ઘમ્મર વલોણું-૫૩
અરીસામાં જોયું તો એક પળ માટે નજર સ્થિર બની ગઈ. આજે પણ અરીસાએ સત્યતા રજુ કરી દીધી. મારો મુર્જાયેલો ચહેરો અરીસામાં કેદ થઇ ગયો.
અરીસામાં જોયું ના હોત તો કદાચ હું મારા મુર્જાયેલા ચહેરાની દરકાર ના કરેત ! મારા ચહેરાના ભાવ એક પળમાં કેમ બદલાઈ ગયા ? એનું કારણ જાણવા માટે ઊંડું વિચારીને મગજ દોડાવવા કરતાં, એને પાછો સ્મિત ભાવ ભર્યો કરી દેવો વધુ હિતાવહ લાગ્યો.
એ પણ વિચારવા જેવું છે કે, પરિસ્થિતી બદલાય તેમ ચહેરાના હાવભાવ પણ બદલાય. હજી તો હું આગળ કંઈપણ પ્રક્રિયા કરવા જાઉં છું કે, મન મંદિરમાંથી એક પ્રવાહ આવ્યો. ” ચિંતા પણ કરવી છે અને પ્રસન્ન પણ રહેવું છે. શું આ બંને એક સાથે શક્ય છે ? “
તરત મારી નજર અરીસામાંથી ખસીને બહાર આવી ગઈ !
વાત તો સાચી હતી કે, ચિંતા પણ કરવી અને પ્રસન્ન પણ રહેવું; બેય ક્રિયા સાથે શક્ય નથી. પ્રસન્ન રહેવાથી તબિયત પણ તંદુરસ્ત રહે એ દરેક તબીબીનું કહેવું છે. આમ છતાં પણ જાણતાં કે અજાણતા ચિંતા એ ઉપજી આવતું આવરણ છે ! હજી મારું મન એ ગડમથલમાંથી બહાર પણ નથી આવ્યું ત્યાં તો હું એકદમ સાવધ બની ગયો. ચહેરા પરના ભાવો પણ બદલાઈ ગયા.
” વત્સ, સ્થિતિ અને પરિસ્થિતિના નિર્માણ થતા જ રહે છે. એને પામીને મનુષ્ય જીવ ધન્ય પણ બને છે અને અફસોસ પણ કરે છે. કોઈ એને પચાવી જાણે છે તો કોઈ પચી જવા પામે છે. ફળ ખાવાની લાલછા તો દરેકને હોય. જયારે ફળ ખાવાની ઈચ્છા દર્શાવે ત્યારે તે ફળ સાથે લાગેલી છાલને ગણતરીમાં નથી લેતું. પણ એ કડવું સ્ટે છે કે ફળ ખાતી વખતે છાલને અવગણી નથી શકાતી. જો તું આટલું કહેલું ના સમજી શક્યો હોય તો પછી તારો ચહેરો પ્રસન્ન થઇ શકવાના અવકાશ નહિવત છે ” સાંભળીને મારુ મન એકદમ ભાવ વિહીન બની ગયું.