ભગો ભૂલો પડ્યો

ભગો ભૂલો પડ્યો

ભગો નામ આમતો ઘણું જાણીતું છે. એનું મૂળ નામ ભગવાન હશે એવું અમે લોકોએ માની લીધેલું છે. તમે પણ માની લો બહુ નુકશાન નહિ જાય. આ ભગાનું નામ થોડા દિવસ અમારા મહેલ્લામાં પણ જાણીતું બની ગયેલું. ભગો એટલે અમારા મહેલ્લાનો તો નહીં જ, કે નહીતો બીજા મહેલ્લાનો. તો એવું પણ નહોતું કે એ અમારી ટીખળ ટોળીમાંના કોઈના ઘરે આવ્યો હોય. બહુ લાબું ચલાવ્યા વગર કહું તો; તે એક જાનમાં આવેલો. અને એ લગ્ન પ્રસંગે અમારો અશ્કો એને મળેલો. આથી બેઉ ટેમ્પરી દોસ્ત બની ગયેલા. અશ્કાએ એને ફરી કોઈક વાર મળવા માટેની વાત કરી રાખેલી. ભગો વધુ પડતો મળતાવડો હશે અને અશ્કાને મળવાની લાહ્યમાં અમારા ગામની મુલાકાત લેવાનો પ્લાન ઘડ્યો. અમારા એરિયામાં અને અમારા બધામાં પ્લાન ઘડી નાખવા, એટલે રમત વાત !
અમારા ગામને પણ અમદાવાદની જેમ ચારેબાજુ દરવાજા છે. ભગાએ અશ્કાને મળવા માટે એક પણ દરવાજા વાળો રોડ પસંદ ના કર્યો. પછીથી જાણવા મળેલ કારણ મુજબ, એનું ગામ એવું ગોઠવાયેલું હતું કે, એક પણ દરવાજા વાળો રોડ સેટ નહોતો થયો. એણે વચ્ચનો રોડ ( એને અમે લોકો કેડી પણ કહીએ હો ! )પસંદ કરીને પ્રયાણ કર્યું. એ રસ્તે આવતા વચ્ચે એક નેળિયું આવે. નેળિયું મતલબ કે રસ્તાની બંને બાજુ ઊંચી હોય અને તળાવનું પાણી ક્યારેક એમાંથી વહે પણ ખરું ! જેવો ભગો નેળીયા પાસે આવ્યો અને જોયું તો તે નદી જેવું ભયંકર રૂપ લઈને વહેતુ હતું.
આ વખતે ખુબ વરસાદ પડેલો, આથી તળાવનું પાણી ઓવરફ્લો થઈને એ નેળીયામાં જાય. પાણી જોઈને ભગો તો ભાંગી પડ્યો. બેય હાથ માથે ટેકવીને પાણી સામે જોતો બેસી રહ્યો. એક દેડકો ડ્રાંઉં કરીને બોલ્યો કે ભગો ભાનમાં આવ્યો કે પોતે નિરાશ થઈને નેળીયાને કાંઠે બેસહાય બેઠો છે. એકવાર તો ઘરે પાછો જવા ઉભો થયો. થોડુંક ચાલીને પાછો આવ્યો કે ચાલ, થોડો આગળ જાઉં કદાચ ત્યાં પાણી ઓછું હોય.
આ ભગા માટે એવી હાલત થઇ કે નેળિયું પૂરું થાય એટલે તરત તળાવની પાળ; અને પાળે પાળે આવે એટલે સીધો અમારો મહેલ્લો. પાછો ફરે તો એનું ગામ દૂર પડે. અશ્કાને મળવાની લાહ્ય ! મનમાં ગણતરી કરીકે આ નેળિયું નેશનલ હાઇવે પાસે મળે; જે દૂર પડે. અને બીજી બાજુ એ ક્યાંથી નેળિયું પાર કરી શકે એની કોઈ ગણતરી ના કરી શક્યો.
