ભણકારા

ભણકારા

આ લેખમાં એક નવું પાત્ર ઉમેરાયું છે અને એ છે ચિનુ ! એનું સાચું કે હુલામણું જે ગણો તે નામ; ચિનુ જ છે. જોકે એ વાત જુદી હતી કે અમારી ટીખળ ટોળીએ એનું નામ ચીનીયો પાડી દીધું. આથી ચીનીયો બહુ ગીન્નાયો. “ અલ્યાઓ, ચિનુ સુધી તો ઠીક હતું આ ચીનીયો થૉડુ વધારે નથી લાગતું ? ”
“ ના, આ મહેલ્લામાં રહેવા આવો એટલે કંઈ પણ વસ્તુ વધારે નહિ માનવાની. અને ખાસ કરીને તોફાન. ( જેટલા થાય એટલા કરી લેવાના ) ” એમ ટીનાએ ચિનુ ને કહી આપ્યું.
તોફાન ગમે એટલા કરવાની છૂટ મળી એટલે એ તો ગજબનો ફોર્મમાં આવી ગયો.
અને તળાવની પાળે એટલા અલગોટીયા ખાધાં કે અમે બધાં વિચારમાં પડી ગયા. એમાંય વજાથી તો બોલ્યા વગર પણ ના રહેવાયું.
“ અલ્યા, આ તળાવમાં ના જાય ”
“ તે છો જતો… નરીયો છે ને એને ઉગારવા વાળો ” અશ્કાએ કહ્યું.
હાહાહા…… અમે બધાં ખુબ હસ્યા ત્યારે ચીનીયો બંધ થયો. ચિનુની વાત કરું તો, એના કાકાની અમારા ગામમાં હંગામી ધોરણે બદલી થયેલી આથી રહેવા આવેલો. એના કાકાની બદલી થઇ છે દોસ્તો, તો એવો સવાલ જરૂર થાય કે ચિનુ એના કાકા જોડે રહેતો હશે. પણ નહિ, આજે એ સવાલ યથાસ્થાને નહિ ગણાય; કેમ કે ચીનીયો એના પપ્પાને કાકા કહીને બોલાવતો હતો. હવે એમ ના વિચારતા કે પપ્પાને કાકા કેમ કહેતો હશે ? એના કાકાની હંગામી ધોરણે બદલી થયેલી છતાં અમારા ગામમાં રહેવા આવી ગયેલા, કારણ કે કેટલી મુદત માટે હંગામી બદલી છે તે નક્કી નહોતું.
અમે લોકો તળાવની પાળે ગામેગામના અને મહેલ્લે મહેલ્લાના ગપગોળાની વાતો કરીએ. ગુજરાત વિધાન સભાની ચૂંટણી પુરી થઇ ગઈ પછી અમે ખાસ કોઈ રાજકારણની વાતો ના કરીએ. પણ ચીનીયો આવ્યો છે ત્યારથી કંઈ ને કંઈ વાત થઇ જાય છે. અંગત રીતે કહું તો, મને રાજકારણમાં બહુ રસ નહિ.
એવું હું ક્યારેક બોલું એટલો અમારો ધમો કહે “ તારે ને રાજકારણ ને શું લેવાદેવા ? ”
“ તો કોને લેવા દેવા ? ”
“ એ તો જે લોકો રાજકારણમાં હોય એમના માટે ” દીલાએ ધમાને સપોર્ટ કર્યો.
“ ત્યાંજ આપણે માર ખાઈએ છીએ ” મેં પણ તોલી આપ્યું
“ ભાઈઓ, એને રહેવા દો ને, મારી વાત સાંભળો ”
“ ઓહોહો………બોલ ચીનીયા બોલ ” હકાએ એને ઉશ્કેર્યો.
“ બહુ એને વતાવ નહિ હો, એના મામા એમ.એલ.એ. છે ” દલાએ શાંતિથી કહ્યું.
“ એના મામા એમ.એલ.એ. હોય કે એમ એ એલ એલ બી હોય, આંયાં કોને ”
“ પાછા બધાં અવળી ગાડીએ ચડી બેઠા ” જીલો ગીન્નાયો.
આજકાલ ન્યુઝ પેપર વાંચીએ અને ટીવીના ન્યુઝ જોઈએ ત્યારે ખબર પડી જાય કે ચૂંટણી અગાઉની તૈયારીઓ ચાલી રહી છે. “ આટલું સસ્તું કરી દેશું ”, “ આટલું માફ કરી દેશું ”, “ આટલો વિકાસ કરી દેશું ” , “ આટલું એકદમ ફ્રીમાં આપીશું ” ,“ આટલી નવી ટ્રેનો/ બસો ચાલુ કરીશું ”, “ આને મહત્તા આપીશું ”  આવી આવી અનેક વસ્તુ ઓ નાં જાણે ટોપલે ટોપલા ભર્યા હોય તેમ, લોકોને વહેંચવા માટેના બાંગ પોકારાય.
અમે એ ટોપિક ખોલીને વાત કરતાં હતાં કે જીગલો કહે “ તો તો ચૂંટણી પછી ઘણો ફાયદો થશે લોકોને ”
“ ખાક ફાયદો થશે ” જલાએ હૈયા વરાળને બહાર કાઢી.
