અંતિમ જાત્રા

અંતિમ જાત્રા

ડગમગ થાતો એક ઓળો આગળ ને આગળ જાય છે. એના પગમાં અનેરી ચપળતા દેખાય છે. માથે એક હાથ મુકીને આભમાં જોયું તો, સુરજ દાદો હજી મોળો નહોતો પડ્યો. એ જાજરમાન ભલે નહોતી પણ મનથી અડગ થઈને ડગલાં ભરતી જાતી હતી. ઠીક છે વા’લા તું તારે તપે જા, મને મારગ કાપવા દે એમ મનમાં બોલતી એ હાલી જાય છે. ખાડા, કાંકરા,કાંટા કે જરડા ને ગણકાર્યા વિના એ કુરુક્ષેત્રના મેદાનમાં આવી પુગી.
કૃશ શરીર, માથે કરચલી પડી છે, મોઢું ડગમગે છે. આંખે ઝાંખપ છે. આવીને તેને પહેલા તો બે ચપટી ધૂળ લઈને માથે ચડાવી. ચારે બાજુ જોયું તો સૈનિકોની લાશો પડેલી છે. કોઈના માથા, કોઈના હાથ, કોઈના પગ કપાયેલા છે. કોઈની છાતીમાં ભાલો છે તો કોઈના મોઢા ગદાથી ચપટાઇ ગયા છે.
” ઓ મા’દેવ આજ પેલી વારની મેં તો રકતની વૈતરણી જોઈ. આંયા કયાંક તો કરશન મા’રાજના પગલાં પડયા હશે. એમનો રથ નીકળો હશે. તો હે કરશન મા’રાજ, મને બે ચપટી ધૂળ માથે લગાવી લેવા દે. પછી મારો છોકરો મને મળશે એટલે તને યાદ કરવાનું ભૂલી પણ જાઉં. બેટા હવે બુઢાપામાં કંઈ યાદ નથી રેતુ ” બોલીને એમને બે ચપટી ધૂળ માથે ચડાવી. લાશોના ઢગલા વચ્ચે એ નિર્ભર બનીને હાલે જાય છે. ચારેબાજુ જોતી જાય છે અને એક એક સૈનિકોના મડદા સામે જોતી જાય છે.
” હે વીરો, હે બેટાઓ તમને મારા સત સત પરણામ છે. તમે સત માટે લૈડા કે અસત માટે; પણ જીવ તો તમે માં ભોમ માટેજ દીધો ને. તમને અને તમારી માંને જાજા જુહાર, આમ લડી લડીને માં ભોમનું તમે લૂણ ઉતાર્યું” બોલતી બોલતી એ માં, મનથી બધાંને આશીર્વાદ આપતી જાય છે. અને એ સૈનિકોની લાશોની ભીડમાં બધે નજર ફેરવતી ફેરવતી આમેતેમ જોવે રાખે છે. દૂર નજર કરી તો, સૈનિકો  બધાની લાશોને ઉપાડીને બીજે લઇ જાય છે.
” આમાં મારો કાનો ક્યાં હશે? ” એમ બબડતી એ ચારેબાજુ જોતી જાય છે અને
ગડથોલીયા પણ ખાતી જાય છે. દૂરથી લાશો ઉઠાવતા સૈનિકો એ જોયું તો એક માજી લાશોના જંગલમાં અટવાતા શું કરતા હશે? એમ અટકળો કરતાં જાય છે ને લાશોને સગેવગે કરતાં જાય છે.
ઉપર આભમાં જોઈને એક નીશાસો નાખ્યો.
” જીવાએ ખબર મોકલેલા કે આજ મારો દીકરો વીરગતિને પામ્યો છે; તો ક્યાં એ મારો સાવજ? કદાચ એવું ના હોયકે એને બીજી લાશો ભેગો બાળી દીધો હોય!”
માથે હાથ ટેકવીને એ બેસી ગઈ. થોડીવાર પછી એને કળ વળી કે ફરી પાછી ઉભી થઈને પોતાના વીરગતિ પામેલા છોકરાના મૃતદેહને પામવા મથવા લાગી.
અચાનક એની આંખોમાં વીજળી જેમ ચમક ઉપસી આવી. પગમાં જજુન અને શરીરમાં રોમાંચ ફરી વાળ્યો
” મારો ગગો, મારો કાનો ” દોડી ને એ પોતાના છોકરાના મૃતદેહ પાસે પોચી ગઈ.
” હા, આ મારોજ કાનો છે. મારોજ લાલ છે.બે ત્રણ લાશોને આમતેમ કરીને એ પોતાના બાલુડા સૈનિક પાસે બેસી ગઈ. એના શરીરે ચારેબાજુ જોયું અને ખમાંથી પીડાના બે ત્રણ આહ્કારા નીકળ્યા.સાડીના પાલવથી એના મોઢે પડેલા ઘા ને સાફ કરતી જા છે ને ફૂંક મારતી જાય છે ” તને પીડા થતી હશે કેમ? એટલે જ ફૂંક પણ મારું છું ને ! હું પણ કેવી અભાગણી છું
અને સ્વાર્થી પણ! ” બોલીને તેને ધીરેથી પોતાના પુત્રનું માથું પોતાના ખોળામાં
લઇ લીધું. માથામાં આંગળી ફેરવીને વાળમાં બાજેલા રુધિરના ગઠ્ઠાને ઉખેડે છે. એની આંખો તો પુત્રના શરીર પરથી હટતી નથી. પણ કોઈના માડી …. ઓ સાસુમા  ના અવાજે તે ઝબકી ગઈ.
” લે બેટા તારી વઉ પણ આ આવી. જો જો મારો દીકરો ને તારો ભરથાર”
