ચોઈસ

ચોઈસ

“ મેં તમને એકદમ ગુજરાતી ભાષામાં સમજાય તે રીતે જણાવી દીધેલું કે, મારે એ છોકરા સાથે સગાઇ નથી કરવી. છતાં પણ કેમ તમે એને આપણા ઘરે બોલાવ્યો ? ” રુક્ષ શબ્દોમાં નિયતિ પોતાની મમ્મીને બોલવા લાગી.
“ હા, તેં અમને કહેલું છે પણ તારે મેરેજ તો કરવા જ પડશે ને ? ”  નિયતિના ખભા પર હાથ રાખીને તેની મમ્મીએ કહ્યું. “ મેરેજ કરવા માટે તો હું તૈયાર થઇ ગઈ છું પણ….. ”
“ એજ ને કે તારે આર્મીમાં નોકરી કરતા છોકરા સાથે મેરેજ નથી કરવા ? ”
“ બિલકુલ…આઈ ડોન્ટ લાઈક ” નાકનું ટેરવું ચડાવતા નિયતિ બોલીને પોતાનાં રૂમમાં જતી રહી. અને જતાં જતાં બોલી ” એ આવે તો ભલે આવે, હું નીચે જ નહિ આવું; કહી દવ છું હાં ”
નિયતિની મમ્મી બિચારી અફસોસના ઉભરા દબાવતી ચુપચાપ બેસી રહી.
નિયતિને જોવા માટે એક છોકરો રવિવારે આવવાનો હતો. જે આર્મીમાં ડેટા ઓપરેટરની નોકરી કરતો હતો. શરૂઆતની ટ્રેનિંગ પૂરું કરીને તેને પંજાબમાં શિફ્ટ કર્યો હતો. અને છેલ્લા બે વર્ષથી તે પંજાબમાં જ આર્મીમાં સેટલ થયેલો છે. ઘર આખું એ છોકરાને નિયતિ માટે પસંદ કરી ચૂક્યું છે. ખડતલ બાંધો, મધ્યમ વાન, પૂરતી હાઈટ અને દેખાવે પણ સારો. એના માટે એવું કહી શકાય કે, દેખાવે તે એકદમ હેન્ડસમ નહિ પણ કદરૂપો તો જરૂર ના કહી શકાય. સારી નોકરી, સારી આવક, સરકારી મકાન, ખાનદાનનું ગઠબંધન. પણ તેમ છતાં નિયતિ એમની એક પણ વાતને માન્યતા આપતી નહોતી. બીજા કોઈ પણ ઓછી આવકનાં છોકરા સાથે તે માની જશે પણ એ છોકરા સાથે તો નહિ જ.
બધા મનાવતા ત્યારે તે પોતાની ખાસ જીગરજાન સખીનો દાખલો આપતી. એની સખીના પિતા પણ આર્મીમાં હતા. એક વાર એક આતંકવાદીએ કરેલ હુમલામાં તેઓ શાહિદ થઇ ગયેલા અને એની સખી અનાથ બની ગયેલી. તો ઘરવાળા એને એમ કહીને મનાવવાની ટ્રાય કરેલી કે, તે છોકરો તો ઓફિસમાં કોપ્યુટરનું કામ કરે છે. એને કોઈ પણ જાતનું વૉર થાય તો લડવાનું નથી. એને તો ખાલી ઓફિસ વર્ક છે. એવા એવા કારણો આપીને મનાવી જોઈ; પણ તે એક ની બે ના થઇ. પણ જયારે એના નાના ભાઈએ એને એક જ વાર કહ્યું કે તે માની ગઈ. એટલા માટે તે માની ગઈ કે, તે પોતાનાં નાના ભાઈને ખુબ પ્રેમ કરતી હતી.