“ તો તુંજ કહે, જે લોકો ઇલેક્શનમાં ઉભા રહે એમને કેવું ભાષણ આપવું પડે ? ” મેં ધીમેથી મરચું મેલી આપ્યું.
“ જોકે એય છે, ઇલેક્શનમાં ઉભા રહે એને ભાષણ તો આપવું જ પડે. અને ભાષણમાં કઈ રામાયણ મહાભારતના પાઠ તો કહેવાય નહિ ” ધમો બોલ્યો
“ તો ખોટાં ખોટાં વચનોની વાતો પણ શું કામ કરતા હશે ? ” ટીનો આવેશમાં આવી ગયો
“ કેવા ખોટા વચન ? આ રેશનકાર્ડમાં રેશન સસ્તું મળે. એર ટિકિટ સસ્તી મળે એ બધું નહિ ગણવાનું ? અને આ મોબાઈલમાં કોલના દર કેટ સસ્તા થઇ ગયા ? ” ચીનીયો ઉકળી ઉઠ્યો.
“ શાંત મિત્રો શાંત ” ત્યાં વળી ઉભા થઈને ધીરાએ એક નેતાની નકલ કરી.
“ ધીરો આજ એકદમ શાંત છે ” હકાએ ધીરા તરફ બધાનું ધ્યાન દોર્યું
“ એ તો હમણાં હમણાં રોજ એવોજ હોય છે ” દિલાએ ઠીકરી મારી.
“ કેમ અલ્યા ધીરીયા શું થયું છે ? ” અશ્કાએ એને ઢંઢોળ્યો
“ મને તો રોજ ચૂંટણીના ભણકારા વાગે છે ”
“ ભણકારા ?? ” મેં પૂછ્યું.
“ હા, તે એમાં ભણકારા ઉપર એટલો બધો ભાર શું કામ આપે છે ? ” એ મને સામો ચોંટ્યો.
“ બહુ હોશિયારી માર્યા વગરનો કહે ને ” ટીનિયા એ એક ઢેખાળો પકડીને એની સામે બતાવ્યો
“ એવું નહિ ટીના … ” એના હાથમાંથી દિલાએ ઢેખાળો લઇ લીધો અને ધીરાને બોલવા કહ્યું.
ધીરાએ જે વાત કરી તેનાથી અમે ખુબ હસ્યાં. એનું કારણ હતું કે, ચૂંટણી વખતે ધીરો રોજે ચૂંટણી પ્રચાર કરતી ગાડીમાં ( આમાં ટ્રક, ટેમ્પો, રીક્ષા બધું આવી જાય હો ! ) બેસી જાય. ગાડી ગમે તે પક્ષની હોય, ગમે તે ગામ જતી હોય પણ ધીરો એમાં અચૂક ચડી જાય. અને એમાંય તો એને આપનો અમૂલ્ય અને પવિત્ર મત આને જ આપો. જબ તક સુરજ ચાંદ રહેગા તબતક ઉસકા નામ રહેગા એવું બોલીને રાગડા તાણવાની ખુબ મઝા આવતી.
“ પછી ભલે રોજ રાત્રે બક બક બકતો ” એ સાંભળીને જીલાએ ટીખળ કરી
“ કંઈ પણ ! ” ધીરો અકળાયો
“ કંઈ પણ, નહિ…પુછ બધાને ” દલાએ ટાપશી પુરી.
“ હા ધીરા, રાત્રે તું લવારા તો કરેજ છે, તારી મમ્મી ઘણી વાર કહેતી હોય છે. ”
“ એતો રોજ નહિ ચૂંટણી પ્રચાર ટાઈમે જ ”
“ હમમમ …. ” કરીને હકાએ એવો લહેકો કર્યો કે અમે બધા એક સાથે હસી પડયા. બધાં હસી રહ્યા કે ચીનીયો કહે “ જો જો હો મારા મામા આ વખતે પણ ઇલેશનમાં ઉભા રહેવાના છે ”
એની વાત પુરી થઇ કે બધા એક બીજા સામે ઈશારા કરીને જોર જોરથી હસવા લાગ્યા. હજી તો એ હસ્યાગમટ પૂરો પણ ના થયો કે સામેથી નરિયાના બાપા આવતાં દેખાયા કે નરીયો ગાયબ. અને અમે બધા અલગ અલગ દિશામાં વેર વિખેર થવા લાગી ગયા.
“ અલ્યા ભાગો નહિ…હું નરિયાને શોધવા નથી નીકળ્યો…રમો રમો ” એમ બોલીને એના બાપા તો બીજી દિશામાં ફંટાયા. એટલે વળી અમારી ટીખળ ટોળી ગમ્મતમાં લાગી ગઈ.
“ નરીયા તારા પપ્પા ” એમ કહીને દલો ભાગ્યો.
નરિયાએ એક ઢેફાંનો ઘા એની પાછળ કર્યો પણ એની ધૂળ તો એની ઉપર જ ઉડીને આવી કે, બધાં હસતાં હસતાં વિખેરાયા.

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in હાસ્યલેખ/ જોક્સ. Bookmark the permalink.

2 Responses to ભણકારા

  1. પિંગબેક: ભણકારા – RKD-रंग कसुंबल डायरो

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s