કાના

કાના

ઝરમર વરસાદ વરસતો હતો. ક્યાંક ક્યાંક પાણીના ખાબોચિયા ભરાયેલા દેખાય છે. જાડવા પણ પલળીને શરદી થઇ હોય તેમ પવન આવે ત્યારે પાણી ઉડાડે છે. સૂર્ય દેવતાની હાજરી હોવા છતાં એને વાદળોએ ઢાંકી દીધો છે. કલબલ કરતી ચકલીઓ પણ ઓથ લઈને ચૂપ થઇ ગઈ છે. 
તળાવની પાળે પણ માણસોની અવર જવર ઘટી ગઈ છે. લીલુ ઘાસ ઉગીને હવે તળાવની પાળની શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યું છે. સાંજ પડવાને હજી વાર હોય એવું લાગી રહ્યું છે.એ એટલે લાગી રહ્યું છે કે; પાળે આઠ દશ છોકારાનું જૂથ આજે કોઈ પણ જાતના રીડિયા રમણ કર્યા વગર વાતોમાં મશ્ગુલ છે.
“ આ જન્માષ્ટમીના મેળાની વાતમાં આ નવી કીવીઝ કીવીઝનું શું છે બધું ? ” વજો અકળાવા માંડ્યો.
“ વજા એમ તું ઢીલો ના પડ હું છું ને ” મેં એને શાંત પાડ્યો.
“ વાત તો આપણે ભગવાન કૃષ્ણની જ કરવાની છે ” બોલીને ધીરાએ પણ એને સાંત્વના આપી.
“ વજા આપણે મેળામાં તો જવાનું જ છે. આજે ખાલી આપણે બધા શ્રી કૃષ્ણ વિષે કશુંક બોલીશું ” ટીનાએ કહ્યું કે વજો ફોર્મમાં આવી ગયો.
“ હા તો મારે શું બોલવાનું છે ? ”
“ તારે કૃષ્ણ વિષે જે કહેવું હોય તે કહે ”
“ હા…ભગવાને મારા જેવા ભૂલકા સાથે ગાયો ચરાવી હતી. અને મોરલી વગાડીને અમને તો ઠીક બધા પ્રાણીઓને પણ ઘેલા કરી દીધેલા. ” વજે જાણે પોતે પણ ગોવાળિયો હોય તેમ કહ્યું.
“ વાહ એ હુઈ ને બાત ” મેં એના વખાણ કર્યા કે, હોંશ માં ને હોંશમાં તે દોડીને લીમડાની ડાળે હિંચકા ખાવા લાગ્યો. હકો એને લઇ આવ્યો.
“ મને એમની એક વાત પર થોડી ચીડ છે ” બોલીને દિલો રિસાયો હોય તેમ કરવા લાગ્યો.
“ બોલતો કેમ બંધ થઇ ગયો દિલીયા ? ” મનિયાએ એને ઉશ્કેર્યો
“ એજ કે નિર્દોષ ન્હાતી ગોપીઓના ચીરહરણ ! ”
“ આપણે બધા કોઈ મોટા વિદ્વાનો નથી, અમુક લોકોએ એ વાતનો રોષ પ્રગટ કરેલો છે. પણ મારું એ કહેવું છે કે કોર્ટમાં આરોપીને ક્યાં પુસ્તક પર હાથ રાખીને સોગંદ ખવરાવે છે ? ” વિનાએ કૃષ્ણનો પક્ષ લીધો. જો કે અમે બધા કૃષ્ણ પક્ષમાં જ હતાં.
“ ગીતાના જ તો ને વળી ” હકાએ જવાબ આપ્યો.
“ તો એ ગીતા જેવા ધાર્મિક પુસ્તકનાં લેખક તો એજ હતા ને ? ” જીલાએ ઉમેર્યું.
“ હા હો એ વાત સાચી, કોર્ટમાં રામાયણ કે ભાગવત જેવા એકેયે ધર્મ ગ્રન્થના સોગંદ નથી લેવડાવતાં. ” અશ્કાએ પણ ટાપશી પુરી.