રવિવારે છોકરો જોવા આવ્યો અને હોંશે હોંશે નિયતિએ એ છોકરા સાથે સગાઇ કરવા માટે અનુમતિ આપી દીધી. ઘરનાં બધાં ખુબ ખુબ મંગલગાન ગાવા લાગ્યા. થોડા દિવસોમાં તો નિયતિ અને અમનની સગાઇ થઇ ગઈ. સગાઇની રજાઓ પતાવી ને અમને નિયતિ પાસે વિદાય માંગી
“ પ્રિયે, આપણે હવે જલ્દીથી મેરેજ કરી લેશું કે પછી એક બે વર્ષ પછી ? ”
“ અમન, મારી ઈચ્છા જાણવાની વાત હોય તો ઘડિયા લગન ”
અમને તો નિયતિની વાતને વધાવી લીધી. બેઉનો મેરેજ કરવાનો ટાઈમ હતો, તો મેરેજ પણ રંગે ચંગે થઇ ગયા. બેઉના પરિવાર સાથે બેઉના સગા સ્નેહીઓ અને મિત્રોએ લગ્ન પ્રસંગને હાજરી આપીને દીપાવ્યો; સાથે આશીર્વાદ આપીને બેઉને હનીમૂન ઉજવવા મુક્ત કર્યા. ઘરનાં સૌ લોકો ખુબ જ ખુશહાલ છે. સરકારી નોકરી કરતો જમાઈ મળ્યો. પોતાની દીકરીને કોઈ વાતની ચિંતા નહિ હોય. સરકારી ક્વાર્ટર અને ઘરકામ કરવા વાળો નોકર. સૌથી વધુ તો સરકારી સુરક્ષા. કોઈ પણ રીતે ગણે તો પોતાની દીકરી નિયતિ એક સુખી ઘરમાં ગઈ છે એનો સંતોષ માનીને ભગવાનનો પાડ માન્યો.
મેરેજની રજાઓ પતાવીને અમન તો ફરી નોકરીની ફરજ બજાવવા પંજાબ જતો રહ્યો. બે એક મહિના બાદ તો એની ટ્રાન્સફર જમ્મુમાં થઇ ગઈ. આથી નિયતિને પણ તે જમ્મુમાં જ લઇ ગયો.
“ નિયતિ, અહીંયા બધા પ્રદેશના લોકો રહે છે. હું માનુ છું કે તને થોડી અગવડ પડશે પણ મને વિશ્વાસ છે કે તને જલ્દીથી ફાવી જશે. ”
“ હું ભલે પહેલી વાર ગુજરાત બહાર રહેવા નીકળી હોય પણ; ફરેલી તો છું જ. અને બોર્ડર ફિલ્મ તો મેં બે વાર જોયેલી છે. ”
“ વાહ મારી વ્હાલી વ્હાલી…. ” બોલીને અમન, નિયતિને ઊંચકીને રુમમા લઇ ગયો.
નિયતિ તો હવે કોલોનીમાં બધા સાથે હળીમળી ગઈ છે. કોલનીમાં બીજા અમુક ગુજરાતી ફેમીલી પણ છે. આથી નિયતિને એમનો પણ સહકાર અને કંપની મળી રહે છે. દિવસોતો ઝડપી ટ્રેનની જેમ વહ્યે જાય છે. નિયતિને લગ્નના બે વર્ષ બાદ એક પુત્રનો જન્મ થયો. હવે તો પુત્ર પણ ધીમે ધીમે મોટો થવા લાગ્યો. વારાફરતી ઋતુઓ બદલાતી જાય છે. ઋતુઓ બદલાય તેમ  તેમ વર્ષ પાછળ ધકેલાતું જાય છે ને નવા વર્ષના આગમન માટે ઉત્સુકતા બતાવે છે.
અમન અને નિયતિનો પુત્ર હવે તો સાત આઠ વર્ષનો થઇ ગયો છે. જમ્મુના આર્મી કોલોનીમાં પણ તેઓ ફરી વાર રહેવા આવ્યા છે. પંજબમાં ચાર વર્ષ રહીને, અમનની ટ્રાન્સફર ફરી જમ્મુમાં જ થઇ. જમ્મુનું મનમોહક વાતાવરણ, પહાડીઓની વચ્ચે કોલોની. બધાને જમ્મુની કોલોનીમાં રહેવાની વધુ મજા આવતી હતી. ખાસ તો અમન માટે વધુ સરળ હતું, કેમ કે કોલોનીથી એમની ફરજ ચોકી વધુ દૂર નહોતી.
અમન, થોડા દિવસથી વેકેશન મનાવવા ઘરે આવ્યો હતો. તેને વેકેશન મનાવવાની બહુ ઈચ્છા નહિ હતી. હમણાં હમણાંથી આંતકીઓનો ત્રાસ વધતો જતો હતો. એના દિલમાં કાયમ આંતકીઓ માટે ઝેર રેડાયેલું રહેતું. એમને યાદ કરીને દાંત કચકચાવતો પણ શું કરે ? એકવાર પણ એના નસીબમાં એ લોકો સાથે મુઠભેડમાં સામેલ નથી થવાયું.
