વખત જેમ આજે પણ ટ્રાય કરી લવ છું. હું ગરબા ગવરાવું એની ઈર્ષ્યા અમારા ટીખળ ટોળીના સભ્ય એવા શ્રીમાન જીલેશ્વરને આવે. કહે છે ને ઈર્ષ્યાળુને આશીર્વાદ રૂપે મેં પણ જીલાને આશીર્વાદ જેવું માનવાચક કહી દીધું. હું ગરબા ગવરાવતો હતો ને હકો મને કાનમાં આવીને કહી ગયો. જનરલી અમે લોકો રોજ પાંચ ગરબા ગાઈએ. પાંચ જ ગરબા ગાવાના એવો કોઈ ઉલ્લેખ નવરાત્ર શાસ્ત્રમાં ઉપલબ્ધ છે કે કેમ, પણ અમે અમારા મહેલ્લા પુરાણ મુજબ પાંચ ગરબા ગાઈએ.
બે ગરબા ગવાઈ જાય એટલે એક નાનો બ્રેક પડતો. મને લાગ્યું કે જીલો જે ઈર્ષ્યા કરે છે તે ઈર્ષ્યા નથી પણ દિલમાં ગાવાના કોડ છે. તો કોઈના કોડને પુરા કરવા જોઈએ, એવું દ્રઢ પણે માનીને મેં જીલાને ગરબા ગાવા માટે નોતર્યો. અમારી ટોળીમાંથી કોઈ પણ એવું નહોતું કે ગરબા નહોતું ગાતું. પણ ગરબા ગવરાવવા કેટલા અઘરા તે ગવરાવે તેને ખબર ! એક શાસ્ત્ર મુજબ એ એટલા જ અઘરા, જેટલું બધા વચ્ચે બોલવું, ગાવું વિગેરે વિગેરે. મેં હકાને કહ્યું કે જીલો હવે ગરબા ગવરાવશે ને હું જીલીશ.
“ અલ્યા જીલીયા થા ઉભો, ગવરાવ હવે ” હકાએ બમ પાડી. આવી બૂમો તો પડતીજ રહેતી. કારણ મહેલ્લો આખો અમને ઓળખે અને જાણે.
જીલો તો બે ઘડી થોથવાઈ ગયો પણ મનમાં ગરબો ગવરાવવાના કોડ જે ધરબી રાખેલ તે ઊંચા નીચા થયા. હડપ દઈને ઉભો થયો. હાથમાં ગરબાની ચોપડી લીધી.
“ ટીના, કયો ગરબો ગવરાવું ? ”
“ તને જે ફાવે તે….એક કામ ઘોર અંધારી વાળો થવા દે… ”
“ એ થોડો અઘરો પડશે…જીગા યાદ દેવરાવ ને ” જીલાએ જીગાને લીધો એમાં દિલો બગડ્યો
“ તારી તો……છાનોમાનો ગવરાવ નહીતો બેઠ નીચે ” દિલાએ બરાડો પાડ્યો.
બધા સામે એકવાર જોઈને એને તો ગરબાની ચોપડી ખુરશી ઉપર મૂકી દીધી. મને તો ઠીક પણ સૌથી વધુ આશ્ચર્ય અશ્કાને થયું. મારી સામે જોઈને એને આંખ મિચકારી. મેં પણ એને શાંત રહેવાનો ઈશારો કર્યો. જીલાએ ગવરાવવાનું ચાલુ કર્યું
દાણ માંગે કાનો દાણ માંગે…… ” હજી તો જીલો આગળ ગાવા જતો કે દીલાએ એનો પગ ખેંચ્યો
“ જીલીયા…નવરાત્રી છે માતાજીના ગરબા ગવરાવ ને. ” બીજા એક બે એ પણ સાથ પુરાવ્યો. જો કે દિલો અકળાયો તે વ્યાજબી હતું. એ રાસ તો જન્માષ્ટમી પર ગવાતો હતો. નવરાત્રીમાં કેમ ચાલે ? જીલો બે ઘડી થોથવાયો. ત્યાં મનીયાએ મહેણું માર્યું “ ટીનાએ કીધું એજ ગાઈ નાખ ને ”
હકો જેમ મને કાનમાં આવીને કહી ગયેલો તેમ જીલાને પણ કાનમાં જઈને કહ્યું
“ ના આવડે તો નીચે બેસ, રીતલો તીયાર જ છે ”પણ એમ કઈ ગાંજ્યો જાય તો જીલો શેનો ! એને તો દિલમાં હતો એટલો અવાજ બહાર કાઢ્યો ને ગાવાનું શરુ કર્યું “ તું તો કાળીને કલ્યાણી રે માં જ્યાં જોવું ત્યાં જોગમાયા ” ફફડાટ ને ગભરાતા જીલાના શૂર શાંત વાતાવરણમાં રેલાયા. અમે બધા ગરબો જીલવા લાગ્યા.
તને પહેલા તે યુગમાં જાણી રે માં જ્યાં જોવું ત્યાં જોગ માયા….( અમે ) તું તો પાંડવ ઘેર પટરાણી હો માં … ” હજી તો જીલો આગળ ગાય ત્યાં વજાએ એનો પગ ખેંચ્યો.
“ આ પારવતી અને સીતામાં ક્યાં ગયા ? ભલે હું ભણ્યો નથી પણ ગરબા બધા મોઢે ”
“ તો તું જ ગવરાવ ને બહુ હોશિયારી થાય તે ” જીલાએ વજા પર હુમલો કર્યો કે અશ્કો, દિલો, ધમો, અને વિનીયો ત્રણે એક સાથે જીલા પર તૂટી પડ્યા.
“ અલ્યા રીતિયાં આને નીચે બેસાડ… ”
આગળ એ કહેવાની જરૂર નથી કે બાકીના ગરબા મારે જ પુરા કરવા પડેલા. અમે લોકો તો ટીખળ ટોળીના હતા જ પણ પુરી આસ્થાથી અમે માં ભગવતીના ગરબા ગાતા, માં જગત જનનીના ગવૈયા થતા. વચ્ચે વચ્ચે જે ટીખળ થાય તે મહેલ્લા વાળાને ગમતી. અમારો ઉદેશ એ હતો કે માતાજીના ગરબા ગવાય. એ બહાને ભક્તિ થતી…માં આંબા સૌ પર દયા રાખે !
આવી બધી વાતો કરતા હતા ત્યાં તો નરીયો બગડ્યો
“ ઓય…..( મારી સામે જોઈને) આજ સુધીનો એક દાખલો બતાવ કે મને ગરબા ગવરાવવા મળ્યા હોય ? ”
“ હા હો…..પણ તું કદી આગળ ય નથી બેસતો ”
“ હા હવે…..રહેવા દે…તું તો નહાવામાં પાધરો બાકી….. ” ટીનો કહીને અટકી ગયો કે બાકીનું જીગાએ પૂરું કર્યું
“ તો કોઈ ઉભું ના રહે ”
“ એમ…..?? ” કરીને નરીયો જીગા પાછળ દોડ્યો કે જીગાનો શર્ટ નરીયાના હાથમાં થોડા આગળ દોડ્યા કે સામે આખલો આવતો દેખાયો કે બેઉ ચૂપ.
એ બેઉને જોઈને અમારી ટીખળ ટોળી હસી હસીને લોથ પોથ !

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in હાસ્યલેખ/ જોક્સ. Bookmark the permalink.

4 Responses to ગરબી

  1. પિંગબેક: ગરબી – RKD-रंग कसुंबल डायरो

  2. રીતેશ મોકાસણા કહે છે:

    Thank you dear !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s