“ અલ્યા ડફોરો, આમાં કીવીઝ જેવું શું છે ? ”
“ કીવીઝ નહિ કવીઝ વજા ”
“ હા એજ નરીયા; કંઈક આગળ બોલશો કે ! ”
“ એક કામ કરીએ, વારા ફરતી બધા શ્રી કૃષ્ણ વિષે બોલીયે ” અત્યાર સુધી શાંત બેઠેલ ધમાએ કહ્યું.
અને અમે બધાએ પ્રસ્તાવને વધાવી લીધો. મિત્રો અમારી ટીખળ ટોળીની આ એક આગવી વિશેષતા કે; કોઈ પણ પ્રસ્તાવ મૂકે, વધાવી લેવાનો બધાએ.
“ રીત્યા, સૌથી પહેલા તું કાંઈ કહે, મોટો લેખક છે તો ! ” ધીરાએ ગાડી મારી બાજુ વળાવી દીધી. એટલે મેં પણ માન માંગ્યા વગર કહ્યું.
“ શ્રી કૃષ્ણ ભગવાનની વાતો એટલી છે; અને એટલી જ ગહન છે….ઓ ઓ કોઈ મારી બાજુ એવી રીતે ના જુઓ. થોડું થોડું બધાએ બોલવાનું છે. હું એ કહેતો હતો કે શ્રી કૃષ્ણએ જરૂર પડી ત્યાં ચૂપ રહ્યાં છે, જરૂર પડી ત્યાં બોલ્યા છે. સલાહ આપી છે, ઉશ્કેર્યા પણ છે, શાંત પણ રાખ્યા છે અને જરૂર પડી ત્યારે શસ્ત્રો પણ ઉપાડ્યા છે. નથી એમને એ જોયું કે સામે વાળો મારો સગો છે કે દુશ્મન છે. ધર્મ અને ન્યાયની રક્ષા કાજે એણે પોતાનું જીવન અર્પણ કરી દીધું એમ કહું તો પણ ખોટું નથી કેમ ? ”
“ હા હો ” બધાએ ટેકો આપ્યો. મેં હકા બાજુ આંગળી ચીંધી. એમાં બે ત્રણ મિત્રોએ મારા પર પક્ષપાત કરાયાના આરોપ રૂપે નજર કરી.
“ હું તો શું કહી શકું, પણ એટલું તો કહું કે, એમની અને સુદામાની દોસ્તી મારી ને રીતુ જેવી સ્ટ્રોંગ ! ”
“ બાળપણમાં વાનરવેડા, યુવાનીમાં ખટપટવેડા અને જા’તી જિંદગીએ શાણપણ વેડા ! ” મનીયો એમ બોલ્યો એમાં દિલો અને ધમો થોડા ક્રોધાવેશમાં આવ્યા. પણ જીલાએ એમને ચૂપ રહેવા કહ્યું. જોકે મનિયા એ જે કહ્યું એમાં અમારામાં કોઈનેય બહુ ટપ્પા નહોતા પડયા.
” એમની અર્જુન અને દ્રૌપદી પરની વિશેષ લાગણી તો ખરી ! ”
“ અને હાં મનેય બીજી વાત યાદ આવી …દર જન્માષ્ટમીએ બધા ખાલી શ્રી કૃષ્ણનીજ પૂજા આરતી કરે છે ” વજાએ પોતાનો વારો ના હોવા છતાં કહ્યું. એક બે હસવા જતાં હતાં પણ મેં અને ટીનાએ એમને ચૂપ રહેવા કહ્યું.
“ એમણે એ શીખવ્યું કે જરૂર પડે ત્યાં અસત્યનો આશરો લઇ શકાય કે જેમાં ધર્મ અને ન્યાયને રક્ષણ મળતું હોય ”
“ કુરૂક્ષેત્રની લડાઈ વખતે એમને હથિયાર નહિ ઉપાડવાની પ્રતિજ્ઞા કરેલી તેમાં છતાં પણ એમને રથનું પૈડું લઈને ભીષ્મ સામે પોતાનો રોષ પ્રગટ કરેલો તે લાજવાબ કે નહિ ? ”
“ હા જ તો અને ભીષ્મએ જયારે એમ કહ્યું કે પ્રતિજ્ઞા તોડી ત્યારે એમનો સ્વબચાવ પણ જોરદાર હતો કે, રથનું પૈડ કોઈ હથિયારમાં ના આવે ”
“ એમની એ વાત કેમ કરીને વિસરાય કે, એકવાર જે સ્થળ છોડ્યું ત્યાં ફરી બીજી વાર ના ગયા. પછી ભલે એ બચપણનું ગોકુલ, મથુરા કે વૃંદાવન હોય ! ”
“ બીજું બધું તો ઠીક પણ જગતનાં પહેલા જાદુગર તો મેં એમને જ જોયા ! ” નરીયાએ કહ્યું કે બધા એકબીજા સામે જોવા લાગ્યા.