પોતાના દીકરાનો બર્થ ડે ઉજવવાના કોડ એના મનમાં જાગેલા અને અધૂરામાં પૂરું, એની પત્ની  નિયતિએ પણ જોમ બતાવ્યું.
દરેક માંબાપને પોતાના દીકરાનો બર્થ ડે ઉજવવાનો ઉત્સાહ હોય છે !
બે દિવસ પછી દીકરાનો બર્થડે હોવાથી એમને અને નિયતિએ નક્કી કર્યું કે, પડોશીના બધાં છોકરાઓને બોલાવીને નાની એવી પાર્ટી જેવું રાખવું. એ પ્રસ્તાવ બંને એ સ્વીકાર્યા બાદ એવું પણ નક્કી કર્યું કે અમુક ખાસ મિત્રોને પણ ફેમિલી સાથે બોલાવવા. વતનથી દૂર બીજું તો શું થઇ શકે ?
આથી બંને કોલોનીમાં રહેલ ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાંથી અમુક સામન લેવા જવા માટે તૈયાર થયા.
“ બેટા…અમે લોકો સ્ટોરમાંથી સામાન લઈને આવીએ છીએ, તારે જોડે આવવું છે ? ”
“ તમે જઈ આવો, હું માર ફ્રેન્ડ જોડે રામુ છું. ” રમત રમી રહેલ દીકરા એ બેધ્યાન પણે જ કહી દીધું.
નિયતિ અને અમન તો એને એમ જ રમતો રહેવા દઈને શોપિંગ કરવા માટે સ્ટોરમાં જવા ઉપડ્યા.
“ મારી ઈચ્છા છે કે દીકુનો બર્થડે ઉજવીને હું પછી ડ્યુટી પર ચાલ્યો જઈશ. ”
“ કેમ હજી તો તારી રજાઓ પુરી નથી થઇ ! ”
“ હા..પણ મન, એવું કહી રહ્યું છે ”
“ રોકાઈ જા, પછી તો તમારા સિપાહી લોકોનો શું ભરોષો….બીજું વેકેશન ગાળવા ક્યારે નંબર લાગે ”
“ જોઈએ ચાલો… ”  અમન આગળ બોલવા જતો હતો પણ તેના મોઢા પર કોઈએ હાથ દઈને લમણે પિસ્તોલ ધરી દીધી. અમને આમતેમ જોવા કર્યું કે બીજો એક આવીને એના મોઢા પર કપડું ઢાંકી દીધું.
“ ચુપચાપ ઉભો રહેજે…થોડી પણ હોશિયારી બતાવી છે તો અંદર જેટલી છે એટલી ખોપડીમાં ઉતારી દઈશ. ”
“ અરે તમે લોકો કોણ છો અને મારા હસબન્ડ ને કેમ આવું કરો છો ? ” નિયતિએ બૂમ પાડી.
“ અમે લોકોએ આખો સ્ટોર કબજે કરી લીધો છે અને કોલોનીમાં જે બધા છે એમને જીવતા સળગાવી દેશું. ”
“ પણ તમે છો કોણ ? અને તમને ખબર છે મારો હસબન્ડ આર્મી ઓફિસર છે. ”
“ એટલે જ એને બંધક બનાવ્યો છે….અમે કોણ છીએ ?? અમારા વેશ પરથી તને કોઈ સંત લાગીએ છીએ ? ”
આથી નિયતિને લાગ્યું કે નક્કી આ લોકો આંતકવાદી છે; એ લોકો કોઈના પર પણ દયા ના લાવે. એને તો પોતાનાં નાના દીકરાની ચિંતા થવા લાગી. અમનને લાગ્યું કે હવે,ચુપચાપ ઉભા રહેવાથી કશું નહિ વળે. હતું એટલું જોર વાપરીને એણે કપડું હટાવીને મોટેથી રાડ પાડી.
“ નિયતિ તું ચિંતા ના કરતી, આજ મને મારી સાચી ફરજ બજાવવાનો મોકો મળ્યો છે. આજ જો હું પાછા ડગલાં ભરું તો મને ગીધ મોત મળે. માં હિન્દની કસમ ખાઈને કહું છું કે એક એક ને ધૂળ ચાટતાં કરીશ યા તો શહીદી વ્હોરી લઈશ. ”
“ અમન….તું એકલો આ લોકોને શું કરી શકવાનો ? એ લોકો પાસે તો મશીન ગન અને ડેન્જર લાગે તેવી બંદુકો છે ”
નિયતિ તો બીકની મારી તરફડી રહી !
