ઘમ્મર વલોણું – ૫૨
વર્ષ પૂરું થયું કે, હું સવારની દૈનિક ક્રિયાઓ પતાવીને રોજ માફક ભગવાનની છબી સામે ગોઠવાઈ ગયો. નિત મુજબ આંખો બંધ કરીને બે હાથ જોડી બોલ્યો
“ હે ભગવાન, વધુ એક વર્ષ મારે માટે સોનેરી કિરણ સમ ઉગી નીકળ્યું છે. આ વર્ષે પણ હું કોઈના કામમાં આવું કે ના આવું, પણ પણ કોઈ મારા લીધે મુશ્કેલીમાં ના મુકાય તેવું ગોઠવતો રહેજે ! કોઈને હું ખુશ કરું કે નહિ, પણ મારા લીધે કોઈ દુઃખી ના થાય તેવી મને શક્તિ આપજે !”
હજી તો હું આગળ બોલવા જતો હતો કે એ છબીમાં રહેલ ભગવાનના હોઠ ખુલ્યા
“ વત્સ, આવા તો કેટલાય વર્ષની સવાર આવીને ગઈ. દર વર્ષે નવી નવી શક્તિઓ માંગી લે છે. પણ તને એ શક્તિઓ પ્રદાન કરવી કે કેમ ? એ જાણતો હોવા છતાં પણ એ ક્રમ નથી તોડતો એટલે મને ગમે છે. પણ હે વત્સ, ધ્યાનથી સાંભળ; અગર હું તને અમુક નિરાળી શક્તિ પ્રદાન કરું તો ? ”
“ હે હરિ, જગના તારણહાર, અમારે મન તો તમે કોઈ પણ શક્તિ નું પ્રદાન કરો પણ અમને, અમારી ક્ષમતાનું પૂરેપૂરું ભાન છે…..હમ્મ….તમે સાંભળો છો કે ? ”
હજી તો હું પૂરું બોલું કે ભગવાન ફરી છબીવંત બની ગયા.
હું જયારે ભગવાન પાસેથી ઉઠ્યો ત્યારે એ પણ ભૂલી ગયો કે, પ્રાર્થના દરમ્યાન કશું બન્યું હતું. જોકે એક પળ જાય છે ને બીજી પળ આવી જાય છે. બે પળ વચ્ચે નો જે સેતુ અને તંતુ છે તે હું જાણી કે પામી નથી શક્યો. ને કદાચ કોઈ પણ નહિ, એમ કહીશ તો અતિશયોક્તિ નહિ લેખાય. એ તતવેત્તા તો કદાચ ભગવાન જ હોઈ શકે !
ઉઠીને બારી બહાર નજર કરી તો, બધું એવુજ ભાસ્યું. એજ હવા છે ને, એજ આબોહવા છે. સૂર્ય પણ એજ દિશાએ ઉગીને પોતાની દિશાએ આગળ ધપી રહ્યો છે.
એક મિનિટમાં અમુક લોકો જન્મે ને અમુક લોકો મરણ પામે છે….એક પળ એવી હશે કે એ અમુક માણસોમાં હું પણ હોઈશ. પણ હમણાં તાજા પડેલા લિસ્ટમાં મારું નામ નથી, એની ખુશીના કેફમાં મ્હાલી રહ્યો છું. એક એક પળ ને માણવી છે અને આવનારી પળને વધાવવી છે ! આવું ગઠબંધન દિલ સાથે કરીને મનને કહું છું; પણ મન તો મને બીજી વાતોમાં લીન બનાવી દે છે.
છતાં એ બધું એકબાજુ રાખીને એ નીર્ધાર પર અડગ છું કે જિંદગીના અટપટા રિવાજ ને પણ અનુસરવું ! એ રાહે જીવન જીવવાનો પ્રયાસ !
“ હે ભગવાન, વધુ એક વર્ષ મારે માટે સોનેરી કિરણ સમ ઉગી નીકળ્યું છે. આ વર્ષે પણ હું કોઈના કામમાં આવું કે ના આવું, પણ પણ કોઈ મારા લીધે મુશ્કેલીમાં ના મુકાય તેવું ગોઠવતો રહેજે ! કોઈને હું ખુશ કરું કે નહિ, પણ મારા લીધે કોઈ દુઃખી ના થાય તેવી મને શક્તિ આપજે !” સુંદર પ્રાર્થના.
“એક એક પળ ને માણવી છે અને આવનારી પળને વધાવવી છે !” આવું ગઠબંધન તો એક સાક્ષાતકારી જ કરી શકે
નમસ્તે, પ્રણામ ! ખુબ ખુબ આભાર !!!