એક રૂપિયો ( ટૂંકી વાર્તા)
લાલ પીળા ગલગોટાના ફૂલોથી ખીચો ખીચ ભરેલી લારી લઈને એક આઘેડ વયનો ભાઈ રોડના એક ખૂણે આવીને ઉભો રહ્યો. થોડીવારમાં છુટા છવાયા ગ્રાહકો આવવા લાગ્યા. ગલગોટાના મોટા મોટા ફૂલો જોઈને કોઈ પણનું મન લલચાય તેવા તાજા ઉતારેલા ગલગોટા મહેકી રહ્યાં છે. ગ્રાહકોને સંતોષ આપતો એ આઘેડ વયનો વેપારી વચ્ચે વચ્ચે સમય મળ્યે ચા પણ પી લે છે. ચાની ચુસ્કી લેતો એક ભાઈ આવ્યા ને આખી લારીમાં આમતેમ જોવા લાગ્યા. ચાની ચુસ્કી લેતાં લેતાંજ વેપારીએ કહ્યું.
“ એકદમ તાજાં જ તોડેલા છે ભાઈ….ચા પીશો ? તો મંગાવું ”
“ ના ના થેન્ક યુ……મારે એક ફૂલ લેવું હતું ” પેલા ભાઈએ ચારે બાજુ નજર ઘુમાવીને કહ્યું
“ એક ફૂલથી શું થશે ? સાહેબ ગલગોટા તાજાં જ છે ”
“ મને તમે કરમાયેલું કે ગમે તેવું ફૂલ આપશો તો પણ ચાલશે, પણ મારે તો એકજ ફૂલ જોઈએ છે. હું મફત નહિ લઉં; એક રૂપિયો આપીશ. ”
“ લઈલો તમને જે જોઈએ તે ” કહીને વેપારીએ આખી લારી સામે હાથ બતાવીને સંજ્ઞા કરી.
પેલા ભાઈએ પણ એક ફૂલ લઈને બદલામાં એક રૂપિયો આપ્યો.
“ એક ફૂલ માટે તો કાંઈ થોડા પૈસા લેવાય, ભાઈ…..” કહીને પેલાએ રૂપિયાનો સિક્કો પાછો આપ્યો.
“ રાખો ભાઈ…તમે વેપારી છો. તાજા ફૂલો જોઈને થયું કે એક ફૂલ સૂકવીને આંગણામાં રોપીશ ”
“ હવે તો હું એ રૂપિયો રાખું તો મારો રામ મારા પર રૂઠે. આજ સુધી ઘણા ગ્રાહકો આવ્યા પણ તમારા જેમ એક ફૂલના અનેક ફૂલ કરવા વાળા તો કદાચ તમે એક જ ! એ રૂપિયાની ચોકલેટ લઈને ઘરે તમારા બચ્ચાને આપી દેજો. એના જેવો નફાનો સંતોષ કંઈક અલગ જ હશે !
પેલા ભાઈએ ફૂલને થેલીમાં મૂક્યું અને લારીવાળા વેપારીને મનોમન વંદન કરીને ઘરે જવા નીકળી ગયા.
વેપારી અને ગ્રાહક્ના મનોભાવની ફોરમ ફેલાવતી સુંદર ,ટચુકડી વાર્તા.એક રુપિયો વસૂલ ..
ખુબ આભાર આપનો !
પિંગબેક: એક રૂપિયો – RKD-रंग कसुंबल डायरो
Thank you Atul bhai !