” માડી તમે એકલા એકલા કેમ આંયા આઇવા? ”
” બેટા ધીરે ધીરે બોલ એને માંડ માંડ ઊંઘ આવી હશે. આખો દી’ લડી લડીને થાકી ગયો છે મારો લાલ ”
સૈનિકની વહુએ આવીને એક નજર પોતાના પતિ પર કરી.છાતીમાં તલવારના વાર, માથે તલવારના ઘસરકા અને છાતીમાં ભાલાનો ઊંડો ઘા પણ જોયો. આ બધું  જોઈને એને અનુમાન લગાવ્યુ કે લડાઈમાં પોતાનો પતિ કેટલો જજુમ્યો હશે!
જોઈને આંખોમાં ધસી આવેલા આંસુઓને પાછા મોકલી આપ્યા. અને મનમાં બોલીકે મેં તો એનું પડખું થોડા વર્ષોથીજ સેવ્યું છે અને એની માએ તો નાનપણથી એને મોટો કર્યો છે. તો એની લાશ ઉપર પહેલા આંસુની અંજલીનો અધિકાર એમને છે.
તો આ બાજુ માં, એક હાથ એના મોઢે ફેરવે છે ને બીજો હાથ એના માથે ફેરવે છે. અને મનમાં હાલરડાં ગાય છે. શરીર એમનું એકદમ સ્થિર છે અને આંખો કેન્દ્રિત!
” બેટા, મને ખબર છે તારી ઈચ્છા ના હોવા છતાં તારે હસ્તિનાપુર તરફથી યુદ્ધ કરવું પડ્યું. તે અને તારી બૈરીએ મારી સાથે ઘણી લેપ કરેલી પણ દીકરા તને તો ખબર છે
કે, ભીષ્મ અને દ્રોણ જેવા લોકો પણ હસ્તિનાપુર તરફી જ યુદ્ધ કરે છે. હા હું માનું
છું કે એમાં મારો જ વાંક છે પણ દીકરા આ ધરતીનું લુણ એમ આશાનીથી નો ઉતરે અને દીકરા તેં તો આજ મારી છાતી ગજ ગજ ફુલાવી દીધી. તારો બાપ હોત તો હું એનાય ઓવારણા લેત અને રાસડા લેવા લાગત.તને ખબર છે મારા લાલ; તારા
લીધે મારે માટે હવે સરગના દરવાજા ય ખુલ્લા થઇ જાશે….. ” આમ માજીનો ગણગણાટ ચાલુ છે. વહુ આ બધું જોયે જાય છે; એમને લાગ્યું કે હવે માજીને રોકવા જોઈએ
” માજી, તમારા રુદિયામાં હવે ભાર વધવા લાઈગો છે. એને ખાલી કરો, રોઈ નાખો અને ભાર હળવો કરો. હું માનું છું કે તમારા માટે સરગના દરવાજા ખુલ્લા હશે પણ જો તમોને કંઈક થઇ ગયું તો મારે માટે નરગના દરવાજાય નહિ ખુલ્લા હોય. ”  બોલીને તે માડીને હલબલાવે છે પણ માજી તો એકતાન થઈને પોતાના દીકરા પર મમતાનો વરસાદ વરસાવે છે.
અરે રે આ માડીનું શું કરું ? એના હૈયામાં દરિયાના પાણી છે એ ખાલી થાય તો હું તો પતિ ખોઈ બેઠી અને હવે માડી …. નથી તો હું રોઈ શકતી કે નથી તો ભગવાન એમને સદ્ બુદ્ધિ આપતા. ” બોલીને તે ચોપાસ જોવા લાગી. દૂરથી એને લાશોને
સગેવગે કરતા સૈનિકો દેખાયા. એમને મોટેથી બૂમ પાડી.
સત્તર સત્તર દિવસ સુધી ટક્કર જીલીને પોતાના પતિ આજે છેલ્લે વીરગતિ પામ્યો છે.
ચારે બાજુ લાશો તો જાણે એટલી ખડકાણી છે કે બારેય વનના લાકડા ઓછા પડશે!  આમ બબડતી એ લાચાર નારી પોતાને સહાય કરવા સૈનિકોને બૂમ પાડે છે. એ લોકો આવે અને પોતાના પતિની લાશને લઇ જાય તો આ માજીને હૈયે અટકેલી મમત ગંગા વહે અને હૈયું ખાલી થાય. જો એવું નહિ થાય તો કાં એ પાગલ થશે યા તો મરી જશે. એ બેમાંથી કંઈપણ થાય, પોતાને તો પીડા જ ભોગવવાની છે. આમ મનમાં બબડતી જાય છે ને પેલાને બૂમ પડતી જાય છે. ત્યાંતો આકાશમાં વીજળીનો કડાકો થાય અને અનરાધાર વરસાદ વરસી પડે તેવા અવાજે માજીએ કલપાંત કર્યું. અને પછી તો બેય સાસુ વહુએ ભેગા મળીને વીરગતિ પામેલ જવાના ને અશ્રુંજલી આપીને નવરાવ્યો.
એટલામાં બે સૈનિકો  દોડી આવ્યા
” વીરા, આ મારો પતિ છે ને આમનો દીકરો, એમને અંતિમ જાત્રા કરાવવાનો ભાર તમને આપું છું, લઈ જાવ”  કહીને એ નારીએ માજીનો હાથ પકડીને ધીરે ડગલે વળતો પંથ કાપવા માંડ્યો.

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in નવલિકા. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s