ચાલો જે થવું હોય તે થાય, તરીને સામે કાંઠે જતું રહેવું. એમ મનમાં નવો પ્લાન ઘડીને લીધો. આજુબાજુમાં જોયું કે કોઈ દેખાય ખરું. શર્ટ કાઢીને એક મોટા પથ્થર સાથે બાંધીને સામે કાંઠે ફેંક્યો. સેહવાગે પહેલી ટ્રિપલ સેન્ચ્યૂરી મારેલી ત્યારે જે એક્શન કરેલી તે બેઠી એક્શન ભગાએ કરી, મનમાં બોલ્યો કે “ બસ આમજ હું પણ સામે કાંઠે જતો રહુ ”
શર્ટને મોકલીને પોતે જે ખુશ થયો એટલો જ દુઃખી બે મિનિટમાં થઇ ગયો. પેન્ટ પહેરીને અંદર પડે તો  કેવી હાલત થાય ? પાછો પોતે આજે જીન્સ ઠઠાડીને આવેલો. એમ જલ્દીથી સુકાય પણ નહિ. ફરી પાછી સેહવાગ જેમ બીજી ટ્રિપલ સેન્ચ્યુરીની એક્શન માટે પેન્ટ પણ સામે કાંઠે ફેંકી દીધું. હવે તો તે ખાલી નીકર પહેરીને સામે કાંઠે ફરતો હતો. અને સામે કાંઠે જવા માટે પ્લાન બનાવતો હતો.
હજી એટલાથી એની ચિંતાઓ હળવી નહોતી થઇ; કે એક કૂતરું આવતું દેખાયું. હડ હડ કરીને ભગો બૂમો પાડે છે. આજ સુધી, કુતરા કોઈના કપડાં લઈને ના ભાગે, છતાં પણ ભગો કેમ બૂમો પાડતો હશે ? બનેલું એવું કે એના ગામના પેડા ખુબ વખણાય; તે પેડાનું પેકેટ પેન્ટમાં પડેલું. અને એનાં જ પેડા કૂતરું એની સામે નહિ ખાય એમ માનીને તે એને હાંકતો હતો. કૂતરું પણ બહેરું હોય એમ એને સાંભળ્યા વગર નેળીયા બાજું જ આવતું હતું. એક પત્થર ઉપાડીને ફેંક્યો તો પણ એની જ મસ્તીમાં એ કપડાં બાજું જ આવવા લાગ્યું. આથી ભગાનો જીવ ઊંચો થઇ ગયો. જો કૂતરું પેડાની સાથે પેન્ટ લઈને ભાગ્યું તો પોતાની કેવી વલે થાય ? અશ્કાને મળવા કેમ કરીને જવું ? ઘણાં બધા સવાલો મનમાં થાય, ત્યાં તો કૂતરું એકદમ કપડાં નજીક આવતું જોયું કે ભગાએ નેળીયામાં ભુસ્કો માર્યો. અને બહાર નીકળીને ભાગ્યો તો કૂતરું ના દેખાય. ભગો તો બેય માથે હાથ પકડીને નીચે ઢળી પડ્યો. અરે રે એટલી વારમાં તો કૂતરું મારા કપડાં લઈને ભાગી ગયું ? એમ નિશાશા નાખતો ભગો, ભોંય પર આળોટવા મંડ્યો. આળોટતા જ એની નજર કપડાં પર પડી કે સડક દઈને ઉભો થઇ ગયો. અને પેલી બાજુ કૂતરું નેળીયામાંથી નીકળ્યું. મોઢમાંથી પાણી ટપકે, એ જોઈને ભગાએ એક મોટો બધો પથ્થર ઉપાડ્યો. અને કુતરા બાજુ ફેંકવા જતો હતો કે દૂરથી કોઈ આવતું દેખાયું. એટલો નસીબ વાળો કે પથ્થર એના ખુદના પગ પર ના પડ્યો.
એનો નીકર તો પલળી ગયો હતો એનું શું કરવું ? તેમ છતાં એને એના પર જ જીન્સ પેન્ટ પહેરીલીધું. અને ચાલવા લાગ્યો અમારા ગામ ભણી.
જેવો તે ગામમાં પેઠો કે કોઈ છોકરાને પૂછ્યું “ અશોક ક્યાં રહે છે ? ” એને એટલે પૂછવું પડ્યું કે એ ગામના સામે છેડે પહોંચી ગયેલો.
