ડરો ના

ડરો ના

હું કેટલાય દિવસથી નહિ પણ મહિનાથી રાહુ જોઉં છું કે ક્યારે લોકડાઉન ખુલે! એવી પરિસ્થતી આવીને ઉભી છે કે વાત ના પૂછો. કોની ઉપર ગુસ્સે થવું કે કોને કહેવું. બીજું બધું તો ઠીક પણ અમને અમારી તળાવની પાળે થતી મિટિંગો બંધ રહી એની ચિંતા થાય છે. તમે બધા તો મને સમજી શકો છો એટલે મારા હાસ્ય આર્ટિકલ પણ નથી આવતા તેને માફ કરી દીધાં છે. માર્ચ મહિનામાં ભારતમાં કોરોના એ એન્ટ્રી કરી. કોરોના નાનો બાળ હતો ત્યારે અમારા મહેલ્લામાં ઘણાં ખરા લોકોએ એને નાનો બાળ માનીને અવગણી દીધેલો. નાનું છોકરું આવીને બલી રાજા જેવા તપસ્વીને એક જ લાતે પાતાળમાં મોકલી આપેલો એમ, બાળ કોરોના બધાને ભરખવા લાગ્યો ત્યારથી બધાં ઢીલા પડી ગયા. અમારો મહેલ્લો એટલે દશ પંદર ઘરનો માળો. એટલે અમે લોકો સામાજિક અંતર રાખીને સામાજિક વ્યવહારો તો સાચવતાં જ હતા. પણ અમારો એ સામાજિક વ્યવહાર સાચવવાનું પોલીસ વાળાને બહુ નહોતું ગમતું. જો કે એ વાત જુદી હતી કે, એ લોકો આવે એટલે અમે માસ્ક પહેરીને પોત પોતાના ઘરમાં જતા રહેતા.
બે કલાકના એ વિશ્રામ સમયમાં અમારી ટોળી આજે જનુનો ભેગા કરીને તળાવની પાળે પહોંચી ગઈ. બધા આવી ગયેલા પણ જીલીયો હજી દેખાતો નહોતો. જીલાની બદલે દૂરથી લાલો દેખાયો. અમે બધા વિચારવા લાગ્યા કે જીલાએ લાલાને ખો આપીને મોકલ્યો કે શું!
આવ્યો તો ભલે પણ માસ્ક નહોતું પહેર્યું. એટલે ટીનાએ આવતાં વેંત જ એનું સ્વાગત કર્યું.
“ લાલિયા માસ્ક ક્યાં? તારો ડોહો પોલીસ વાળો દેખશે તો ….તે ભલે ને દેખાતો; અત્યારે તો હું બે કલાકનો રિસેશ ટાઈમમાં આવ્યો છું ”
” કેવો ટાઈમ લાલા? ” હકાને કંઈ ટપ્પા ના પડ્યા એટલે એણે પૂછ્યું.
” હકલીના એને જવાબ દેવા દે પછી તું એને એક બાજુ લઇ જઈને જે પૂછવું હોય તે પુછજે ” ધમાએ ઘાંટો પાડીને હકાને એક બાજુ બેસાડી દીધો.
” એ જ કે સરકારે બે કલાક રજા આપી છે તો માસ્ક થોડું પહેરવાનું? ”
” બે કલાકમાં 32 પોલીસ વાળા કેટલી જગાએ ફરી વળે? પણ લાલજી કેમ આવ્યો છે તે કોઈ નથી પૂછતું. “
” લાલજી ને તો મેં પીપળા વાળી શેરીમાં જતો જોયો હતો ”
” હું તારી વાત કરું છું ” મેં એને એટલે મૂળ નામે બોલાવ્યો કે એ મારા ભાઈનો ખાસ દોસ્તાર હતો. પણ જોયું ને દોસ્તો અહીંયા તો કોઈને પોતાના મૂળ નામ યાદ નથી રહેતા. કારણ મહેલ્લાની હવા!
લાલો કેમ આવ્યો હતો? લાલાએ માસ્ક કેમ નહોતું પહેર્યું? લાલો પોતાનું નામ કેમ ભૂલી ગયેલો? આવીને બધાં સાથે મસ્ત મજાનો ભળી ગયેલો; આ બધાને ધ્યાનમાં લેવા કરતાં કોરોના પર વધુ ગુસ્સે હતાં, જો કે એમાં હું પણ ખરો જ!