જાદુગર ! અને શ્રી કૃષ્ણ ?  
“ નરીયા, એને થોડું ડિટેલમાં કહી દે ને ” અશ્કાએ વચ્ચે ડાકલી વગાડી.
“ ના ના તને વળી બહુ ખબર હોય તો તુંજ કહી દે ને ? ” ધમાએ ધુમાડા કાઢ્યા કે બે જણાએ એને શાંત પાડ્યો.
“ હા જાદુગર, યાદ છે એમનું નામ કેમ રણછોડ પડ્યું તે ? જવા દો, કાલયવન નામનો રાક્ષશ એમની સાથે યુદ્ધ કરવા આવ્યો, એને મારવા માટે તેઓ ઘડીક દેખાય ને ઘડીક અલોપ ! તો એને જાદુગર નહિ તો બીજું શું કહેવાય ? જોકે વાત ઘણી લાંબી છે બે ત્રણ એપિસોડની ” નરીયાએ ડિટેલમાં કહ્યું. બધાં હસ્યાં.
“ એક આડ વાત કહું છું, મને એ લોકો ઉપર જબરો ગુસ્સો આવે છે જે જાણ્યા વગર કોઈ પણ પોસ્ટ ને વોટ્સ એપ કે ફેસબુક પર લગાડી દે છે ” દલો એકદમ આવેશમાં આવી ગયો. બધાએ એને પકડી રાખ્યો. થોડી વાર પછી એ શાંત તો પડી ગયો પણ ઉઠીને એ મોટાં મોટાં ઢેખાળા તળાવમાં નાખવા લાગ્યો.
“ અરે દલા, તારી હૈયા વરાળ પહેલા કાઢ, અને આમ તળાવમાં ઢેખાળા નાખવાથી તો તળાવ બુરાઈ જશે. પછી આપણે નહાશું ક્યાં ? નાહવાનું નામ આવ્યું એટલે એ એકદમ ચૂપ થઈને બેસી ગયો.
“ મારા ભાઈબંધ દલા…હવે એ કહે કે તું શું કામ આટલો બધો અકળાઈ ગયો ? ”
“ કોઈએ લખેલું કે, જેનો જેલમાં જન્મ, સગા મામાને માર્યો, ગોપીઓના કપડાં ચોરીને ઝાડ પર ચડી જાય. નાગદેવતાને માર્યો…તોયે લોકો એમની પૂજા કરે ! “
“ એની તો…..એ જેલમાં જનમવા નહોતા ગયા. મામો ? અરે એવા મામાને તો એક સેકન્ડેય જીવતો ના છોડાય જે સગા બેન બનેવીને જેલમાં પુરી રાખે. અને એ કાળીયો નાગ ? એ થોડો નાગદેવતા હતો. લોકોનું અને પ્રાણીઓનું ભક્ષણ કરતો, તોય એને જીવતો જવા દીધેલો… ” જીગાએ પણ બાકીનો ધુમાડો કાઢ્યો.
“ એવા મેસેજ કરે એમને જાહેરમાં ફાંસી દેવી જોઈએ ”
“ હમ અને એ માટે કોર્ટમાં તો ગીતાની જ સોગંદ ખવરાવે ”
બધા પોત પોતાની રીતે બોલતાં હતાં કે દૂરથી નરિયાના બાપાનો અવાજ આવ્યો  “ નરુ બેટા… ” ત્યાંતો નરીયો ચપ્પલ પણ ભૂલીને ભાગવા લાગ્યો. પાછળથી જીલાએ એના બેય ચપ્પલનો ઘા કર્યો.
પછી એ કહેવાની જરૂર છે કે અમે પણ બધાં ઘરે જતાં રહયા હઈશું ?

શ્રી કૃષ્ણ કનૈયા લાલકી જય !

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in પ્રકીર્ણ. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s