અમને મનમાં માંબાપને યાદ કર્યા..માં ભગવતીનું સ્મરણ કર્યું. માં હિન્દને વંદન કર્યા અને બધી તાકાતને શરીરમાં આણી દીધી. એકજ જાટકે તેણે બંધનમાંથી મુક્તિ મેળવી. ટ્રેનિંગ દરમ્યાન શીખવાડેલા દાવપેચને આજે હતા એટલા જોમથી અજમાવ્યા. એક પાસેથી મશીનગન ઝૂંટવીને એને તો એક જ લાતે ત્યાંજ પૂરો કર્યો. આખા સ્ટોરમાં નજર કરી તો વીસથી પચ્ચીસ વ્યક્તિઓ કોલોનીના હતા અને સામે છ સાત આંતકીઓ. ખાલી હાથે આવેલ કોલોનીનાં લોકો તો મજબુર બનીને આંતકીઓના શરણે થઇ ગયેલા.
નસીબ જોગે આજે અમન સ્ટોર પર આવી ચડ્યો, જાણે એને ભગવાને મોકલ્યો હોય. આવીને એને તો ફિલ્મમાં બતાવે તેમ મારામારીથી ભરપૂર એક્શન ચાલુ કરી. સ્ટોરમાં હયાત સૌએ આજે એક રિયલ હીરો આંતકવાદી સામે લડતો જોયો.
અમને બધા સામે એવી મુઠભેડ જમાવી કે સ્ટોરમાં ઓછામાં ઓછું નુકશાન થાય, પોતે બચતો લડે અને વધુમાં વધુ દુશમનોને હણે. જોત જોતામાં એણે પાંચ ને તો ઠાર મારી નાખ્યા. હજી પણ એક બે જગ્યાએ થી ગન ફૂટવાના અવાજો આવતા હોઈ તે ચાંપતી નજરે લડે જાય છે. એ જોઈને નિયતિની છાતી ગજ ગજ ફૂલે છે.
ગન ફૂટવાનો અવાજ બંધ થયો કે અમન ગભરાયો, હવે જ તો દુશમનનોને નાથવા અઘરા ! તેમ છતાં પણ તે ધીરે ધીરે લપાતો લપાતો આગળ જાય છે. ને અચાનક એની ઉપર ગોળીઓનો મારો થયો. બે ઘડીમાંતો વાઘ જેમ લડતો અમન લોહીની પથરીમાં તરફડવા લાગ્યો. આથી એને લોહીમાં લથબથ છોડીને આંતકીઓ નાસી છૂટ્યા. નિયતિ અને બાકીના લોકો ત્યાં દોડી આવ્યા. અમને દૂરથી નિયતિને હાથ લાંબો કરીને મનમાં જ માં ભગવતીનું નામ લઈને પ્રાણ છોડ્યા.
તિરંગામાં લપેટાઈને જયારે અમનનું પાર્થિક શરીર ઘરે આવ્યું ત્યાં તો નિયતિ એને જોઈને ફક્રનો અહેસાસ કરતી ઉભી છે. એની લાશ જયારે એના ઘરના આંગણામાં આવી કે ઘરનાં બધાં રોકકળ કરવા લાગ્યા.
“ બે હાથ જોડીને સૌને વિનંતી કરું છું કે, કોઈ રડશો નહિ. અમન માર્યો નથી પણ અમર બની ગયો છે. પહેલા મને એની આર્મીમાં જવાની ચોઈસ પર શરમિંદગી થતી. પણ આજે મારી છાતી ગજ ગજ ફૂલે છે કે અમન આર્મીમાં જોબ કરતો. મેં એને આંતકીઓ સામે વીરતાથી લડતા જોયો છે. માં હિન્દ કાજે એને જીવને વ્હાલો નથી કર્યો પણ મોતને ગળે લગાવીને બહાદુરીથી એકલે હાથે લડ્યો છે.”
એ સાંભળીને હાજર સૌની આંખોમાં ખુશીના આંસુ છલકાયાં

જય હિન્દ !

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in પ્રકીર્ણ. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s