આજે તો કોરોના નાનું બાળ મટીને ભર યુવાનીમાં છે” આવ્યો ત્યારથી એકદમ ચુપચાપ બેઠેલો વજો એકદમ ઉછળ્યો.
” રિતિયા, પહેલાનાં જમાનામાં રાક્ષશો કોઈનાથી મેરે જ નહિ, વરદાનો હોય પણ એમનું મોત તો હોય જ. આ કોરલિયાનું મોત નહિ હોય?”
” કોરલિયા રાક્ષશ? ” અશ્કાએ વજા ને કાંકરીચાળો કર્યો.
” તું ભાર દઈને બેસ ને, નહિ તો હમણાં અવળા હાથની એક અડબોથ મારીશ. મેં શું કીધું તે રિતીયો સમજી ગયો છે ” વજો તો અશ્કાને મારવા દોડેત જો ટીનો વચ્ચે ના બેઠો હોત તો
” કોરોનાની કોઈ દવા નથી એટલે જ આડો ને અવળો ગમે ત્યાં એટેક કરે છે ”
” એક નિર્દોષ અને નાજુક સવાલ કરું જો કોઈ મને ગાળ ના દે કે મારે નહિ તો! ” ધમાએ કહ્યું.
” તું ભસ ને; હું બેઠો છું જો કોઈ તને આંગળી પણ ટચાડે “(ભૂલમાં મારાથી આજે એક નવો શબ્દ બજારમાં મુકાઈ ગયો) દિલાએ પોતાનાં બેય હાથ અમારી બાજુ ફેન્સીંગ જેમ લાંબા કર્યા
” કોરોના ને હરાવવા કે ભગાડવા જે કયો તે; આરતી કરી, ટોકરી વગાડી તો એ એક જાતનો યજ્ઞ કહેવાય?” ધમો બોલીને એક બાજુ બેસી ગયો પણ અમે બધાં બાઘાની જેમ એક બીજા સામે જોવા લાગ્યા. કોઈ કંઈ કહેવા જાય ત્યાં લાલો બોલ્યો
” અલ્યા આ તો કોર્ષ બહારનો સવાલ નથી જાણે? ”
” લાલિયા તને ના આવડે તો ચૂપ બેસી રે, જેને આવડે એને તો કહેવા દે ” નરીયાએ એને ચૂપ કર્યો. લાલો તો ચૂપ થઇ જ ગયો પણ અમે બધાય ચૂપ જ હતાં. પ્રધાન મંત્રી જેવી હસ્તી, દેશ આખાનું ભલું કરવા આહવાન આપે તેને આમ તો યજ્ઞ જ કહેવાય. એ યજ્ઞ પરસ્પર સહકારથી સફળ સંપન્ન પણ રહ્યો. છતાં કોઈ પણ એનું પરિણામ ના મળ્યું એટલે એને યજ્ઞ કેમ કહેવો! એ દશાથી અમે સૌ ચૂપ થઇ ગયેલા. અમારી ટોળી એટલે ટીખળ ટોળી કોઈ વાતને દિલમાં રાખીને દુઃખી થયા છીએ કે આવી વાતે દુઃખી થઈએ?
ભૂકંપ, વાવાઝોડું, કેટલાય કર્ફ્યુ, હોનારત અને એકવારની ભયાનક આગ દુર્ઘટના બધું અમે સહન કરીને પાછળ છોડી દીધેલો તો આ કોરુના વળી કઈ બલા!
અમે લોકો તો બધું ભૂલીને પોલીસ વાનની સાયરન વાગે તે પહેલા બે કલાનો સમય; બે દિવસનો માણવા વાળા! તો પણ અમારી વાતોમાં ને રમતમાં કોરોના ઘુસી જતો હતો. કોઈએ એવી દલીલ કરી કે 1.5 મીટર ડિસ્ટન્સ રાખવાથી ખરેખર કોરોનાથી બચી શકાય? તો કોઈએ એવું ય પૂછ્યું કે વાઇરસ નામની પ્રજાતિ હઠીલી બહુ હોય. તો એક મિનિટ માટે કોઈ માસ્ક હટાવે તો કોવીડ-19 ના વાઇરસ 190 ની સ્પીડે બહાર ના આવે? આવી બધી દલીલોના અમારા જેવા બાળકો પાસે ક્યાંથી જવાબ હોય પણ અશ્કાએ જે વાત કરી તેનાથી અમે બધા ધ્રુજી ગયા.