“કોણ અશોક ? તમે કોણ ? ” પેલાએ ભગા સામે ઉપરથી નીચે બે વાર જોયું. આથી ભગો નીકરની જગ્યા એ બેય હાથ રાખીને ઉભો રહી ગયો. હજી પણ એ ભાગ સુપરમેન જેવો દેખાતો હતો.
“ હું ભગો….મારે તો અશોકના ઘરે જવું છે. આ ગામનો જ છે ”
“ કેવો દેખાય છે ? ” પેલાએ ફરી પૂછ્યું.
સવાલની સામે સવાલ જ થયે રાખે અને તો પણ બેયને સંતોષ હોય તે અમારું ગામ !
“ છોકરા જેવો, પણ આજ ગામનો છે ”
“ સારું, પણ હું આ ગામનો નથી ” કહીને તે ચાલતો થયો.
“ તારી તો…. ” દાંત કચકચાવીને તેણે પથ્થરને ઠોકર મારી. પથ્થર તો જમીન સાથે લાગેલો હતો; ધડામ દઈને પડ્યો.
માથું ખજવાળતો અને પેન્ટ સાફ કરતો તે પાછો આગળ વધ્યો. હજી તે કૂતરાને ભૂલી નહોતો ગયો ને ત્યાં જ સામે એક મોટો કૂતરો આવતો દેખાયો. મોઢામાંથી લાળ ટપકાવતો સિંહ જેમ આવતો હતો. એને જોઈને ભગો તો ભીંત સાથે લાગી ગયો. એને જોઈને કૂતરાએ ભસવાનું ચાલુ કર્યું કે એ શેરી વાળા બધા ભેગા થઇ ગયા. ભગાના નસીબ થોડા ઉઘડ્યા કે એમાંથી એક છોકરો એને ઓળખી ગયો.
“ આને ક્યાંક જોયેલો છે ” એમ બોલીને તે ભીડ ને વીંધતો ભગા પાસે આવ્યો. અને એની સામે આમ તેમ જોઈ રહયો.
“ આ ગામના બધા મહેમાનને આમ જ તાકી રહે ? ”
“ આ કોઈ નાનું ગામડું નથી બે ….પણ તને ક્યાંક જોયો છે મેં, એટલે ધારી ધારીને જોઉં છું ”
“ હશે, હું તો આ ગામમાં બીજી વાર આવ્યો. પહેલી વાર એક જાનમાં આવેલો. અને એમાં અશોક મારો મિત્ર બની ગયેલો. એને મળવા જ આવ્યો છું ” કહીને ભગાએ જાનની વાતો કરી.
બનેલું એવું કે એજ પ્રસંગે એ છોકરો પણ હતો. એ છોકરો ને અશ્કો બેય તાલુકા શાળામાં એક વાર એક જ કલાસમાં હતા. બધા ગામની ખબર નહિ પણ અમારી સ્કૂલોમાં અમારા દર વર્ષે ક્લાસ બદલી જાય. એ ધોરણે બંને એકજ ક્લાસમાં હતા.
“ અરે ડોબા, અશ્કો કે ને….અશોક અશોક કર તો કોણ જવાબ આપે ? ” એમ બોલીને પેલો ભગાને, અશ્કાનાં ઘરે લઇ ગયો.
અશ્કાએ પહેલા તો એને ના ઓળખ્યો પણ પછી ઓળખી લીધો બંને ભેટી પડયા. ધીરેથી ભગાએ પેડાનું પેકેટ કાઢીને અશ્કાને આપ્યું. અશ્કાએ પેડાનું પેકેટ ખોલ્યું તો પેડા પલળીને રબડી બની ગઈ હતી.

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in હાસ્યલેખ/ જોક્સ. Bookmark the permalink.

1 Response to ભગો ભૂલો પડ્યો

  1. પિંગબેક: ભગો ભૂલો પડ્યો – RKD-रंग कसुंबल डायरो

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s