” WHO વાળાએ પહેલા કિધુલું કે નાના બાળકોને કોરોના કાંઈ નહિ કરે. આ જીણકી આરાધ્યાને કોરોના થયો એનું શું?”
” હા યાર અને આપણા લોકોએ ચીનની આઈટમનો બહિષ્કાર કર્યો એટલે આપણા દેશમાંથી કોરોના હટતો નથી” જીગાએ પણ ટપકું કર્યું.
” તે કોરોના ચાઈનીઝ માલ નહિ?”
” મને તો એય ગુસ્સો છે, બધા વૉટ્સએપિયા જામેલા કે કોરોના બહુ નહિ ટકે, ચાઈનીઝ માલ છે ”
” તું વૉટ્સએપિયો નથી તો ટેલિગ્રામીયો છે?”
” અલ્યાવ તમે એ બધી પંચાત મેલો ને” દિલાએ ઘાંટો પાડ્યો.
” તો તું કોઈક નવી પંચાત ખોલ ને બકા” હકાએ ધીમેથી સ્પિન બોલ ફેંક્યો
અમારો પ.પૂ.ક.ધૂ. 10008 (પરમ પૂજ્ય કરતૂત ધુરન્ધર) હકેશ્વર બોલે એટલે દિલાને તો શું ટીનાને ય જવાબ દેવો પડે. પણ કોણ જાણે કેમ પણ દિલાને કોરોનાની બહુ બીક! એની બાજુમાં આવીને કોઈક ‘કોરોના’ એમ બોલે તો પણ તે હાથને સેનિટાઇઝ કરે બોલો. દિલાએ હકા સામે એકજ ધારું જોયા કર્યું. અમે બધાએ માની લીધું કે, દિલો શરીરના ખૂણે ખૂણેથી મનમાં ગુસ્સો ભેગો કરી રહ્યો છે. જેવો એક બોલ બને એવડો ગુસ્સો ભેગો થશે એટલે એ હકાને છુટ્ટો મારશે! હજી તો એ મનમાં ગુસ્સો ભેગો કરે ત્યાં તો દૂરથી પોલીસની સાયરન વાગી. કોઈ પણ જાતના ગુમાન વગર બધા 1.5 , 1.5 મીટરનું અંતર રાખીને એક બીજના ઘરે જવા લાગ્યા. મેં પાછળ ફરીને નજર કરી તો લાલો એમને એમ પાળે ઉભેલો. મેં એને ઈશારો કર્યો તો એ તો શર્ટ કાઢવા લાગ્યો. મને એવું લાગ્યું કે એ જેવી પોલીસ વેન આવશે એટલે સફેદ શર્ટ બતાવીને શાંતિ સંદેશ આપશે. હું તો હજી આગળ વિચારવા જતો હતો ત્યાંતો તળાવમાં ધડામ દઈને આવાજ આવ્યો.
” લાલોય ખરો છે, એ થોડો નરિયા જેમ પાણીમાં વધુ ટકી શકવાનો” હું તો મારા ઘરે પહોંચી ગયો. પણ બે દિવસ પછી જેમ્સ બોન્ડ જીગો ખબર લાવ્યો કે એને જોઈને એક પોલીસ વાળોય તળાવમાં નાહવા પડેલો. તો મારો પરમ ધરમ મિત્ર હકો મને કહે ” લાલો ખરો હો, પોલીસ વાળાને ય…. ?”
” અરે કશું નહિ પોલીસ વાળાને મધમાખી કરડેલી એટલે એ પાણીમાં પડેલો” મેં કહ્યું કે હકો બરાડ્યો
” એની માને જીગલો …”
” હકા … બધી ખબર જીગો જ લાવે ? ” ત્યાં તો હકો એકદમ ઠરીને ઠીકરા જેવો થઇ ગયો

About RSM

A freelance writer and film maker. Loves to travel across the world is dream of life ! Playing sport is another way of life :) સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in હાસ્યલેખ/ જોક્સ. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s